આટલું ચોક્કસ જાણી લો હાઇપરટેન્શન વિશે

આ રોગનું ભારણ ઘણું છે અને ચિંતાજનક રીતે એ વધી રહ્યું છે. આ રોગ વિશે હજી પણ લોકોમાં જાગૃતિ જોવા નથી મળતી ત્યારે આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે નિમિત્તે આ રોગ વિશે કેટલીક અત્યંત મહત્વની બાબતો જાણી લઈએ


tension

જિગીષા જૈન

આજે વર્લ્ડ હાઇપરટેન્શન ડે છે. સમગ્ર વિશ્વ પર આ રોગનું ભારણ ઘણું વધારે છે અને આ ભારણને ઓછું કરવા માટે જ આ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ૨૦૧૪ આસપાસના સરકારી આંકડાઓ મુજબ ભારતમાં શહેરી વિસ્તારમાં ૩૩ ટકા તો ગામડામાં ૨૫ ટકા લોકો આ રોગ ધરાવે છે. યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા ૨૨.૫ મિલ્યન લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે એમાં જાણવા મળ્યું છે કે હાલમાં ભારતમાં દર ૮માંથી ૧ વ્યક્તિને હાઇપરટેન્શનની તકલીફ છે. નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વે અંતર્ગત ૨૦૧૫-૧૬માં દર ૧૧ વ્યક્તિએ ૧ વ્યક્તિ હાઇપરટેન્શન ધરાવતી હતી. ફક્ત બે વર્ષના ગાળામાં જ આ આંકડો કેટલો વધી ગયો છે. ભારતમાં ૫૭ ટકા સ્ટ્રોક અને ૨૪ ટકા કૉરોનરી આર્ટરી ડિસીઝને કારણે થતાં મૃત્યુ પાછળ હાઇપરટેન્શન  જવાબદાર છે. આ રોગનું ભારણ આપણે કલ્પી ન શકીએ એટલી ઝડપથી બસ વધતું જ જાય છે અને એ માટે આપણે હજી પણ પૂરી રીતે જાગૃત થયા નથી. એનાથી બચવાની કોશિશ તો દૂર, એ રોગ થયો હોય તો એને યોગ્ય રીતે મૅનેજ પણ કરતા નથી. આજે આપણે હાઇપરટેન્શન વિશેની મૂળભૂત માહિતીઓ મેળવીને આ રોગને થોડી વધુ સારી રીતે સમજીશું.

રીડિંગ

હાઇપરટેન્શન કહો કે હાઈ બ્લડ-પ્રેશર, એ શરીરમાં લોહીની નસો પર અસર કરતી બીમારી છે. શરીરઆખામાં લોહીનું પરિભ્રમણ થાય એટલે નસો પર અમુક પ્રકારનું દબાણ કે પ્રેશર હોવું જરૂરી છે. આ દબાણ એટલે જ બ્લડ-પ્રેશર. એનો એક માપદંડ હોય છે. ૧૨૦/૮૦નો માપદંડ એકદમ નૉર્મલ માનવામાં આવે છે. એનાથી ઓછું પ્રેશર હોય તો એને લો બ્લડ-પ્રેશર કહે છે અને એનાથી વધુ હોય તો હાઈ બ્લડ-પ્રેશર. પહેલાં હાઇપરટેન્શનના નિદાન માટે વ્યક્તિનું બ્લડ-પ્રેશર ૧૪૦/૯૦ જેટલું હોવું જરૂરી હતું. ડૉક્ટરો પણ એમ કહેતા કે ૧૪૦/૯૦થી પ્રેશર વધવું ન જોઈએ, પરંતુ હાલમાં અમેરિકન હાર્ટ અસોસિએશને પોતાની ગાઇડલાઇન બદલી છે. હવે કોઈ પણ વ્યક્તિનું બ્લડ-પ્રેશર ૧૩૦/૮૦થી વધે તો એને હાઇપરટેન્શન ગણવામાં આવશે એવું ગાઇડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આમ હાઈ બ્લડ-પ્રેશરનો આંકડો ૧૪૦/૯૦ને બદલે હવે ૧૩૦/૮૦ ગણવામાં આવશે.

લક્ષણ હોતાં નથી

રોગના મૅનેજમેન્ટની વાત ત્યારે આવે જ્યારે સમયસર એનું નિદાન થયું હોય. હાઇપરટેન્શન એક એવો રોગ છે જેનાં કોઈ લક્ષણ જ નથી. જો તમને એ રોગ હશે તો એનો અર્થ એવો જરાય નથી કે તમને એનું એક પણ લક્ષણ દેખાય. મોટા ભાગના લોકોને જ્યારે હાર્ટ-અટૅક આવે છે ત્યારે ખબર પડે છે કે તેમને આ બીમારી હતી જેના પર તેમણે ધ્યાન આપ્યું નથી. આ બાબતે સ્પષ્ટતા કરતાં દહિસર અને સાંતાક્રુઝના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘આ રોગ એવો છે જેનું રીડિંગ જ્યાં સુધી માપીને જુઓ નહીં ત્યાં સુધી ખબર પડે નહીં કે તમને આ રોગ થયો છે. પહેલાં એવું હતું કે ૫૦ વર્ષ પછી બ્લડ-પ્રેશર ચેક કરાવવું, કારણ કે ઉંમરને કારણે આ રોગ થવાની શક્યતા વધે છે. પરંતુ આજકાલ બગડતી જતી લાઇફ-સ્ટાઇલમાં ૨૫-૩૦ વર્ષે પણ લોકોને હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ જોવા મળતી હોય છે. એટલે ૨૫-૪૦ વર્ષ સુધી દર વર્ષે વધુ નહીં તો એક વાર અને ૫૦ વર્ષ પછી દર વર્ષે બે વાર બ્લડ-પ્રેશર મપાવવું જરૂરી છે. મપાવ્યા વગર નિદાન કરવું શક્ય જ નથી. ગફલતમાં રહી જનારાને ગંભીર પરિણામો ભોગવવાં પડે છે. એટલે રેગ્યુલર ચેકઅપ બાબતે સજાગ રહેવું જરૂરી છે.’

tension1

નિદાનની રીત

કોઈ વ્યક્તિને એક વાર રીડિંગ વધુ આવ્યું એટલે કે ૧૪૦/૯૦ કે એની આસપાસનું રીડિંગ આવ્યું તો શું એનો અર્થ એ છે કે આ વ્યક્તિને હાઈ બ્લડ-પ્રેશરની બીમારી છે? આ વાતને નકારતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ઘણી વાર એવું થાય છે કે તમે એકદમ દોડ્યા હો કે સ્ટ્રેસમાં હો કે પછી ગુસ્સો આવી ગયો હોય કે બીજા કોઈ પણ કારણસર બ્લડ-પ્રેશર એકદમ વધી ગયું હોય. એકાદ વાર પ્રેશર વધુ આવે તો એ નૉર્મલ છે. તમે ડૉક્ટર પાસે જાઓ અને તમારું પ્રેશર વધુ આવ્યું તો એમ ન સમજવું કે તમને આ બીમારી આવી જ ગઈ છે, પરંતુ આ એક ચેતવણી છે. આજકાલ BP માપવાનું મશીન બધે મળે છે. જો એક વસાવી શકો તો દરરોજ અલગ-અલગ સમયે BP ચેક કરવું અને એવાં ૧૦-૧૨ રીડિંગ ભેગાં કરીને ડૉક્ટર પાસે જવું. આ રીડિંગ દ્વારા સાબિત કરી શકાય કે તમને બ્લડ-પ્રેશર છે કે નહીં. જો તમે મશીન વસાવી ન શકો તો હૉસ્પિટલ જઈને ચેક કરાવી લેવું, પરંતુ નિદાનની ઉતાવળ ન કરવી. ૧-૨ રીડિંગના અંતે માની ન લો કે તમને આ રોગ આવી જ ગયો છે. હાઇપરટેન્શનની એક ટેસ્ટ પણ આવે છે જેમાં ૨૪ કલાકનું પ્રેશર ખબર પડે છે. એ પણ કરાવી શકાય છે.’

અસર

જેમને હાઇપરટેન્શન છે તેઓ એની દરરોજ એક ગોળી લઈ લે છે એટલે તેમને લાગે છે કે બધું કામ પતી ગયું. ઘણા તો એવા પણ છે કે અમુક સમય સુધી હાઇપરટેન્શનની ગોળી લે અને પછી મૂકી દે. જો તમને હાઇપરટેન્શનનું નિદાન થાય તો એક વસ્તુ ગાંઠ બાંધી લેવાની છે કે દવા જીવો ત્યાં સુધી લેવાની રહેશે, વચ્ચે ક્યારેય મૂકી શકાશે નહીં. દવાનો પાવર ઉપર-નીચે કરી શકાય, ગોળીઓ ફેરવી શકાય; પરંતુ ગોળી બંધ નહીં થાય. આ ગોળી લેવાથી હાઇપરટેન્શન પર કન્ટ્રોલ રાખી શકાય છે. છતાં આ લાંબા ગાળાનો રોગ છે જે શરીરની નસો પર અસર કરે જ છે. આ અસર આમ તો શરીરનાં બધાં જ અંગમાં થઈ શકે છે, પરંતુ મુખ્યત્વે એ કયા અંગમાં અસર કરે અને કઈ રીતે એ જાણીએ ડૉ. સુશીલ શાહ પાસેથી.

મગજ : જ્યારે મગજની લોહીની નસો પર પ્રેશર વધે ત્યારે ડિમેન્શિયા કે મેમરી-લૉસ જેવી તકલીફો થવાની શક્યતા વધે છે. આ સિવાય આ રોગ સ્ટ્રોક માટે જવાબદાર બને છે એટલું જ નહીં, બ્લડ-પ્રેશરને કારણે હૅમરેજ થવાનું રિસ્ક ઘણું વધુ રહે છે, કારણ કે પ્રેશરને લીધે નસ ફાટી જાય એવું પણ થઈ શકે.

હાર્ટ : હાઇપરટેન્શનને કારણે લોહી લઈ જતી નસો ડૅમેજ થતી હોય છે અને એ જે ડૅમેજ છે એને પૂરવાનું કામ કૉલેસ્ટરોલ કરે છે. કૉલેસ્ટરોલ આ તૂટેલી લોહીની નસોને સાંધે છે, પરંતુ જ્યારે બ્લડ-પ્રેશર વધુ હોવાની સાથે શરીરમાં કૉલેસ્ટરોલ પણ વધુ હોય જે હોવાની શક્યતા ઘણી વધુ છે ત્યારે એ નસોને રિપેર કરતી વખતે એ જગ્યાએ વધુ કૉલેસ્ટરોલ જમા થઈ જાય છે અને નળી બ્લૉક થઈ જાય છે. આ બ્લૉકેજ હાર્ટ-અટૅકનું કારણ બનતાં હોય છે.

આંખ : હાઇપરટેન્શનની અસર શરીરની નાની નસો પર પણ ખૂબ થઈ શકે છે જેમાં આંખની નસોને છેવટની નસો કહેવાય છે અને એ અસરગ્રસ્ત થાય એની શક્યતા ઘણી વધુ રહે છે. આ દરદીઓને આંખમાં રહેલી નસોમાંથી લોહી વહે કે આંખનો પડદો એટલે કે રેટિના ડૅમેજ પણ થઈ શકે છે. એક વખત જો રેટિના ડૅમેજ થયો તો એને ઠીક કરવો શક્ય જ નથી. વ્યક્તિનું એટલું વિઝન જતું રહે છે અને એ ગયેલું વિઝન પાછું આવી શકતું નથી.

કિડની : કિડનીની નસો પર જ્યારે પ્રેશર વધે છે ત્યારે કિડનીમાં થતું કામ અટકે છે. જે કચરાનો કે ટૉક્સિનનો નિકાલ થવો જોઈતો હતો એ થતો નથી, જેના કારણે કચરો અંદર જ ભરાયેલો રહે છે અને લાંબા ગાળે કિડની-ફેલ્યર થઈ શકે છે.

આ સિવાય ફેફસાં, સ્કિન અને આંતરડાં પર પણ આ રોગ અસર કરી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK