સંબંધો સાચવવા હોય તો જીભને ચોખ્ખી રાખવી અને શરીર સાચવવું હોય તો દાંત

ફ્લૉસિંગ તરીકે ઓળખાતી આ દૈનિક ક્રિયા માટે ડેãન્સ્ટસ્ટો સલાહ આપતા રહે છે, પણ નવાઈની વાત એ છે કે ભારતમાં ૮૭ ટકા લોકોએ ફ્લૉસિંગ કર્યું જ નથી. આ પ્રક્રિયા શું છે અને એ કેમ જરૂરી છે એ આજે જાણીએ

teth

સેજલ પટેલ

જંગલમાં કોઈ પણ પ્રાણી ત્યાં સુધી સર્વાઇવ થઈ શકે જ્યાં સુધી એના દાંત સારા હોય. દાંત નબળા પડ્યા, પડી ગયા કે સડી ગયા તો તરત શિકાર કરવાની ક્ષમતા ઘટી જાય અને ધારો કે સામે ચાલીને શિકાર મળે તો એ ચાવીને ખાવાના પણ દાંત ન હોય એટલે ખાઈ ન શકાય. શું તમે જાણો છો કે મહાકાય હાથીના કુદરતી મોતનું સૌથી મોટું કારણ એના દાંત હોય છે? હાથીને ચાવવાના દાંતના છ સેટ હોય છે. એક સેટ તૂટે એટલે બીજા દાંત ઊગે. જોકે છ વાર આમ થયા પછી નવા દાંત ઊગવાનું બંધ થઈ જાય. એક પછી એક દાંત પડતા જાય અને દાંતના અભાવે ભૂખમરો વેઠીને હાથી માત્ર પાણી પીને જીવન ટકાવવાની કોશિશ કરે. આખરે હાથી પોતાનાથી નબળી પ્રજાતિના જંગલી પ્રાણીનો કોળિયો બને કાં પછી ભૂખમરાથી જીવ છોડે.

આ વાત કરવાનું કારણ એ જ કે આપણને આપણા દાંતનું મહત્વ સમજાય. માણસોમાં તો એક જ વાર પાકા દાંત ઊગે છે અને એને જ આપણે જિંદગીભર ચલાવવાના હોય છે અને છતાં આપણે એને સાચવતા નથી. દાંતનું આયુષ્ય ટકાવવા માટે એક જ કામ અત્યંત આવશ્યક છે અને એ છે સ્વચ્છતા. દાંત, જીભ અને મોંની સ્વચ્છતા. જુવાની ટકાવી રાખવા માટે જેમ આપણે બહારની સ્વચ્છતા અને સૌંદર્ય પર વિશેષ ધ્યાન આપીએ છીએ એમ શરીર અંદરથી સ્વચ્છ રહે એ માટે મોંની સ્વચ્છતા જરૂરી છે. અંદરના અવયવોમાં જે કંઈ પ્રવેશે છે એ મોં દ્વારા અંદર જાય છે એટલે ગેટ-વેની સ્વચ્છતા મહત્વની છે. વિદેશી અભ્યાસોમાં અનેક વાર સાબિત થયું છે કે મોં સ્વચ્છ ન હોય તો એમાં પનપતા બૅક્ટેરિયાને કારણે હાર્ટ-ડિસીઝ, પાચનની તકલીફો અને ચયાપચયની ક્રિયાની તકલીફો પેદા થાય છે. ક્રોનિક પેઢાંના રોગો ધરાવતા લોકોમાં હાર્ટ-ડિસીઝનું જોખમ વધે છે.

તો ટૂંકમાં દાંત અને મોંની સ્વચ્છતા માટે તમે શું કરો છો? તમે કહેશો કે રોજ બ્રશ કરીએ છીએ. જોકે શું માત્ર બ્રશ કરી લેવું પૂરતું છે? બાંદરાના ડેન્ટલ ક્લિનિકના ડેસ્ટિસ્ટ ડૉ. શાંતનુ જરાડી કહે છે, ‘ઓરલ હાઇજીન માટે બ્રશ, ફ્લૉસ અને જીભની ઊલ ઉતારવી આ ત્રણ મુખ્ય ક્રિયાઓ છે. એમાંથી એકેય ક્રિયાનું મહત્વ જરાય ઓછું ન આંકી શકાય. જો તમે રોજ બે વાર બ્રશ કરીને ઊલ ઉતારો અને એક વાર ફ્લૉસ કરો તો તમારા દાંત સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. જો તમે રેગ્યુલર ફ્લૉસિંગ ન કરતા હો તો તમે દિવસમાં ગમે એટલી વાર બ્રશ કરતા હો એનાથી માત્ર ૬૦ ટકા દાંત જ સાફ થાય છે. બે દાંત વચ્ચેની ગૅપનો ભાગ સાફ થતો જ નથી.’

શા માટે આ ગૅપની સફાઈ સૌથી મહત્વની છે એ સમજાવતાં કૉસ્મેટિક ડેન્ટિસ્ટ ડૉ. કરિશ્મા જરાડી કહે છે, ‘દાંતના ગૅપમાં કચરો ભરાવાની સંભાવના વધુ હોય છે. વળી બે દાંતના સાંધા વચ્ચે જ્યાં ખોરાક ભરાઈ રહે છે એ જ પેઢાંમાં સડો થવાનું ઉદ્ગમસ્થાન હોય છે. તમે ગમે એવું બ્રશ વાપરો, પણ બે દાંત વચ્ચેનો ગૅપ બરાબર સાફ નથી થતી. જો બ્રશ જોરજોરથી કરવામાં આવે તો એનાથી પેઢાંને નુકસાન થઈ શકે એમ છે એટલે ખૂબ જેન્ટલી બે દાંતના જોડાણને સાફ કરવા જરૂરી છે અને દાંતની સફાઈમાં ૪૦ ટકા હિસ્સો એનો હોય છે. બે દાંત વચ્ચેની એકબીજાને સ્પર્શતી સપાટી પર પણ છારી બાઝે છે. જો એને નિયમિત સાફ ન કરવામાં આવે તો એ કડક થઈને સડો પેદા કરે છે અને દાંત અને પેઢાંની લાઇફ ઘટી જાય છે.’

વિદેશોમાં ફ્લૉસિંગ બાબતે સારીએવી જાગૃતિ છે, પણ ભારતમાં હજીયે મોટા ભાગના લોકો આ ક્રિયાને વેસ્ટ ઑફ ટાઇમ સમજે છે. જ્યારે ઓવરઑલ હાઇજીન બાબતે જાગરૂકતા ફેલાવવાની વાત થઈ રહી છે ત્યારે મોંની સ્વચ્છતા માટે ફ્લૉસિંગ મહત્વનું છે. ઇન્ડિયન ડેન્ટલ અસોસિએશન દ્વારા થયેલા સર્વેના આંકડા મુજબ ભારતમાં માત્ર તેર ટકા લોકો જ નિયમિત ફ્લૉસિંગ કરે છે. ઇન ફૅક્ટ, કદાચ ભારતમાં અડધાથી વધુ વસ્તીને ફ્લૉસિંગ શું છે અને એ કેવી રીતે કરાય એની ખબર પણ નહીં હોય. આ વિશે સમજાવતાં ડૉ. કરિશ્મા જરાડી કહે છે, ‘આપણે દાંતને આગળ અને પાછળથી બ્રશ વડે સાફ કરીએ છીએ, પરંતુ બે દાંત કે દાઢ જ્યાં જોડાય એ ભાગ સાફ નથી થતો. દાંતની વચ્ચેની જગ્યાને સાફ કરવા માટે ખાસ પાતળા નાયલોન અથવા પ્લાસ્ટિક (ટેફ્લોન કે પૉલિઇથિલિન)ના દોરાની મદદ લેવામાં આવે છે. ફ્લૉસિંગ દ્વારા એ બે વચ્ચે બાઝેલી છારી કે ભરાઈ રહેલા ખોરાકના કણો સાફ થાય છે.’

teeth1

ફ્લૉસિંગ કઈ રીતે કરવું?

આ ક્રિયા કરતાં પહેલાં બ્રશ કરી લેવું. આગળ-પાછળ બન્ને તરફની સપાટી સાફ કરવી.

સામાન્ય રીતે તમામ દાંતની સફાઈ માટે રોજ લગભગ ૧૮ ઇંચ જેટલો ફ્લૉસ જરૂરી હોય છે. એટલો ટુકડો પહેલેથી જ કાઢી લેવો. એ પછી એક બાજુથી દોરો વચલી આંગળી પર વીંટી લેવો અને એક છેડેથી બે ઇંચ જેટલો ફ્લૉસ ખુલ્લો રાખવો. ખુલ્લા ભાગને બીજા હાથના અંગૂઠા અને આંગળી વડે પકડીને બે દાંતની વચ્ચે ઉપરથી ભરાવવાની કોશિશ કરો. દોરાને આગળ-પાછળ ફેરવીને દાંતમાં નીચે સુધી લઈ જવો. શરૂઆતમાં કદાચ થોડોક પ્રયત્ન કરવો પડશે, પરંતુ એમ કરવાથી બે દાંતની વચ્ચે ભરાયેલો કચરો કે છારી નીકળી જશે.

દોરો છેક પેઢાં સુધી લઈ જવો, પણ પેઢાં સાથે ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખવું. દોરો શાર્પ હોય છે એટલે જો વધુ જોર કરવામાં આવશે તો પેઢાંમાં કાપો પડીને લોહી નીકળી શકે છે.

ફ્લૉસ કાઢ્યા પછી બરાબર કોગળા કરીને નીકળેલો કચરો થૂંકી કાઢવો. એક દાંતની સફાઈ માટે વાપરેલો દોરો બીજા માટે ન વાપરવો.

પહેલી વાર ફ્લૉસ કરતા હશો તો દોરાને દાંત વચ્ચેથી પસાર થવામાં મુશ્કેલી પડશે, પણ જો નિયમિત આદત રાખશો તો સરળથાથી ફ્લૉસ ઉપર-નીચે થશે અને બધાય દાંત વચ્ચેની ગૅપ સાફ કરતાં પાંચ મિનિટથી વધુ સમય નહીં લાગે.

બાળક અઢીથી ત્રણ વર્ષનું થાય એટલે રોજ બ્રશ કરવા ઉપરાંત અવારનવાર ફ્લૉસ કરીને દાંતની વચ્ચેની સપાટી સાફ કરવી જોઈએ. એક વાર પાકા દાંત આવી જાય એ પછીથી દરરોજ એક વાર ફ્લૉસ કરવું જોઈએ.

દાંતમાં બ્રિજ બનાવ્યા હોય તો?

ઘણી વાર એકાદ દાંત પાડી દેવો પડ્યો હોય તો એની આજુબાજુના બે દાંતને ઘસીને એના પર બ્રિજ પહેરાવવામાં આવે છે. ક્યારેક દાઢ પર કૅપિંગ કરવામાં આવ્યું હોય છે. આવા સંજોગોમાં બાકીના દાંત વચ્ચે તમે ફ્લૉસિંગ કરી શકો છો, પણ બ્રિજ કે કૅપની વચ્ચેની જગ્યા સાફ કરવા માટે વૉટરપ્રિક વાપરવી જોઈએ. પિચકારી જેવું ખાસ ડેન્ટલ ડિવાઇસ હોય છે જે બટન દબાવવાથી ચોક્કસ પ્રેશર સાથે પાણીની ધાર છોડે છે. એ કૅપ કે બ્રિજની વચ્ચેની પેઢાં અને દાંત વચ્ચે થતી ગૅપમાં કચરો ભરાયો હોય તો કાઢી દે છે.

જાણો છો?

૭૫ આટલા ટકા ભારતીયોમાં કોઈક ને કોઈક પ્રકારનો પેઢાંનો રોગ હોય છે

૮૭ આટલા ટકા ભારતીયોએ કદી ફ્લૉસિંગ નથી કર્યું

૨ પેઢાંનો રોગ ધરાવતા લોકોમાં હાર્ટ-ડિસીઝની સંભાવના આટલા ગણી વધુ હોય છે

૩૩ ડાયાબિટીઝ ધરાવતા આટલા ટકા લોકોને પેઢાંની તકલીફ થાય છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK