પેરન્ટ્સ બનવા માટે પેરન્ટિંગ કોર્સ કરવાની જરૂર ખરી?

પેરન્ટિંગ જેવો અઘરો વિષય કોર્સ દ્વારા શીખી શકાય? કદાચ ના, પરંતુ અહીં મહત્વનું એ નથી કે કોર્સ કરવો કે નહીં. મહત્વનું એ છે કે બાળક માટે શારીરિક અને માનસિક સજ્જતા કેળવવી અત્યંત જરૂરી છે જેનું મહત્વ આજના પેરન્ટ્સ સમજે છે

mirta

જિગીષા જૈન

એક સમય હતો જ્યારે ભણવાનું પતે એટલે લગ્ન અને લગ્ન થાય એટલે એક વર્ષની અંદર છોકરું. એ થોડુંક મોટું થાય ત્યાં બીજું. એમાં પણ પાછા સંયુક્ત પરિવારો હોય એ જગ્યાએ તો એકસાથે ૪-૫ છોકરાઓ મોટા થઈ રહ્યા હોય. આ જે પ્રોસેસ છે કે ઉંમર થાય એટલે લગ્ન અને લગ્ન થાય એટલે છોકરા એ એક સમયે એટલી સહજ હતી કે લોકો એ બાબતે ખાસ વિચારતા નહોતા, બધું સમય પ્રમાણે થતું જતું. આજે હવે એવું નથી. લગન માટે, બાળક માટે અને બાળકની પરવરિશ માટે લોકો પ્લાનિંગ કરતા થઈ ગયા છે. ઘણાં કપલ્સ કહે છે કે અમે બાળક માટે તૈયાર નથી. ઘણાં કપલ્સ કહે છે કે બાળકને કેમ મોટું કરવું એ બાબતે અમને કોઈ આઇડિયા નથી. ઘણાં યુવાન કપલ્સ એવાં પણ છે જેમને બાળકો ગમે છે, પરંતુ તેઓ પેરન્ટિંગ માટે કન્ફ્યુઝ છે, કારણ કે તેમનાં માતા-પિતાએ તેમનો જે રીતે ઉછેર કર્યો એનાથી તેમને બાળક તરીકે વાંધો હતો અને તેમણે મનમાં એ વાત દૃઢ કરી છે કે અમે અમારાં બાળકો સાથે એવું તો નહીં જ કરીએ જેવું અમારી જોડે અમારાં મમ્મી-પપ્પાએ કર્યું હતું. તો પછી કેવું કરીશું? શું નથી કરવું એ તેમને ખબર છે, પરંતુ શું કરવાનું એ તેમને ખબર નથી. એ માટે તેમને કોઈ મદદની જરૂર રહે છે.

પહેલાંનું પેરન્ટિંગ

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાંનું પેરન્ટિંગ ઘણું અલગ હતું. લોકો માનતા હતા કે બાળક ઈશ્વરની દેન છે, એ પોતાના નસીબનું લઈને આવશે, આપણે ચિંતા કરવા જેવી નથી. બાળકો ક્યાં રમે છે? શું કરે છે? શું વિચારે છે? કયા ધોરણમાં ભણે છે? પાસ થયાં કે નહીં એની ઝાઝી ચિંતા એ સમયનાં મા-બાપ કરતાં નહીં. એકંદરે બાળક તેનો રસ્તો ખુદ પસંદ કરતું અને આગળ વધતું. જે આગળ વધી શકે એ વધી જતું, જે રહી જાય તેના બાબતે પણ માતા-પિતા ટેન્શન લેતાં નહીં, તેને જરૂર પડ્યે સપોર્ટ કરતાં અને બધાં એકસાથે જીવી જાણતાં. જોકે એવું નથી કે પહેલાંનું પેરન્ટિંગ ઘણું સારું હતું. એ સમયે બાળકોના દરેક પ્રૉબ્લેમને એક ઝાપટ સાથે સૉલ્વ કરવાનો રિવાજ હતો. જીદ કરે તો ઝાપટ, ખોટું બોલે તો ઝાપટ, પૂછો એનો જવાબ ન આપે તો ઝાપટ, જે કહો એ ન માને તો ઝાપટ. બાળક કહે કે મને આ જોઈએ છે તો ચોખ્ખી ના પાડી દેવાની અને એ ના કહેવું જ બસ થઈ ગયું. તેને એ સમજાવવાની જરૂર નહોતી કે શું કામ તને ના પાડી.

આજનો બદલાવ

આજે સમય ઘણો જુદો છે. દરેક યુવાન માતા-પિતા બનવા માટે પહેલાં પોતે સજ્જ થાય છે. આ સજ્જતામાં આર્થિક પાસું મોટું છે. એની સાથે-સાથે દરેક યુગલ પોતાના બાળકને કેવું જીવન આપવા માગે છે, કેવા સંસ્કાર આપી શકશે કે તેનું ઘડતર કેમ કરશે એ બાબતે પણ સજ્જ થવાના પ્રયત્નો પોતાની ક્ષમતા પ્રમાણે કરતું જોવા મળે છે. મારે મારા બાળકને કેમ મોટું કરવું એ બાબતે વિચાર કરતાં માતા-પિતા ઘણાં જોવા મળે છે. જોકે અમુક એવાં પણ છે જેમને ખાસ સમજ નથી પડતી, પરંતુ તેમને એટલી સમજ ચોક્કસ પડે છે કે બાળકો એમનેમ મોટાં નથી થઈ જતાં. પોતાને સજ્જ કરવાં, બાળક મોટું કેમ કરવું અને તેને મોટું કરવામાં નડતા અઢળક પ્રશ્નોને ઉકેલવા માટે આજકાલ પ્રોફેશનલ હેલ્પ મળવા લાગી છે. ઠેર-ઠેર પેરન્ટિંગ કોર્સ શરૂ થયા છે. ઠેર-ઠેર પ્રી-નેટલ ક્લાસિસ પણ શરૂ થયા છે. આ કોર્સ અને ક્લાસમાં જનારાં યુવા યુગલોની સંખ્યા વધતી જાય છે. જે જાણે છે એ સમજે છે કે પેરન્ટિંગમાં કોઈ પણ મેથડ ૧૦૦ ટકા સાચી ન હોય શકે. દરેક બાળકે અને દરેક પેરન્ટ્સે એ મેથડ બદલવાની. કોઈ પણ પ્રકારના પેરન્ટિંગને આદર્શ પેરન્ટિંગ ન ગણાવી શકાય. તો પછી આ કોર્સમાં શીખવાનું શું? શું ખરેખર કોઈ કોર્સ આપણને સારાં માતા-પિતા બનવાનું શીખવી શકે? જો એવું ન હોય તો બધાં શું કરવા માટે કોર્સ શીખી રહ્યાં છે?

મદદની જરૂર

વિલે પાર્લેમાં રહેતી ૩૦ વર્ષની હિરલ વોરા હાલમાં સાત મહિનાની પ્રેગ્નન્સી ધરાવે છે. પ્રેગ્નન્ટ થઈ એ પહેલાં તેણે પ્રી-નેટલ ક્લાસિસ વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે તેને સહજ રીતે જાણવાનું મન થયું કે આ પ્રકારના ક્લાસિસમાં થાય છે શું. એકાદ સેશન ભર્યું તો તેને મજા પડી. એટલે એણે ત્રણ મહિનાનો કોર્સ જૉઇન કરી લીધો જે હમણાં જ પત્યો. આ બાબતે વાત કરતાં હિરલ વોરા કહે છે, ‘મારા પહેલાં પણ બે મિસકૅરેજ થઈ ગયાં હતાં. મને લાગ્યું કે મારે હવે દરેક બાબતમાં વધુ કાળજી રાખવી જોઈએ. આ પ્રકારના ક્લાસિસ મને હેલ્પ કરશે એમ લાગ્યું એટલે મેં એ જૉઇન કર્યા. મહત્વનું એ છે કે આપણે આપણા પેરન્ટ્સ જોડે ખૂલીને વાત ન કરી શકતાં હોઈએ. એ લોકો પણ આપણને દરેક બાબતે ગાઇડ ન કરી શકે. આપણી મૂંઝવણો આપણે હંમેશાં ડૉક્ટર જોડે શૅર ન કરી શકીએ. ડૉક્ટર પણ અમુક જ બાબતોના જવાબ આપતા હોય છે. નાની-નાની વસ્તુઓ આ પ્રકારના ક્લાસિસમાં સૉલ્વ થતી હોય છે. પેરન્ટિંગ એક અઘરો ટાસ્ક છે. એમાં તમને જેટલી પણ મદદ મળી રહે એ ઓછી ગણાય. જો તમે પહેલેથી શારીરિક અને માનસિક રીતે એના માટે સજ્જ હો તો એટલી સરળતા રહે છે.’

પિતાનો બાળઉછેરમાં રસ

અંધેરીમાં રહેતાં સ્વાતિ ડાઘા અને જિતેન્દ્ર ડાઘાને સાત મહિનાનો દીકરો છે, જેનું નામ તેમણે નાવ્ય રાખ્યું છે. આ યુગલે પણ પેરન્ટિંગ કોર્સ કર્યો હતો જે વિશે વાત કરતાં સ્વાતિ ડાઘા કહે છે, ‘અમારા એક સંબંધીએ કહ્યું કે આ કોર્સ કરજો, એનાથી ઘણો ફાયદો થશે. એ સમયે અમને હતું કે જોઈએ છીએ ચાલો, પણ ખરેખર મને આ કોર્સથી ઘણો ફાયદો થયો છે. મા ૯ મહિના બાળકને પોતાના શરીરમાં મોટું કરે છે એટલે મા સાથે બાળકનું બૉન્ડિંગ બેસ્ટ જ હોવાનું, પરંતુ પિતાએ આ માટે પ્રયત્ન કરવા પડે છે. મારા પતિ જિતેન્દ્ર અને મારા બાળક વચ્ચેનો બૉન્ડ સાધવામાં અમને આ કોર્સ દ્વારા મદદ મળી. હું જોઉં છું કે બાળક આવ્યા પછી કપલ્સમાં ઝઘડા થાય, પતિને સમજાવતાં પત્ની થાકે, પરંતુ પતિને બાળક માટે કોઈ જવાબદારી લેવી ન હોય, પરંતુ અમારી વચ્ચે એવું થયું જ નહીં. મારા પતિ સારી રીતે સમજે છે કે બાળકની જવાબદારી લેવી એટલે શું, કારણ કે પૂર્ણ કોર્સ દરમ્યાન તેઓ મારી સાથે હતા. બાળઉછેર વિશે તેમણે બધી જ માહિતી મેળવી હતી. રાતે જાગવાનું કામ પણ તેમણે જાતે સમજીને વહેંચી લીધું છે. એક રાત એ જાગે છે અને એક રાત હું. આમ અમને કોર્સથી ઘણા ફાયદા થયા છે.’

પોતાના પર વિશ્વાસ વધે

૩૫ વર્ષના બિઝનેસમૅન ભાવિન ગાંધી અને ૩૧ વર્ષની તેમની પત્ની શિવાની ગાંધીને પણ હાલમાં પાંચ મહિનાની દીકરી વિહા છે જેના માટે તે બન્ને જણે પેરન્ટિંગ કોર્સ કર્યો હતો. ભાવિનને પોતાની પેરન્ટિંગ સ્કિલ્સ પર ખૂબ ભરોસો હતો. તેમના ફ્રેન્ડના કે સંબંધીઓનાં બાળકો ભાવિન સાથે ખૂબ ખુશ રહેતાં. એટલે તેને લાગતું કે બાળઉછેરમાં તેને ક્યારેય કોઈ તકલીફ નથી પડવાની. માટે કોઈ કોર્સમાં જોડાવાની ભાવિનની ઇચ્છા નહોતી, પરંતુ અનાયાસે એક જગ્યાએ ચાલી રહેલા સેમિનારમાં તે જઈ ચડ્યા અને ભાવિનને લાગ્યું કે તેના પેરન્ટિંગમાં તો હજી ઘણું છે જે શીખવું પડશે. આમ તેણે કોર્સ શરૂ કર્યો. ભાવિન ગાંધી આ બાબતે વાત કરતાં કહે છે, ‘અમારા કોર્સમાં અમને ઇમેજિન કરવાનું કહ્યું હતું કે તમારું બાળક કેવું હશે એ ધારો અને મનમાં આ ધારણાને દૃઢ રાખો. મારી દીકરી જન્મી ત્યારે તે બે કિલોથી ઓછા વજનની હતી, પરંતુ અમે તેને હેલ્ધી જ ધારેલી એટલે તે હજી સુધી હેલ્ધી જ છે. અમે ધારેલું કે મારી વાઇફની નૉર્મલ ડિલિવરી જ થાય. તેની પરિસ્થિતિ છેલ્લે એટલી બગડી કે લોકો કહેતા હતા કે ઑપરેશન થશે જ, પણ એ ન થયું. સાચું કહું તો આ પ્રકારના કોર્સથી સેલ્ફ-બિલીફ ઘણી સ્ટ્રૉન્ગ બને છે. પોતાના પર વિશ્વાસ દૃઢ થઈ જાય છે અને એટલે પેરન્ટિંગ થોડું સરળ બની જાય છે.’

બાળકના સર્વાંગી વિકાસની ઇચ્છા

મુંબઈ સેન્ટ્રલમાં રહેતા ચંદ્રહાસ ઉમરાણિયા અને માનસી ઉમરાણિયાએ ૨૦૦૨ના વર્ષમાં જ્યારે લોકો માટે પેરન્ટિંગ કોર્સનું નામ પણ નવું હતું એ સમયે પોતાના બાળક માટે આ કોર્સ કર્યો હતો. એ કરવાનો વિચાર કેમ આવેલો એ જણાવતાં ચંદ્રહાસ કહે છે, ‘અમે જ્યારે પહેલી વાર પેરન્ટ્સ બનવાના હતા ત્યારે અમને એ વિચાર આવ્યો કે પેરન્ટ્સ બનવા માટે અમારી પાસે કોઈ નૉલેજ જ નથી, ફક્ત અમારાં માતા-પિતા અને રિલેટિવ્સને જે ખબર છે એ જ, બાકી જો આપણે ઇચ્છતા હોઈએ કે બાળકનો સર્વાંગી વિકાસ થાય તો એ જરૂરી છે કે અમે આ વિશે વધુ પ્રયત્નો કરીએ. આજે ૧૬ વર્ષ પછી પણ હું કહીશ કે બાળઉછેર એ અત્યંત મહત્વની જવાબદારી છે એના માટે તૈયારી જરૂરી છે અને એ ખૂબ કામ પણ આવે છે. મારાં માતા-પિતાની મેથડથી અમે મોટા થયા. હું ફક્ત અમુક સ્કિલ્સમાં સારો છું જેના પર મેં વર્ષોથી કામ કર્યું છે, પરંતુ મારું બાળક દરેક રીતે ફિઝિકલી, મેન્ટલી, સોશ્યલી દરેક સ્કિલમાં આગળ છે. બાળક પર અમુક રીતે ધ્યાન આપીએ તો તેનું સંપૂર્ણ ડેવલપમેન્ટ શક્ય છે.’

પેરન્ટિંગ શીખવાની જરૂર શું? : અમિત શાહ

પેરન્ટિંગ શીખવાની જરૂર શું છે? આ પ્રશ્નનો જવાબ આપતાં છેલ્લાં ૧૨ વર્ષથી પેરન્ટિંગ શીખવતા ISP-ધ આર્ટ ઑફ પેરન્ટિંગના પેરન્ટિંગ કોચ અમિત શાહ કહે છે, ‘જેમ એન્જિનિયર બનવા માટે એન્જિનિયરિંગ કૉલેજમાં જવું પડે, જેમ ડૉક્ટર બનવા માટે મેડિકલ કૉલેજમાં જવું પડે એમ પેરન્ટ્સ બનવા માટે તમને પેરન્ટિંગનું મૂળભૂત જ્ઞાન તો હોવું જ જોઈએ. એની સાથે-સાથે આ ઉદાહરણને એમ પણ સમજવું જોઈએ કે ફક્ત ડિગ્રી મેળવવાથી કોઈ નિષ્ણાત નથી બની જતું એમ પેરન્ટિંગ કોર્સ કરવાથી તમે બેસ્ટ પેરન્ટ્સ બની જશો એવું છે નહીં. લોકો અમારી પાસે આવે છે, કારણ કે આજનાં દરેક માતા-પિતાને એમ છે કે મારું બાળક શ્રેષ્ઠ હોય. બાળકને શ્રેષ્ઠ બનાવવા માટે તે પોતે કંઈ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ શું કરવું, કેમ કરવું અને કઈ રીતે એમાં ગૂંચવાતાં હોય છે જેમાંથી બહાર કાઢવાનું કામ અમે કરીએ છીએ. વળી મા અને બાપ બન્નેની પરવરિશ જુદી રીતે થઈ હોય છે. એ બે જુદી-જુદી ટેક્નિક વચ્ચે એક મધ્યસ્થી કે એક સેતુ બનાવવાનું કામ અમારું હોય છે.’

પહેલાંના અને આજના સમયનું અંતર સમજો

પહેલાંની સ્ત્રીઓને કોઈ યોગ કે પ્રી-નેટલ ક્લાસિસમાં જવાની જરૂર જ નહોતી, કારણ કે તેઓ ફિટ હતી. એ વિશે જણાવતાં ફિઝિયોશ્યૉરનાં ફાઉન્ડર ફિઝિયોથેરપિસ્ટ અને ઍન્ટિનેટલ સ્પેશ્યલિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘પહેલાંની સ્ત્રીઓ ઘરનાં બધાં કામ જાતે કરતી હતી જેને કારણે તેની અપર બોડી ઍકદમ સશક્ત હતી. જમીન પર ૫૦ વખત બેસતી અને ઊઠતી. ત્યારે ટેબલ-ચૅર હતાં જ નહીં. આ સિવાય ઇન્ડિયન ટૉઇલેટ્સ યુઝ કરતી. આમ તેમની લોઅર બૉડી પણ એટલી સરસ હતી કે એ સ્ત્રીઓને નૉર્મલ ડિલિવરી થવામાં કોઈ પ્રૉબ્લેમ જ ન આવતો. એ સિવાય જયારે બ્રેસ્ટ-ફીડિંગ માટે બાળકને લઈને બેસતી ત્યારે પણ તેને કોઈ તકલીફ થતી નહીં. આજની સ્ત્રીઓ જો પ્રી-નેટલ ન કરે તો પ્રેગ્નન્સી દરમ્યાન કે ડિલિવરી પછી કમર, પીઠ અને ગરદનના દુખાવાની ફરિયાદ લઈને આવે છે. બાળકને તેડીને તેના હાથ દુખી જાય છે. આજકાલ આપણે જે લાઇફ-સ્ટાઇલ જીવી રહ્યાં છીએ એમાં એક્સરસાઇઝ કે ફિઝિકલ ઍક્ટિવિટીને જગ્યા જ નથી હોતી. માટે પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછી ક્વલાસિસની જરૂર પડે છે જેમાં ફિઝિકલી તમને બાળક માટે તૈયાર કરવામાં આવે છે એટલું જ નહીં, માનસિક રીતે પણ સજ્જતા જરૂરી છે જે ક્લાસિસમાં મળતી હોય છે. તમને ક્લાસિસ ન કરવા હોય તો પણ કંઈ નહીં, પરંતુ માનસિક-શારીરિક સજ્જતા બાળક માટે અને ખાસ કરીને નવા પેરન્ટ્સ માટે અનિવાર્ય છે.’

ગાડરિયો પ્રવાહ


આજકાલ પેરન્ટિંગ ક્લાસિસ કે પ્રી-નેટલ ક્લાસિસ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા જાય છે એટલે હું પણ જાઉં છું એટલું જ નહીં, પેરન્ટિંગ પોતાનામાં એક બિઝનેસ બની ગયું છે. જે લોકો આ પ્રકારના કોર્સ કરવા જાય છે એમાંથી કેટલાક ખરેખર એવા હોય છે જેમને પેરન્ટિંગને વધુ સમજવાની ઇચ્છા હોય છે, પરંતુ બાકીના લોકો એવા પણ હોય છે કે જે ફક્ત બીજાને જોઈને આ પ્રકારના ક્લાસિસમાં જતા હોય છે. પોતાના બાળકને બેસ્ટ દેવાની હોડ દરેક માતા-પિતાની હોય છે, પરંતુ બાળકને બેસ્ટ એની પાછળ પૈસા ખર્ચવાથી, મોંઘા ક્લાસિસમાં જવાથી કે કોઈ બીજાની સલાહથી આપી શકાતું નથી. બાળકને બેસ્ટ ત્યારે મળે છે જ્યારે બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ બેસ્ટ હોય. એક અભણ માતા-પિતા પણ બાળકને ચળકતો સિતારો બનાવી શકે છે, ખૂબ ભણાવી શકે છે અને ખૂબ આગળ વધવામાં પૂરો સહયોગ આપી શકે છે. અંતે તો પેરન્ટિંગ ક્લાસમાં જઈને નહીં, બાળક સાથે રહીને જ આવડે છે. પેરન્ટિંગ દરમ્યાન ઘણી ભૂલો પણ થાય છે, પરંતુ એ ભૂલોમાંથી શીખે અને પોતાના બાળકની પરવરિશના માર્ગમાં એ ભૂલોને ન આવવા દે એ જ યોગ્ય પેરન્ટિંગનો માર્ગ છે. ભૂલો કરતાં-કરતાં શીખવાથી જે પેરન્ટિંગ આવડે એ કોઈ ક્લાસમાં શીખવાતું નથી. લોકો પહેલાં કરતાં પેરન્ટિંગ બાબતે ઘણા જાગ્રત થયા છે. હકીકત એ છે કે નવા પેરન્ટ્સ તરીકે બાળક માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સજ્જ રહેવું અત્યંત જરૂરી છે. જો એ સજ્જતા ક્લાસમાં જઈને આવતી હોય તો પણ ઠીક છે કે પછી જો ખુદના પ્રયત્નો સાથે કે ફૅમિલીની મદદથી આવી હોય તો પણ બેસ્ટ જ છે. જરૂર છે સજ્જ થવાની પછી રીત કોઈ પણ હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK