જાણો છો? જમ્યા પછી કાંકરી ગોળ આદર્શ ડિઝર્ટ છે

ઠંડીની સીઝનમાં શરીરને વધુ એનર્જીની જરૂર પડતી હોવાથી ગળપણ ખાવાનું મન વધુ થાય છે. રોજિંદી રસોઈમાં પણ ખાંડને બદલે ગોળનું ગળપણ ઉમેરવું વધુ ઉચિત છે. ગોળ કે ગોળવાળી સ્વીટ પોષણ અને પાચન બન્ને માટે ગુણકારી છે અને ઠંડીની સીઝનમાં થતી સમસ્યાઓમાં દવા તરીકે પણ ઉપયોગી છે

jeggery

સેજલ પટેલ

‘ખાને કે બાદ કુછ મીઠા હોના ચાહિએ...’ આ વાત જરૂર સાચી છે, પણ એ મીઠાશમાં તમે શું ખાઓ છો એ વધુ મહત્વનું છે. ભરપેટ જમ્યા પછી આઇસક્રીમના બે-ત્રણ સ્કૂપ કે મીઠાઈનાં બે-ત્રણ ચકતાં ખાઈ જવાનું હેલ્ધી નથી. આયુર્વેદ મુજબ સ્વસ્થ રહેવાના કેટલાક મંત્રોમાં જમ્યા પછી એક કાંકરી જેટલો ગોળ ખાવાનું કહેવાયું છે. શિયાળાની સીઝનમાં સવારનું ભોજન લીધા પછી ચણીબોર જેટલો ગોળ ખાવાની આદત પાચન અને પોષણ બન્ને ક્રિયાઓ સુધારે છે એમ જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત અને ડીટૉક્સિફાય પંચકર્મ ક્લિનિકના ડૉ. પ્રજ્વલ મ્હસ્કે કહે છે, ‘ઠંડીની સીઝનમાં બહારની ઠંડી સામે શરીરને હૂંફાળું અને સ્ફૂર્તિમય રાખવા માટે વિશેષ એનર્જીની જરૂર પડે છે. આ એનર્જી ગળપણ ધરાવતી ચીજોમાંથી સારી રીતે મળે છે. આપણી પાસે ઉપલબ્ધ સ્વીટના વિકલ્પોમાંથી ગોળ શ્રેષ્ઠ ગળપણ છે. ગોળ બળવર્ધક, ધાતુવર્ધક અને અગ્નિવર્ધક છે. ખાધા પછી ચપટીક ગોળ ખાવાથી જઠરાગ્નિ વધે છે. એનાથી ખાધેલા ખોરાકનું પાચન સારું થાય છે. ગોળમાં રહેલું ફ્રક્ટોઝ માત્ર ગળપણ અને એનર્જી જ નહીં, પોષણ પણ આપે છે; કેમ કે એમાં માત્ર ગળપણ નહીં, શરીર માટે જરૂરી કેટલાંક ખનિજદ્રવ્યો પણ હોય છે.’

દેશી ગોળ જ ખાઓ

ડિઝર્ટ તરીકે ગોળની કાંકરી ખાતા હો તો એટલું ધ્યાન રાખવું કે એ દેશી અને રસાયણ વિનાનો હોય. બજારમાં ગોળના જે સફેદ રવા મળે છે એ હેલ્ધી નથી. ચમકતો પીળો કે સફેદ રંગનો ગોળ હેલ્ધી નથી એમ જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘ચોમાસું પૂરું થયા પછી હાલમાં નવો ગોળ બનવાની સીઝન છે. જ્યારે તાજો ગોળ બનાવવામાં આવે ત્યારે એ ઘેરા બ્રાઉન કે કાળાશ પડતા રંગનો હોય છે. આ ગોળ નૅચરલ અને ઉત્તમ છે. જ્યારે એને દેખાવમાં રૂપાળો બનાવવામાં આવે છે ત્યારે એમાંનાં પોષક તkવો નાશ પામે છે. ગોળના રંગ માટે એમાં સલ્ફર અને સોડિયમ ઉમેરાય છે એને કારણે એનો સ્વાદ થોડોક ખારો થઈ જાય છે. આવો ગોળ ફાયદા કરતાં નુકસાન વધુ કરશે. પંજાબ અને ગુજરાતમાં કેટલીક જગ્યાએ ગોળ બનાવતી વખતે એમાં વરિયાળી, સૂંઠ, લીંડીપીપર જેવાં ઔષધો ઉમેરવામાં આવે છે. એનાથી ગોળની ફ્લેવર પણ સુધરે છે અને ગુણ પણ. રોજ સવારે જમ્યા પછી આવા ગોળની કાંકરી ખાવામાં આવે તો પાચનને લગતી લાંબા ગાળાની સમસ્યાઓ ધીમે-ધીમે કરીને દૂર થઈ શકે છે. આવા ગોળની કાંકરી મોંમાં રાખીને ઓગાળવાથી પાચનનો આખો ટ્રૅક સાફ થાય છે. જમ્યા પછી ગોળ ખાવાની આદતથી પાચન સારું થતું હોવાથી મળનું સારણ સુધણે છે અને કબજિયાત પ્રિવેન્ટ કરી શકાય છે.’

રસોઈમાં ખાંડને બદલે ગોળ

માત્ર ભોજનાંતે જ નહીં, આપણી રસોઈમાં મોટા ભાગની જગ્યાઓએ ખાંડના રિપ્લેસમેન્ટ તરીકે ગોળનો ઉપયોગ કરવો જોઈએ. ખાંડને બદલે ગોળ ખાવાની આદત કેમ ગુણકારી છે એ સમજાવતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આમ તો આ બન્ને ચીજો ગળપણ માટે વપરાય છે, પરંતુ બન્નેને બનાવવાની પ્રક્રિયા તેમ જ એમાં રહેલાં પોષક તkવોમાં ઘણો જ ફરક છે. ખાંડમાં માત્ર ગ્લુકોઝનું પ્રમાણ હોય છે. મૉડર્ન સાયન્સ મુજબ કહું તો માત્ર કૅલરી હોય છે, ન્યુટ્રિશન નહીં; જ્યારે ગોળમાં શરીર માટે જરૂરી એવાં ફૉસ્ફરસ, આયર્ન, પોટૅશિયમ, ઝિન્ક, મૅગ્નેશિયમ અને સોડિયમ જેવાં ખનિજ ક્ષારો પણ હોય છે. શરીરને સૂક્ષ્મ માત્રામાં આ ખનિજ ક્ષારોની જરૂર હોય છે. બીજું, ખાંડ બનાવવા માટે અને એને ઊજળી કરવા માટે અનેક કેમિકલ્સનો ઉપયોગ થાય છે જે શરીર માટે નુકસાનકારક હોય છે.’

જ્યારે ખાંડને બદલે ગોળનો ઉપયોગ સારો છે એમ કહેવામાં આવે છે ત્યારે કેટલાક લોકો માની બેસે છે કે ડાયાબિટીઝમાં પણ ખાંડને બદલે ગોળ ખવાય. આ બાબતે પ્રવર્તતી ભ્રમણાને તોડતાં ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જેમનો ડાયાબિટીઝ બેકાબૂ છે તેમના માટે ખાંડને બદલે ગોળનું રિપ્લેસમેન્ટ સંપૂર્ણપણે યોગ્ય નથી. એટલું યાદ રાખો કે ખાંડ અને ગોળ બન્નેમાં લગભગ એકસરખી શર્કરા છે. ખાંડવાળી ચીજો ખાવાથી તરત જ લોહીમાં શુગરનું લેવલ વધે છે, જ્યારે ગોળ ધીમે-ધીમે પચીને એની શુગર લોહીમાં ભળે છે. જોકે એ લોહીમાં ભળે તો છે જ. હા, જો તમે મધુપ્રમેહ ન થાય એના પ્રિવેન્શન માટે મથતા હો તો ખાંડને બદલે ગોળ વાપરો, પણ જો બ્લડ-શુગર બેકાબૂ રહેતી હોય ત્યારે ગોળના વપરાશમાં પણ માત્રાભાન રાખવું આવશ્યક છે.’

શિયાળાની ઔષધિ છે ગોળ

ઠંડીની સીઝનમાં થતી ઘણી સમસ્યાઓમાં પણ ગોળ વપરાય છે. કેવી રીતે ગોળનો ઔષધરૂપે ઉપયોગ થાય છે એ સમજાવતાં ડૉ. પ્રજ્વલ મ્હસ્કે કહે છે, ‘ગોળને સંયોગવાહી કહ્યો છે. એનો મતલબ એ કે જે ઔષધ સાથે એનું સંયોજન કરવામાં છે આવે એના ગુણ વધારે છે.

આયુર્વેદમાં ગોળનાં કેટલાંક સંયોજનો ઔષધિરૂપે વપરાય છે. જેમ કે ગોળ અને હરડે, ગોળ અને હળદર, ગોળ અને ચણા, ગોળ અને તલ-સિંગ. પિત્તનું સારણ કરવાનું હોય ત્યારે હરડે સાથે ગોળ અપાય છે. શરદી-ખાંસી અને કફમાં ગોળ અને હળદર અપાય છે. કફવાળી ખાંસી હોય ત્યારે ગોળ-ચણા ખાવાથી કફ છૂટો પડે છે. બે •તુના સંધિકાળમાં અવારનવાર થતું થ્રોટ-ઇન્ફેક્શન દૂર કરવું હોય તો ગોળ અને હળદર ઉત્તમ છે.’

tea

ગોળની ચા

પંજાબ, કાશ્મીર અને પાકિસ્તાનમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગોળવાળી ચાનું ચલણ છે. નવેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન આ વિસ્તારોમાં ગોળની દૂધવાળી અને કાળી બન્ને પ્રકારની ચાની રેંકડીઓ ફૂટી નીકળે છે.

ચીનના નિષ્ણાતોનું માનવું છે કે ગોળ ખાવાથી હવાના પ્રદૂષણને કારણે શ્વાસનળી અને ફેફસાંમાં ભરાતાં ટૉક્સિન્સ પણ દૂર થઈ શકે છે. શ્વસનતંત્ર અને પાચનતંત્રમાં પેદા થયેલાં અપદ્રવ્યો ઉત્સર્જિત કરવામાં ગોળમાં અસરકારક છે

ગોળ ખાવાની ટિપ્સ

૧. શિયાળામાં નવો ગોળ વાપરો તો ચાલે. એનાથી અગ્નિવર્ધન થાય છે.

૨. ઉનાળામાં એક વર્ષ જૂનો ગોળ વાપરવો. એમ કરવાથી એનો ત્રિદોષશામક ગુણ વધે છે.

૩. કફના રોગોમાં ગોળ અને આદું સાથે આપવું.

૪. વાતના રોગોમાં ગોળ સાથે ઘી અને સૂંઠ આપવાં.

૫. પિત્તના રોગોમાં હરડેની સાથે ગોળ લેવો.

૬. અનિદ્રાની તકલીફમાં ગંઠોડા અને ભેંસના દૂધ સાથે ગોળ આપવો.

૭. સોજો આવ્યો હોય ત્યારે આદુંના રસમાં ગોળ મેળવીને ખાવો.

૮. હરસની તકલીફ હોય તો રાતે એક ચમચી હરડે સાથે એક ચમચી ગોળ મિક્સ કરીને ખાવો.

૯. લૂ અને ગરમીમાં તપ્યા પછી અથવા તો બળતરા થયા કરતી હોય ત્યારે જૂના ગોળનું પાણી પી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK