વજન ઉતારવા માટે કીટો ડાયટ કરવાની ઇચ્છા હોય તો પહેલાં આટલું જાણો

કીટો ડાયટથી વજન ઉતારવાનું ભૂત છેલ્લા કેટલાક સમયથી લોકોના મન પર સવાર થતું જોવા મળી રહ્યું છે ત્યારે સમજીએ કે આ ડાયટ છે શું. જોકે નિષ્ણાતના મતે વજન ઉતારવા માટે ઘણા પ્રકારની ઘણી સારી ડાયટ હોય ત્યારે કીટો જેવી રિસ્કી ડાયટ ન જ કરવી જોઈએ

diet

જિગીષા જૈન

વજન ઉતારવાને હેલ્થનું સમાનાર્થી માનનારા આજની તારીખે લાખો લોકો છે. વજન પ્રમાણસર હોવું એ એક પૅરામીટર છે, જેના દ્વારા તમે કહી શકો કે હું હેલ્ધી છું એ હકીકત છે. આટલું સામાન્ય જ્ઞાન દરેક વ્યક્તિ ધરાવે છે. પરંતુ એ વજનને ઓછું કરવા માટે આપણે નવી-નવી તરકીબો, નવા-નવા ડાયટ-પ્લાન અને માર્કેટમાં આજકાલ વેઇટલૉસના નામે જે વેચાય છે એ પ્રોડક્ટ્સ પાછળ ગાંડા થઈએ છીએ. થોડા-થોડા સમયે માર્કેટમાં અલગ-અલગ ડાયટ-પ્લાન આવે છે અને લોકો એનું આંધળું અનુકરણ કરવા લાગે છે. એમાં પણ જો એકાદ સેલિબ્રિટીએ આ પ્રકારની ડાયટ ફૉલો કરી તો બસ, બધા એ જ કરવા લાગે છે. છેલ્લા એકાદ વર્ષથી આખું જગત એક ડાયટ પાછળ ઘેલું થયું છે અને એનું નામ છે કીટો અથવા તો કીટોજેનિક ડાયટ. હાલમાં યુવાનોમાં ઘણા જ ફેવરિટ બનેલા કૉમેડિયન તન્મય ભટે પણ કીટો દ્વારા ૧૨ મહિનામાં એનું ૧૦૦ કિલોથી ઉપરનું વજન ઉતાર્યું હતું. તન્મયને જોઈને ઘણા લોકોને થયું હશે કે જો તે કરી શકે તો આપણે કેમ નહીં. ઘણા લોકો છે જે કીટોને કારણે અત્યારે ઘણાં કૉમ્પ્લીકેશન ભોગવી રહ્યા છે, જેમ કે કીટો પાછળ ઘેલા થયેલા એક મેડિકલ પ્રોફેશનલની હાલત કીટોથી એટલી બગડી છે કે એ છોડ્યા પછી તે જે હતા એના કરતાં ડબલ જાડા અને ઉંમરલાયક દેખાવા લાગ્યા છે. કીટો પાછળ ઘેલા થઈને એક છોકરીએ તેની માસિક સાઇકલ આખી બગાડી નાખી. તેણે આજે હૉર્મોનલ રિપ્લેસમેન્ટ થેરપી લેવી પડી રહી છે. આજે જાણીએ કે બધાને ઘેલું લગાડનાર આ કીટો ડાયટ છે શું અને એની સાથે કેટલા પ્રકારનાં રિસ્ક જોડાયેલાં છે.

હોય શું?

આજકાલ તમે ખુશી-ખુશી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાતા, અન્યન રિંગ્સ કે ભજિયાં ખાતા લોકોના ફોટો સોશ્યલ મીડિયા પર જોયા છે? ચીઝના લેયર પર લેયર દાબી જતા લોકોના ફોટો અને એ લોકો એનાથી કેટલા ખુશ છે એવાં તેમના સ્ટેટસ વાંચ્યાં છે? આ બધા જ કીટો ડાયટ કરતા લોકો છે. આ ડાયટમાં શું હોય છે એ વિશે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘કીટો ડાયટ એટલે મુખ્યત્વે સમજવા જઈએ તો એવી ડાયટ જેમાં કાર્બોહાઇડ્રેટ્સ ખૂબ જ નહીંવત પ્રમાણમાં હોય છે, પ્રોટીન પણ ઠીકઠાક પ્રમાણમાં લેવાનું હોય છે અને ડાયટનો મુખ્ય ભાગ ફૅટ્સ હોય છે. આખા દિવસમાં લગભગ ૧૫-૨૦ ગ્રામ જ કાર્બ્સ લેવાના હોય છે. ભારતીય ડાયટ મુજબ આપણે નૉર્મલ ડાયટમાં ૬૦-૬૫ ટકા જેટલું કાર્બોહાઇડ્રેટ્સ ખાતા હોઈએ છીએ, જ્યારે કીટો ડાયટમાં કુલ ડાયટનો માંડ પાંચ ટકા ભાગ કાર્બ્સ હોય છે. લગભગ વીસ ટકા જેવો ડાયટનો ભાગ પ્રોટીનનો હોય છે, જે ખરાબ તો ન ગણી શકાય; પરંતુ પૂરતું પણ ન ગણી શકાય. નૉર્મલ ડાયટમાં ૪૬-૫૬ ગ્રામ જેટલું પ્રોટીન આપણે લેવું જોઈએ. કીટોજેનિક ડાયટમાં ડાયટનો ૭૫ ટકા ભાગ ફૅટ્સ હોય છે એટલે કે સામાન્ય રીતે આપણા નૉર્મલ ડાયટમાં માંડ પાંચ કે ૧૦ ટકા ભાગ ફૅટ્સ હોય છે એની જગ્યાએ આ ડાયટમાં ફૅટ્સનું પ્રમાણ અધધધ છે.’

થાય શું?


કોઈ પણ માણસને આ કૉમ્બિનેશન જોઈને વિચાર આવે કે આ કઈ રીતે કામ કરે? જો તમે આટલી વધુ માત્રામાં ફૅટ્સ ખાઓ તો દૂબળા કઈ રીતે થાઓ? આ પ્રશ્નના જવાબ માટે એ જાણવું જરૂરી છે કે આ કીટો ડાયટ શરીર પર કઈ રીતે અસર કરે છે. એ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આ એક સાયન્ટિફિક મેથડથી ચાલુ થયેલી ડાયટ હતી જે અમુક ખાસ રોગોમાં કામ આવતી. સામાન્ય રીતે સમજીએ તો માણસના શરીરમાં આપણે જે કાર્બ્સ ખાઈએ છીએ એનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે. ગ્લુકોઝ જ આપણો મેઇન એનર્જી‍ સ્રોત છે. એનાથી જ આપણને શક્તિ મળે છે. પરંતુ આ ડાયટમાં આપણે કાર્બ્સનું પ્રમાણ સાવ ઘટાડી દઈએ છીએ, જે ઘટાડી દેવાને કારણે ગ્લુકોઝ ઓછું બને છે. શરીરને શક્તિની જેટલી જરૂર છે એ એને મળતી નથી એટલે એ પ્રોટીન પાસે શક્તિ મેળવવા જાય છે. પરંતુ પ્રોટીન પણ પૂરું પડતું નથી એટલે છેલ્લે શરીર ફૅટ પાસે જાય છે અને ફૅટને ઓગાળીને શક્તિ મેળવે છે. આ ડાયટમાં શરીર કીટોસિસના સ્ટેટમાં ઘૂસી જાય છે. જ્યારે ફૅટ ઓગળે છે ત્યારે બાય પ્રોડક્ટ તરીકે કીટોન્સનું પ્રમાણ વધે છે. જ્યારે શરીર એનર્જી‍ માટે આ કીટોન્સનો ઉપયોગ કરે છે ત્યારે ફૅટ્સ બળવા લાગે છે અને વેઇટલૉસ થાય છે.’

નુકસાન

જ્યારે આ કીટો ડાયટ શરીર પર કઈ રીતે કામ કરે છે એ સમજાવવામાં આવે ત્યારે એ એકદમ લૉજિકલ લાગે છે અને આ લૉજિકલ લાગવાના ચક્કરમાં લોકોનું અચાનક ઊતરી જતું અધધધ વજન જોઈને અને ફૅટ્સ ખાવાની લાલચમાં અઢળક લોકો આ ડાયટ કરવા લાગ્યા છે. પરંતુ આ ડાયટમાં તકલીફ ક્યાં પડે છે એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સમજવા જેવું ત્યાં છે કે વર્ષોથી અમે સમજાવીએ છીએ કે જો વજન ઓછું કરવું હોય તો મસલ લૉસ ન થાય એનું ધ્યાન રાખો, ફૅટ લૉસ જ કરવાનું છે. કીટો ડાયટમાં શરૂઆતમાં વ્યક્તિનું ઘણું મસલ લૉસ થાય છે, કારણ કે શરીરને કાબ્સર્‍ ન મળતાં એ પ્રોટીન પાસેથી પોતાની એનર્જી‍ મેળવવાની કોશિશ કરે છે. પરંતુ એ ન મળતાં સ્નાયુઓ તૂટે છે, જે ઘણું હાનિકારક છે. બીજું એ કે આ ડાયટમાં પોષણ જ નથી. ફ્રૂટ્સ અને શાકભાજી પણ ખૂબ ઓછાં ખાવાનાં હોય છે. વિટામિન્સ, અમીનો ઍસિડ, મિનરલ્સ, ફાયટો કેમિકલ્સ વગેરેની ઊણપ સરજાય છે. એ ન થાય એ માટે આ ડાયટમાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે. હંમેશાં ખોરાકમાંથી મળતા પોષણનું મહત્વ છે. બહારી સિન્થેટિક સપ્લિમેન્ટમાંથી મળતું પોષણ શરીરમાં ટકતું નથી. વળી એમાં જે ફૅટ્સ ખાવાના હોય છે એમાં ફક્ત ગુડ નહીં, બૅડ ફૅટ્સ પણ લોકો ખાય છે. વિસરલ ફૅટ્સ ખાવાથી શરીરને કોઈ પણ પરિસ્થિતિમાં નુકસાન થવાનું જ છે. એ શક્ય જ નથી કે કોઈ નુકસાન ન થાય. એટલે જરૂરી છે કે આ ડાયટ કરતાં પહેલાં તમે ૧૦૦ વખત વિચારો કે તમે આ રિસ્ક લેવા માગો છો તો શું કામ?’

શું કામ ન કરવું?


કીટો ડાયટનો જો તમે વજન ઉતારવા માટે ઉપયોગ કરવા માગતા હો તો ન કરવો એવી સલાહ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘વર્ષોથી અમે હેલ્ધી વેઇટલૉસને પ્રમોટ કરીએ છીએ. ફક્ત વજન ઊતરવું જરૂરી નથી, શરીરને પોષણ પૂરું પાડીને વજન ઓછું કરવું જરૂરી છે. વળી વજન ઉતારવું એક ધીમી પ્રક્રિયા છે. દરેક વ્યક્તિ માટે તેની જરૂર મુજબ ડાયટ-પ્લાન્સ બનતા હોય છે. વળી એવી પદ્ધતિ પસંદ કરવી જોઈએ જે એકદમ સેફ હોય, જેમાં શરીરને કોઈ જ પ્રકારનું નુકસાન ન જ થાય અને ફાયદો ભરપૂર થાય. કીટોથી ફક્ત વજન ઊતરે છે, પોષણનું શું? વજન ઉતારવા માટે હેલ્થ પર આટલું મોટું રિસ્ક લેવું સલાહભર્યું નથી.’

(કીટો ડાયટ સામાન્ય લોકો માટે રિસ્કી છે, પરંતુ અમુક લોકોને એ ખૂબ ઉપયોગી છે જે આપણે કાલે જોઈશું.)

સાવચેતી


૧) જેમને પહેલેથી ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે બીજા કોઈ પણ પ્રકારના રોગ છે એવી વ્યક્તિ કીટો ડાયટ ન કરી શકે.

૨) કીટો ડાયટ ૧૯-૩૫ વર્ષના યુવાન લોકો જ કરી શકે છે એવો પણ એક નિયમ છે, જે કીટો ડાયટ આપનારા ડાયટીશ્યન માને છે; કારણ કે આ એ લોકો છે જેમને કોઈ ખાસ રોગ હોવાની શક્યતા ઓછી હોય છે.

૩) કીટો ડાયટ પોતાની જાતે કરી શકાતી નથી. મેડિકલ સુપર-વિઝન હેઠળ જ એ કરવી જોઈએ નહીંતર એનાં ભયંકર પરિણામો આવી શકે છે.

૪) કીટો ડાયટ અમુક સમય પૂરતી જ કરી શકાય છે, જીવનભર કે લાંબા સમય સુધી નહીં. ઘણા લોકો તો ૨-૩ મહિના પૂરતી જ કરે છે તો કેટલાક વધુમાં વધુ ૨-૩ વર્ષ. એનાથી વધુ આ ડાયટ કરવી ન જોઈએ.

૫) કીટો ડાયટમાં ચીટિંગ ચાલતું નથી. આ ડાયટમાં શરીર સતત કીટોસિસ સ્ટેટમાં રહે એ જરૂરી છે અને જો તમે એકાદ વસ્તુ પણ ખાઈ લીધી તો એ સ્ટેટ જતું રહે છે અને ફાયદો થતો નથી, ઊલટું નુકસાન વધે છે. સામાન્ય રીતે કોઈ પણ ડાયટમાં થોડું તો ચીટિંગ ચલાવી લેવામાં આવે છે, પરંતુ આમાં એ ચાલતું નથી.

૬) આ ડાયટને છોડવી અત્યંત અઘરી છે, કારણ કે છોડીએ ત્યારે જેવું કાર્બ્સ ખાવાનું શરૂ કરીએ તો શરીર એને અપનાવતું જ નથી. વજન જેટલું ઘટ્યું હોય છે એ વિચિત્ર રીતે વધે છે. ખૂબ જ સંભાળીને આ ડાયટમાંથી બહાર આવવાનું હોય છે.

૭) જો વ્યવસ્થિત ન કરવામાં આવે તો આ ડાયટની સાઇડ-ઇફેક્ટ અઢળક છે. શરીરના આખા સ્ટ્રક્ચરને ફેરવવામાં જો થોડી પણ ચૂક થઈ તો શરીરને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. આ ડાયટ કોઈ સામાન્ય ડાયટ નથી, જેને રમત-રમતમાં કરી શકાય. એટલે કરતાં પહેલાં ૧૦૦૦ વખત વિચાર કરીને રિસ્ક લેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK