બાળકોને તો ખાવા દેવાય, તેમને તો પાણા પણ પચી જાય, શું તમે આ માનો છો?

બાળકોને બધું જ ખાવા દેવાય એવું ત્યારે મનાતું હતું જ્યારે બધું ઘરે જ બનતું. ઘણાં ઘરોમાં આજે પણ બાળકને ખાતાં અટકાવવાં ખોટું માનવામાં આવે છે. તેને જે ભાવે એ ખાવા  દ્યોવાળું ચલણ આજના સમયમાં ખોટું છે. જરૂરી છે બાળકને બૅલૅન્સ્ડ મીલ ખાતાં શીખવવું. અતિરેક કોઈ પણ વસ્તુનો હોય એ  ખરાબ જ છે. જો તમારું બાળક જન્ક, ચૉકલેટ્સ, મીઠાઈઓ અને તળેલા સ્નૅક્સ પર તૂટી પડતું હોય તો એને અટકાવવું જરૂરી છે

food

જિગીષા જૈન

દરેક ઘરમાં આજે કોઈ ને કોઈ પરેજી પાળતા લોકો જોવા મળે જ છે. ઘરમાં રહેતા દાદાને હાર્ટ-ડિસીઝ હોય એટલે ઘી-તેલ ઓછાં ખાવાનાં હોય, દાદીને ગYયું ખાવાનો ખૂબ શોખ હોય; પરંતુ ડાયાબિટીઝને કારણે ખાઈ ન શકતાં હોય એટલે મીઠાઈ બંધ હોય. મમ્મીને તેની કમર વધી ન જાય એટલે આ ખાવું અને આ ન ખાવુંની પરેજી ચાલતી હોય અને પપ્પાની ઑફિસમાં બેસીને ફાંદ વધતી જ જતી હોય, જેને ઓછી કરવા ભલે દોડવા ન જાય; પરંતુ ખાવામાં કૉમ્પ્રોમાઇઝ કરતા હોય છે. આ ઘર-ઘરની સ્ટોરી છે. પાર્ટીમાં કદાચ દાબીને ખાઈ પણ લેતા હોય, પરંતુ મુંબઈમાં ઍવરેજ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ પરેજી તો પાળતી જ હોય છે. આ ખવાય અને આ ન ખવાયનું એક લાંબું લિસ્ટ હોય જ છે, પરંતુ જ્યાં બાળકોની વાત આવે છે ત્યાં આપણે ત્યાં એક પ્રકારની માનસિકતા જોવા મળે છે કે તેને તો ખાવા દ્યો. બાળક મીઠાઈના પાંચ પીસ ખાઈ લે તો મમ્મી કદાચ ટોકે પણ ખરી, પરંતુ દાદી ચોક્કસ આવીને કહેશે કે તેને તો ખાવા દે. બાળકોને તો બધું પચી જાય. વાંધો નહીં. શું ખરેખર એવું હોય છે કે બાળકને બધું જ પચી જાય? તે કેટલુંય અને કેવુંય ખાઈ લે તો તેને વાંધો ન આવે?

બીજી એક એવી માનસિકતા પણ જોવા મળે છે કે બાળકને આ ઉંમરમાં તો ખાવા દ્યો. અત્યારે નહીં ખાય તો પછી ક્યારે ખાશે? આ તો તેની ખાવા-ખેલવાની ઉંમર કહેવાય. મોટા થશે પછી જાતે જ સમજીને નહીં ખાય. વળી કોઈ બીમારી આવી તો એમનેમ પણ બધું બંધ થઈ જશે, એના કરતાં અત્યારે માગે છે તો ખાવા દ્યો. આ માનસિકતા પણ કેટલે અંશે યોગ્ય છે? શું બાળકોના ખોરાક પ્રત્યે આ પ્રકારની માનસિકતા બાળકને કોઈ નુકસાન પહોંચાડી શકે છે કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ આપણે સમજીએ.

નાનપણથી ધ્યાન રાખવું જરૂરી

આજનાં બાળકોનું એક લક્ષણ એ છે કે ખાવાનાં નખરાં તેમના ઘણાં છે એવી ફરિયાદો ઘણા પેરન્ટ્સ કરતા હોય છે, જેને કારણે બાળક કોઈ વસ્તુ ખાતું હોય તો મા-બાપ તેને ટોકતા નથી. તેમને લાગે છે કે ચાલો કંઈ નહીં, આટલું તો ખાય છે. તેને જે ભાવે એ ખાવા દો. આ અપ્રોચને કારણે આજકાલ બાળકો વધુ ને વધુ જન્ક ખાતાં થઈ ગયાં છે. એ વિશે વાત કરતાં ફિમ્સ ક્લિનિકનાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘બાળક શું ખાય છે, કેટલું ખાય છે અને કેવું ખાય છે એ બધું જ ખૂબ મહત્વનું છે. નાનપણમાં બાળકના શરીરનો અને મગજનો બન્નેનો વિકાસ થતો હોય છે. આ સમયમાં તેના ખોરાકનું ધ્યાન રાખવું ઘણું મહત્વનું છે. વળી બીજો મુદ્દો એ છે કે નાનપણથી જો તે હેલ્ધી અને બૅલૅન્સ્ડ ખોરાક ખાશે તો તેને એની આદત પડશે. આ સારી આદત જે બાળકોને નાનપણથી નથી હોતી એ મોટાં થઈને પણ નથી બદલતી.’

શું ખાય છે એ પણ મહત્વનું


આમ તો અતિરેક કોઈ પણ વસ્તુનો હોય, એ નુકસાનકારક જ છે. પરંતુ અમુક ખોરાક વધુપડતો ક્યારેક ખવાઈ જાય તો ઠીક છે અને અમુક પ્રકારનો ખોરાક વધુ ખાવો બિલકુલ ઠીક નથી. એ વિશે સ્પષ્ટતા કરતાં ધ્વનિ શાહ કહે છે, ‘ક્યારેક કોઈ ફળ કે ઘરમાં બનેલી કોઈ વસ્તુ પર બાળક તૂટી પડે કે વધારે ખાઈ લે તો આપત્તિ ન હોઈ શકે, પરંતુ એ જ બાળક પાર્ટીમાં જઈને ૫-૧૦ ચૉકલેટ ખાઈ લે, ૩ મોટા પીસ કેકના ખાઈ લે કે પછી જન્ક પર તૂટી જ પડે તો એ બરાબર નથી. ઘણાં બાળકો એવાં છે કે બહાર લઈ જાઓ ત્યારે તે ખાતાં હોય એના કરતાં ડબલ ખાય. ત્યારે તેમને રોકવાં જરૂરી છે. બાળકોને ખાતાં રોકવાં એ ખોટું નથી.’

ઓબેસિટી અને કુપોષણ


આપણા સમાજમાં એવાં બાળકો પણ છે જેમને ખાવાનું મળતું નથી એટલે તે કુપોષણનો શિકાર બનેલાં છે, જ્યારે શહેરોમાં રહેતાં બાળકોમાંનાં એવાં પણ બાળકો છે જેમને ખૂબ ખાવા મળે છે છતાં તે કુપોષણનો શિકાર છે. એનું કારણ એ છે કે એ લોકો ખાય તો છે, પરંતુ એ ખોરાક જેમાંથી કોઈ પોષણ મળતું નથી. આ બાબતે ચિંતા જતાવતાં ચિયર્સ ચાઇલ્ડ કૅર, કેમ્પ્સ કૉર્નરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આજકાલ બાળકોમાં નાની ઉંમરથી ઓબેસિટીની તકલીફ વધુ જોવા મળે છે. બાળકોમાં ટાઇપ-વન ડાયાબિટીઝ જોવા મળે છે એ મોટા ભાગે જિનેટિક હોય છે, પરંતુ નાનાં બાળકોમાં ટાઇપ-ટૂ ડાયાબિટીઝ પણ જોવા મળે છે; જેની પાછળ તેમની ઓબેસિટી જવાબદાર હોઈ શકે છે. જો ટાઇપ-ટૂ ડાયાબિટીઝ ન આવે તો ઘણાં બાળકો પ્રી-ડાયોબેટિક સ્ટેજ પર પહોંચી જાય છે. એટલે કે આવાં બાળકોનું ધ્યાન ન રાખવામાં આવે તો નજીકના ભવિષ્યમાં તેમને ડાયાબિટીઝ ચોક્કસપણે આવી જાય છે. મોટા ભાગના ઓબીસ બાળકોમાં આ પ્રૉબ્લેમ આવી જ જતો હોય છે. એક અમેરિકન આંકડા મુજબ ૫-૧૭ વર્ષનાં ૭૦ ટકા ઓબીસ બાળકોમાં કાર્ડિયો-વૅસ્ક્યુલર ડિસીઝ માટેનાં રિસ્ક-ફૅક્ટર જેમ કે બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ કે ડાયાબિટીઝ જોવા મળે છે.’

બીજા હેલ્થ પ્રૉબ્લેમ્સ

ઓબીસ બાળકોમાં સાંધા અને હાડકાંના પ્રૉબ્લેમ્સ પણ વધુ રહે છે. નાનપણમાં જ્યારે શારીરિક વિકાસ થઈ રહ્યો હોય ત્યારે હાડકાં અને સાંધા પર આવતું વધારાના વજનનું ભારણ તે સહી શકતા નથી અને એને લીધે ખાસ કરીને પગનાં હાડકાં વાંકાં વળી જાય અથવા બાળક સતત સાંધાના દુખાવાની ફરિયાદ કર્યા કરે એમ બને. આ બાબતે વાત કરતા ડૉ. પંકજ પારેખ કહે છે, ‘હાડકાંની સાથે-સાથે આવાં બાળકોમાં હાર્ટ અને ફેફસાં પર પણ વધુ જોર પડે છે. કોઈ પણ ઍક્ટિવિટીમાં તેમના હાર્ટને અને ફેફસાંને તેમની કૅપેસિટીથી વધુ કામ કરવું પડે છે, જે હંમેશાં શક્ય બનતું નથી. આથી આવાં બાળકોમાં ઘણી વાર શ્વાસનળીમાં ભરાવો કે શ્વાસની કોઈ તકલીફ જણાતી હોય છે. જેવી રીતે જોવા મળે છે કે એક ઓબીસ બાળક યુવાન થયા પછી પણ ઓબીસ જ રહેવાની શક્યતા ઘણી વધારે હોય છે. તરુણ વયે પણ બાળકોમાં બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ જેવા પ્રૉબ્લેમ, છોકરીઓમાં પૉલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રૉમ જોવા મળે છે.’

પચી જાય?

આપણે એવું માનીએ છીએ કે બાળકો ખૂબ દોડાદોડી કરતાં હોય, રમતાં હોય આથી તેમની ગ્રોથની ઉંમરમાં એને કંઈ પણ ખવડાવો તો વાંધો ન આવે. આ બાબતે સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘બાળકોનું મેટાબોલિઝમ સારું હોય એ વાત સાચી છે. એવાં બાળકો જે ખૂબ રમતાં હોય, ઍક્ટિવ હોય તેમને યોગ્ય ખોરાક અને પોષણની પણ જરૂર રહે છે. જો તેઓ વધુપડતી મીઠાઈ કે વધુપડતા ફ્રાઇડ સ્નૅક્સ કે જન્ક ફૂડ ખાય તો એમાંથી તેમને પોષણ મળવાનું જ નથી. જે મળશે એ ખાલી કૅલરી છે. આ વધુપડતી કૅલરી ખાઈને બાળકમાં મેદ જમા થતો જાય અને ઍક્ટિવ બાળક ઊલટું પૅસિવ બનતું જાય છે. મેદસ્વી બાળકો ભાગ્યે જ ઍક્ટિવ હોય છે. આ એક ધીમી પ્રોસેસ છે એટલે એકદમ સમજાતી નથી, પરંતુ એવા ઘણા પેરન્ટ્સ છે જેમની ફરિયાદ છે કે બાળક નાનું હતું ત્યારે પગ વાળીને બેસતું નહોતું અને હવે આખો દિવસ બેઠું રહે છે. જો તમારું બાળક દિવસમાં વધુ સમય ટીવી અને મોબાઇલ પાછળ આપતું હોય, ખાસ ઍક્ટિવ ન હોય તો-તો આ ખાલી કૅલરી તેને વધુ નુકસાનદાયક સાબિત થાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK