સ્પાઇનની હેલ્થને જાળવવામાં ખૂબ ઉપયોગી છે યોગ

સ્ટ્રેસ, ખોટું પૉર અને ખોટી રીતે વજન ઉપાડવાને લીધે સ્પાઇન-હેલ્થને નુકસાન પહોંચે છે. જે વ્યક્તિ યોગ નિયમિતપણે કરતી હોય એની સ્પાઇન-હેલ્થ અત્યંત સારી હોય છે, કારણ કે યોગને લીધે સ્ટ્રેસ મૅનેજ કરવાનું શીખી શકાય છે. એને કારણે પૉર સાચું બને છે અને કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે છે. આજે જાણીએ એવા કયા યોગ છે જે સ્પાઇન-હેલ્થમાં મદદરૂપ થઈ શકે છેWORLD SPINE DAY - જિગીષા જૈન

આપણા શરીરમાં કરોડરજ્જુ જ છે જે આપણને માણસ તરીકે પ્રાણીઓથી જુદી ઓળખ આપે છે, કારણ કે આ કરોડરજ્જુ આડી નહીં સીધી છે. એનાથી આપણું સ્ટ્રક્ચર બને છે. હાથ અને પગ જે પણ કાર્ય કરે એનું સ્ટ્રેસ કરોડરજ્જુ જ ઉઠાવે છે. શરીરનું વળવું, વજન ઉઠાવવું વગેરે જેવાં કામોનું ભારણ કરોડરજ્જુ પર છે. એમ કહીએ કે આ કામો માટે જ કરોડરજ્જુનું નિર્માણ થયું છે, પરંતુ જ્યારે આપણે કરોડરજ્જુનો ગેરફાયદો ઉઠાવવા માંડીએ છીએ ત્યારે તકલીફો શરૂ થાય છે, જે વિશે સજાગતા જરૂરી છે.

મુખ્ય પ્રૉબ્લેમ

આજની આપણી લાઇફ-સ્ટાઇલ ખૂબ જ પરિવર્તિત થઈ ગઈ છે. ખાસ કરીને વર્કિંગ ક્લાસ જે ઑફિસમાં ૮-૧૦ કલાક બેઠાં-બેઠાં કામ કરે છે એની હાલત સૌથી વધુ ખરાબ છે. આ સિવાય વજન ઉપાડતા મજૂરો કે બાળકોને સતત તેડતી મમ્મીઓની પણ આ હાલત થઈ જતી હોય છે. આ તકલીફોનાં કારણો વિશે જણાવતાં ફિઝિયોરીહૅબ બાંદરા, મલાડ અને ઑપેરા હાઉસનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અંજના લોંગાણી કહે છે, ‘વ્યક્તિનું સૂવાનું-ઊઠવાનું કે બેસવાનું ખોટું પૉર, ખોટી રીતે વજન ઉપાડવામાં આવે ત્યારે, વધુ ઝૂકવામાં આવે ત્યારે કે ખૂબ વજન ઉપાડવું પડે ત્યારે આ પ્રકારની તકલીફો ઉદ્ભવી શકે છે. મારી પાસે એક દરદી આવેલા જેમને ભયંકર દુખાવો હતો, પણ એનું કોઈ કારણ જ સમજમાં આવતું નહોતું. તેમની આખી દિનચર્યા પૂછી તો ખબર પડી કે તે ઑફિસથી આવીને તેમની ૬-૭ વર્ષની દીકરી સાથે જે રીતે રમતાં એ રીત ખોટી હતી. તે પથારીમાં સૂતાં-સૂતાં આડા થઈને તેને ઊંચકતા. આવી નાની-નાની ઘણી ભૂલો આપણે કરતા હોઈએ છીએ, પરંતુ એનો અહેસાસ આપણને નથી થતો અને આ ભૂલોનું પરિણામ આપણી કરોડરજ્જુએ ભોગવવું પડે છે.’

યોગની ઉપયોગિતા

બીજું એ કે કરોડરજ્જુ સંબંધિત જેટલા પણ પ્રૉબ્લેમ છે એનું મુખ્ય કારણ શરીરનું ખોટું પૉર હોય છે. વાંકા વાળીને બેસવું કે ખૂંધ નીકળવી આ પ્રૉબ્લેમ આજે લગભગ ૮૦ ટકા લોકોને હોય છે. અને આ રીતે કરોડરજ્જુની આસપાસના સ્નાયુઓ નબળા બને છે, જેને લીધે કરોડરજ્જુ પર માર પડે છે અને ધીમે-ધીમે તકલીફો શરૂ થાય છે. તો એનો ઉપાય શું હોય શકે? આ બાબતે વાત કરતાં ન્યુ એજ યોગા, વિલે પાર્લેનાં યોગગુરુ સંધ્યા પત્કી કહે છે, ‘જે બાળકો નાનપણથી યોગ કરે છે તેમનું સ્ટ્રક્ચર અને પૉર બન્ને સરસ હોય છે. યોગને કારણે કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા જ નહીં, પરંતુ એની સ્ટ્રેંગ્થ પણ વધે છે. એની આજુબાજુના સ્નાયુઓ સુદૃઢ બને છે જેથી એના પર બિનજરૂરી ભાર આવતો નથી. જે વ્યક્તિનું પૉર ખરાબ છે એ પણ રેગ્યુલર

યોગ-પ્રૅક્ટિસ કરે તો ધીમે-ધીમે એનું પૉર સુધરી જાય છે. જો તમને જીવનભર સ્પાઇનની હેલ્થ જાળવી રાખવી હોય તો નિયમિત યોગ ઘણા જ મદદરૂપ થઈ શકે છે.’

સ્ટ્રેસ

કરોડરજ્જુની હેલ્થ પર જે અસર કરે છે એ પરિબળોમાં સ્ટ્રેસ પણ એક મહત્વનું પરિબળ છે. ધ્યાન આપ્યું હોય તો સમજાશે કે જો વ્યક્તિ ખૂબ જ ચિંતામાં હોય કે ટેન્સ હોય તો એના ખભા અત્યંત કડક થઈ જાય છે. આ સિવાય જો એ ડિપ્રેસ કે દુખી હોય તો એનું પૉર ખરાબ થઈ જાય છે. પીઠ વાંકી વળી જાય છે. આમ જરૂરી છે કે વ્યક્તિ પોતાની કરોડરજ્જુની હેલ્થ સારી રાખવા માગતી હોય તો સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખે. યોગ આ બાબતે પણ અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે. જે વ્યક્તિ યોગ કરતી હોય એ વ્યક્તિ સ્ટ્રેસને સારી રીતે મૅનેજ કરી શકે છે.

કયાં આસનો ઉપયોગી?


કરોડરજ્જુની હેલ્થ માટે ઉપયોગી થનારાં આસનો વિશે જાણીએ યોગગુરુ સંધ્યા પત્કી પાસેથી. મહત્વની વાત એ છે કે આ યોગ કોઈ નિષ્ણાત પાસેથી શીખવા જરૂરી છે અને પછી જ એની પ્રૅક્ટિસ ઘરે કરી શકાય. જાતે વગર કોઈ નિષ્ણાતના ગાઇડન્સ વગર આ યોગ ન જ કરવા, કારણ કે જો ખોટી રીતે થયા તો એ ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.

yoga

ભુજંગાસન

ભુજંગ એટલે સાપ. સાપ જેમ ફેણ ફેલાવે એમ શરીરને ઉપરના ભાગને સૂતા હોય એ પોઝિશનમાં ઉપર ઉઠાવવાનો હોય છે. હાથ પર આગળનું શરીર ટકેલું હોય છે. સૂર્યનમસ્કારનું આ એક મહત્વનું આસન છે. આમ તો આ આસનના ઘણા ફાયદા છે, પરંતુ જે મહત્વનો ફાયદો છે એ છે એનાથી કરોડરજ્જુ એકદમ મજબૂત બને છે.

શલભાસન

સંસ્કૃત શબ્દ શલભનો અર્થ થાય ગ્રાસહોપર એટલે કે તીતીઘોડો કે ખડમાકડી. આ આસનમાં જમીન પર ઊંધા સૂઈ જવાનું હોય છે અને કમરની નીચેના ભાગને ઉપર તરફ ઉઠાવવાનો હોય છે. પીઠની શક્તિ વાપરીને પગનું વજન ઉપાડવામાં આવે છે. એને ઉપરની તરફ જેટલા ઉઠાવી શકાય એટલા ઉપાડવામાં આવે છે. આ આસન સમગ્ર બૅકને મજબૂત બનાવવા માટે ઉપયોગી છે.

yoga1

ધનુરાસન

ધનુરાસનમાં શરીર કમાનની માફક આખું વાળવાનું હોય છે. જેમાં ઊંધા સૂઈ જવાનું અને બન્ને હાથથી પગને એવી રીતે પકડવાના કે જેથી આખી કમાન કે ધનુષની રચના થાય. આ આસનના ફાયદાઓ અનેક છે, પરંતુ ફક્ત કરોડરજ્જુની વાત કરીએ તો એ પીઠ પરના સ્ટ્રેસને રિલીઝ કરે છે અને કમરની સ્થિતિસ્થાપકતા એટલે કે ફ્લેક્લિબિલિટીને વધારે છે.

yoga2

ચક્રાસન

ચક્રાસન ધનુરાસનનું વિરોધી આસન છે જેમાં ચત્તા સૂઈ જઈને બન્ને હાથની હથેળી અને પગના પંજા પર આખું શરીર હવામાં ઊંચકાય છે અને ગોળાકાર ગુંબજ કે ચક્ર જેવો આકાર આવે છે. ચક્રાસનને કારણે પીઠ અને કમરના સ્નાયુઓને ટોન મળે છે અને સશક્ત પણ થાય છે. જે લોકો વધુ સમય ખુરસી પર બેસી રહે છે તેમના માટે એ અત્યંત લાભદાયી છે.

yoga3

હસ્તપાદાસન

સૂર્યનમસ્કારમાં આવતાં આસનોમાંનું એક આસન એટલે હસ્તપાદાસન, જેમાં ઊભા-ઊભા હાથેથી પગને અડવાનું હોય છે. આ આસનના પણ ઘણા જુદા-જુદા ફાયદા છે, પરંતુ ફક્ત પીઠ-કમરની વાત કરીએ તો એની ફ્લેક્લિબિલિટી વધારવા અને કરોડરજ્જુને સ્ટ્રૉન્ગ કરવામાં મદદરૂપ થાય છે.

yoga

સેતુબંધાસન

આ એક મુશ્કેલ આસન છે જેમાં માથું, પગ અને હાથ બન્ને જમીન પર હોય છે અને બાકીના ભાગો હવામાં અધ્ધર. એક બાંધ કે સેતુ જેવી રચના કરવાની હોય છે. એનાથી પણ બૅકને ઘણો સારો સ્ટ્રેચ મળે છે.

yoga5

માર્જરાસન

આ આસનમાં ઘૂંટણ અને હાથની હથેળી બન્નેને જમીન પર ટેકવીને બિલાડીની જેમ સેટ થવાનું હોય છે. પછી ગરદનથી ઉપર તરફ લઈ જઈને કરોડરજ્જુને એકદમ અંદર તરફ નાખીને પીઠનો એક અર્ધગોળાકાર બનાવવાનો હોય છે અને પછી ડોકને નીચે લઈને એ જ અર્ધગોળાકારની બહારની તરફ ઉપસાવવાનો હોય છે. આ આસન પણ કરોડરજ્જુ માટે અત્યંત ઉપયોગી માનવામાં આવે છે.

yoga5

મકરાસન અને શવાસન

આ બન્ને આસનોમાં રિલૅક્સેશન ઘણું મહત્વનું છે. યોગમાં જ્યારે સ્નાયુઓને સ્ટ્રેચ કરીએ એ જેટલું મહત્વનું છે એટલું જ એમને રિલૅક્સ થવા દેવા પણ મહત્વના છે. જ્યારે બીજાં આસનો કરી લઈએ એના પછી મકરાસન કે શવાસન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરોડરજ્જુ અને એની આસપાસના સ્નાયુઓ રિલૅક્સ થઈ શકે છે.

yoga6

યષ્ટિકાસન

જેમ તાડાસન ઊભાં-ઊભાં થાય એમ જો તાડાસન સૂતાં-સૂતાં કરવાનું હોય તો એને યષ્ટિકાસન કહે છે. યષ્ટિક એટલે સ્ટિક કે છડી. એક પાઇપની જેમ શરીરને એકદમ સીધું કરીને અપાતો આ સ્ટ્રેચ અત્યંત સરળ અને લાભદાયી છે. એનાથી કરોડરજ્જુને સરસ સ્ટ્રેચ મળે છે.

spine


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK