સુસાઇડ કરતા લોકોમાંથી ૬૦ ટકા વ્યક્તિઓ તો ડિપ્રેશનનો શિકાર હોય છે

નિષ્ણાતના મત મુજબ આત્મહત્યાના વિચારો સતત આવતા હોય કે એકાદ વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા હોય એવા લોકો માનસિક રોગી હોય છે અને તેમને સહાનુભૂતિ કે દયાની નહીં પણ ઇલાજની જરૂર હોય છે. ઇલાજ દ્વારા આત્મહત્યાના વિચારોથી મુક્તિ મેળવી શકાય છે.

depress

જિગીષા જૈન

છેલ્લા કેટલાક દિવસોમાં આત્મહત્યાના ઘણા સમાચારો સાંભળવા મળ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત શેફ ઍન્થની બોર્ડિન કે ભારતના ભય્યુજી મહારાજની આત્મહત્યાના સમાચારે લોકોને વિચારતા કરી દીધા કે આટઆટલા સફળ અને વૈભવી જીવનના માલિક હોવા છતાં એવું શું હશે કે એ વ્યક્તિને જીવવાનો ભાર લાગે અને એ ભાર એટલો વધુ હોય કે એની નીચે તે ગૂંગળાઈ જાય અને દમ તોડી નાખે. પ્રખ્યાત લોકોની જ આત્મહત્યા આપણને વિચારતા કરે એવું નથી, હાલમાં પશ્ચિમ બંગાળની એક છોકરીએ ફેસબુક પર લાઇવ રહીને આત્મહત્યા કરી; કારણ કે બૉયફ્રેન્ડ જોડે ઝઘડી હતી અને તેને બતાવવા માગતી હતી. છોકરીએ તો તેનો જીવ ગુમાવ્યો જ, પરંતુ તેનો બૉયફ્રેન્ડ અત્યારે પોલીસ-કસ્ટડીમાં છે. રાજસ્થાનમાં બારમા ધોરણમાં ભણતા એક છોકરાએ તેના પિતાને વિડિયો-કૉલ કરીને જણાવ્યું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. બિચારા તેના બાપે તેને રોકવાની કોશિશ કરી, પરંતુ નજર સામે દીકરો પંખે લટકી ગયો અને બાપ કંંઈ ન કરી શક્યો. એવું જ ૧૭ વર્ષની દીકરી જોડે થયું જેને મેડિકલમાં ઍડ્મિશન જોઈતું હતું, પરંતુ તેની ટેસ્ટ ખરાબ ગઈ હતી અને તેને લાગ્યું કે હવે તેનું જીવન વ્યર્થ છે તો તે તેના બિલ્ડિંગના ટૉપ ફ્લોર પરથી કૂદી પડી. આ બધા સમાચાર છેલ્લા લગભગ એક અઠવાડિયામાં જ બનેલી ઘટનાઓના છે. મૃત્યુને વહાલું કરનારા લોકોને ઘણા કાયર સમજે છે તો ઘણા એવું પણ માને છે કે આત્મહત્યા કરવા માટે તો ભારે હિંમત જોઈએ, સહેલું નથી જીવ દઈ દેવો. હકીકતે નથી એ કાયરતા કે નથી બહાદુરી, પરંતુ આ એક માનસિક અવસ્થા છે જેને ઇલાજની જરૂર છે. આજે સમજીએ આત્મહત્યા પાછળની સાઇકોલૉજીને અને જાણીએ કે આવા વિચારો કોને આવી શકે.

વિચાર અને એનો અમલ

આત્મહત્યાના વિચારો કરવા અત્યંત સામાન્ય છે. સાઇકોલૉજી એ માની ચૂક્યું છે કે લગભગ દરેક વ્યક્તિને મરી જવાનો વિચાર તેના જીવનમાં એક વખત તો આવ્યો જ હોય છે. જીવન કપરું જ છે એ આપણે બધા જાણીએ જ છીએ અને આ વાતને સમજી કે અનુભવી પણ શકીએ છીએ કે આવેગમાં કે અત્યંત દુ:ખમાં મનમાં એવું આવી જાય કે જીવીને શું કરવું છે? પરંતુ આ વિચારો જેટલા સામાન્ય છે એટલું જ આત્મહત્યા કરવી એ અસામાન્ય લક્ષણ છે. એ વિશે સમજાવતાં અનલિમિટેડ પોટેન્શ્યલિટીઝ, મરીનલાઇન્સના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘કોઈને એકાદ વખત આત્મહત્યાનો વિચાર આવી જાય એ સહજ કે સામાન્ય ગણી શકાય; પરંતુ જો કોઈ વ્યક્તિ એનો પ્રયત્ન કરે, પ્લાનિંગ કરે તો એ ગંભીર બાબત છે અને એને અવગણવી નહીં. એક વ્યક્તિ જો એક વાર પણ આ પ્રકારનો પ્રયાસ કરે છે તો તે ભવિષ્યમાં ગમે ત્યારે ફરીથી આ પ્રયાસ કરી શકે છે. એટલે એને અવગણવું નહીં. જે લોકોને એકદમ આવેગ આવે અને પ્લાનિંગ કર્યા વગર એકદમ જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે એ લોકો મોટા ભાગે સહાનુભૂતિ માટે કે ધ્યાન તેમની તરફ જાય એ માટે આત્મહત્યા કરતા હોય છે, જ્યારે જે લોકો પ્લાન સાથે આત્મહત્યા કરે છે એ લોકોને કોઈનું ધ્યાન આકર્ષિત નથી કરવું હોતું કે નથી બચવું હોતું. તેમને જીવવું જ નથી એટલે તે આત્મહત્યા કરતા હોય છે.’

બેતુકા કારણો

આત્મહત્યા પાછળનાં કારણો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એ મોટા ભાગે બેતુકા લાગતાં હોય છે. જેમ કે એક્ઝામમાં ફેલ થયા, કોઈ જોડે ઝઘડો થયો કે કોઈ ખિજાયું, બ્રેકઅપ, પૈસા લૂંટાઈ જવા કે માથે દેવું વધી જવું, ખોટું કામ કર્યા પછી પકડાઈ જવાની બીક લાગવી વગેરે. આ બધી જ પરિસ્થિતિઓમાંથી નૉર્મલી દરેક માણસ પસાર થતો હોય છે, પરંતુ દરેક માણસ આત્મહત્યા કરતો નથી. આમ સમજી શકાય કે કારણ મહત્વનું નથી. એ બાબતે વાત કરતાં બૉમ્બે સાઇકિયાટ્રી સોસાયટીના પાસ્ટ પ્રેસિડન્ટ અને પી. ડી. હિન્દુજા હૉસ્પિટલના કન્સલ્ટિંગ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘જે લોકો આત્મહત્યા કરે છે તે જે પણ કારણસર કરે છે એ કારણોને સમાજ મહત્વ નથી આપતો. જેમ કે કોઈ વ્યક્તિ ભયંકર દુ:ખી હોય કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે તો સમાજ કે એની આજુબાજુની વ્યક્તિઓ કહેશે કે ચાલે હવે, એમાં શું દુ:ખી થવાનું? સ્ટ્રૉન્ગ બન. આ વાત એવી છે કે જેને અસ્થમા છે તેને તમે કહો છો કે ભાઈ, હવામાં આટલો ઑક્સિજન છે તો પણ તું કહે છે કે શ્વાસ નથી લેવાતો! સ્ટ્રૉન્ગ બન. શ્વાસ લે. દુ:ખની વાત એ છે કે આપણે એ સમજીએ છીએ કે અસ્થમા હોય તો શ્વાસ લેવાનું અઘરું છે એમ તે નથી સમજતા કે દરેક વ્યક્તિ દરેક પરિસ્થિતિને હૅન્ડલ નથી કરી શકતી. આવી વ્યક્તિઓને સ્ટ્રૉન્ગ બનવાની સલાહની નહીં, પરંતુ કાળજી અને ઇલાજની જરૂર રહે છે.’

માનસિક રોગ અને આત્મહત્યા

મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે જે વ્યક્તિને કોઈ ને કોઈ માનસિક રોગ હોય એવી વ્યક્તિ આત્મહત્યાના વિચારો ધરાવતી હોય છે. આ બાબતે વાત કરતાં ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘મોટા ભાગે જોવા મળે છે કે આત્મહત્યા કરનારા લોકોમાંના ૬૦ ટકા લોકો ડિપ્રેશનનો શિકાર હોય છે. જે વ્યક્તિ હતાશ છે તેમને ઇલાજની જરૂર છે જ. આ બાબત સમજવી જરૂરી છે. જો આપણે વ્યક્તિના ડિપ્રેશનને કાબૂમાં રાખી શકીએ તો તેનું ડિપ્રેશન તેને આત્મહત્યા સુધી દોરી જતું નથી અને આપણે તેને બચાવી શકીએ છીએ. આ સિવાય જેમને ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર (OCD) છે એવી વ્યક્તિઓને આત્મહત્યાના વિચારો કરવા હોતા નથી, પરંતુ ઇચ્છા વિરુદ્ધ તેમને એવા વિચારો આવે જ છે. ડિપ્રેશનમાં જે વ્યક્તિ છે તેને આત્મહત્યાના વિચારો ગમતા હોય છે, પરંતુ OCD ધરાવતી વ્યક્તિને આ વિચારો ન પણ કરવા હોય તો પણ આવે છે.’

ક્ષણિક આવેગ

જરૂરી નથી કે આપઘાત કરનારી દરેક વ્યક્તિ માનસિક રોગી જ હોય. એક સામાન્ય વ્યક્તિને પણ આપઘાતનો વિચાર આવી શકે છે. આવું ભાગ્યે જ થતું હોય છે. વધુપડતા સેન્સિટિવ લોકો જોડે આવું થાય છે. પરંતુ આ પ્રકારના લોકોને ક્ષણિક આવેગ આવી જાય છે અને તે આત્મહત્યાનો પ્રયાસ કરી બેસે છે. આ ક્ષણને જો સાચવી લેવાય તો ચોક્કસ એ વ્યક્તિને બચાવી શકાય છે.

કેવી રીતે ઓળખવી?

કોઈ વ્યક્તિ આત્મહત્યા કરશે એ કઈ રીતે સમજી શકાય? ઘણા કેસમાં એ અઘરું હોય છે સમજવું. મોટા ભાગે આવી વ્યક્તિઓ કોઈને આ વિશે કહેતી નથી. ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેની અમુક વાતો પરથી નજીકની વ્યક્તિઓ સમજી શકે છે કે કંઈ ગરબડ હોઈ શકે છે. આવી વ્યક્તિઓ મરવાની બાબતે પૉઝિટિવ સાઉન્ડ કરતી હોય છે. જીવવાનો ઉત્સાહ તેમનામાં હોતો નથી. જે વ્યક્તિ હતાશ છે તેને તેના ડૉક્ટર પણ આ બાબતે તપાસે છે, તેની જોડે વાત કરીને જાણવાની કોશિશ કરે છે કે આ વ્યક્તિ આત્મહત્યા વિશે શું વિચારે છે. એ જરૂરી છે. આ સિવાય વ્યક્તિની ફૅમિલી-હિસ્ટરી પણ જાણવી જરૂરી છે. જો ફૅમિલીમાં કોઈએ આપઘાત કર્યો હોય તો બને કે એ ટેન્ડન્સી આગલી પેઢીમાં પણ આવે. જો વ્યક્તિ સુસાઇડલ ટેન્ડન્સી ધરાવતી હોય તો એનો ઇલાજ ચોક્કસ થઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘આવી વ્યક્તિઓની અંદર સેરોટોનિન હૉર્મોનનું ડિસ્ટર્બન્સ જોવા મળતું હોય છે, જેની દવાથી ઘણાં સારાં પરિણામ મળે છે. આ સિવાય કાઉન્સેલિંગ, ડિપ્રેશન કે બીજી કોઈ બીમારીનો ઇલાજ અને કેટલીક વાર શૉક ટ્રીટમેન્ટ પણ ઘણી અસરકારક સાબિત થાય છે.’

ઘણા લોકો એવા હોય છે કે વ્યક્તિએ એક વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને તે બચી ગઈ પછી આખો પરિવાર, મિત્રો આવીને તેને કાઉન્સેલ કરે છે અને માને છે કે હવે તે સમજી ગયો, નહીં વાંધો આવે. આવી ભૂલ ક્યારેય ન કરવી. એ વિશે સમજાવતાં ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘આ પરિસ્થિતિ એવી છે કે તેને ડૉક્ટર પાસે લઈ જવી જરૂરી છે. જે પણ વ્યક્તિને આત્મહત્યાનો વિચાર અવારનવાર આવતો હોય, ક્યારેક એના માટે પ્લાનિંગ કર્યું હોય, એકાદ વાર પ્રયત્ન પણ કરી જોયો હોય તો તેણે માનસિક ઇલાજની મદદ લેવી જ જોઈએ. આ સિવાય બીજી મહત્વની બાબત એ છે કે જો વ્યક્તિ ભૂલથી પણ બોલી ગઈ હોય આત્મહત્યા કરી લઈશ કે એવું કંઈ તો એને અવગણો નહીં. એને ગંભીરતાથી લો. મોટા ભાગના લોકો આ જ ગફલતમાં રહી જાય છે. ખાસ કરીને ૯-૧૫ વર્ષની ઉંમરનાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે આત્મહત્યાનું પ્રમાણ આ ઉંમરમાં વધુ જોવા મળે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK