ઠંડીમાં પીઓ લીલી ચા, ફુદીનો, તુલસી, આદુંનું હર્બલ ડ્રિન્ક

શિયાળામાં શરીરમાંથી નકામાં દ્રવ્યોને ઉત્સર્જિત કરીને એને સાફસૂથરું રાખવા માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને પાચનતંત્ર તથા શ્વસનતંત્રને મજબૂત કરવા માટે ગરમ પાણી ને રોજિંદા જીવનમાં વપરાતી ચીજો વાપરીને ગરમ પીણાં પીવાનું ચૂકશો નહીં

tea

સેજલ પટેલ

શિયાળાની ગુલાબી ઠંડીવાળી સવારમાં હાથમાં આદું-ફુદીનાવાળી ચાનો કપ હોય તો કેટલો જલસો પડી જાય? માત્ર જીભ અને મનને જ નહીં, તનને પણ એનાથી ફાયદો થાય છે. ખાસ કરીને શિયાળામાં હેલ્ધી રહેવું હોય તો સવારે ઊઠીને કોઈ પણ ગરમ પીણું પીવું જોઈએ. ભલે પછી એ સાદું ગરમ પાણી જ કેમ ન હોય. જોકે ચામાં રહેલા ટેનિન અને કૅફીન દ્રવ્યને કારણે આ પીણું પીવાનું કેટલું હેલ્ધી છે એ વિશે બેમત છે. કેટલાક વિદેશી અભ્યાસોમાં ચાનાં ખૂબ ગુણગાન ગવાયાં છે. જોકે એ અભ્યાસોમાં જે ચા પીવાની નોંધ લેવાઈ છે એ મોટા ભાગે બ્લૅક ટી અથવા તો ખૂબ ઓછા દૂધવાળી ઇંગ્લિશ ટી હોય છે. ગુજરાતીઓ પાણીમાં ચા નાખીને ખૂબ ઉકાળે છે અને ભારોભાર દૂધ નાખીને ચા પીએ છે. એવી ચા ફાયદો કરે કે નુકસાન એ બાબતે સંશોધનોમાં કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો. ચા પીવી કે ન પીવી એ બાબતે કન્ફ્યુઝન હોય તો ગુલાબી ઠંડીની આ સીઝનમાં આ હર્બલ ડ્રિન્ક અચૂક પીવું જોઈએ.

શા માટે હર્બલ ડ્રિન્ક જરૂરી


શા માટે શિયાળામાં હર્બલ અને ગરમ પીણાં પીવા જરૂરી છે એ વિશે જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘શિયાળાનો મૅક્સિમમ લાભ લઈને સ્વાસ્થ્ય મજબૂત બનાવવા માટે શરીરને પહેલાં તો ચોમાસાની અસરમાંથી મુક્ત કરવું જરૂરી છે. ચોમાસામાં પાચનશક્તિ મંદ હોય છે. મંદ અગ્નિને કારણે શરીરમાં કફ અને આમનો ભરાવો થાય છે. શિયાળામાં સેહત બનાવવા માટે પહેલાં શરીરને શુદ્ધ કરવું જરૂરી છે. જો એમ જ તમે શરીરબળ વધારવા માટેના પાક અને ઘીવાળી ભારેખમ ચીજો ખાવા લાગો તો એ નુકસાન કરે છે. ગરમ પાણી અને થોડાંક હર્બ્સ નાખેલાં પીણાં નિયમિત લેવાથી પેટ અને શરીરની સફાઈ સારી રીતે થાય છે. આપણું શરીર ૨૪ કલાક નૉન-સ્ટોપ ચાલતી એક ફૅક્ટરી જેવું છે. આ ચાલતી ફૅક્ટરીને સાફ રાખવા માટે જેમ સફાઈ-કામદારોની ફોજ સતત કાર્યરત રહે છે એમ ડીટૉક્સિફિકેશનની પ્રક્રિયા પણ શરીર માટે આવશ્યક છે. કદાચ આ સફાઈ-કામદારો તમારી ફૅક્ટરીના મૂળ કામમાં સીધી રીતે કોઈ મદદ નથી કરતા, પણ જો બે દિવસ સફાઈ ન થાય તો એ ફૅક્ટરીમાં ઊભા પણ ન રહી શકાય એટલી ગંદકી થઈ જાય છે અને આડકતરી રીતે ફૅક્ટરીનું કામ ખોરંભાય છે. આવું જ છે બૉડીના ડીટૉક્સિફિકેશન પ્રક્રિયાનું. શિયાળામાં શરીરને અંદરથી સ્વચ્છ, સ્વસ્થ અને સેહતમંદ રાખવા માટે ગરમ પાણી અને કેટલાંક હર્બ્સનું મહત્વ નજરઅંદાજ ન થવું જોઈએ.’

ગુલાબી ઠંડીનું ગરમાગરમ પીણું

ઠંડીમાં સ્વસ્થ રહેવા માટેનાં પીણાંનાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે લીલી ચા, ફુદીનો, તુલસી અને થોડાક પ્રમાણમાં આદું. એક-એક ઇંચ લાંબું કાપેલું લેમનગ્રાસ મુઠ્ઠીભર લો. એમાં અડધી-અડધી મુઠ્ઠી ફુદીનો અને તુલસીનાં પાન ઉમેરો. એમાં બે ગ્લાસ પાણી રેડો અને ગરમ કરો. સવા ગ્લાસ જેટલું પાણી રહે એટલે એમાં અડધી ચમચી આદુંનું છીણ નાખો. પા ભાગનું પાણી બળી જાય એટલે ગૅસ બંધ કરીને ઢાંકી દો. થોડુંક ઠંડું પડે એટલે ગાળી લો.

એમાં ચપટીક નમક નાખીને પીઓ. નમક લેવાથી પીણાનો ટેસ્ટ વધશે અને એનાથી ગળામાં ભરાઈ રહેલો કફ પણ પીગળીને નીકળશે.

શિયાળામાં બહુ સહેલાઈથી કફ અને ખાંસી થતી હોય તો આ પીણામાં ચપટીક હળદર પણ ઉમેરી શકાય.

સ્વીટ ટેસ્ટવાળું ડ્રિન્ક પીવું હોય તો ખાંડને બદલે ખડી સાકર અથવા ગોળ નાખો.

મુખ્ય ચાર દ્રવ્યોના ફાયદા

લીલી ચા

લીંબુની સુગંધ અને લાંબા ઘાસ જેવાં પત્તાં હોવાથી લેમનગ્રાસ તરીકે ઓળખાતું આ હર્બ ખૂબ સારું ક્લેન્ઝર ગણાય છે. નરણે કોઠે લીલી ચાનો ઉકાળો લેવાથી લિવર, સ્વાદુપિંડ, કિડની, મૂત્રાશય અને આખા પાચનમાર્ગમાં રહેલાં ઝેરી દ્રવ્યો બહાર ફેંકાઈ જાય છે. લીલી ચાનો ઉકાળો મૂત્રલ હોવાથી લોહીમાંનો કચરો બહાર કાઢવામાં મદદરૂપ બને છે. શરીરમાં ભરાઈ રહેલું યુરિક ઍસિડ, કૉલેસ્ટરોલ કે વધારાની ફૅટને ઓગાળીને યુરિન વાટે બહાર કાઢવાની એમાં ક્ષમતા છે. એમાં પુષ્કળ માત્રામાં સિટ્રોનેલા કેમિકલ હોય છે જે સ્ટ્રેસ અને ઇન્સોãમ્નયા માટે અત્યંત અસરકારક ગણાય છે.

ટિપ્સ : આજની સ્ટ્રેસફુલ લાઇફમાં મન વ્યગ્ર હોય, ઊંઘ ન આવતી હોય, અત્યંત ગુસ્સો આવતો હોય ત્યારે લીલી ચાનું પાણી અથવા તો એના અસેન્શિયલ ઑઇલની અરોમા લેવાથી મગજ શાંત થાય છે.

ફુદીનો

એ કફ, ઉધરસ, મેદ, મંદાગ્નિ, અતિસાર, જૂનો તાવ અને કૃમિનો નાશ કરે છે. એ પાચનશક્તિ સુધારે છે. ઊલટી, અરુચિ, અર્જીણ અને પેટમાં ઉપર ચડતા ગૅસને શમાવીને બહાર કાઢે છે. પાચન વધારતી અને ગૅસ મટાડતી અનેક દવાઓમાં ફુદીનાનો અર્ક વપરાય છે. વધારે ખવાઈ ગયું હોય અથવા તો પાચન બરાબર ન થતું હોવાને કારણે ગૅસ થતો હોય ત્યારે ફુદીનાનાં પાન, એનો ઉકાળો કે અર્ક ખૂબ જ અકસીર કામ આપે છે. વાયુ ઉપર ચડવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે દમનાં લક્ષણો દેખાતાં હોય ત્યારે પણ ફુદીનો વાયુનું શમન કરે છે.

ટિપ્સ : ફુદીનામાં લીલાં મરચાં, સિંગદાણા, સિંધાલૂણ, જીરું, ખડી સાકર, ચપટીક હિંગ નાખીને ચટણી લસોટવી. એમાં લીંબુ ઉમેરીને ભોજન સાથે લેવાથી પાચન સુધરે છે, ગૅસ નથી થતો અને થયો હોય તો પાસ થઈને રિલીફ થાય છે.

તુલસી


સામાન્ય રીતે રાતના સમયે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે, પરંતુ તુલસીનો છોડ અન્ય વનસ્પતિઓની સરખામણીમાં ખૂબ જ ઓછો કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે એટલે એમાં ભલભલા રોગો દૂર કરવાની ક્ષમતા છે જેને કારણે વ્યક્તિ લાંબું અને સ્વસ્થ જીવન પ્રાપ્ત કરી શકે છે. એનાં પાન તીખાં, કડવાં, ગરમ, હ્રદયને પ્રિય, અગ્નિ પ્રદીપ્ત કરનારાં તેમ જ કફ અને વાયુને મટાડનારાં છે. તુલસી બે પ્રકારની હોય છે. એક કાળી અને બીજી શ્વેત. કાળી તુલસીને શ્યામ તુલસી કહેવાય છે અને સફેદને રામ તુલસી. શરદી, ખાંસી, સળેખમ, ઊલટી, પડખાનું શૂળ, જૂનો તાવ, મંદાગ્નિ અને અપચનમાં ખૂબ જ લાભકારી છે.

ટિપ્સ : નરણા કોઠે તુલસીનાં પાન કાચાં ચાવી લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. બૅક્ટેરિયા, ફંગસ કે વાઇરલ ઇન્ફેક્શના વાવર વખતે શરીર અડીખમ રહે છે.

આદું

ચીન અને ભારતીય પૌરાણિક ઔષધવિજ્ઞાનમાં ૪૭૦૦ વર્ષ પહેલાંથી આદુંનો ઔષધ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. શિયાળામાં સાંધાના દુખાવા ખૂબ જ થાય છે. એમાં આદું અકસીર છે. વાયુહર ગુણ અને જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાની ક્ષમતાને કારણે એ શિયાળાનું ઉત્તમ ઔષધ બની શકે એમ છે. ખોરાકનું પાચન થઈને એમાંથી પોષક તત્વો શોષાઈને લોહીમાં ભળે એ માટે પણ આદું સારું કામ કરે છે. ચોમાસામાં ગંદા પાણી તેમ જ ઇન્ફેક્શનને કારણે આદું લેવું હિતાવહ નથી અને ઉનાળામાં આદુંની ગરમ પ્રકૃતિને કારણે એ લઈ શકાય નહીં. કડકડતી ઠંડી પડતી હોય ત્યારે આદું, ગોળ અને ઘી ત્રણેયનું મિશ્રણ પણ તંદુરસ્તી બનાવનારું ગણાય છે.

ટિપ્સ : આદું જમતાં પહેલાં ચપટીક લીંબુ અને નમક સાથે ખાવું. કચુંબર તરીકે લીલી હળદર અને આંબાહળદરની સાથે પણ આદુંની ચીરી મિક્સ કરી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK