વરસાદ જતો રહ્યો, પરંતુ મચ્છર ઓછા થતા જ નથી ત્યારે ખાસ જરૂર છે વધારે સતર્ક રહેવાની

એક સમય હતો જ્યારે વરસાદ પતી જાય પછી મચ્છરો અને એને સંબંધિત બીમારીઓ દેખાવાનું બંધ થઈ જતું હતું, પરંતુ આ વર્ષે હજી પણ મચ્છરો એટલા જ દેખાઈ રહ્યા છે અને એને સંબંધિત ડેન્ગી અને મલેરિયાના કેસ પણ હજી સામે આવી રહ્યા છે ત્યારે ફક્ત BMC મચ્છરોની જવાબદારી ઉઠાવે એમ કહી હાથ ઊંચા કરવાને બદલે આપણી સુરક્ષાની જવાબદારી આપણે ખુદ લઈએ એ જરૂરી છે

mosquito

જિગીષા જૈન

વરસાદ જતો રહ્યો એને પણ હવે થોડા દિવસોમાં મહિનો પૂરો થઈ જશે. મોટા ભાગે વરસાદ જાય એના દસ દિવસ પછી મચ્છરો ઘટી જતા હોય છે. શિયાળાની ઠંડી શરૂ થાય ત્યાં સુધીમાં તો એ લગભગ ગાયબ થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે એવું થયું નથી. આ વર્ષે આમ પણ ડેન્ગીનો પ્રકોપ ઘણો રહ્યો. હજારો લોકો રોગગ્રસ્ત બન્યા, પરંતુ એટલું સારું હતું કે એની ગંભીરતા પહેલાંનાં વર્ષો કરતાં ઓછી હતી. આ રોગને કારણે લોકો મૃત્યુ પણ પામ્યા. જેમ કે ગયા ઑક્ટોબર મહિનામાં જ ડેન્ગીને કારણે ત્રણ મૃત્યુ નોંધાયાં હતાં, પરંતુ પાછલાં વર્ષોની સરખામણીમાં આ મૃત્યુઆંક ઓછો હતો. બીજું એ કે જેટલી બહોળી માત્રામાં લોકોને આ રોગ થયો હતો એની સરખામણીમાં પણ મૃત્યુઆંક ઓછો કહી શકાય. એટલું જ નહીં, એવા ઘણા દરદીઓ હતા જેમને ડેન્ગીનાં ચિહ્નો હતાં, પરંતુ ટેસ્ટ કરવાની જરૂર પડી નહોતી. એમ ને એમ જ એ ઠીક થઈ ગયું. BMCના આંકડાઓ મુજબ ગયા મહિને ૩૨૯૩ લોકોને ડેન્ગી જેવાં ચિહ્નો જોવા મળ્યાં હતાં. આ વર્ષે કુલ મૃત્યુઆંક જોઈએ તો કુલ ૧૭ લોકો ડેન્ગીને કારણે મૃત્યુ પામ્યા હતા.

રોગનો વ્યાપ હજી પણ

ડેન્ગીનો વ્યાપ એટલો વધી ગયો છે કે એને વધુ જાણવા માટે એના પર રિસર્ચ પણ શરૂ થયાં છે. એમાં છેલ્લાં નવ વર્ષથી થનારા આ સ્ટડીમાં ૬૭૬૭ દરદીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં એ ખબર પડી હતી કે ડેન્ગી ૨૧થી ૪૦ વર્ષના પુરુષોમાં વધારે જોવા મળ્યો હતો. મચ્છરોથી ફક્ત ડેન્ગી નહીં; ચિકનગુનિયા, મલેરિયા જેવા જીવલેણ લોગો ફેલાઈ રહ્યા છે. આ વર્ષે BMCના આંકડાઓ મુજબ જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીમાં મચ્છરો જ્યાં જન્મે છે એવાં એમનાં ૨૬,૨૩૬ સ્પૉટ્સનો નાશ કરવામાં આવ્યો છે. આટલા કામ છતાં મચ્છરો વધી રહ્યા છે. ઘરમાં કે બહાર બધી જગ્યાએ એમનો ત્રાસ છે. મચ્છરો સંબંધિત કેસ ચોમાસા પછી પણ જોવા મળી રહ્યા છે એ વાત કરતાં સૈફી હૉસ્પિટલના ફિઝિશ્યન ડૉ. સ્નેહલ સંઘવી કહે છે, ‘ચોમાસા પછી મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયાના કેસ ઘણા ઓછા થઈ જાય છે. શિયાળો આવતાં તો જાણે જતા જ રહે છે, પણ આ વખતે એવું નથી થયું. કેસ જોકે ઘટ્યા છે, પરંતુ સાવ બંધ નથી થયા. હજી પણ આ રોગોનો ભય એટલો જ છે. મને લાગે છે કે મચ્છરો હવે મુંબઈમાં બારે માસ રહેવાના છે. હવે આ તકલીફો ચોમાસા પૂરતી સીમિત નથી રહેવાની. પરિસ્થિતિ જોતાં લાગે છે કે રિસ્ક હવે વધ્યું છે તો સામે સાવચેતી પણ વધારવી જોઈશે.’

અસર

હાલમાં પણ ડેન્ગી, મલેરિયા કે ચિકનગુનિયાના કેસ જોવા મળી રહ્યા છે અને મચ્છરોનો ત્રાસ એટલો જ છે એ વાત સાથે સહમત થતાં દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એવું હોય છે કે ચોમાસા પછી આ કેસ ઘટી જાય, પરંતુ એવું થયું નથી. આવું શા કારણે થયું છે એ બાબતે ગંભીર થવાની જરૂર છે. ચોમાસામાં મચ્છરો કેમ વધુ હોય છે? એનું કારણ એ છે કે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને એ પાણીમાં જ આ મચ્છરો વધુ જન્મે છે. હવે એમાં પણ પ્રકાર છે. ડેન્ગીના મચ્છરો સાફ પાણીમાં અને માનવવસાહતની બાજુમાં જ જન્મે છે, જ્યારે મલેરિયાના મચ્છરો ગંદા પાણીમાં જન્મે છે. આ વર્ષે જેની મહામારી છે એ છે ડેન્ગી. આ રોગ ઘણી વ્યાપક રીતે આ વર્ષે ફેલાયેલો છે.’

કારણ

આ વર્ષે પણ એની વ્યાપકતા અને ચોમાસા પછી પણ મચ્છરોનો ત્રાસ હજી ઘટ્યાં નથી એ પાછળ શું કારણો હોઈ શકે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘મુંબઈમાં ચાલતું કન્સ્ટ્રક્શનનું કામ એના માટે જવાબદાર હોઈ શકે છે. બાંધકામ દરેક વિસ્તારમાં ઘણા વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે. બાંધકામમાં પાણીનો વપરાશ તો થાય જ અને ત્યાં પાણી ભરાઈ રહે એનું પ્રમાણ પણ વધારે હોઈ જ શકે છે. વળી જ્યાં બાંધકામ ચાલતું હોય એની આજુબાજુ રહેણાક વિસ્તાર તો હોવાનો જ. આમ આવી જગ્યાઓએ સતત મચ્છરો જન્મતા રહેવાના.’

ઘર અને સોસાયટી


હાલમાં એક ન્યુઝ-રિપોર્ટમાં BMCના અધિકારીઓનું પણ એ જ કહેવાનું હતું કે જે જાહેર સ્થળો છે જ્યાં મચ્છરો જન્મે છે એ હટાવવાનું કામ અમારું છે, પરંતુ જે ઘરમાં મચ્છરો જન્મે છે એનું શું? એ સમજી શકાય એવી વાત છે કે દરેક સોસાયટી કે દરેક ઘરે જઈને તેઓ આ કામ ન કરી શકે. એના માટે જાહેર જનતાએ જ જાગૃત થવું પડે. આ વાત સાથે સહમત થતા ડૉ. સ્નેહલ સંઘવી કહે છે, ‘ડેન્ગીની જ આપણે વાત કરીએ તો એના મચ્છરો સ્વચ્છ પાણીમાં જન્મે છે જે મોટા ભાગે ઘરોમાં જોવા મળે છે અને આ પાણી બંધિયાર હોવું જરૂરી છે. મુંબઈમાં અમુક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરી જ રાખવું પડે છે, કારણ કે પાણીની સમસ્યા ખૂબ વધારે રહે છે.’

શું કરવું?

મચ્છરોથી બચવા કરતાં મચ્છરો જન્મે જ નહીં એ વ્યવસ્થા પર પહેલાં ધ્યાન આપવું. કોઈ પણ જગ્યાએ ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દેવું. ખાસ કરીને જે ઘરોમાં પાણી ભરી રાખવું પડતું હોય એમણે આ પરિસ્થિતિમાં એટલું કરી શકાય કે દર ત્રણ-ચાર દિવસે પાણીની ફેરબદલ થાય એ બંધિયાર ન રહે.

સોસાયટીની પાણીની ટાંકી કોઈ પણ કારણોસર ખુલ્લી ન રહે એનું ધ્યાન રાખવું.

ઘરોમાં જો છોડ વાવ્યા હોય અને કૂંડાની નીચે એ સ્થિર રહે એ માટે પ્લેટ રાખી હોય તો એમાં જે પાણી જમા થાય છે એની અંદર આ મચ્છરો જન્મી શકે છે. એનાથી બચવા માટે આ પ્લેટમાં પાણી ભરવા ન દેવું. એને ખાલી કરતા રહેવું.

બાકી ઘરની આસપાસ ખાલી બાલદીઓ, ડબ્બા, ટાયરોમાં પાણી ભરાયાં હોય તો એને ખાલી કરવાં. ઘણા લોકોની બાલ્કનીમાં વણજોઈતો સામાન પડ્યો હોય છે જેમાં પાણી ભરાઈ જતું હોય છે. આ સામાનની પણ સતત ચકાસણી કરતા રહો.

આ સિવાય કોઈ જગ્યાએ ખુલ્લી ગટર ન રહે એનું પણ ધ્યાન રાખો.

બચો

તમારી આસપાસની જગ્યાઓનું ધ્યાન તો તમારે રાખવું જ જોઈએ, પરંતુ જ્યારે તમે બહાર જશો ત્યારે તમારે તમારું ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને જો તમે વહેલી સવારે કે સાંજે બહાર નીકળતા હો તો, કારણ કે મોટા ભાગે ડેન્ગીના મચ્છર સવારે અનેમલેરિયાના મચ્છર સાંજે કરડતા હોય છે.

સવારે ગાર્ડનમાં વૉક કરવા જતા લોકોએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ગાર્ડનમાં મચ્છરો હોવાની ઘણી શક્યતા છે. તેમણે મૉસ્કિટો રિપેલન્ટ ક્રીમ લગાડીને જ ગાર્ડનમાં જવું.

કૉઇલ, લિક્વિડ કે સ્પ્રે આવાં જુદાં-જુદાં ઘણાં સાધનો છે જેનાથી મચ્છરોથી બચી શકાય છે. જોકે દુખની વાત એ છે કે ઘણી વાર એનો ઉપયોગ કરવા છતાં મચ્છરો મરતા નથી. એ લોકો આ વસ્તુઓથી ટેવાઈ ગયા છે અને એની સામે ટકી રહે છે. આમ આ વસ્તુઓની અસર એમના પર ઘટતી જોવા મળે છે. આમ જોવા જઈએ તો ઍટ લીસ્ટ રાત્રે તો મચ્છરદાની જ બેસ્ટ ઉપાય છે.

મુંબઈમાં મોટા ભાગે પૉલ્યુશનથી બચવા કોઈ બારી ખોલતું જ નથી હોતું. જો તમે ખોલતા હો તો બારી પર નેટ લગાવી શકાય છે, જેથી હવા તો આવે પરંતુ મચ્છરો અંદર ન આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK