બાળકો અને તેમનાં માતા-પિતાને પજવતું એક્ઝામ-સ્ટ્રેસ

જે સ્ટ્રેસ બાળકને એક્ઝામ પ્રત્યે ગંભીર બનાવે અને કામ કરવા પ્રોત્સાહન આપે એ સારું છે, પરંતુ એવું સ્ટ્રેસ જે બાળકને પર્ફોર્મ કરતાં અટકાવે એ હાનિકારક છે. આ સ્ટ્રેસ તો છે જ, પરંતુ એની સામે લડવા કે એને સારી રીતે મૅનેજ કરવા શું કરવું એ આજે સમજીએ

stress

જિગીષા જૈન

એક માળીએ બે છોડ વાવ્યા. એક ગુલાબનો અને બીજો ગલગોટાનો. દરરોજ બન્નેનું જતન કરે. પાણી પાય, એની જોડે વાતો કરે, એને સમય આપે. બન્ને ધીમે-ધીમે મોટા થતા ગયા. ગુલાબમાં સુંદર લાલ ગુલાબ આવ્યા અને માળી એ જોઈને અત્યંત ખુશ થયો. તેણે ગુલાબની ખુબ પ્રશંસા કરી. પરંતુ જેવું તેનું ધ્યાન ગલગોટા પર ગયું, તે દુ:ખી થઈ ગયો. આવાં નાનકડાં પીળા રંગનાં ફૂલ; જેમાં રૂપ નહીં, સુગંધ નહીં, કંઈ જ નહીં? તે ગલગોટા પર વરસી પડ્યો. મેં તને પાણી આપ્યું, સમય આપ્યો, તારી બધી જરૂરિયાત સંતોષી; પરંતુ તું તોય આવો પીળો, ફીકો નીકળ્યો? જો, આ ગુલાબને જો! કેટલો સુંદર લાલ રંગ છે. સુગંધ જો એની, કેટલી મધુર! એક કામ કર, ફરીથી ટ્રાય કર. થોડા દિવસ પછી હવે જે કળી આવે એમાં વધુ મહેનત કરજે. હું ઇચ્છું છું કે તું પણ ગુલાબની જેમ મોહક બને. એકદમ લાલચટક અને સુંગધી. જો તું આવું નહીં બને તો કોણ તને ગમાડશે? તું ફક્ત ચાલુ ૧૦ રૂપિયાના હારમાં પરોવાઈને રહી જઈશ. વીસ રૂપિયાની વેણીમાં તને જગ્યા નહીં મળે. ભાઈ ગલગોટા મહેનત કર, મહેનત. તારે ગુલાબ બનવાનું છે.

આવડત મુજબ પરિણામ

આજે આ ઉદાહરણ એટલે સ્ફૂર્યું કે આજકાલ સમાજમાં ચારે તરફ એક્ઝામનો માહોલ છે. ફેબ્રુઆરીમાં છોકરાઓ તૈયારીમાં મંડ્યા છે, કારણ કે માર્ચ-એપ્રિલમાં એકઝામ્સ આવશે. આપણે ત્યાં બાળકોની એક્ઝામ ફક્ત બાળકોની એક્ઝામ રહી નથી. હવે એ માતા-પિતાની અને ક્યારેક આખા પરિવારની એક્ઝામ બની જતી હોય છે. કૉમ્પિટિશનના આ યુગમાં જ્યાં સ્કોર કરવું ખૂબ જ મહત્વનું છે ત્યાં માતા-પિતાને ચિંતા થતી હોય છે કે તેમનાં ફૂલ જેવાં બાળકો ગલગોટા બનીને ન રહી જાય. દરેક માતા-પિતાને ગુલાબની અપેક્ષા હોય છે અને જો ભૂલથી બાળક ગલગોટો નીકળ્યું તો એ માતા-પિતા સહી શકતાં નથી અને એને કારણે તેમનાં બાળકોને ઘણું સહન કરવું પડે છે.

કોઈ પણ આ સાંભળે તો હસવું આવી જાય કે ગલગોટો કઈ રીતે ગુલાબ બને? દરેક બાળકનું પોતાનું અસ્તિત્વ છે અને પોતાની આવડત. દરેક પોતાની આવડત પ્રમાણે પરિણામ મેળવે એટલી આશા રાખવી જ બસ થઈ રહે છે.

અલગ-અલગ સ્ટ્રેસ

એક્ઝામ છે અને એક્ઝામ સબંધિત સ્ટ્રેસ બાળકો અને તેના પેરન્ટ્સ બન્નેને છે એ સમજાય એવી વાત છે. જીવનની કોઈ પણ પરીક્ષાને હસતાં-રમતાં ન જ નિભાવી શકાય. એના માટે થોડી ગંભીરતા અનિવાર્ય છે. થોડું સ્ટ્રેસ થવું પણ વાજબી છે. આ વાતને સમજાવતાં ડૉ. તારા મહેતા કહે છે, ‘જીવનમાં સ્ટ્રેસ હંમેશાં ખરાબ જ હોય છે એમ ન માનો. જે બાળકો હસતાં-રમતાં હોય અને જેમને કંઈ જ સ્ટ્રેસ ન હોય એવાં બાળકો ઓવર-કૉન્ફિડન્ટ હોઈ શકે અથવા તો એ જેમને એક્ઝામની પડી જ નથી. બાકી સામાન્ય ચિંતા તો દરેક બાળકને હોવાની જ કે કેવી રહેશે એક્ઝામ, શું પૂછશે, કશું ભુલાઈ જશે તો? વગેરે. આ પ્રકારનું સ્ટ્રેસ બાળકને વધુ સારી તૈયારી કરાવડાવે. આ એ સ્ટ્રેસ છે જે માણસ પાસેથી બેસ્ટ કામ કરાવડાવે છે. પરંતુ અમુક બાળકો એવાં પણ હોય છે જેમને ભયંકર ચિંતા થતી હોય છે. તેમને બીક લાગતી હોય છે કે ધાર્યું પરિણામ નહીં આવે તો? જે તેમને નથી આવડતું એ જ બધું એક્ઝામમાં આવશે તો? બધું યાદ તો કર્યું છે, પરંતુ ત્યાં જઈને ભુલાઈ ગયું તો? આ પ્રકારનો જે ડર છે, સ્ટ્રેસ છે કે કહીએ કે અસુરક્ષાની ભાવના છે એ બાળક પર નકારાત્મક અસર કરે છે અને એ કામ નથી કરી શકતા. તેમની માનસિક હાલત ખરાબ હોય છે અને એને કારણે વધુ ખરાબ પરિણામ મળી શકવાનું રિસ્ક રહે છે. આ પ્રકારનું સ્ટ્રેસ હાનિકારક છે, જેને દૂર કરવાની જરૂર રહે છે.’

સ્ટ્રેસ ઘટાડવાની ગાઇડલાઇન્સ

એસ. એલ રાહેજા હૉસ્પિટલ, માહિમનાં ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ તારા મહેતા અને એલ. એચ. હીરાનંદાણી હૉસ્પિટલનાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. જ્યોતિ સાંગલે પાસેથી જાણીએ એક્ઝામ સંબંધિત સ્ટ્રેસને ઘટાડવા બાળકો અને તેમનાં માતા-પિતા માટેની ખાસ ગાઇડલાઇન્સ.

માતા-પિતા માટે ગાઇડલાઇન્સ


તમને બાળકની એક્ઝામનું સખત ટેન્શન હોય તો એ તમારું ટેન્શન છે, એને બાળક ઉપર થોપો નહીં; કારણ કે તે બિચારું પોતાનું ટેન્શન માંડ સાંભળી શકે એમ છે.

તમારા બાળકની બીજાં બાળકો સાથે સરખામણી કરવાનું બંધ કરો. તેની જે ક્ષમતા છે એ મુજબ તે કરશે એવું મનને સમજાવો. તેના મિત્રો સાથે તો નહીં જ, પરંતુ તેનાં ભાઈ-બહેનો સાથે પણ તેને સરખાવવાની જરૂર નથી. એનાથી તેના પર બર્ડન વધે છે.

થોડા રિયલિસ્ટિક બનો. તમારું બાળક ક્લાસમાં પણ પહેલાં ન આવતું હોય અને તમે તેને બોર્ડમાં પહેલા નંબરે જોતા હો તો એ બિલકુલ બરાબર નથી. આ અપેક્ષાઓનું ભારણ તેના માથે લાદો નહીં.

બાળક જોડે કમ્યુનિકેશન બંધ ન થવું જોઈએ. બ્રેકમાં તે તમારી પાસે બેસે તો ભણવાની વાત બિલકુલ ન કરો. તેને ગમે એ વિષયની વાત કરો.

ઘણા પેરન્ટ્સ એવા હોય છે કે આ સમયમાં બાળકને ખુશ રાખવાના ચક્કરમાં તેને જે ગમે એ ખાવા દે છે. એને કારણે જન્ક ફૂડનો અતિરેક થઈ જાય છે. આવું ન જ કરવું. આ સમયે તમે તેને જે ખવડાવો છો એની તેના પર્ફોર્મન્સ પર ઘણી અસર થવાની છે. એટલે ઘરનું અને હેલ્ધી જ ખવડાવો.

બાળકને સપોર્ટ આપો. કંઈ પણ થાય, હું તારી સાથે છું - આ પ્રકારની સુરક્ષા બાળકને મદદરૂપ થાય છે.

જો બાળકને કોઈ ભણવા સંબંધિત પ્રૉબ્લેમ હોય તો તેની સ્કૂલમાં મળો અને એને સૉલ્વ કરવા પ્રયત્ન કરો. જો બાળકને બીજા કોઈ પ્રૉબ્લેમ હોય જેમ કે ડર, સ્ટ્રેસ કે અસુરક્ષા તો નિષ્ણાતની મદદ લો.

બાળકો માટે ગાઇડલાઇન્સ

સૌથી પહેલાં તો હવે જેટલો સમય તમારી પાસે બચ્યો છે એનો સદુપયોગ તમે કઈ રીતે કરી શકવાના છો એ સમજો અને પછી એ મુજબ કરો. મુખ્ય વસ્તુ એ છે કે જો વિદ્યાર્થી ઑર્ગેનાઇઝડ હોય તો તેને તકલીફ પડતી નથી. દરેક વસ્તુ ક્યારે વાંચવી, કેટલું વાંચવું, કેમ કરવું વગેરે એકદમ પદ્ધતિસર બધું ચાલતું હોય તો ખોટું સ્ટ્રેસ આવતું નથી.

સ્માર્ટ બનો. શેના પર વધુ બહાર આપવો, શું વાંચવું, શું છોડશો તો ચાલશે એ બધું વ્યવસ્થિત સમજીને નિર્ણય લો. ઘણા એવા વિદ્યાર્થી હોય છે જે બધું નથી કરી શકતા. તેમના માટે સ્માર્ટ ચૉઇસ મહત્વની હોય છે. જેટલું કરો એટલું બરાબર કરો.

તમારા ગોલ્સ રિયલ હોવા જોઈએ. એક દિવસમાં પાંચ ચૅપ્ટર ન થઈ શકે. જો ખોટા ગોલ્સ રાખશો અને એ પૂરા નહીં કરી શકો તો તમને ખૂબ દુ:ખ થશે. આત્મવિશ્વાસ તૂટશે.

કોઈ પણ વ્યક્તિ દિવસના ૧૨ કલાક વાંચી શકતી નથી. જે કહે છે કે તે વાંચે છે તેમનું મન વાંચતી વખતે બીજે ભટકતું હોય છે. ધ્યાન લગાવીને વ્યવસ્થિત વાંચો. કલાકો પસાર કરવાની જરૂર નથી. એકસાથે ૪૫ મિનિટ વ્યક્તિ ધ્યાન દઈને વાંચી શકે છે. એ પછી તેને ૧૫ મિનિટનો બ્રેક જોઈએ છે. એનાથી વધુ સમય તે ધ્યાન આપી શકતો નથી.

આજે નહીં, કાલે અને કાલે નહીં, એના પછી કરીશું એમ વસ્તુઓને પાછળ ધકેલતા જવાની આદત ગંભીર છે. એને કારણે એક્ઝામ સમયે તમે ફસાઈ જશો. આવું બાળકો ત્યારે કરતાં હોય છે જ્યારે ખૂબ ડરી ગયાં હોય, સમજાતું ન હોય, રસ ન પડતો હોય. આ સમયે કોઈની મદદ માગો.

ભણવા બેસો ત્યારે ગાદલા પર ન બેસો. ટેબલ-ખુરશી પર જ બેસો. ટેબલ પર ફક્ત તમે વાંચવાના છો એ જ ચોપડાં મૂકો. બીજી કોઈ બુક નહીં, મૅગેઝિન નહીં. ફોન તો બિલકુલ નહીં અને ખાવાનું પણ ન રાખો. જગ્યા થોડી શાંત રાખો. ઘોંઘાટમાં ન વાંચો.

રિવિઝન પર ધ્યાન આપો. સમજો કે આજે મેં એક વસ્તુ યાદ કરી. મને એક કલાક થયોે એ કરતાં. હવે જરૂરી છે કે એ ફરીથી હું કાલે પણ લઉં અને રિવિઝન કરું. પછી સાતમા દિવસે, પંદરમા દિવસે અને છેલ્લે ૩૦મા દિવસે રિવિઝન કરવું. રિવિઝન કરતી વખતે સમય ઓછો લાગતો જશે, કારણ કે એ દૃઢ થઈ જશે. પહેલાં જે વાંચતાં કલાક થયો હતો ૩૦મા દિવસે એ ૧૦ મિનિટમાં થઈ જશે. પરંતુ એક વખત વાંચ્યું અને મહિના પછી એને ફરીથી હાથમાં લઈએ તો કશું જ યાદ રહેશે નહીં.

વિદ્યાર્થીઓએ સ્ટ્રેસ ઓછું કરવા જૂનાં પેપર લખવાં. જે રીતે એક્ઝામ હૉલમાં પેપર લખવાનાં હોય એમ જ એવા વાતાવરણમાં લખવું, જેથી આદત પડે.

બાળકોએ પરિવાર અને મિત્રો સાથે જ રહેવું. સાવ એકલવાયાં ન થઈ જવું.

દિવસમાં એક વાર તો બહાર લટાર મારવા નીકળવું.

રાત્રે જાગવાની જરૂર નથી. જો જાગવું પડે તો એના માટે ચા-કૉફી કે એનર્જી‍ ડ્રિન્ક ન પીવાં. એની અસર મેમરી પર પડે છે.

રાતની ૬-૮ કલાકની ઊંઘ ચોક્કસ લેવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK