રાત્રે આચરકૂચર ખાવાની આદત પડી શકે છે મોંઘી

રાત્રે ખા-ખા કરવાની આદત, જેને મિડનાઇટ મન્ચિંગ કહે છે એ આદત આજકાલ સામાન્ય બનતી જાય છે. આ મન્ચિંગનું કારણ શું છે, શા માટે અડધી રાત્રે ક્રેવિંગ જાગે છે અને એને અટકાવવા શું કરવું એ આજે સમજીએ

eating

જિગીષા જૈન

રાત્રે બધા ઘરના લોકો કે મિત્રો મળીને મસ્તી કરતા હોય, વાતો પર વાતો થતી હોય અને પૉપકૉર્ન, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ભેળ, વેફર્સ, બ્રેડ-બટર, ભજિયાં, સૅન્ડવિચ ખવાતાં હોય એ દિવસો ખૂબ મજાના લાગે છે. પરંતુ આવું ૬-૮ મહિને એકાદ વાર બનતું હોય તો મજાનું. દરરોજ રાત્રે પથારી ઘસતાં તમને ઊંઘ ન આવે અને તમે ફ્રિજ ફંફોસ્યા કરો કે દરરોજ ઘરના બધા સૂઈ જાય પણ તમે જાગો અને ટીવી જોતાં-જોતાં વેફરનાં પૅકેટ્સ કે આઇસક્રીમનું આખું ટબ ખતમ કરતા હો તો આ બાબતે સતર્ક થવું જરૂરી છે. ઘણા લોકો વધુ નહીં પણ રાત્રે કંઈ ને કંઈ ચક-ચક કરવા માટે ખાવા માગતા હોય છે. જમ્યા પછી ૧૦ વાગ્યા પછી આ સ્નૅકિંગની ભૂખ ખૂલે છે. કશુંક રસપ્રદ ખાવા માટે જોઈતું હોય છે. કંઈક એવું જે તમને મજા કરાવી જાય કે એ ખાધા પછી લાગે કે વાહ, મજા આવી. મુંબઈનાં ઘણાં રોડસાઇડ ફૂડ-જૉઇન્ટ્સ પર રાત્રે એક-દોઢ વાગ્યા સુધી ફાસ્ટ ફૂડ ખાતા લોકોનું આ નાઇટ-ક્રેવિંગ ઘણું સામાન્ય છે, પરંતુ આ રાતનું મન્ચિંગ અત્યંત અનહેલ્ધી છે. અને એ નિશાની છે કે જો તમે અત્યારે સભાન ન થયા તો ચોક્કસ ભવિષ્યમાં મોટી તકલીફનો સામનો કરવો પડશે.

રિસર્ચ

હાલમાં જર્નલ એક્સપરિમેન્ટલ ફિઝિયોલૉજીમાં પ્રકાશિત થયેલું નવું રિસર્ચ એ સાબિત કરે છે કે જે લોકોને નાઇટ-સ્નૅકિંગની આદત હોય એ લોકોને ભવિષ્યમાં ડાયાબિટીઝ અને હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ રિસર્ચ જણાવે છે કે રાત્રે સ્નૅકિંગની આદત શરીરની કુદરતી બાયોલૉજિકલ ક્લૉકને ખોરવી નાખે છે. એને લીધે લોહીમાં ફૅટ્સનું પ્રમાણ વધે છે, જેને લીધે હાર્ટ-પ્રૉબ્લેમ્સનું રિસ્ક વધે છે. આ બાયોલૉજિકલ ક્લૉક ખોરવાય નહીં એ હેલ્ધી જીવન માટે અત્યંત જરૂરી છે. રાત્રે મોડે સુધી જાગવું એ શરીર માટે અત્યંત અનહેલ્ધી આદત ગણી શકાય. આ રિસર્ચ સંશોધનકર્તાઓએ ઉંદરો પર કરેલું, જેના દ્વારા આ પ્રકારનું પરિણામ મળ્યું હતું.

મન્ચિંગ સાથે જોડાયેલાં તથ્યો


કોઈ પણ વ્યક્તિને અડધી રાત્રે ભૂખ લાગે અથવા ભૂખ ન લાગે, પરંતુ કંઈક ખાવાની ઇચ્છા થાય ત્યારે આ ઇચ્છા પાછળ અમુક નિãત કારણો હોઈ શકે છે. એના વિશે વાત કરતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિકનાં ન્યુરોલૉજિસ્ટ અને સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘કોઈ વ્યક્તિને આ આદત છે એનો દેખીતો અર્થ એ છે કે આ વ્યક્તિ રાત્રે સારી ઊંઘ લઈ નથી શકતી અથવા સમયસર નથી સૂતી જે પોતાનામાં જ એક અનહેલ્ધી બાબત છે. રાત્રે આદર્શ રીતે એક વયસ્ક વ્યક્તિએ ૧૦ વાગ્યે સૂવું જોઈએ અને સવારે ૬ વાગ્યે ઊઠવું જોઈએ. એકાદ કલાક ઉપર-નીચે ઠીક છે, પરંતુ જો તમે રાત્રે ૧-૨ વાગ્યા સુધી સૂઈ નથી શકતા એનો અર્થ એ છે કે તમે અપૂરતી ઊંઘના શિકાર છો, જેને કારણે પ્રૉબ્લેમ્સ આવી શકે છે. અપૂરતી ઊંઘને કારણે વ્યક્તિને ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ, ડિપ્રેશન જેવા રોગો થવાની શક્યતા રહે છે. જો તમને મિડનાઇટ મન્ચિંગની આદત હોય તો ચોક્કસ એક વખત ડૉક્ટરને મળો અને ટેસ્ટ દ્વારા જાણો કે તમને અપૂરતી ઊંઘની સમસ્યા છે કે નહીં. આ જરૂરી છે. જો તમને અડધી રાત્રે ખાવાની આદત હોય તો એ આદત એક ખાસ લક્ષણ છે, જેના દ્વારા ખબર પડી શકે છે કે વ્યક્તિને અપૂરતી ઊંઘની સમસ્યા છે.’

રૉન્ગ ફૂડ


રાત્રે ભૂખ લાગે ત્યારે કોઈ દિવસ તમે જોયું કે કોઈ ફ્રૂટ ખાતું હોય અથવા સૂપ પીતું હોય? રાત્રે જ્યારે ભૂખ લાગે ત્યારે મોટા ભાગના લોકો જેના પર અટૅક કરતા હોય છે એ વસ્તુઓ છે આઇસક્રીમ, કેક, ચૉકલેટ્સ, જાત-જાતનાં ફ્રાયમ્સ, તળેલાં ફરસાણો, વેફર્સ, પૉપકૉર્ન, રેડી ટુ ઈટ નૂડલ્સ કે પાસ્તા, ઠંડાં પીણાં. રાત્રે ચોપાટી પર જાઓ ત્યારે જે નજરે જોવા મળે એ જોઈને સમજાઈ જશે કે સૂઈ જવાના સમયે પણ પાણીપૂરી અને ગોલાની લહેજત માણનારા કેટલા લોકો છે. ઘણા લોકો માને છે કે સાંજે બરાબર જમ્યું ન હોય ત્યારે રાત્રે ભૂખ લાગે છે. એ વાત સાચી કે જે લોકો ત્રણ ટંક બરાબર ખાતા નથી તેમને ગમે ત્યારે ભૂખ લાગી શકે છે અથવા તો કહીએ કે રૉન્ગ ફૂડ તરફ આકર્ષણ જન્મી શકે છે, પરંતુ હંમેશાં એવું છે નહીં એની સ્પક્ટતા કરતાં ઘાટકોપરનાં ડાયટિશ્યન મીનલ ભાનુશાલી કહે છે, ‘રાત્રે ખા-ખા કરવાની વૃત્તિ એક આદત છે જે આખા દિવસનો કંટાળો, સ્ટ્રેસ અને ત્રાસમાંથી જન્મે છે. આખા દિવસનું સ્ટ્રેસ હટાવવા માટે રાત્રે લોકો અનહેલ્ધી વસ્તુઓ તરફ આકર્ષાય છે અને એ ખાવાથી તેમને ટેમ્પરરી રાહત જણાય છે, મજા આવે છે. રાત્રે જે લોકો ખાવાના શોખીન હોય તેઓ મોટા ભાગે ઓવરઈટિંગ કરે છે. વળી રાત્રે મોડું ખાવાની સાથે-સાથે તમે રાત્રે શું ખાઓ છો એ પણ એટલું જ મહત્વનું છે. મોટા ભાગે રાત્રે ખાવાના શોખીન લોકો જન્ક, પ્રોસેસ્ડ, તળેલો, ગળ્યો કે વધુ કૅલરીયુક્ત ખોરાક જ ખાય છે; જે હેલ્થ માટે નુકસાનકારક છે.’

અસર


રાત્રે શરીરને આરામ આપવો જરૂરી છે. માણસ નામનું પ્રાણી કુદરતના આ નિયમોનું પાલન કરતું નથી અને તેથી જ તેની હેલ્થ પર ખતરો તોળાય છે. એ વિશે સમજાવતાં મીનલ ભાનુશાલી કહે છે, ‘રાત્રે જે ખોરાક આપણે ખાઈએ છીએ એનું પાચન વ્યવસ્થિત થતું નથી અને બીજી વાત એ છે કે રાત્રે ખાઈને વ્યક્તિ મોટા ભાગે સૂઈ જ જાય છે એટલે તેની બધી કૅલરી કામ લાગવાને બદલે જમા થાય છે અને ચરબીનું રૂપ ધારણ કરે છે. આમ રાત્રે ખાવાથી શરીરની રિધમ તૂટે છે, પેટ ભારે હોય તો ઊંઘ પણ આવતી નથી અને ઊંઘમાં ખલેલ પહોંચવાથી હેલ્થને લગતા બીજા ઘણા પ્રૉબ્લેમ્સ સામે આવે છે. આદર્શ રીતે ડિનર પછીના ૩ કલાક પછી સૂવું જોઈએ અને આ ત્રણ કલાકમાં કંઈ જ ખાવું ન જોઈએ.’

શું કરવું?

રાત્રે ખા-ખા કરવાની આદત હોય તો એ આદતને તોડવા શું કરવું જોઈએ એ જાણીએ ડાયટિશ્યન કેજલ શેઠ પાસેથી.

આ આદત એકદમ જ નહીં છૂટે એટલે જરૂરી છે કે તમારી આસપાસ ફક્ત હેલ્ધી સ્નૅક્સ જ રાખો. જેમ કે ફ્રૂટ્સ, સૅલડ્સ અને નટ્સ. ઘરમાં કોઈ અનહેલ્ધી વસ્તુ હોય જ નહીં તો તમને ખાવું હશે તો પણ હેલ્ધી જ સામે આવશે. આમ ક્રેવિંગ છતાં તમે અનહેલ્ધી નહીં જ ખાઓ.

જો તમને ડિઝર્ટ એટલે કે કંઈક મીઠું ખાવાનું ક્રેવિંગ જાગે તો આઇસક્રીમ ખાવાને બદલે ફ્રૂટ સાથે લો ફૅટ દહીં અને નટ્સ, ફ્રૂટ પૉપ્સિકલ, ફ્લેવર્ડ પાણી, ફ્રૂટ, સુકાયેલાં બેરીઝ, ઍપ્રિકૉટ, ખજૂર કે એક નાનો પીસ ડાર્ક ચૉકલેટ જેવું કંઈ પણ ખાઈ શકો છો. 

ખાસ ધ્યાન રાખો કે ખાવું હોય તો પણ ખૂબ તીખા-તળેલા, ગળ્યા, ફૅટી કે કૅફીનયુક્ત પદાર્થો તો ન જ ખાવા.

આ સિવાય આખા દિવસ દરમ્યાન અઢીથી ત્રણ લીટર પાણી ચોક્કસ પીઓ. આલ્કોહૉલ, ઍરેટેડ ડ્રિન્ક્સ ન પીઓ.

રાત્રે જમો ત્યારે જમવામાં પ્રોટીનનું પ્રમાણ વધુ રાખો. જો શરીરને પ્રોટીન મળશે તો રાત્રે ભૂખ નહીં લાગે.

જે લોકો સવારે બ્રેકફાસ્ટ કરી લે છે એ લોકોને રાત્રે ક્રેવિંગ જાગતું નથી. જે લોકો સવારે બ્રેકફાસ્ટ કરતા નથી તેઓ જ મોટા ભાગે એ ખાતા હોય છે. એટલે સવારે ઊઠતાના ૧ કલાકની અંદર હેવી નાસ્તો કરવો જરૂરી છે.

જે લોકોનો મૂડ ખરાબ હોય, કંટાળતા હોય, સ્ટ્રેસ હોય કે ઇમોશનલ ટેન્શન હોય તેમને કમ્ફર્ટ માટે કંઈક ખાવાની ઇચ્છા થતી હોય છે. આ ત્યારે થતું હોય છે જ્યારે વ્યક્તિને વ્યવસ્થિત ઊંઘ મળતી નથી. જે વ્યક્તિ વ્યવસ્થિત ઊંઘ લેતી હોય તેને આવા પ્રૉબ્લેમ ઓછા થતા હોય છે.

જે લોકો વજન ઉતારવા માટે ગમે તે ડાયટ કરતા હોય, ભૂખ્યા રહ્યા કરતા હોય એવા લોકોને પણ રાત્રે ભૂખ લાગે છે. એટલે આવું ન કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK