ડાયાબિટીઝના દરદીઓએ ચોમાસામાં પગની વધુ કાળજી રાખવી

ચોમાસામાં એ થવાનું રિસ્ક ઘણું વધારે હોય છે. આ સંજોગોમાં પગને સૂકા અને સાફ રાખવા જરૂરી છે. ઇન્ફેક્શન થઈ જાય તો તાત્કાલિક ઇલાજની જરૂર રહે છે, કારણ કે જો એ વધી જાય તો એને કાબૂમાં કરવું અઘરું છે

diabetets

જિગીષા જૈન

ચોમાસામાં તમે બહારથી ઘરે આવ્યા અને રેઇનકોટ કે છત્રી હોવાને લીધે ખાસ પલYયા નહોતા, પરંતુ ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં પગ ડૂબી જવાને લીધે તમારાં જૂતાં ખરાબ થઈ ગયાં છે. એ ઉતાર્યાં ત્યારે સમજાયું કે મોજાં પણ ભીનાં થઈ ગયાં છે. શૂઝ સાફ કર્યાં, મોજાં ધોવામાં નાખ્યાં અને કપડાં બદલાવી તમે તમારા કામે ચડી ગયા. આ સામાન્ય લાગતી પરિસ્થિતિમાં એક ભૂલ છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે. આ ભૂલ એટલે પગને ન ધોવાની ભૂલ. મોજાં કાઢ્યા પછી વરસાદમાં પલળેલા પગને હૂંફાળા પાણીએ વ્યવસ્થિત ધોવાની ખૂબ જરૂર હોય છે, પરંતુ મોટા ભાગના લોકો આ બાબતે ખાસ ધ્યાન આપતા નથી. ખાસ કરીને જ્યારે તમને ડાયાબિટીઝ છે ત્યારે તો આ ભૂલ અતિ ભારે પડી શકે છે. ચોમાસું શરૂ થઈ ગયું છે અને વરસાદની શરૂઆત સાથે જ મુંબઈમાં ઠેર-ઠેર પાણી ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે ત્યારે જો તમને ડાયાબિટીઝ હોય તો તમારે તમારી સવિશેષ કાળજી રાખવી જરૂરી છે. આજે ડાયાબિટીઝના દરદીઓએ ચોમાસામાં પોતાની કયા પ્રકારની કાળજી લેવી જરૂરી છે એ વિશે વાત કરીએ.

ઇન્ફેક્શનનું રિસ્ક

ડાયાબિટીઝ જે પણ વ્યક્તિને હોય તેને ઇન્ફેક્શન માટે વધુ સાવચેત રહેવાની સલાહ શા માટે અપાય છે એનાં મૂળભૂત બે કારણો જણાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ડાયાબિટીઝ જે પણ વ્યક્તિને હોય છે તેમના આ રોગની એ ખાસિયત છે કે એ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે એટલે કે સામાન્ય વ્યક્તિ કરતાં ડાયાબિટીઝ ધરાવનાર વ્યક્તિ ખૂબ જલદી માંદી પડતી જણાય છે. તેને ઇન્ફેક્શન લાગવાની શકયતા ઘણી વધારે રહે છે. વાત એટલેથી અટકતી નથી. ડાયાબિટીઝના દરદીઓને જ્યારે ઇન્ફેક્શન લાગે છે ત્યારે એ ઠીક થતાં પણ ખૂબ વાર લાગે છે. દવાઓ દ્વારા પણ એ જલદી કાબૂમાં આવતું નથી. જેમને ડાયાબિટીઝ છે એ વ્યક્તિ ખૂબ સારી રીતે જાણે છે કે એક સામાન્ય શરદી-ખાંસી પણ તેમને કેટલા લાંબા સમય સુધી ચાલે છે. ઇન્ફેક્શનની વધી જતી ગંભીરતા અને ઇલાજમાં આવતી કઠિનાઈને કારણે ડાયાબિટીઝના દરદીએ ઇન્ફેક્શનથી હંમેશાં સતત બચવાના પ્રયાસ કરવા જોઈએ.’

પગમાંથી સેન્સેશન જતું રહે


ડાયાબિટીઝના દરદીઓને પેરિફેરલ વૅસ્ક્યુલર ડિસીઝ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. પગ અને હાથની રક્તવાહિનીઓ સૌથી વધુ પહોળી છે. હવે જ્યારે ડાયાબિટીઝને કારણે હાથ કે પગની રક્તવાહિનીઓને અસરગ્રસ્ત થાય ત્યારે એને પેરિફેરલ વૅસ્ક્યુલર ડિસીઝ કહેવાય છે. આ અસરને કારણે શું થાય છે એ સમજાવતાં ઝેન હૉસ્પિટલના જનરલ સજ્ર્યન અને ફ્લેમ્બાયોલૉજિસ્ટ ડૉ. માધુરી ગોરે કહે છે, ‘રક્તવાહિનીઓ એ રક્તને દરેક અંગ સુધી પહોંચાડે છે અને જ્યારે એ ડૅમેજ થાય છે ત્યારે એ અંગને રક્ત પૂરતી માત્રામાં મળતું નથી. એટલે એ અંગના જ્ઞાનતંતુઓ પર અસર થાય છે અને પગનું સેન્સેશન ધીમે-ધીમે ઓછું થતું જાય છે. આ કારણસર જ્યારે ડાયાબિટીઝના દરદીને કંઈ વાગે કે પગના ઘસાવાને કારણે એ છોલાઈ જાય ત્યારે તરત ખબર પડવી જોઈએ એ પડતી જ નથી. એટલે કે સંવેદના અનુભવાતી નથી અને એને કારણે જે ઘાવ થયો છે એમાં દુખાવો થતો નથી. દુખે નહીં એટલે મોટા ભાગે ધ્યાન જ જતું નથી કે ત્યાં એક ઘાવ છે. આ ઘાવ ભરતાં વાર લાગે છે અને એને કારણે એ ઘાવ નાસૂર બની જાય છે. ઇન્ફેક્શન વધી જાય છે અને આ સંજોગોમાં એને કન્ટ્રોલ કરવું અઘરું પડે છે.’ 

diabetes

પગમાં ઇન્ફેક્શન

આમ તો પગમાં ઘાવ થવાની તકલીફ ડાયાબિટીઝના દરદીને કોઈ પણ •તુમાં ઉદ્ભવી શકે છે, પરંતુ ચોમાસામાં એનું રિસ્ક ઘણું વધી જાય છે. બોરીવલીમાં ડાયાબિટીઝ અને થાઇરૉઇડ કૅર સેન્ટરના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. કિરણ શાહ કહે છે, ‘વરસાદના પાણીમાં પગમાં જખમ થવાનું રિસ્ક વધુ જ રહે છે. ખાસ કરીને ડાયાબિટીઝ ધરાવતી જે વ્યક્તિને પગમાં વાઢિયા હોય તેમને આ ખુલ્લી જગ્યામાંથી ઇન્ફેક્શન લાગવાની શક્યતા ખૂબ વધી જાય છે. આ સિવાય પગ વધુ સમય માટે ભીના રહે તો ફંગલ ઇન્ફેક્શન થવાનું રિસ્ક પણ ઘણું વધારે રહે છે. આ પ્રકારના કોઈ પણ ઇન્ફેક્શનને તાત્કાલિક ઠીક કરવાં જરૂરી છે, કારણ કે ઇન્ફેક્શન જો ફેલાઈ ગયું તો ખૂબ તકલીફ થાય છે. ડાયાબિટીઝના દરદીઓનું ઇન્ફેક્શન આમ પણ ઠીક થતાં ખૂબ વાર લાગે છે. જો પગનું ઇન્ફેક્શન વધ્યું તો ગૅન્ગ્રીન થવાની શક્યતા પણ વધે છે અને આ પરિસ્થિતિને કાબૂમાં ન કરી શક્યા તો પગ કાપવા સુધીની ગંભીર પરિસ્થિતિ સરજાઈ શકે છે.’

શું કરવું?

ચોમાસામાં જેમને ડાયાબિટીઝ છે એ વ્યક્તિએ પોતાના પગની કાળજી કઈ રીતે રાખવી એ બાબતે જાણીએ ડૉ. કિરણ શાહ અને ડૉ. પ્રદીપ ગાડગે પાસેથી.

કોઈ પણ જગ્યાએ ઘરમાં હોય કે બહાર, તેમણે ખુલ્લા પગે ન ચાલવું જોઈએ, કારણ કે માટીમાં અસંખ્ય કીટાણુ હોય છે અને એ સીધા પગના સંપર્કમાં આવીને ઇન્ફેક્શન માટે કારણભૂત બની શકે છે.

પાણીનાં ખાબોચિયાં કે ખાડામાં ચાલવાનું ટાળો. જ્યારે ખૂબ પાણી ભરાઈ ગયાં હોય ત્યારે બહાર ન જ નીકળો તો સારું. જો નીકળવું જ પડે તો વધુ સમય માટે પગ ભીના ન રહે એની કાળજી રાખવી.

બીજું એ કે તેમના પગ ભીના ન રહે, એકદમ સૂકા થઈ જાય એની કાળજી પણ રાખવી. બહાર પગ પલળેલા હોય તો આવીને હૂંફાળા પાણી અને સાબુથી વ્યવસ્થિત ધોઈને સૂકા કરવા.

જે લોકો પગ ધુએ છે એ લોકો પણ આંગળીઓ વચ્ચેની જગ્યા પર ધ્યાન આપતા નથી. ત્યાં વ્યવસ્થિત સાફ ન થાય તો ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. એટલે જરૂરી છે કે અંગૂઠા અને આંગળી વચ્ચે કે બે આંગળીઓની વચ્ચે પણ વ્યવસ્થિત સાફ થાય અને એ જગ્યા સૂકી રહે, પાણી કે પરસેવો ભરાઈ ન રહે.

આ સિવાય રબર કે પ્લાસ્ટિકનાં શૂઝ ન પહેરો તો વધુ યોગ્ય છે. પહેરો તો અંદર મોજાં પહેરવાં જેથી પગ છોલાય નહીં કે ઘસાય નહીં. મોજાં પહેરો ત્યારે પગમાં ઍન્ટિફંગલ પાઉડર છાંટી શકાય. ઘરમાં હો તો પણ દિવસમાં એક વાર આ પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ.

વરસાદમાં પગની ચામડી ફુગાઈ જાય, ડંખ પડે, છોલાઈ જાય કે કપાઈ જાય ત્યારે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈ એનો ઇલાજ કરાવવો. આ સિવાય સોજો આવ્યો હોય, લાલ થઈ ગયું હોય, ખંજવાળ ખૂબ આવતી હોય, કીડો કરડી ગયો હોય, ચામડી ઊતરતી હોય એવું લાગે તો પણ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવી તકલીફોને વધવા ન જ દેવી. તરત જ ઇલાજ શરૂ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK