ફૉર્ટિફાઇડ વિટામિન્સવાળો જૂસ પીઓ છો?

જૂસમાં વિટામિન-A અને વિટામિન-C ઉમેરેલાં હોય કે દૂધમાં વિટામિન-D ઉમેરેલું હોય તો શું એ હેલ્ધી ગણાય? આ પ્રકારના ફૂડથી આપણામાં રહેલી વિટામિનની ઊણપ દૂર થાય? આ રીતે લીધેલાં વિટામિન્સ ફાયદો કરે કે નુકસાન? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ

drink

જિગીષા જૈન

માણસ માટે પોષણનો સ્ત્રોત ખોરાક છે. ભારતમાં ખોરાકનું પોતાનું આગવું મહત્વ છે. શાસ્ત્રોમાં પણ શું ખાવું અને શું ન ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું એ દરેક બાબતનો ઉલ્લેખ છે. ખોરાકને પકવવાની રીતથી માંડીને ખોરાકને શેમાં અને કયા કૉમ્બિનેશનમાં ખાવાથી એ સ્વાદ અને સેહત બન્ને માટે લાભકારી બનશે એ બાબતે આપણે ત્યાં અઢળક જાણકારી છે. છતાં દુખની વાત એ છે કે લગભગ ૫૦ ટકા ભારતીયો અધૂરું પોષણ ધરાવે છે. કુપોષણની વાત આવે ત્યારે હંમેશાં બાળકોની જ વાત થતી હોય છે અને એનીમિયાની વાત આવે ત્યારે સ્ત્રીઓની, પરંતુ હકીકત એ છે કે પુરુષો પણ કુપોષણનો શિકાર છે. તેમનું પણ હીમોગ્લોબિન ઓછું હોય છે. આંકડાઓ જણાવે છે કે આપણે બધાએ પોષણની બાબતે જાગ્રત થવાની જરૂર છે.

અધૂરું પોષણ

એવું તો ન કહી શકાય કે ૫૦ ટકા જેટલા ભારતીયોને જરૂરી ખોરાક મળતો નથી અથવા તેઓ ભૂખ્યા રહી જાય છે એટલે તેમની આ હાલત છે. એમાંથી નહીં-નહીં તો ૨૫થી ૩૫ ટકા લોકો એવા હશે જે પોષણયુક્ત ખોરાક ખાઈ શકે છે. અમુક તો એવા પણ હશે જે ખાય જ છે છતાં તેમને પોષણ પૂરતું મળી નથી રહ્યું. એની પાછળ એક નહીં જુદાં-જુદાં અનેક કારણો છે. પહેલું મહત્વનું કારણ છે કે હવે આપણે અનાજ અને શાકભાજી ઉગાડવામાં એટલી દવાઓ વાપરીએ છીએ કે એમનું કુદરતી સત્વ છીનવાતું જાય છે. ઑર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળી રહ્યું છે, પરંતુ હજી એ એટલી ફૂલીફાલી નથી. આમ ખોરાકમાં જ સત્વ ઓછું હોય તો પોષણમાં કમી રહેવાની જ છે. આ બાબતે ખાલી આપણે એક કામ કરી શકીએ કે ઑર્ગેનિક ખાદ્ય પદાર્થોનું સેવન વધારીએ એ સિવાય બીજું કંઈ ન થઈ શકે.

કારણો


બાકી બીજાં કારણોમાં આપણા ખોરાકની ખોટી પસંદગી એટલે કે રોટલી-દાળ-ભાત-શાકની જગ્યાએ જ્યારે પીત્ઝા કે નૂડલ્સ પર આપણે પસંદગી ઉતારીએ ત્યારે પોષણમાં કમી રહી જાય છે. આ સિવાય જ્યારે આપણે ઘરના બનેલા ખોરાક કરતાં બહારના ખોરાકને વધુ ગમાડીએ ત્યારે પોષણની કમી રહી જાય છે. જ્યારે આપણે ફળો, શાકભાજી, દાળ અને કઠોળ ઓછી માત્રામાં લઈએ ત્યારે પોષણની કમી સર્જા‍ય છે. જ્યારે આપણે બેઠાડુ જીવન જીવતા હોય, પૅકેટ-ફૂડ્સ જ ખાતા હોય, દરરોજ ઓછામાં ઓછી ૨૦ મિનિટ તડકો ન ખાતા હોઈએ તો પોષણ પૂરું કઈ રીતે મળી શકે? આ મૂળભૂત વસ્તુઓનું ધ્યાન રાખીએ તો આવા પ્રશ્નો ન આવે, પરંતુ આંકડાઓ દર્શાવે છે કે આપણામાંથી ૫૦ ટકા લોકો આ બાબતે સજાગ નથી અને છે તો એ પ્રમાણે કરી ન શકવાને કારણે પૂરતું પોષણ ધરાવતા નથી.

FSSAIનો નિર્ણય

આ પ્રૉબ્લેમના ઉપાય માટે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ નક્કી કર્યું છે કે દરેક રોજિંદા ખોરાકમાં તેઓ ફૉર્ટિફાઇડ વિટામિન્સ ઉમેરશે. ફૉર્ટિફાઇડ વિટામિન્સ જેને સિન્થેટિક વિટામિન્સ પણ કહે છે એને સાદી ભાષામાં સમજવાં હોય તો જ્યારે તમને કોઈ વિટામિનની ઊણપ આવી જાય અને ડૉક્ટર ગોળીઓ લખી આપે એ સિન્થેટિક વિટામિન્સ છે. જે આપણને ખોરાકમાંથી મળે છે એ કુદરતી કે નૅચરલ વિટામિન્સ હોય છે. ગયા નવેમ્બરમાં FSSAIએ એક કૅમ્પેન શરૂ કર્યું હતું જેમાં એણે દૂધ, ચોખા, મીઠું, તેલ, ઘઉંનો લોટ વગેરે જેવા પદાર્થોને ફૉર્ટિફાઇડ કરવા પર ભાર આપ્યો હતો. રોજિંદા જીવનના ખાદ્ય પદાર્થોમાં આયર્ન, ફોલિક ઍસિડ, ઝિન્ક, વિટામિન-A, વિટામિન-D અને વિટામિન-B૧૨ને ઉમેરીને ખાદ્ય પદાર્થને વધુ પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે એવું ઇચ્છવામાં આવ્યું હતું. આ પ્રયાસના ભાગરૂપે મોટા ભાગનાં પૅકેટ-દૂધ ફૉર્ટિફાઇડ આયર્ન અને વિટામિન-D યુક્ત મળવાં લાગ્યાં છે. ગયા મહિને જ એણે ઘઉંના લોટને ફૉર્ટિફાઇડ સ્વરૂપમાં બહાર પાડ્યો હતો.

પૅકેટ-ફૂડ

અઢળક જાહેર ખબરોમાં ધ્યાનથી જોશો તો સમજાશે કે માર્કેટમાં આજકાલ હેલ્ધીના નામે દરેક પૅકેટ-ફૂડમાં ફૉર્ટિફાઇડ વિટામિન્સ હોય છે. ઑરેન્જનો ટેટ્રાપૅક જૂસ ફૉર્ટિફાઇડ વિટામિન-C સાથે મળે છે. હાસ્યાસ્પદ વાત એ છે કે ઑરેન્જ ખાઓ તો નૅચરલ વિટામિન-C તો એમાંથી મળે જ છે, પરંતુ પૅકેટ્સમાં મળતા આ જૂસ પ્રોસેસિંગમાંથી પસાર થવાને કારણે એમાં રહેલું સત્વ ખોઈ બેસે છે. માટે આ જૂસને પૌષ્ટિક બનાવવા એમાં ઉપરથી સિન્થેટિક વિટામિન-C નાખીને વેચવામાં આવે છે અને દુખની વાત એ છે કે આ જૂસને આપણે હેલ્ધી ગણીને પીઈએ છીએ.

જરૂર છે કે નહીં?


એક રીત જોવા જઈએ તો આપણને લાગશે કે દરેક પ્રોડક્ટમાં જરૂરી વિટામિન્સ છે તો એ ફાયદાકારક જ બનશેને, પરંતુ એવું જરૂરી નથી. એ વિશે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘તમે ફૉર્ટિફાઇડ વિટામિન્સવાળો કયો પદાર્થ ખાઓ છો એના પર ઘણી વસ્તુ અવલંબે છે. જેમ કે આજકાલ બિસ્કિટ, પૅકેટ-જૂસ, દૂધમાં ભેળવીને પીવાના પાઉડર જેવા પદાર્થો ફફૉર્ટિફાઇડ વિટામિન્સવાળા હોય છે. જો તમે વિટામિન્સ મળે એ ખાતર વધુ જૂસ પીઓ તો એમાં શુગર વધારે હોય છે એ તમને નુકસાન કરશે જ. બિસ્કિટ જેવો ખોરાક જ પોતે અનહેલ્ધી છે. એ ખાઈને એની અંદર રહેલાં ફૉર્ટિફાઇડ વિટામિન્સ મેળવવાનો શું તર્ક બને છે? મોટા ભાગના પ્રોસેસ્ડ ફૂડ જ ફૉર્ટિફાઇડ થઈને આવતા હોય તો એમાં કંઈ ખાસ મદદ મળે નહીં, કારણ કે એ ફૂડ જ ખરાબ છે. પોષણની કમી એ ખાવાથી કેટલી માત્રામાં દૂર થઈ શકે એ બાબતે પણ કંઈ કહી ન શકાય.’

દૂધમાં ઉપયોગી

દૂધ જેવા પદાર્થો છે એમાં કદાચ એ મદદરૂપ થઈ શકે એ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘આજે મોટા ભાગના લોકોમાં વિટામિન-Dની ઊણપ જોવા મળે છે. દૂધનું કૅલ્શિયમ પચાવવા માટે વિટામિન-Dની જરૂર રહે છે. જો દૂધમાં જ એ મળી રહે તો દૂધનું પોષણ દરેક બાળક સુધી પહોંચે એ તર્ક મુજબ આ પ્રકારનું દૂધ ઉપયોગી ગણી શકાય, પરંતુ સાચી રીત તો એમ જ મનાશે કે તમે તમારા બાળકને દરરોજ સવારનો કૂણો તડકો ખવડાવો. આ રીતે મળતું વિટામિન-D એના સંપૂર્ણ પોષણ માટે જરૂરી છે.’

સાચી રીત શું છે?

ફૉર્ટિફાઇડ વિટામિન્સ એટલે કે નકલી સિન્થેટિક વિટામિન્સની જરૂર કોને છે એ જાણ્યા વગર જ ખાદ્ય પદાર્થોમાં એને નાખીને ખાવાં કેટલે અંશે યોગ્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘હકીકત એ છે કે પહેલાં તો ટેસ્ટ દ્વારા જાણકારી મેળવવી જોઈએ કે તમને કોઈ ઊણપ છે કે નહીં. જો તમને કોઈ ઊણપ હોય તો પહેલાં એને કુદરતી રૂપે ઠીક કરવાની કોશિશ કરવી જોઈએ. જો એમ ન થાય તો ડૉક્ટરની સલાહ મુજબ થોડા સમય માટે સપ્લિમેન્ટ્સ એટલે કે વિટામિનની ગોળીઓ લેવી જોઈએ. એ પણ સતત ન લેવી જોઈએ. આપણા પોષણનો આધાર દૈનિક આહારમાં ભેળવેલાં આ વિટામિન્સ પર આપણે ન રાખી શકીએ. ખોરાક સુધારો, લાઇફ-સ્ટાઇલ સુધારો તો પોષણ એની મેળે પૂરું થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK