ફટાકડાના ધૂમધડાકા વચ્ચે જ્યારે જીવન જોખમાય છે ત્યારે

આજે ધનતેરસની સાથે-સાથે વર્લ્ડ ટ્રૉમા દિવસ પણ છે. ભારતમાં લાખો લોકો ટ્રૉમા એટલે કે અચાનક આવતી ઇન્જરીને કારણે મૃત્યુ પામે છે અને એમાં દિવાળી પર ફોડાતા ફટાકડા પણ મોટો ભાગ ભજવે છે. દિલ્હીમાં આ વર્ષે લાગેલો પ્રતિબંધ એક શરૂઆત છે. આશા કરીએ કે મુંબઈમાં પ્રતિબંધ વગર જ લોકો સમજદારી વાપરે અને ફટાકડાનો ક્ષણિક આનંદ છોડીને કાયમી સ્વાસ્થ્યને અપનાવે

crakcers

જિગીષા જૈન

દર દિવાળીમાં કેટકેટલા ઍક્સિડન્ટ થાય છે. રૉકેટ ઊડીને કોઈના ઘરમાં ગયું અને આગ લાગી ગઈ. રસ્તામાં ફટાકડા ફોડતા હતા અને સ્કૂટર પર જતા લોકોનો ઍક્સિડન્ટ થઈ ગયો. બૉમ્બ ફૂટ્યો નહીં અને બાળકો જોવા ગયાં અને ત્યાં જ ધડાકો થયો, ભયંકર દાઝી ગયા. દૂર ઊભા-ઊભા ફટાકડા જોતા હતા અને ઊડીને એક ચિનગારી આંખમાં જતી રહી, આંખનું વિઝન ગયું. આમાંથી કેટલાક બનાવો તો લોકોએ જાતે પોતાની સગી આંખે જોયા હશે અને કેટલાક બનાવો ઘરના કોઈ વ્યક્તિએ સહન કર્યા હશે અથવા તો ખુદ જ ભોગ બન્યા હશે. દિવાળી એટલે રંગો અને રોશનીનો તહેવાર, પરંતુ ફટાકડાના નામે થતી રોશની આપણને મોંઘી પડે છે. આજે ફક્ત ધનતેરસ જ નથી, પરંતુ આજે ૧૭ ઑક્ટોબરના દિવસે વર્લ્ડ ટ્રૉમા ડે છે. ટ્રૉમા એટલે શરીરને થતી કોઈ પણ પ્રકારની ઇન્જરી. દુનિયાભરમાં દર વર્ષે પચાસ લાખ લોકો આ ઇન્જરીનો ભોગ બને છે અને મૃત્યુને પામે છે. ફક્ત ભારતમાં દર વર્ષે દસ લાખ લોકો ટ્રૉમાને કારણે મૃત્યુ પામે છે અને બે કરોડ લોકો હૉસ્પિટલમાં ભરતી થાય છે. આ આંકડાઓમાં ઘણો મોટો ભાગ દિવાળી સમયે થનારા ઍક્સિડન્ટને લીધે ઘાયલ થતા લોકોનો રહેવાનો જ જેમાં શંકાને સ્થાન નથી. આ ઍક્સિડન્ટને રોકવા અને પર્યાવરણને બચાવવા માટે જો આપણે ફટાકડા ન ફોડીએ તો એમાં આપણા આનંદમાં કઈ કમી રહી જશે કે ઊલટું એક સ્વસ્થ અને જ્ઞાનરૂપી પ્રજ્વલિત દિવાળીની ભેટ આપણે સમાજને આપી શકીશું.

દિલ્હીમાં આ વર્ષે ફટાકડા પર પ્રતિબંધ આવ્યો ત્યારે ઘણા લોકો સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની દુહાઈ દેવા લાગ્યા હતા. સોશ્યલ મીડિયા પર સરકારના આ નિર્ણયને ખોટો ગણાવીને લોકોએ ઘણી ચર્ચાઓ કરી હતી, પરંતુ હકીકત એ છે કે પ્રતિબંધ તો આવ્યો જ છે. પર્યાવરણમાં વધતા પ્રદૂષણને લીધે વિરોધ હોય કે સપોર્ટ, સમયની તાકીદ જ એવી હતી કે આ નિર્ણય લેવાયો. આ એક પગલું છે જે આજે દિલ્હીમાં લેવાયું છે અને ધીમે-ધીમે બધે ફેલાવાનું છે. આપણે જાગવું જ પડશે, નહીંતર એ દિવસ દૂર નથી જ્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય અને ઘરથી બહાર નીકળીએ તો ઑક્સિજન સિલિન્ડર લઈને નીકળવું પડશે. આજે સમજીએ કે આ ફટાકડા આપણી હેલ્થને કઈ-કઈ રીતે નુકસાન કરે છે અને એનાથી બચવું કેમ અત્યંત જરૂરી છે.

ફેફસાં

દિવાળીમાં અને દિવાળી પછી પણ શ્વાસ સંબંધિત તકલીફોની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે પહોંચી જનારા દરદીઓ ઘણા વધારે પ્રમાણમાં હોય છે. ફટાકડાનો ધુમાડો વ્યક્તિને કઈ રીતે અસર કરે છે એ વિશે વાત કરતાં બૉમ્બે હૉસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટના હેડ, ચેસ્ટ-ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી-નેને કહે છે, ‘ફટાકડાના ધુમાડામાં ટૉક્સિક ડસ્ટ હોય છે જે શ્વાસ મારફત સરળતાથી ફેફસાંમાં જતી રહે છે. જ્યારે આ ધુમાડો નાકમાં શ્વાસ સાથે જાય ત્યારે પહેલાં એ શ્વાસનળીમાં જાય છે. એ ધુમાડામાં રહેલાં કેમિકલ શ્વાસ નળીને ઇરિટેટ કરે છે જેને લીધે એ ભાગમાં સોજો આવી શકે છે. સોજો આવી જવાને કારણે ટ્યુબ નાની થઈ જાય છે એટલે કે શ્વાસને જવાનો રસ્તો ઘટી જાય છે. એને લીધે તમને ખાંસી શરૂ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઘણી વાર વ્યક્તિને છાતી ભીંસાતી હોય એમ લાગે અને અસ્થમાનો અટૅક આવ્યો હોય એવું પણ થઈ શકે છે.’

કાન

લોકો પાંચ-દસ હજારની લૂમ અને મોટા અવાજવાળા બૉમ્બ ફોડીને અવાજની મજા માણતા હોય છે, પણ કાન ફાડી નાખતા આ અવાજો કાનને કાયમી ડૅમેજ કરી શકે છે એ વાત ભાગ્યે જ કોઈ સમજી શકે છે. તેમની પળભરની મજા તેમના પોતાના માટે જ જિંદગીભરની સજા બની શકે છે એ સમજવું જરૂરી છે. ફટાકડાથી કાનને થતા ડૅમેજ વિશે વાત કરતાં ઓમ ENT ક્લિનિક, અંધેરીના ENT સજ્યર્ના ડૉ. શૈલેશ પાંડે કહે છે, ‘ઘોંઘાટને કારણે આંતરિક કાન જેને કોકલિયર કહેવાય છે એમાં રહેતા વાળ જેવા બારીક કોષો મૃત્યુ પામે છે. આ કોષો અવાજને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ખાસ કરીને ૯૦ ડેસિબલથી ઉપરનો અવાજ કાન માટે અત્યંત હાનિકારક મનાય છે. ખાસ કરીને વધુ ડેસિબલના અવાજનું લાંબા ગાળાનું એક્સપોઝર કાન માટે હાનિકારક હોય છે. ફટાકડાના ઘોંઘાટથી કોઈ પણ ઉંમરે બહેરાશ આવી શકે છે. આ બહેરાશ ટેમ્પરરી કે પર્મનન્ટ બન્ને પ્રકારની હોઈ શકે છે. ટેમ્પરરી બહેરાશમાં કાન બંધ થઈ ગયા હોય એવો ભાસ થાય છે અને થોડા સમય માટે ધાક પડી ગઈ હોય એવું કાનમાં થઈ જાય છે. કાયમી હિયરિંગ-લૉસ થયો હોય તો કાનમાં તમરાં બોલતાં હોય એમ લાગે. ઘણી વાર એ ત્યારે સમજાય છે જ્યારે ફોનને એક કાન પર રાખો તો સંભળાય અને બીજા કાનથી ઓછું સંભળાય છે. એક વખત જો ડૅમેજ થઈ ગયું તો એ કોઈ રીતે રિપેર થઈ શકતું નથી.’

આંખ

ઘણી વખત ફટાકડા ફોડતાં-ફોડતાં કે પછી કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા હો અને અચાનક ફટાકડો ફૂટે ત્યારે ભૂલથી આંખમાં તણખો ઊડીને આવે છે. આ સમયે લોકો આંખમાં પાણી નાખવા માટે દોડે છે. જોકે એવું ન કરવા માટે સમજાવતાં જુહુના ઑપ્થૅલ્મોલૉજિસ્ટ ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘આ રીતે આંખનું ડૅમેજ વધી શકે છે. આંખમાં તણખો ગયો હોય તો પાણી ક્યારેય છાંટવું નહીં. તાત્કાલિક ડૉક્ટર પાસે પહોંચવું. દિવાળીના દિવસોમાં ડૉક્ટર મળે નહીં તો મોટી હૉસ્પિટલમાં ઇમર્જન્સીમાં જતા રહેવું. આ રીતે એક નાના તણખાથી જીવનભરનો અંધાપો આવી શકે છે એટલે સાવચેતી અત્યંત જરૂરી છે.’

દિવાળીના દિવસોમાં ફટાકડાથી થતા ઍક્સિડન્ટથી બચવા શું કરશો?


પોતાનો, પર્યાવરણનો, પ્રદૂષણનો કે પ્રાણીઓનો કોઈ પણનો વિચાર કરીને જો તમને લાગતું હોય કે ફટાકડા ફોડવા જોઈએ નહીં તો એ અત્યંત યોગ્ય વિચાર છે. એનો અમલ કરો અને સ્વસ્થ રહો. ઘણા લોકો એવું માને છે કે આપણે નહીં ફોડીએ તો ફક્ત એક માણસથી શું ફરક પડશે? એવું નથી. મોટા બદલાવ માટે નાની શરૂઆત જરૂરી હોય છે.

જો તમે ફટાકડા ફોડતા નથી એનો અર્થ એ નથી કે તમે ઍક્સિડન્ટથી બચી ગયા. દિવાળીના દિવસોમાં બહાર નીકળો ત્યારે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે ટૂ-વ્હીલર ચલાવતા હો ત્યારે. બને ત્યાં સુધી એવી જગ્યામાંથી પસાર ન થાઓ જ્યાં ફટાકડા ફોડતા હોય અને જો થાઓ તો સાવચેતીથી નીકળો.

બાળકોને ફટાકડા ન ફોડવા માટે જાગૃત કરો અને સમજાવો કે આ કેમ હાનિકારક છે. છતાં ન માને તો ફૂલઝર, ચકરી, શંભુ જેવા સામાન્ય ફટાકડા જેમાં રોશની થાય પરંતુ અવાજ ન આવે એ જ ચલાવો. આ ફટાકડાઓ પ્રમાણમાં સેફ છે. રૉકેટ કે બૉમ્બ કે તડાફડી જેવા ફટાકડાને અવગણો.

ફટાકડા ફોડતી વખતે બાળકોને એકલાં ન મૂકો. ભલે તેઓ ગમે એટલાં મોટાં થઈ ગયાં હોય. વડીલ હોય તો તે લોકો કાબૂમાં રહે છે અને આ રીતે અકસ્માતોને ટાળી શકાય છે. દિવાળીમાં પહેરેલાં સિલ્કનાં કપડાં ફટાકડા વખતે નહીં ચાલે. વળી લહેરાતા દુપટ્ટા કે સાડી જલદી આગ પકડે છે. આવી નાની બાબતોનું પણ ધ્યાન રાખવું.

સોસાયટીમાં ફટાકડા ફોડતાં બાળકોને રોકી ન શકો તો કઈ નહીં, પરંતુ તમારી સેફ્ટી ખાતર તમારા ઘરનાં બારી-બારણાં બંધ રાખો અને બહાર કપડાં સૂકવો નહીં.

કોઈ પણ બનાવ બને તો ઘરગથ્થુ ઉપચાર કરવા કરતાં હૉસ્પિટલમાં ભાગો. દિવાળીના સમયમાં જો ડૉક્ટર ન મળે તો મોટી હૉસ્પિટલના ઇમર્જન્સી વૉર્ડમાં જતા રહો, પરંતુ હૉસ્પિટલ પહોંચવામાં મોડું ન કરો.

ધનતેરસનો સ્વાસ્થ્ય સાથે સંબંધ

આજે ધનતેરસ છે. મોટા ભાગના લોકો આજે લક્ષ્મીનું પૂજન કરે છે, પરંતુ હકીકત એ છે કે આજે ધન્વંતરિ દેવનું પૂજન થાય છે. આ ધન્વંતરિ દેવ એ સ્વાસ્થ્યના દેવ છે. આ દિવસે ઘરની વહુ ઘરના ઉંબરે એટલે કે ઘરના પ્રવેશદ્વાર પાસે બે સાથિયા અને એ બન્નેની વચ્ચે કંકુના પાંચ ચાંદલા કરે છે. એ જગ્યાએ દીવો મૂકીને પ્રાર્થના કરે છે કે હે ધન્વંતરિ દેવ, આ ઘરમાં રહેનારા સર્વેનું સ્વાસ્થ્ય સારું રાખજો. એ પૂજા કર્યા પછી લક્ષ્મીપૂજન કરી શકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK