કેટલી ઉપયોગી અને કેટલી નુકસાનકારક ઊંઘની ગોળીઓ?

ઊંઘની ગોળીઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવામાં ઉપયોગી સાબિત થાય છે. એનો અતિરેક નુકસાનકર્તા છે. બીજું એ કે ઊંઘના રોગોમાં ઇલાજ તરીકે ફક્ત ઊંઘની ગોળીઓ જ આપવામાં નથી આવતી, બીજા ઘણા જુદા-જુદા પ્રકારના ઇલાજ છે જે દરદીને ઘણી રીતે મદદરૂપ થાય છે. માટે આજે વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે સમજીએ કે જો ઊંઘની તકલીફ હોય તો ગોળીઓ નથી લેવી એ જીદે ડૉક્ટર પાસે નહીં જવાનો અભિગમ ટાળવો જોઈએ

pills

જિગીષા જૈન

જો માણસ ખાઈ ન શકે એવા બે દિવસ પસાર થાય તો આપણે ચિંતામાં તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ, પરંતુ વ્યક્તિ બે મહિનાથી ઠીકથી ન સૂતી હોય તો પણ આપણે એવું વિચારતા નથી કે એને ડૉક્ટરની જરૂર છે. ઊંઘમાં કોઈ પણ જાતની તકલીફ આવે તો ડૉક્ટર પાસે જવું એ વિચાર હજી આપણી અંદર આવતો નથી. જો આવે તો આપણે માની લઈએ છીએ કે ઊંઘ ન આવે એમાં ડૉક્ટર શું કરવાના? ઊંઘની ગોળી આપી દેશે. મારે ઊંઘની ગોળીઓ નથી ખાવી, કારણ કે ઊંઘની ગોળીઓ નુકસાનકારક હોય છે. આવું માનીને ડૉક્ટર પાસે ન જનારા લોકો ઘણા છે. આજે વર્લ્ડ સ્લીપ ડે છે. ઘણાં રિસર્ચ ઊંઘની તકલીફ અને રોગો વચ્ચેનો સંબંધ સ્થાપિત કરી ચૂક્યાં છે. આ બાબતે જાગૃતિ ફેલાય એ માટે જ દર વર્ષે વર્લ્ડ સ્લીપ ડે ઊજવવામાં આવે છે. ઊંઘની ગોળીઓ અને ઊંઘના ઇલાજ વિશે આજે થોડું જ્ઞાન મેળવીએ.

ઊંઘની તકલીફનો ઇલાજ ફક્ત ગોળીઓ નથી

ઊંઘના ઇલાજરૂપે ડૉક્ટર પાસે ઊંઘની ગોળીઓ સિવાય બીજું શું હોય શકે? જો આ પ્રશ્ન તમને પણ થતો હોય તો એ જાણવું જરૂરી છે કે ઊંઘની તકલીફ એટલે ફક્ત અપૂરતી ઊંઘ જ નથી હોતી. ઊંઘના ઘણા જુદા-જુદા રોગ અને એની પાછળ અસંખ્ય જુદાં-જુદાં કારણો હોય છે. અપૂરતી ઊંઘ, ઊંઘ આવવામાં તકલીફ કે ઊંઘ ઊડવામાં તકલીફ, ઊંઘમાં બોલતાં નસકોરાં, ઊંઘમાંથી સફાળા ઊઠી જવું, રાત્રે મોડે સુધી જાગવું અને દિવસે સૂવું, વિચિત્ર સપનાંઓ, વધુપડતી ઊંઘ, ઊંઘમાં પથારી ભીની થવી કે એકદમ જ પરસેવો વળી જવો, ઊંઘમાં ચાલવું કે ઊંઘમાં ખાવું આવા અનેકાનેક જુદા-જુદા ઊંઘના રોગો છે. જે દરેક માટે જુદો-જુદો ઇલાજ જરૂરી બને છે. ઊંઘના ઇલાજરૂપે શું-શું હોય શકે છે એ સમજાવતાં સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક-બાંદરાનાં સ્લીપ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘કૉગ્નિટિવ બિહેવિયર થેરપી, સ્લીપ હાઇજીન, સ્ટિમ્યુલસ કન્ટ્રોલ, સ્લીપ રિસ્ટ્રિક્શન, રિલૅક્સેશન ટ્રેઇનિંગ, સર્કાડિયન રિધમ એન્ટ્રેઇનમેન્ટ, ફોટોથેરપી અને દવાઓ, સ્લીપ હૉર્મોન ટ્રીટમેન્ટ, વેઇટલૉસ, કન્ટિન્યુઝ પૉઝિટિવ ઍરવે પ્રેશર થેરપી, ડેન્ટલ ડિવાઇસ, માયોફંક્શનલ એક્સરસાઇઝ જેવી જાત-જાતની ટ્રીટમેન્ટ હોય છે જેના વડે ઊંઘની અલગ-અલગ તકલીફોને દૂર કરી શકાય છે. આમ જો તમને લાગતું હોય કે ઊંઘના ઇલાજમાં ડૉક્ટર શું કરશે ફક્ત ઊંઘની ગોળીઓ જ આપી દેશે તો એવું છે નહીં. ઊંઘની ગોળીઓ આ ઇલાજનો એક નાનો ભાગ છે.’

ઊંઘની તકલીફમાં ડૉક્ટર પાસે શા માટે જવું?

લોકોને જ્યારે સમજાય પણ છે કે તેમની ઊંઘમાં ગરબડ છે ત્યારે તેઓ પોતાની રીતે કોશિશ કર્યે‍ રાખે છે ઊંઘ ઠીક કરવાની, પરંતુ ઊંઘમાં ગરબડ હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ એવું ઘણા લોકોને સૂઝતું નથી અને સૂઝે તો પણ લોકો જવાનું ટાળે છે એમ સમજીને કે ડૉક્ટર એમાં શું કરી શકે? ફક્ત ઊંઘની ગોળીઓ આપશે. બીજું શું? ઊંઘની કોઈ પણ જાતની તકલીફ હોય તો એમાં ડૉક્ટરને કન્સલ્ટ કરવા શા માટે જરૂરી છે એ સમજાવતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઊંઘની તકલીફ છે એ તો ચિહ્નો દ્વારા સમજી શકાય છે, પરંતુ એ તકલીફ પાછળ શું કારણ છે એ જાણવું જરૂરી છે અને એના માટે તમને ડૉક્ટરની જરૂર રહે છે. એક વ્યક્તિના ઊંઘના પ્રૉબ્લેમ પાછળ એક નહીં, અનેક કારણો હોય શકે છે. એવું પણ બને કે એક વ્યક્તિમાં જ એકથી વધુ કારણો જવાબદાર હોય. અપૂરતી ઊંઘ જેવા અત્યંત સામાન્ય ગણાતા રોગમાં પણ જૂની ધરબાયેલી બાબતો, તત્કાલીન સ્ટ્રેસ કે પછી સતત રહેતી કોઈ તકલીફ હોય શકે છે. કયાં કારણોસર આ તકલીફ છે અને એ દરેક કારણને વ્યવસ્થિત સંભાળીને ટૅકલ કરવાં જરૂરી છે તો જ આપણને સારું રિઝલ્ટ મળી શકે. સ્લીપ ઍપ્નિયા જેવો રોગ પણ ખૂબ વ્યવસ્થિત રીતે હૅન્ડલ કરવો જરૂરી છે. ડૉક્ટર અને દરદી બન્ને સાથે મળીને એક દિશામાં પ્રયત્ન કરે તો ઊંઘ સંબંધિત રોગોથી છુટકારો મળી શકે છે.’

ડૉક્ટર ઊંઘની ગોળી ક્યારે આપે?

ડૉક્ટરની પાસે જઈશું તો તે ઊંઘની તકલીફ માટે ઊંઘની ગોળીઓ જ આપશે. આ ધારણા સાથે ઘણા લોકો ડૉક્ટર પાસે નથી જતા. તો શું દરેક ઊંઘના દરદીને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. દેવનાણી કહે છે, ‘અમારી પાસે દરદી આવે અને તેને ઊંઘની તકલીફ હોય તો અમે ક્યારેય પહેલી વારમાં ઊંઘની ગોળીઓ તેને નથી આપતા. સૌપ્રથમ વ્યક્તિને ઊંઘનો કયા પ્રકારનો પ્રૉબ્લેમ છે, એ પ્રૉબ્લેમ પાછળનાં કારણો શું છે એનો અભ્યાસ કરીએ છીએ. હાલમાં કયાં ચિહ્નો વધુ પ્રબળ છે એ જોઈએ છીએ અને પછી ટ્રીટમેન્ટ-પ્લાન બનાવીએ છીએ. અપૂરતી ઊંઘની સમસ્યા હોય તો પહેલાં કૉગ્નિટિવ બિહેવિયર થેરપી ચાલુ કરીએ છીએ. જુદી-જુદી દવાઓ પણ પછી ચાલુ થાય છે, પરંતુ એ મેડિકલ સુપરવિઝન હેઠળ અને એ પણ નિિત થોડા સમય માટે. અહીં એ સમજવું જરૂરી છે કે ઊંઘની ગોળીઓ ડૉક્ટર દરદીને ત્યારે જ આપે છે જ્યારે અપૂરતી ઊંઘને કારણે દરદીને હાઇપરટેન્શન કે ઍન્ગ્ઝાયટી આવે કે તેના કામકાજી કે સમાજિક જીવન પર એની અસર પડતી હોય. જો તમને ઊંઘની દવાઓ ન જ લેવી હોય તો આ બાબતે ડૉક્ટર સાથે સ્પષ્ટ વાત કરી શકો છો. ડૉક્ટર આ બાબતે કંઈ સૉલ્યુશન કાઢી શકે છે.’

આદત ક્યારે પડે?

રાત્રે ઊંઘવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. દરદી એક સારી ઊંઘ લઈ શકે જેને લીધે તેના શરીર, મન અને મગજને આરામ મળી રહે એ માટે તેને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે જે એકદમ સેફ છે. જ્યાં સુધી તમે ડૉક્ટર મુજબ ચાલો અને તેમના કહેવા પૂરતી જ લો. આ વાત સ્પષ્ટ કરતાં ડૉ. પ્રીતિ દેવાનાણી કહે છે, ‘જો ક્યારેક ખાધી અને ક્યારેક ન ખાધી અને વધુ કે ઓછી ખાધી તો એ તકલીફ ઊભી કરી શકે છે. ખાસ કરીને જે લોકો ઊંઘની ગોળીઓ ખાતા હોય તેમણે આલ્કોહૉલ ન જ લેવો જોઈએ. જો એ બન્ને સાથે લીધાં તો મોટી તકલીફ થઈ શકે છે. ખાસ કરીને જરૂરત કરતાં વધુ ખાવાને કારણે આદત પડી જાય છે અને આ આદત લાંબા ગાળાનો પ્રૉબ્લેમ બની જાય છે, જેને કારણે માનસિક રીતે પડતી પણ શક્ય છે. સામાન્ય રીતે જયારે તમે ધ્યાન ન રાખો ત્યારે આ દવાઓની આદત પડી જાય છે.’

છુટકારો મેળવવો અઘરો 

એક વખત ઊંઘની ગોળીઓની આદત પડી જાય પછી એના વગર ઊંઘ નથી આવતી. આ સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. પહેલાં ઊંઘના દરદી હતા, હવે તેઓ ઊંઘની ગોળીના દરદી બની જાય છે. આ વાત સાથે સહમત થતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ગોળીને કારણે ઊંઘ આવે એ અવસ્થા ઇલાજ માટે જરૂરી છે, પરંતુ ગોળી લેતાં-લેતાં એવું થઈ જાય છે કે ગોળી લીધા વગર ઊંઘ આવે જ નહીં. એની ટેવને છોડવી થોડીક અઘરી છે, પરંતુ દરદીની મક્કમતા અને એક્સપર્ટની હેલ્પથી એ શક્ય બને છે. ગોળી લીધા વગર શાંતિભરી ઊંઘ તમે ઝંખતા હો તો એ જરૂરી બને છે.

એક એક્સપર્ટ પહેલાં જુએ છે કે દરદીને દવાઓ વગર ચાલી જાય એમ છે કે નહીં, એની દવાઓને એ કોઈ થેરપી જોડે સરળતાથી રિપ્લેસ કરી શકે તો એ વધુ મહત્વનું છે. જો એ શક્ય લાગે તો ધીમે-ધીમે એનો ડોઝ ઓછો કરીને દવા બંધ કરાવી શકાય છે.’

સાઇડ-ઇફેક્ટ

દરેક દવાની જેમ ઊંઘની દવાની પણ સાઇડ-ઇફેક્ટ હોય છે. એ પણ થોડી વધુ પ્રમાણમાં જ હોય છે. આ બાબત ડૉક્ટર જોડે પહેલાં જ સ્પષ્ટ કરી દેવી જરૂરી છે. જો સાઇડ-ઇફેક્ટ વધુ હોય તો શું કરવું એ બાબતે પણ ડૉક્ટરની સલાહ લેવી.

દિવસે સુસ્તી અને કંટાળો આવે

ભૂખમાં બદલાવ. એકદમ વધે, નહીં તો એકદમ ઘટી જાય

મોઢું કે ગળું સુક્કું થઈ જાય

માથાનો દુખાવો

છાતીમાં બળતરા

મગજની કામગીરી ધીમી પડતી લાગે

કોઈ જગ્યાએ ધ્યાન આપવામાં કે કોઈ વસ્તુ યાદ રાખવામાં તકલીફ ઊભી થાય

બૅલૅન્સ ન રહે, ચક્કર જેવું લાગે

શરીરનો કોઈ ભાગ કન્ટ્રોલ ન કરી શકાય એટલો હલે કે ધ્રૂજે

સામાન્ય ન હોય એવાં સપનાં આવે

કોઈ કેસમાં હલકી આંચકી પણ આવી શકે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK