તમારું બાળક અટેન્શન ડેફિસિટ હાઇપર-ઍક્ટિવિટી ડિસઑર્ડર ધરાવે છે કે નહીં એ કેમ જાણશો?

અટેન્શન ડેફિસિટ હાઇપર-ઍક્ટિવિટી ડિસઑર્ડરને ADHD તરીકે ઓળખવામાં આવે છે જે ઘણાં બાળકોમાં જોવા મળતો સામાન્ય મેન્ટલ ડિસઑર્ડર છે. આ તકલીફનાં મુખ્યત્વે ત્રણ લક્ષણો છે જેના વડે બાળકને ઓળખવામાં આવે છે. એ છે બેધ્યાનપણું, હાઇપર-ઍક્ટિવિટી અને આવેગશીલતા. એને આજે વિસ્તારમાં સમજીએ

kids

પાર્ટ ૦૧ - જિગીષા જૈન

મીરાનો ક્રિશ નાનપણથી જ ખૂબ ધમાલિયો હતો. એક પણ જગ્યાએ શાંતિથી બેસે નહીં. દોડાદોડી અને કૂદાકૂદી કરે તથા એક નંબરનો ભાંગફોડિયો. મીરા ઘરમાં તો બધું ચલાવી લેતી, પરંતુ બહાર લઈ જતી ત્યારે ખૂબ તકલીફ પડતી. કોઈના ઘરે તે બાળક એટલી ધમાલ કરતું કે મીરાએ તેને કોઈ જગ્યાએ લઈ જતાં પહેલાં સો વખત વિચાર કરવો પડતો. ઘરમાં બધા કહેતા કે સ્કૂલમાં જવાનું શરૂ કરશે ત્યારે વાંધો નહીં આવે. પ્લેસ્કૂલમાં બાળકોને જેમ કરવું હોય એમ કરવાની છૂટ હતી એટલે તેની ધમાલની ખાસ ફરિયાદો આવતી નહીં. ક્રિશ જે રીતે ઘરે રહેતો એમ જ સ્કૂલમાં રહેતો, પરંતુ જેવો તે પહેલા ધોરણમાં આવ્યો અને મોટી સ્કૂલમાં ગયો એટલે તેની ફરિયાદો દરરોજ આવવા લાગી. એક વખત બેન્ચ પર ચડીને ધમાલ કરતો હતો એમાં નીચે પડી ગયો. એક વખત પથ્થરથી રમતો હતો તો કોઈનું માથું ફોડી નાખ્યું. તેને આવડતું બધું હતું, પરંતુ નોટબુકમાં વ્યવસ્થિત લખે જ નહીં. ટીચર બોલે એ વાતમાં તેનું ધ્યાન જ ન હોય. આવી કેટકેટલી ફરિયાદો પછી તેના શિક્ષકે મીરાને બોલાવીને કહ્યું કે તમે કોઈ નિષ્ણાતને બતાવો તો સારું. આ વાત સાંભળીને પહેલાં તો મીરા ખૂબ ગુસ્સે થઈ. તેને લાગ્યું કે આ શિક્ષક મારા બાળકને ગાંડો સાબિત કરવા માગે છે. તે તોફાની છે, ગાંડો નથી. શિક્ષકે તેમને સ્કૂલના કાઉન્સેલર પાસે મોકલ્યા જેમણે મીરા અને તેના ઘરના લોકોને સમજાવ્યું કે ‘માનસિક તકલીફ એટલે ગાંડા જ નહીં. તમારું બાળક હાઇપર છે. એવું લાગે છે કે એક વખત નિષ્ણાતની સલાહ લઈ લો.’

મીરા તેને નિષ્ણાત પાસે લઈ ગઈ અને ખબર પડી કે સાચે જ ક્રિશને અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર છે.

ડિસઑર્ડર

અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર મોટા ભાગે નાનપણથી જ જોવા મળતો પ્રૉબ્લેમ છે જેને બિહેવિયરલ પ્રૉબ્લેમ કહે છે. મેન્ટલ ડિસઑર્ડર્સમાં જોવા મળતા રોગોમાં આ અત્યંત સામાન્ય તકલીફ છે. મહત્વનું એ છે કે લોકો સમજે કે આ કોઈ રોગ નથી કે થયો અને મટી ગયો. આ એક કન્ડિશન છે જેની સાથે લગભગ બાળકે આખી જિંદગી રહેવાનું છે. છતાં આ એક બિહેવિયરલ પ્રૉબ્લેમ હોવાને કારણે એને ઘણી હદે મૉડિફાય કરી શકાય છે. આ બાબતે સમજાવતાં પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડૉ. નીલુ દેસાઈ કહે છે, ‘આ રોગમાં તકલીફ એ છે કે જો તમે નિદાન કરાવીને ઇલાજ નહીં કરાવો તો સમજવું અઘરું છે કે બાળક પાસેથી કામ કઈ રીતે લેવું, તેના આવેગોને શાંત કેમ કરવા અને તેને એક જગ્યાએ કઈ રીતે બેસાડવું અથવા તો કોઈ પણ વસ્તુમાં તેનું ધ્યાન કઈ રીતે ખેંચવું? આ આપણે સમજીએ એટલું પેચીદું નથી, પરંતુ સમજવાની તૈયારી હોવી અનિવાર્ય છે. આ પ્રકારનાં બાળકોને સ્કૂલમાં અને ઘરે ઘણી તકલીફો થાય છે. ભણવામાં, શીખવામાં, શીખેલું બતાવવામાં તકલીફો થાય છે. જેટલું જલદી તમે બાળકનું નિદાન કરાવશો એટલું એનું પરિણામ વધુ સારું આવશે. કારણ સરળ છે. એક વખત બાળકને અમુક પ્રકારના વર્તનની આદત પડી ગઈ તો છોડાવવી મુશ્કેલ છે. આ તકલીફ છોકરીઓ કરતાં છોકરાઓમાં વધુ જોવા મળે છે. મોટા ભાગનાં બાળકોનું નિદાન સ્કૂલમાં જાય ત્યારે જ થતું હોય છે, કારણ કે તેઓ ભણવામાં ધ્યાન આપી શકતાં નથી.

(આવતી કાલે જોઈશું કે આ બાળકોને નૉર્મલ કરવા, તેઓ વ્યવસ્થિત ભણી શકે અને બીજાને અડચણરૂપ બન્યા વગર રહી શકે એ માટે શું કરવું જોઈએ)

ADHDનાં મુખ્ય ત્રણ લક્ષણો

ADHD ધરાવતાં બાળકોમાં મુખ્યત્વે ત્રણ ચિહ્નો જોવા મળે છે. બને કે બાળકમાં ત્રણેય ચિહ્નો હોય, બને કે ત્રણમાંથી એક કે બે ચિહ્નો જ વધુ જોવા મળે. આ ચિહ્નો વિશે સમજીએ ડૉ. નીલુ દેસાઈ પાસેથી.

૧. બેધ્યાનપણું : મોટા ભાગે એક માન્યતા છે કે ADHD ધરાવતાં બાળકો હાઇપર તો હોય જ, પરંતુ એવું નથી. ઘણાં ADHDનાં બાળકો હાઇપર હોતાં નથી. તેઓ શાંતિથી એક ખૂણે બેસી જતાં હોય છે, પરંતુ એ બાળકો અતિ બેધ્યાન રહેતાં હોય છે. એક જગ્યાએ તેમનું ચિત્ત ચોંટતું નથી. આ એનું ઘણું મુખ્ય લક્ષણ છે માટે એને અવગણવું નહીં.

તમારા બાળકનું ધ્યાન ભટક્યા કરતું હોય એટલે કે એક વિષય પરથી બીજા વિષય પર તે ક્યારે જતું રહે એ ખબર જ ન પડે.

તમે કહો એ રીતે સ્ટેપ પછી સ્ટેપ કામ ન કરે જેને લીધે તેના ટાસ્ક ક્યારેય પતે નહીં.

એવું લાગે કે જાણે તે વાત જ સાંભળતું નથી ક્યારેય.

ધ્યાન ન આપવાને કારણે કાળજી ન આપે અને ભૂલો કર્યા કરે.

દરરોજની પ્રવૃત્તિઓને પણ ભૂલી જાય.

રોજિંદાં કામોને વ્યવસ્થિત એક પછી એક પતાવવામાં તેને તકલીફ રહે.

વસ્તુઓ ભૂલી જાય કે ખોઈ આવે.

તેને જોઈને એવું લાગે કે તે દિવસે સપનાં જોઈએ રહ્યું છે.

૨. હાઇપર-ઍક્ટિવિટી : ADHDનાં મહત્વનાં લક્ષણોમાં હાઇપર-ઍક્ટિવિટી આવે છે. આજકાલ વધુ ને વધુ બાળકો આ તકલીફ ધરાવતાં થઈ ગયાં છે એટલે જ આ ડિસઑર્ડર હાઇપર-ઍક્ટિવિટીના નામે પણ ઓળખાય છે. ઘણી વખત પેરન્ટ્સ ખુશ થઈ જતા હોય છે કે અમારું બાળક તો ઍક્ટિવ છે, પણ આ ઍક્ટિવ અને હાઇપર-ઍક્ટિવ બાળક વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી જરૂરી છે.

આ બાળકો કોઈ જગ્યાએ પગ વાળીને બેસી શકતાં નથી. એટલે કે એક જગ્યાએ ૧૦ મિનિટ માટે પણ બેસવું તેમના માટે ભારે થઈ પડે છે એટલી ચંચળતા તેમનામાં હોય છે.

જ્યારે આ બાળકો બેઠાં હોય ત્યારે સખણાં બેસતાં નથી. ગોળ-ગોળ ફર્યા કરે, બેઠા-બેઠા કૂદકા મારે, ક્યારેક ગલોટિયાં પણ ખાય.

શાંતિથી બેસીને રમતું આ પ્રકારનું બાળક ક્યારેય જોવા નહીં મળે.

તે સતત હલતું હશે. ચાલે, દોડે, ક્યાંક ચડી જાય. સતત રેસ્ટલેસ રહેતું હોય.

અતિશય વાતો કરે. ખૂબ બોલે.

કેટલાંક બાળકો એવાં હોય છે જેઓ સવારથી રાત સુધી બસ ભાગતાં જ હોય. ઘણી વાર પેરન્ટ્સને લાગે કે આની બૅટરી પતતી જ નથી, હવે આ મોટર બંધ થાય તો સારું. એવાં બાળકો આ કૅટેગરીમાં આવે છે.

૩. આવેગશીલ :
આ લક્ષણ પણ ઘણું મહત્વનું છે. આ તકલીફને ઓળખવા માટે જ નહીં, આ તકલીફને ઠીક કરવામાં જે થેરપી આપવામાં આવે છે એમાં આ લક્ષણ પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. રાહ જોવી, પોતાના આવેગોને કન્ટ્રોલમાં રાખવા, સમાજમાં જીવવા માટે જરૂરી છે માટે એ શીખવું પણ જરૂરી છે.

આ બાળકો ક્યારેય રાહ જોઈ શકતાં નથી. તેમને દરેક વાતની જલદી હોય છે. સામાન્ય રીતે કહો કે આ બે બાળકો પછી તારો વારો આવશે તો તે એટલું પણ રોકાઈ ન શકે અને ઉધામા કરવા લાગે

જ્યારે કોઈ પ્રશ્ન પુછાય તો હાથ ઉપર કરવા જેટલી ધીરજ તેમનામાં હોતી નથી. વળી કોઈ હાથ ઊંચો કરીને બોલવા જાય એ પહેલાં જ તે જવાબ આપી દે. એક પ્રકારનાં અધૂરિયાં અને ઉતાવળિયાં હોય છે આ બાળકો. રાહ જોવાનું તેમને ફાવતું નથી.

રાહ ન જોવાનું ન આવડવાને કારણે આ બાળકો બીજાને ખૂબ ડિસ્ટર્બ કરે છે. તમે કહો કે હું અત્યારે કામમાં છું અને અત્યારે વાત નહીં થઈ શકે; મને ૧૦ મિનિટ આપ, પછી વાત કરીએ તો તેમનાથી રોકાવાય જ નહીં. એ ૧૦ મિનિટ તે તમને આપે નહીં અને તમારું કામ સતત ડિસ્ટર્બ કર્યા જ કરે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK