પુરુષો ટેન્શન ન લે, સાઇક્લિંગથી નુકસાન ઓછું ને ફાયદા વધુ છે

વિદેશોમાં થયેલા અભ્યાસોમાં ચિંતા કરાવે એવાં તારણો આવ્યાં છે ત્યારે આ મુદ્દે લઈએ એક્સપર્ટ-ઓપિનિયન

cycling

વર્ષા ચિતલિયા

પૃથ્વી પર વધી રહેલાં ધ્વનિ-પ્રદૂષણ અને ગ્લોબલ-વૉર્મિંગ વિશે લોકોમાં જોવા મળતી જાગ્રતતા તેમ જ ઇકો-ફ્રેન્ડ્લી વસ્તુઓ વાપરવાની ભલામણના કારણે વર્તમાન સમયમાં વધુ ને વધુ લોકો સાઇકલ વાપરતા થયા છે. છેલ્લા દસકામાં ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સ અને આઉટડોર ઍક્ટિવિટી તરફ લોકોનો ઝુકાવ વધતાં સાઇકલ વાપરવાનું ચલણ વધ્યું છે. ફિટનેસના સંદર્ભમાં જોઈએ તો સાઇક્લિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝ ગણવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સાઇક્લિંગ માટે ખાસ ટ્રૅક બનાવવામાં આવ્યા છે. વિદેશમાં તો કંપનીના સામાન્ય કર્મચારીઓ જ નહીં; મોટા-મોટા બિઝનેસમેન, રાજકારણીઓ અને મહાનુભાવો કામના સ્થળે સાઇકલ લઈને જાય છે. તેઓ સાઇકલને ઑલ્ટરનેટિવ ટ્રાન્સપોર્ટ તરીકે સ્વીકારી રહ્યા છે. અગાઉ આપણા દેશમાં સાઇકલનો વપરાશ માત્ર સ્કૂલમાં જતાં બાળકો સુધી સીમિત હતો. હવે ભારતમાં પણ સાઇકલને પ્રમોટ કરવાની પહેલ શરૂ થઈ છે. આજે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, દરિયાકિનારે અને બગીચાની આસપાસ સાઇકલ ચલાવતા લોકો નવાઈની વાત નથી રહી. મુંબઈ અને દેશના અન્ય મેટ્રો સિટીમાં રહેતા પુરુષોમાં ગ્રુપ-સાઇક્લિંગનો ક્રેઝ જોર પકડી રહ્યો છે. શું સાઇક્લિંગને પુરુષો માટેની શ્રેષ્ઠ એક્સરસાઇઝ કહી શકાય? સાઇકલ ચલાવતા પુરુષોએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? સાઇક્લિંગને તમારી લાઇફ-સ્ટાઇલ બનાવતાં પહેલાં એના વિશે એ-ટુ-ઝેડ જાણી લો.

સાઇક્લિંગને ઍરોબિક એક્સરસાઇઝ પણ કહે છે. રિસર્ચ કહે છે કે સાઇકલ ચલાવવાથી શરીરનાં તમામ અંગો ઍક્ટિવેટ થાય છે, જેના કારણે સ્ટૅમિના વધે છે. માત્ર શારીરિક ક્ષમતા માટે જ નહીં, ડિપ્રેશનમાંથી બહાર આવવામાં પણ સાઇક્લિંગ સહાયરૂપ થાય છે. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિ જો સાઇકલ ચલાવે તો વજન ઝડપથી ઘટે છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે પણ સાઇક્લિંગ જ બેસ્ટ વિકલ્પ છે એવો મત ફિટનેસ-એક્સપર્ટ્સ વ્યક્ત કરે છે.  બીજી બાજુ અમેરિકા અને સાઉદી અરેબિયાની યુનિવર્સિટીએ સંયુક્તપણે હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મïળ્યું છે કે સાઇકલ ચલાવતા પુરુષોમાં સેક્સ્યુઅલ અને યુરિનરી સંબંધિત સમસ્યા વધુ જોવા મળે છે. આ અભ્યાસમાં ૪૦૦૦ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા; જેમાં ઝડપથી સાઇકલ ચલાવતા ૨૩ ટકા, મધ્યમ ઝડપે સાઇકલ ચલાવતા ૪૭ ટકા અને ૩૦ ટકા નૉન-સાઇક્લિસ્ટ પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સાઇકલ ચલાવતી વખતે સૅડલના એટલે કે સીટના પ્રેશરના કારણે પુરુષોનાં જાતીય અંગોને નુકસાન થાય છે.

સાઇકલ ચલાવતા પુરુષોમાં યુરિન સંબંધિત કોઈ સમસ્યા જોવા મળતી નથી તેમ જ  જાતીય અંગોને પણ કોઈ નુકસાન થતું નથી એવી સ્પષ્ટતા આપતાં સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘વાસ્તવમાં યુરિનરી ઇન્ફેક્શનને સાઇક્લિંગ સાથે કોઈ નિસબત નથી. સાઇકલ ચલાવવાથી ટૂંક સમય માટે કદાચ પુરુષની ઇãન્દ્રયમાં ઉત્તેજના ન અનુભવાય એવું બની શકે, પરંતુ એનાથી કાયમી ધોરણે કોઈ નુકસાન થતું નથી. સામાન્ય રીતે સાઇકલની સીટ વચ્ચેથી ઊપસેલી હોય છે. લાંબા સમય સુધી તમે એના પર બેસો એટલે અંડકોષ પર દબાણ આવે અને તમારા પર્ફોર્મન્સ પર એની અસર પડે. સેન્ટરમાં ઊપસેલી સીટ પર બેસીને સાઇકલ ચલાવતા પુરુષોમાં જાતીય ઉત્તેજના સંબંધિત સમસ્યા વધારે જોવા મળે છે. હવે સતત ચાર-પાંચ કલાક સાઇકલ ચલાવીને તમે ઘરે જાઓ અને પત્ની સાથે સેક્સનો આનંદ લેવો છે એવું વિચારો તો શક્ય છે કે તમે નિષ્ફળ જાઓ. એક વાર તમે પરીક્ષામાં નાપાસ થાઓ એટલે મનમાં ડર બેસી જાય. બીજી વાર તમે વધારે તૈયારી કરી હોય તો પણ ડરના કારણે શક્ય છે ફરીથી નાપાસ થઈ જાઓ. આવું થવા પાછળનું કારણ આત્મવિશ્વાસનો અભાવ છે. આત્મવિશ્વાસ ડગી જાય એટલે થોડા સમય માટે તમે નામર્દ બની ગયા હો એવું પ્રતીત થાય તેમ જ તમારી ચિંતા અને ફિકરમાં વધારો થાય. તબીબી ભાષામાં આને ઍન્ગ્ઝાયટી કહેવાય. આ એક સાઇકોલૉજિકલ ઇફેક્ટ છે. વધારે સમય સુધી સાઇકલ ચલાવતા પુરુષોએ સાઇકલની સીટ સપાટ હોય એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. સીટ કમ્ફર્ટેબલ હોય તો રાહત થાય છે. કલાકો સુધી સાઇક્લિંગ કર્યા બાદ તરત સેક્સ કરવાથી બચવું જોઈએ. આ સિવાય સાઇક્લિંગની અન્ય કોઈ આડસઅસર થતી નથી એટલે વધારે તકેદારી રાખવાની આવશ્યકતા નથી.’

વિદેશના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સાઇકલથી પ્રોસ્ટેટ કૅન્સર થવાની શક્યતા વધી જાય છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાઇક્લિંગ કરનારા પુરુષોમાં પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળે છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે એવા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં પ્રકાશભાઈ કહે છે, ‘પ્રોસ્ટેટને લગતી સમસ્યાઓ સાથે સાઇક્લિંગને આમ તો કંઈ લાગતુંવળગતું નથી, પરંતુ કેટલીક વાર પ્રોસ્ટેટના નિદાન માટે કરવામાં આવતી પ્રોસ્ટેટ સ્પેસિફિક ઍન્ટિજન (PSA) ટેસ્ટનો રિપોર્ટ સાઇક્લિંગના કારણે ખોટો આવી શકે છે, જેને ફૉલ્સ પૉઝિટિવ ટેસ્ટ કહી શકાય. લાંબા સમય સુધી સાઇકલ ચલાવીને ટેસ્ટ કરાવવા જાઓ તો PSA ઊંચો આવે. જો તમે આવી ફૉલ્સ ટેસ્ટની શક્યતાથી વાકેફ હો તો ફિકર કરવાની જરૂર ન પડે અને તબીબી સારવારથી બચી જાઓ. જે વ્યક્તિને આ પ્રકારની ટેસ્ટ કરાવવાની હોય તેમને સાઇક્લિંગ કરીને ન જવાની સલાહ છે. વાસ્તવમાં સાઇક્લિંગનું નુકસાન ઓછું અને ફાયદા વધુ છે. એનાથી કમર ટ્ટટાર રહે છે અને પગના મસલ્સ મજબૂત થાય છે. સાઇક્લિંગમાં બૉડીની મૂવમેન્ટથી શરીરમાં લોહીનું ભ્રમણ વધે છે. વૉકિંગ, સાઇક્લિંગ અને સ્વિમિંગને શ્રેષ્ઠ એક્સરસાઇઝ કહી શકાય. મારી સલાહ છે કે થોડી તકેદારી સાથે કોઈ પણ પ્રકારનો મનમાં ભય રાખ્યા વગર બિન્ધાસ્ત સાઇકલ ચલાવો અને ફિટ રહો.’

સાઇક્લિંગથી પુરુષનાં જાતીય અંગોને કાયમી ધોરણે કોઈ નુકસાન થતું નથી, પરંતુ સેન્ટરમાં ઊપસેલી હોય એવી સીટ પર બેસીને કલાકો સુધી સાઇકલ ચલાવવાથી અંડકોષ પર દબાણ આવે અને થોડા સમય માટે જાતીય ઉત્તેજના ન અનુભવાય એવું બની શકે. કેટલીક વાર પ્રોસ્ટેટના નિદાન માટે કરવામાં આવતી PSA ટેસ્ટનો રિપોર્ટ સાઇક્લિંગના કારણે ખોટો આવી શકે છે, જેને ફૉલ્સ પૉઝિટિવ ટેસ્ટ કહી શકાય. આ પ્રકારની ટેસ્ટ કરાવવાની હોય ત્યારે સાઇક્લિંગ કરીને ન જવાની ભલામણ છે

- સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી

રોડ-સાઇક્લિંગ મારું પૅશન - સાઇક્લિસ્ટ ગુંજન શાહ, કાંદિવલી


છેલ્લાં ત્રણેક વર્ષથી લાંબા અંતરની સાઇક્લિંગ-ઍક્ટિવિટીમાં ભાગ લેતા ૪૨ વર્ષના બિઝનેસમૅન ગુંજન શાહ કહે છે, ‘આજથી ચાર વર્ષ પહેલાં જ્યારે સાઇકલ ચલાવવાની શરૂઆત કરી ત્યારે મારી પ્રાથમિકતા હતી વજન ઘટાડવું. એ વખતે મારું વજન ૧૧૮ કિલો હતું. જિમમાં જઈ એક્સરસાઇઝ કરવાનો કંટાળો આવતો હતો એટલે સાઇક્લિંગ શરૂ કર્યું. વીસ કિલો જેટલું વજન ઘટ્યા બાદ લાંબા અંતરના પ્રવાસમાં રસ પડ્યો. હકીકતમાં તો સાઇક્લિંગ મારું પૅશન બની ગયું. આજે મને એન્ડ્યુરન્સ સાઇક્લિંગમાં બહુ મજા આવે છે. આ પ્રકારની ઍક્ટિવિટીમાં ૨૦૦ કિલોમીટરનું અંતર દસથી ૧૨ કલાકમાં, ૪૦૦ કિલોમીટર ૨૦ કલાકમાં એમ કિલોમીટર પ્રમાણે અમુક કલાકમાં પ્રવાસ પૂરો કરવાનો હોય. મેં ૪૦૦ કિલોમીટરનો પ્રવાસ ૨૬ કલાકમાં પૂરો કર્યો છે. સામાન્ય રીતે લાંબા અંતરની સાઇક્લિંગ-ઍક્ટિવિટી સેલ્ફ-સપોર્ટ હોય છે. લોકો ગ્રુપ બનાવીને પ્રવાસ કરે છે. દર ત્રણથી ચાર કલાક બાદ એક બ્રેક લેવામાં આવે છે. હું નિયમિત રીતે લાંબા અંતરનો પ્રવાસ કરું છું. સાઇક્લિંગના કારણે ગ્રુપ બની જાય છે. એક વાર સાઇકલ ચલાવવાનું શરૂ કરો પછી તમે એને એન્જૉય કરવા લાગો છો. સાઇક્લિંગને જ્યારે તમે તમારી લાઇફ-સ્ટાઇલ બનાવો છો ત્યારે એની પસંદગીમાં ધ્યાન આપવું જોઈએ. રેસ-સાઇકલની પોઝિશન અગ્રેસિવ હોય છે તેથી એ લૉન્ગ ડિસ્ટન્સ માટે ન ચાલે, જ્યારે રોડ-બાઇકની સીટ આરામદાયક હોય છે. સાઇક્લિંગમાં રોડ-અકસ્માત સિવાયનું કોઈ જ જોખમ નથી. ઍથ્લીટ્સ ક્રૉસ-ટ્રેઇનિંગ માટે સાઇકલ ચલાવતા હોય છે. ફિટનેસ માટે જ નહીં, કોઈ પણ પ્રકારની ઇન્જરીમાં સાઇકલ હેલ્પ કરે છે. ઘૂંટણના ડૅમેજથી લઈને બધા જ પ્રકારની ઇન્જરી લઈને આવતા ઍથ્લીટ્સ છેલ્લે સાઇકલ પર જ સેટલ થાય છે.’

રનિંગ અને સાઇક્લિંગ છે મારી લાઇફ-સ્ટાઇલ - રનર પરેશ જાદવાણી, વસઈ

વસઈ ખાતેના પિંકેથૉન ગ્રુપના ઍમ્બૅસૅડર અને મૅરથૉન-રનર પરેશભાઈ સાઇક્લિંગને પ્રમોટ કરવાનું કાર્ય પણ કરે છે. સાઇક્લિંગને શ્રેષ્ઠ કઈ રીતે કહી શકાય એ સંદર્ભે વાત કરતાં તેઓ કહે છે, ‘અમે લોકો મૅરથૉન દોડવીર છીએ. મૅરથૉન વખતે પચાસ કિલોમીટર દોડીએ એટલે બીજા દિવસે પગ એવા જૅમ થઈ ગયા હોય કે રનિંગની પ્રૅક્ટિસ કરવી લગભગ મુશ્કેલ જ હોય. એ વખતે સાઇક્લિંગ જ રાહત આપે છે. સાઇક્લિંગથી ઘૂંટણ અને એડી સ્ટ્રેચ થાય. લોઅર બૉડીના મસલ્સ સ્ટ્રેચ થાય તો જ તમે ફરીથી રનિંગની પ્રૅક્ટિસ માટે તૈયાર થઈ શકો. વાસ્તવમાં તો સાઇક્લિંગ અમારી ક્રૉસ-ટ્રેઇનિંગનો જ એક ભાગ છે. સાઇકલ ચલાવવાની મજા જ અલગ છે. એક વાર તમે શરૂ કરો પછી તમને એની ટેવ પડી જાય અને એન્જૉય કરો. સાઇક્લિંગ કંઈ માત્ર પુરુષો માટેની એક્સરસાઇઝ નથી. વસઈ (ઈસ્ટ)માં આવેલા મધુબન ટાઉનશિપથી ભુઈગાવ બીચ સુધી આશરે ૨૫ કિલોમીટરના અંતરમાં સાઇક્લિંગ માટે લેડીઝને પ્રોત્સાહિત કરીએ છીએ. જે લેડીઝ પાસે સાઇકલ ન હોય તેમને પૅડલ પાવર ગ્રુપ તરફથી ફ્રીમાં સાઇકલ ચલાવવાની સુવિધા પણ કરી આપીએ છીએ. તેમના માટે રવિવારનું મૉર્નિંગ-સાઇક્લિંગ મિની પિકનિક જેવું બની ગયું છે. સાઇક્લિંગ ફિટનેસ, ઍડ્વેન્ચર અને એન્જૉયમેન્ટનું કૉમ્બિનેશન છે. સાઇકલ ચલાવતી વખતે કેટલીક તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. વહેલી સવારે અથવા સાંજના સમયે રોડ પર સાઇકલ ચલાવો ત્યારે અકસ્માતથી બચવા રિફ્લેક્ટર જૅકેટ પહેરવાં જોઈએ. સલામતી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાની. બૉડીને હાઇડ્રેટેડ રાખવા પાણી અથવા એનર્જી-ડ્રિન્ક રાખી શકાય. આપણે જોઈએ છીએ કે અમુક લોકો સાઇકલ ચલાવતી વખતે મ્યુઝિક સાંભળતા હોય છે. સાઇકલ ચલાવતી વખતે મ્યુઝિક સાંભળવું જોખમી કહેવાય. આ ઉપરાંત ઓળખપત્ર પ્રૂફ પણ સાથે રાખવું જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK