ચોમાસામાં વરસાદમાં પલળ્યા પછી સ્વીટ કૉર્ન ખાશો કે દેશી મકાઈ?

સ્વીટ કૉર્ન હાઇબ્રિડ કરેલું ધાન્ય છે, જેમાં શુગરનું પ્રમાણ વધુ છે. જે લોકો હેલ્થ બાબતે ઘણા જાગૃત છે તે સ્વીટ કૉર્ન ખાવાનું ટાળે છે. તેઓ દેશી મકાઈ શોધે છે અને એ જ ખાય છે. આજે જાણીએ મકાઈને કયા ફૉર્મમાં ખાવી વધુ હેલ્ધી છે અને શા માટે

corn1

જિગીષા જૈન

ચોમાસામાં વરસાદ આવે અને વરસતા વરસાદમાં શેકેલા ભુટ્ટા ખાવાની મજા લગભગ દરેક મુંબઈકરે માણી હશે. દરેક સ્ટેશનની બહાર કંઈ મળે ન મળે, પણ એક ભુટ્ટાવાળો વરસાદના સમયમાં હોય જ છે. મકાઈ ચોમાસામાં વધુ ખવાય છે એને કારણે લોકોને લાગે છે કે મકાઈ ચોમાસામાં જ આવતો પાક છે, પરંતુ એવું છે નહીં. મકાઈ આમ તો શિયાળામાં આવતો પાક છે, પરંતુ આ એ મકાઈની વાત થઈ રહી છે જે આજથી ૨૫ વર્ષ પહેલાં ધોમ વેચાતી અને ખૂબ ખવાતી. એ છે સફેદ મકાઈ. આજકાલ જે મબલક વેચાય છે એ અમેરિકન સ્વીટ કૉર્ન છે. પીળા રંગના અમેરિકન સ્વીટ કૉર્ન ખાવામાં ખૂબ મીઠા છે અને બારે માસ ઊગે છે, જેને લીધે એ અતિ લોકપ્રિય ધાન્ય બની ગયા છે. ગુજરાતમાં તો સ્વીટ કૉર્નની આખેઆખી રેસ્ટોરાં પણ છે જેમાં દરેક વાનગી ફક્ત સ્વીટ કૉર્નની જ બનતી હોય છે. આજે જાણીએ આ સ્વીટ કૉર્ન કેટલા હેલ્ધી છે? કૉર્નના નામે ચોમાસામાં જો ખાવું હોય તો શું ખાવું?

હેલ્ધી કે અનહેલ્ધી?

અમેરિકન સ્વીટ કૉર્ન હેલ્ધી ગણાય કે નહીં એ પ્રશ્નનો જવાબ આપતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘અમેરિકન સ્વીટ કૉર્ન જિનેટિકલી મૉડિફાઇડ પ્રોડક્ટ છે એટલે કે હાઇબ્રિડ પ્રકારનું ધાન્ય છે. જે હાઇબ્રિડ છે એ નૅચરલ નથી. અને એટલા માટે એ અમુક રીતે નુકસાનકારક સાબિત થવાનું જ છે. બીજું એ કે અમેરિકન કૉર્નનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ થોડો વધારે છે. સામાન્ય કૉર્ન કરતાં ૨૦-૩૦ ટકા શુગર-કન્ટેન્ટ વધુ રહે છે. એટલે ડાયાબિટીઝ અને વજન બાબતે સચેત રહેનારા લોકો આ કૉર્ન ખાતા નથી. જોકે ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ મીઠાઈઓથી જેટલી ડરતી હોય છે એટલા પણ વધુ હાનિકારક સ્વીટ કૉર્ન નથી, કારણ કે અંતે એ જમીનમાંથી ઊગતું ધાન્ય છે જેમાં ઘણું ફાઇબર છે. છતાં જે લોકો હેલ્થ બાબતે ખૂબ જાગૃત છે એ લોકો પોષણ માટે દેશી કૉર્ન જ ખાય છે, અમેરિકન કૉર્ન નહીં.’

દેશી વધુ સારી

આપણી દેશી મકાઈ જે સફેદ રંગની આવે છે એ ઘણી હેલ્ધી ગણાય છે. આ સિવાય પર્પલ મકાઈ પણ આવે છે. દેશના જુદા-જુદા ભાગમાં જુદા-જુદા રંગની મકાઈ ઊગે છે, પરંતુ એ દરેક જગ્યાએ મળતી નથી. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાં જે સફેદ મકાઈ મળતી હતી એની જે મીઠાશ હતી એ આજે ભાગ્યે જ જોવા મળતી સફેદ મકાઈની અંદર રહી જ નથી. એ મીઠાશ જ જાણે કે જતી રહી છે, કારણ કે દેશી મકાઈ હવે ભાગ્યે જ લોકો ઉગાડે છે. અમેરિકન કૉર્ન જ નહીં, આજકાલ લોકો બેબીકૉર્ન પણ ખૂબ ખાવા લાગ્યા છે. બેબીકૉર્નમાં શુગર વધુ નથી હોતી, પરંતુ પોષણ પણ એમાં હોતું નથી. મોટા ભાગે બેબીકૉર્નમાંથી જે આપણને સારી માત્રામાં મળે છે એ છે ફાઇબર.

એ ધાન્ય છે, શાકભાજી નહીં


મકાઈને આપણે ઘણી જુદી-જુદી રીતે બનાવીને ખાઈએ છીએ. શેકીને, બાફીને, તળીને, સાંતળીને મકાઈના દાણા ખવાય છે. મકાઈનું શાક બને છે, એનું સૂપ અને એના ભાતભાતના સ્નૅક્સ જેમ કે ભજિયાં, કૉર્ન બૉલ્સ, સૅન્ડવિચ, ચાટ વગેરે બને છે. એને સૂકવીને એને લોટ બનાવીને રોટલા બને છે. આમ મકાઈ ઘણી ભિન્ન-ભિન્ન વસ્તુઓમાં ભળી જતું ધાન્ય છે, પરંતુ એ ધાન્ય છે એવું આપણે ભૂલી જઈએ છીએ. એને શાકભાજીની જેમ ખાઈએ છીએ. આ બાબતે વાત કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘મકાઈ એક ધાન્ય છે. એની સાથે શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક ખાવો જોઈએ. એટલે કે રોટલી અને મકાઈનું શાક ખાવા કરતાં કૉર્ન સૅલડ કે કૉર્ન ભેળ ખાવી વધુ ફાયદાકારક છે. કોશિશ કરવી કે મકાઈ સાથે બીજું ધાન્ય ખાઈને શરીરમાં કાબ્ર્સનો અતિરેક ન થાય.’

corn

ચોમાસામાં આ ફળો ખાઈને વધારો ઇમ્યુનિટી

ચેરી :
લાલ રંગની ચળકતી ચેરી જોતાંવેંત ખાઈ લેવાનું મન થાય એવી સુંદર હોય છે. બાળકોને ખાસ ભાવતી ચેરી આમ તો ટિનમાં બારે માસ મળે છે, પરંતુ એ હેલ્ધી નથી હોતી. એની સીઝન એટલે ચોમાસાની જ સીઝન. સીઝનમાં આવતી ફ્રેશ ચેરી ખાવી. ચેરીમાં પોટૅશિયમ ઘણી સારી માત્રામાં જોવા મળે છે, જ્યારે સોડિયમની માત્રા ઘણી ઓછી હોય છે. આ ઉપરાંત એમાં ઍન્ટિ-ઑક્સિડન્ટની માત્રા ઘણી વધારે હોય છે, જેને કારણે વ્યક્તિની રોગ પ્રતિકારકશક્તિ ઘણી વધે છે. આ સિવાય ચેરી ખરાબ કૉલેસ્ટરોલને ઘટાડે છે અને હાર્ટ-ડિસીઝને રોકવામાં મદદ કરે છે. એનામાં ઍન્ટિ-કાર્સિનોજેનિક પ્રૉપર્ટી પણ છે. જે લોકોને સંધિવાની તકલીફ હોય તેમના માટે આ ફળ ચમત્કારિક અસર કરતું હોય છે. આ ઉપરાંત એ એજિંગ પ્રોસેસને ધીમી પાડે છે. આ સીઝનમાં એને દરરોજ ખાશો તો તમારી સ્કિન અને વાળ પણ ઘણા સુંદર થઈ જશે. આ ઉપરાંત એમાં રહેલું વિટામિન A આંખો માટે પણ ઘણું ઉપયોગી છે.

પ્લમ :
પ્લમ પણ એકદમ લાલચટક અને ખટુમડાં હોય છે. રસથી છલોછલ હોય છે. આ સીઝનમાં જો તમને કંઈક અત્યંત રસાળ ખાવાનું મન થયું હોય તો પ્લમથી સારો ઑપ્શન બીજો નહીં મળે. પ્લમ વિટામિન C અને વિટામિન Kનો સોર્સ છે. ચોમાસામાં ઇમ્યુનિટી વધારવા માટે એ ઉપયોગી છે. આયર્નના ઍબ્સૉપ્ર્શન માટે એ ઘણું ઉપયોગી સાબિત થાય છે, જેને લીધે એનીમિયામાં એ ઘણું મદદરૂપ થાય છે. આમ સ્ત્રીઓ અને બાળકોએ આ ફળ ચોક્કસ ખાવું. આ ઉપરાંત એની અંદર કૉપર પણ સારી માત્રામાં મળે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ પણ ઘણી વધુ માત્રામાં હોય છે. જે લોકોને કબજિયાતનો પ્રૉબ્લેમ રહેતો હોય તેમણે પ્લમ ખાવાં જોઈએ. ઘણા લોકો પ્લમના જૂસનો સ્કિન અને વાળની સુંદરતા માટે પણ ઉપયોગ કરે છે. વાળ અને સ્કિન પર ચમક લાવવા માટે એનો જૂસ ઉપયોગી છે.

પીચ : પીચનો સ્વાદ દરેક ફળથી સાવ જુદો હોય છે. મીઠો અને તૂરો એવો એનો સ્વાદ અમુક લોકોને અતિ ભાવે છે. એનો બહારનો વેલ્વેટ જેવો ભાગ આ ફળને બીજાં ફળોથી એકદમ અલગ કરે છે. ઘણા લોકો એની આ છાલ કાઢીને ખાય છે, પરંતુ એ છાલ પણ ઘણી પોષણયુક્ત છે એટલે એને ફેંકવી નહીં. પીચમાં મિનરલ ફ્લૉરાઇડ રહેલું છે, જે દાંતો માટે અત્યંત ઉપયોગી છે. દાંતને મજબૂત બનાવવામાં આ મિનરલ્સ ઉપયોગી છે. આ સિવાય વિટામિન A અને બિટા કૅરોટિન બન્ને પણ પીચમાં ઘણા વધારે પ્રમાણમાં મળે છે. સ્કિન અને આંખ માટે એટલે જ એ ઘણું ઉપયોગી છે. એ દુખાવો દૂર કરવા માટે અને સ્ટ્રેસ ઘટાડવા માટે પણ ઘણું ઉપયોગી છે.

ખારેક :
ખારેક ખાવાથી શક્તિ આવે એવું આપણા વડીલો કહેતા એનું કારણ છે એમાં રહેલાં મિનરલ્સ એટલે કે ખનીજ તત્વો. શાકાહારી ખોરાકમાં જે ભાગ્યે જ મળી રહે છે એવું આયર્ન ખારેકમાં ભરપૂર માત્રામાં છે. જેના શરીરમાં લોહીની ઊણપ હોય, હીમોગ્લોબિન ઓછું હોય, એનીમિયા હોય તેમણે ખારેક ચોક્કસ ખાવી જોઈએ. એમાં રહેલા આયર્નનું સ્વરૂપ એવું છે કે શરીરમાં જાય ત્યારે શરીરને પૂરેપૂરું મળે છે. જેને ખૂબ થાક લાગતો હોય, શારીરિક અને માનસિક કામ વધુ રહેતાં હોય તેમણે ખારેક ખાવી જ જોઈએ. આયર્ન સિવાય ઝિન્ક, ફૉસ્ફરસ, કૉપર, સેલેનિયમ, પોટૅશિયમ પણ ભરપૂર માત્રામાંથી મળી રહે છે જે નસોની હેલ્થ માટે ટૉનિક ગણી શકાય. ખાસ કરીને સ્ત્રીઓને તેમના માસિક દરમ્યાન એ લોહીની કમીને પૂરી કરે છે. જેમનું માસિક અનિયમિત હોય એવી છોકરીઓને પણ ખારેક ખાવાથી ફાયદો થઈ શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK