દુનિયામાં છે ૧૯૯ મિલ્યન સ્ત્રીઓને ડાયાબિટીઝ

અને ૨૦૪૦ સુધીમાં આ આંકડો ૩૧૩ મિલ્યન સુધી પહોંચશે એવું અનુમાન છે. આજે વર્લ્ડ ડાયાબિટીઝ ડેના દિવસે જાણીએ સ્ત્રીઓમાં આ રોગને લઈને કયા પ્રકારનું રિસ્ક રહે છે. એની સાથે-સાથે એ પણ જાણીએ કે સ્ત્રીઓ આ બાબતે શું કરી શકે

diabetes

World Diabetes Day - જિગીષા જૈન

આજે વર્લ્ડ ડાયાબિટીઝ ડે છે. આ વર્ષે આ દિવસની ઉજવણી માટે વિમેન ઍન્ડ ડાયાબિટીઝ - અવર રાઇટ ટુ હેલ્ધી ફ્યુચર નામની થીમ પસંદ કરવામાં આવી છે. આ થીમ પસંદ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્ત્રીઓ આ રોગ પ્રત્યે જાગૃત થાય અને આ રોગનો ઇલાજ કરે. ભારતમાં ઍવરેજ સ્ત્રી પોતાના પરિવાર અને બાળકો માટે જીવતી હોય છે. તે પરિવાર અને બાળકોના સ્વાસ્થ્ય વિશે એટલું વિચારતી હોવા છતાં ખુદના સ્વાસ્થ્ય માટે કોઈ ધ્યાન આપતી હોતી નથી. રેગ્યુલર ચેકઅપ પતિનું યાદ રાખે, પરંતુ પોતે ન કરાવે. બાકોને હેલ્ધી ખવડાવે, પરંતુ પોતે જેટલું બચ્યું હોય એ બધું ફેંકી ન દેવું પડે એટલે ખાઈ લે. પોતાના વજનની ચિંતા કરશે, પરંતુ એક કલાક એક્સરસાઇઝ કરવા માટેનો સમય ફાળવી નહીં શકે એટલું જ નહીં; જે સ્ત્રીઓને ડાયાબિટીઝ છે જ તે પણ પોતાની શુગરની ચિંતા કરતી જણાતી નથી, કારણ કે ભારતીય સ્ત્રીઓનો સ્વભાવ જ એવો નથી કે તે પોતાની ચિંતા કરે. રેગ્યુલર દવા લેવાનું પણ ઘણી સ્ત્રીઓ ભૂલી જતી હોય છે. ડાયાબિટીઝ જેવા રોગમાં આ પ્રકારની લાપરવાહી ઘાતક સાબિત થતી હોય છે. આ વર્ષે ખાસ સ્ત્રીઓને ડાયાબિટીઝ વિશે જાગૃતિ આવે એ માટેના પ્રયાસો કરવામાં આવશે. ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશન ઇચ્છે છે કે વિશ્વમાં જે સ્ત્રીઓ ડાયાબિટીઝની દરદી છે તેમને યોગ્ય ઇલાજ મળે, આર્થિક રીતે પોસાય એવી કાળજી મળી રહે અને પૂરતી માહિતી મળે જેથી તે પોતાના ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખી શકે.

સ્ત્રીઓ પર વ્યાપક અસર

વિશ્વમાં ૧૯૯ મિલ્યન સ્ત્રીઓને ડાયાબિટીઝ છે. ૨૦૪૦ સુધીમાં આ આંકડો ૩૧૩ મિલ્યન સુધી પહોંચશે. એનાથી પણ મહત્વનો આંકડો એ કહે છે કે દર પાંચમાંથી બે ડાયાબિટીઝ ધરાવતી સ્ત્રી રીપ્રોડક્ટિવ એજ ધરાવે છે, જે સૂચવે છે કે ૨૦થી ૩૫ વર્ષની કુલ ૬૦ મિલ્યન સ્ત્રીઓને આ રોગ છે. દર વર્ષે ૨.૧ મિલ્યન સ્ત્રીઓ દુનિયામાં ડાયાબિટીઝને કારણે મૃત્યુ પામે છે. આ રોગ દુનિયામાં સ્ત્રીઓની મૃત્યુ માટેનું કારણ બનતા રોગોમાં નવમું સ્થાન ધરાવે છે. જે સ્ત્રીને ટાઇપ ટૂ ડાયાબિટીઝ છે તેના પર હાર્ટ-ડિસીઝ થવાનું રિસ્ક દસગણું વધી જાય છે, જ્યારે ટાઇપ વન ડાયાબિટીઝ ધરાવતી સ્ત્રીને મિસકૅરેજ થવાની અથવા બાળકના વિકાસ પર એની અસર થવાની શક્યતા ઘણી વધારે હોય છે.

સ્ત્રી અને ડાયાબિટીઝ

ડાયાબિટીઝ એક એવો રોગ છે જેનું રિસ્ક સ્ત્રી અને પુરુષ બન્ને પર સરખું જ હોય છે. એ વિશે વાત કરતાં ગાડગે ડાયાબિટીઝ કૅર સેન્ટરના ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘આ રોગ આમ તો કોઈ પણ ઉંમરે આવી શકે છે, પરંતુ મેનોપૉઝલ સ્ત્રીઓમાં આ રોગનું રિસ્ક વધી જાય છે. આમ મેનોપૉઝ પછી સ્ત્રીઓએ થોડું સતર્ક રહેવું. આ સિવાય જે સ્ત્રીની શુગર ઉપર-નીચે થતી રહે છે એને કારણે તેમના માસિક પર પણ એની અસર રહે છે. એનાથી ઊલટું જે છોકરીઓનું માસિક અનિયમિત હોય તેને ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધુ રહે છે. આ સિવાય ડાયાબિટીઝ જેમને છે એ સ્ત્રીઓને જો વજાઇનલ ઇન્ફેક્શન થાય તો એ જલદીથી ઠીક થતું નથી, કારણ કે ડાયાબિટીઝને કારણે ઇન્ફેક્શન જલદી ઠીક નથી થતું હોતું. સ્ત્રીઓમાં માસિક, પ્રેગ્નન્સી, સ્તનપાન જેવા અલગ-અલગ સમયે હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ થતું રહે છે; જેને કારણે તેમનું વજન પણ ઉપર-નીચે થતું રહે છે. સ્ત્રીના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવે છે, જે પુરુષના શરીરમાં આવતા નથી. એને લીધે પણ જો ધ્યાન ન રાખો તો વજન એકદમ જ વધી જવાના પ્રસંગ બને છે. આ સમય નાજુક કહી શકાય. આવા સમયે ડાયાબિટીઝનું રિસ્ક સ્ત્રીમાં વધતું હોય છે.’

જેસ્ટેશનલ ડાયાબિટીઝ

દર સાતમાંથી ૧ જન્મેલું બાળક જેસ્ટેશનલ ડાયાબિટીઝથી પીડિત છે. ઇન્ટરનૅશનલ ડાયાબિટીઝ ફેડરેશનના અનુમાન અનુસાર ૨૦૧૫માં ૨૦.૯ મિલ્યન એટલે કે કુલ પ્રેગ્નન્ટ સ્ત્રીઓના ૧૬.૨ ટકા સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરગ્લાયસેમિયા હતું. એમાંથી અડધોઅડધ સ્ત્રીઓ આગલાં પાંચ કે દસ વર્ષમાં ટાઇપ ટૂ ડાયાબિટીઝનો ભોગ બનવા તરફ આગળ વધી રહી હતી. એક એવી માન્યતા પણ છે કે જે સ્ત્રીઓ ૩૦-૩૨ વર્ષ પછી પ્રેગ્નન્સી ધરાવતી હોય તો તેને પ્રેગ્નન્સી દરમ્યાન જેસ્ટેશનલ ડાયાબિટીઝ થાય છે, પરંતુ ફેડરેશન મુજબ જે સ્ત્રીઓને પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરગ્લાયસેમિયા થયું હતું એમાંની અડધોઅડધ સ્ત્રીઓ ૩૦ વર્ષથી નાની ઉંમર ધરાવતી હતી.

પ્રેગ્નન્સી દરમ્યાન


જે સ્ત્રીઓના ઘરમાં માતા કે પિતાને ડાયાબિટીઝ છે, જે પોતે ઓબીસ કે ઓવરવેઇટ છે, જેને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ છે તેમને ખાસ પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીઓને ડાયાબિટીઝ આવી જવાનું રિસ્ક વધુ રહે છે. આ પ્રકારના ડાયાબિટીઝને જેસ્ટેશનલ ડાયાબિટીઝ કહે છે. આ ડાયાબિટીઝની વિશેષતા જણાવતાં વર્લ્ડ ઑફ વુમન, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘આ એ પ્રકારનો ડાયાબિટીઝ છે જે પ્રેગ્નન્સી દરમ્યાન આવે છે અને ડિલિવરી પછી એની જાતે જ જતો રહે છે. આવી સ્ત્રીઓને ભવિષ્યમાં ટાઇપ ટૂ ડાયાબિટીઝ થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. મહત્વનું એ છે કે જો પ્રેગ્નન્સી દરમ્યાન આવેલા આ ડાયાબિટીઝને કાબૂમાં ન રાખ્યો તો બાળક પર એની અસર થાય છે. મિસકૅરેજ, પ્રી-ટર્મ ડિલિવરી, અક્ષમ બાળક કે ક્યારેક મૃત બાળક જેવા પ્રૉબ્લેમ્સ પણ આવી શકે છે. એટલે આ બાબતે ઘણું જ સતર્ક રહેવું જરૂરી છે. બેસ્ટ તો એ જ છે કે જેસ્ટેશનલ ડાયાબિટીઝ આવે નહીં, પરંતુ જો આવે તો એનું મૅનેજમેન્ટ પણ એટલું જ અનિવાર્ય છે.’

શું કરવું?

જે સ્ત્રીઓને ડાયાબિટીઝ છે તે આ રોગ પ્રત્યે જાગૃત રહે અને એના માટે તેમને જરૂરી દવાઓ, ટેક્નૉલૉજી, સેલ્ફ-મૅનેજમેન્ટ એજ્યુકેશન અને માહિતી મળી રહે એ તેમનો હક છે.

બાળક પ્લાન કરતાં પહેલાં રિસ્ક ઘટાડવા માટે જરૂરી પગલાંઓ લેવાં જોઈએ. એમાં જરૂરી ટેસ્ટ કરાવવી, વજન વ્યવસ્થિત રાખવું જરૂરી છે વગેરે વસ્તુઓને ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ઠીક કરીને પછી જ બાળક પ્લાન કરવું જેથી જેસ્ટેશનલ ડાયાબિટીઝનું રિસ્ક ઘટાડી શકાય.

દરેક સ્ત્રી કે છોકરીએ દરરોજ એક્સરસાઇઝ માટેનો સમય ચોક્કસ કાઢવો જોઈએ. ભણતર, ઘરના કામ, ઑફિસ કે પ્રોફેશનલ વર્ક, પરિવાર, બાળકો આ બધાની જવાબદારીઓથી પણ એક મહત્વની જવાબદારી છે. એ છે તેમની પોતાની હેલ્થ. એ માટે તેમણે ગંભીર બનવું જરૂરી છે.

ટાઇપ ટૂ ડાયાબિટીઝને રોકવા માટે થનારી સ્ટ્રૅટેજીસમાં પણ હેલ્થ અને પોષણનો મુદ્દો અગ્રેસર હોવો જોઈએ.

પ્રેગ્નન્સી દરમ્યાન ડૉક્ટરની મુલાકાત સમય-સમય પર લેવી અત્યંત જરૂરી છે. તે જે કહે એ મુજબની ટેસ્ટ કરાવતા રહેવી પણ એટલી જ જરૂરી છે, જેને લીધે એ દરમ્યાન જેસ્ટેશનલ ડાયાબિટીઝ આવ્યો પણ તો આપણે ઇલાજ દ્વારા એને કન્ટ્રોલમાં રાખી શકીએ.

પ્રેગ્નન્સી દરમ્યાન જેસ્ટેશનલ ડાયાબિટીઝનું સ્ક્રીનિંગ ફરજિયાત હોવું જોઈએ. સેન્ટર નાનું હોય કે મોટું, આ ટેસ્ટ કરાવવી ખૂબ જ મહત્વની છે. એને લીધે નિદાન સમયસર થાય, સ્ત્રીની સારી કાળજી લઈ શકાય અને પ્રેગ્નન્સી દરમ્યાન આવતો સ્ત્રીઓનો મૃત્યુઆંક રોકી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK