ફ્લેવર્ડ વૉટર હેલ્થ માટે ખરેખર ફાયદાકારક છે?

વજન ઘટાડવા તેમ જ ત્વચાની કાળજી લેવા માટે લોકો સાદા પાણીની જગ્યાએ ફ્લેવર્ડ વૉટર પીવાનું પસંદ કરવા લાગ્યા છે. બજારમાં મળતાં ફ્લેવર્ડ વૉટર વિશે નિષ્ણાતોનો શું મત છે એ જાણીએ

water

વર્ષા ચિતલિયા

ભારતીય બજારમાં મળતાં વિવિધ પ્રકારનાં ફ્લેવર્ડ વૉટર હેલ્ધી લાઇફ-સ્ટાઇલને ઇન્ડિકેટ કરે છે. કોલા, સોડા અને અન્ય હાનિકારક ઠંડાં પીણાંના વિકલ્પ તરીકે આહારશાસ્ત્રીઓ ફ્લેવર્ડ વૉટરને બેસ્ટ ઑપ્શન ગણે છે. કન્ઝ્યુમર પૅટર્ન, ભૌગોલિક વિસ્તાર અને ડિમાન્ડ-સપ્લાયના આધારે ઍનલિસ્ટો દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં આગામી ચાર વર્ષમાં ગ્લોબલ ફ્લેવર્ડ વૉટરની માર્કેટમાં ૮.૦૯ ટકાનો ઉછાળો જોવા મળશે એવી આગાહી કરવામાં આવી છે. ફિટનેસ-એક્સપર્ટોનું કહેવું છે કે સાદા પાણીને બદલે ફ્લેવર્ડ વૉટર પીવાથી વજન કન્ટ્રોલમાં રહે છે અને તાજગીનો અનુભવ થાય છે. બ્યુટી-એક્સપર્ટોનો દાવો છે કે એનાથી ત્વચામાં નિખાર આવે છે. આરોગ્ય અને સુંદરતાની દૃષ્ટિએ પાણી તમારા જીવનમાં મહત્વનો રોલ ભજવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે એક વ્યક્તિએ રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ; પરંતુ આખો દિવસ સાદું, સ્વાદહીન પાણી પીવું થોડું મુશ્કેલ છે અને આ કારણે જ ફ્લેવર્ડ વૉટર પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આપણે ત્યાં રાજા-મહારાજાઓ લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે જડીબુટ્ટી ભેળવેલું પીણું પીતા હતા એવો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. વર્તમાન સમયમાં આ વિશે લોકોમાં જોવા મળતી જાગરૂકતા સેલિબ્રિટીઝના એન્ડોર્સમેન્ટને આભારી છે. શું ફ્લેવર્ડ વૉટર ખરેખર તમારા આરોગ્ય માટે ફાયદાકારક છે? એક્સપર્ટોનું આ સંદર્ભે શું કહેવું છે? ફ્લેવર્ડ વૉટર વિશે જાણીએ વિસ્તારપૂર્વક.

વજન ઘટાડવા ફ્લેવર્ડ વૉટર કઈ રીતે ઉપયોગી છે એ સંદર્ભે વિગતવાર વાતચીત કરતાં મલાડમાં ક્લિનિક ધરાવતાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રૂપલ સંઘવી કહે છે, ‘ફૅટ્સને શરીરમાંથી બહાર ફેંકવા અને બૉડીને ડીટૉક્સિફાય કરવા પાણી પીવું ખૂબ જ જરૂરી છે. હવે તમે પેશન્ટને રોજના પંદર ગ્લાસ પાણી પીવાનું કહો તો પૉસિબલ નથી. આટલી બધી માત્રામાં સાદું પાણી પીવું ખરેખર મુશ્કેલ છે. આવા સમયે ફ્લેવર્ડ વૉટર બેસ્ટ ઑપ્શન છે. સાઇટ્રિક ફ્રૂટ-જૂસ પીવાથી મેટાબૉલિઝમ બૂસ્ટ થાય છે. બીજું, ડિફરન્ટ ટેસ્ટને કારણે લોકો એને પ્રેમથી પીએ છે. જમતા પહેલાં ફ્લેવર્ડ વૉટર પીવાથી બહુ ફાયદો થાય છે. આદું અને લીંબુવાળું હૂંફાળું પાણી પીવાથી પાચનશક્તિ સારી રહે છે તેમ જ ઍસિડિટી, કફ અને શરદીમાં રાહત થાય છે. ફ્રિજનું પાણી મેટાબૉલિઝમને સ્લો કરી નાખે છે અને એને કારણે પાચનશક્તિ નબળી પડી જાય છે. ઠંડું પાણી ખીચડી જેવી સામાન્ય અને હળવી ગણાતી વાનગીને પચાવવામાં પણ અવરોધ ઊભો કરે છે. વજનને કન્ટ્રોલમાં રાખવા હકીકતમાં તો એક્સરસાઇઝ પર જ વધારે ફોકસ હોવું જોઈએ, પરંતુ ફિઝિકલ વર્ક પ્રત્યે લોકોના ઉદાસીન વલણને કારણે અન્ય વિકલ્પો ગ્લૅમરાઇઝ થઈ ગયા છે. ફ્લેવર્ડ વૉટરની સાથે-સાથે ડાયટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું એટલું જ જરૂરી છે.’

વર્તમાન સમયમાં વજન ઘટાડવામાં ફ્લેવર્ડ વૉટરની ભૂમિકા મહત્વની છે એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવે છે. આ બાબતે વધુ પ્રકાશ પાડતાં ઘાટકોપર ખાતે આવેલા કોમલ દવે ફિટનેસ ફ્યુઝનનાં લેડીઝ માટેનાં ખાસ ફિટનેસ-ટ્રેઇનર કોમલ દવે કહે છે, ‘ફ્લેવર્ડ વૉટરના મેડિકલ ફાયદા ખૂબ છે, પરંતુ વજન ઘટાડવામાં એનો કોઈ રોલ નથી. તુલસી-આદુંવાળા અથવા ફુદીનો કે અન્ય હર્બલ પ્રોડક્ટ્સ-મિશ્રિત પાણીના હેલ્થ-બેનિફિટ્સ છે એટલે લેવામાં વાંધો નથી, પણ એનાથી વેઇટલૉસ થાય છે એ વાતમાં કોઈ દમ નથી. આજકાલ લોકો વેરિયેશન લાવવા કોથમીર, કાકડી, ફુદીનો, અન્ય સૅલડ અને ફ્રૂટ્સને રાતે પાણીમાં પલાળી રાખે છે અને સવારે આ બધું ફેંકીને માત્ર પાણી પીએ છે. આમ કરવાનો કોઈ અર્થ નથી. તમારી ડાયટમાં આ બધી વસ્તુ ઉમેરવાની જરૂર છે. કાકડી ખાવાથી જેટલો ફાયદો થશે એટલો ફાયદો એનું પાણી પીવાથી નહીં થાય. ફૅટ્સ અને હેલ્થને મિક્સ-અપ ન કરવું જોઈએ. કોથમીર અને ફુદીનાનો ઉપયોગ રસોઈમાં વધારો તો લાભ થાય. હાલમાં ફ્લેવર્ડ વૉટર પીવાનો ટ્રેન્ડ વધ્યો છે એની પાછળ માર્કેટિંગ ગિમિક છે. હું મારા ક્લાયન્ટ્સને સવારે, સાંજે અને રાતે સૂતાં પહેલાં માત્ર ગ્રીન ટી પીવાની સલાહ આપું છું. ગ્રીન ટીથી એનર્જી-લેવલ વધે છે. એનર્જી-લેવલ વધે તો ફૅટ્સ-બર્નિંગ ફટાફટ થાય અને મેટાબૉલિઝમ-રેટ વધે. વજન ઘટાડવામાં ૭૦ ટકા ફાળો ડાયટનો અને ૩૦ ટકા ફાળો એક્સરસાઇઝનોહોય છે. એક્સરસાઇઝથી મસલ્સ ટોન થાય છે અને બ્લડ સક્યુર્લેશનમાંસુધારો થાય છે. વજન કન્ટ્રોલમાં રહે એ માટે બૅલૅન્સ્ડ ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપવું જોઈએ. ડાયટમાં ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર ફૂડનો સમાવેશ કરવો જોઈએ. લોકો સોમવારથી શનિવાર વિવિધ પ્રકારનાં ફ્લેવર્ડ વૉટર લે અને સન્ડેના દિવસે બહાર ખાય તો એના હેલ્થ-બેનિફિટ્સ પણ નષ્ટ થઈ જાય. હેલ્થ-બેનિફિટ્સને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો તો એને તમારી લાઇફ-સ્ટાઇલ તરીકે અપનાવવી જોઈએ. આ બધું ટેમ્પરરી ન હોવું જોઈએ.’

ત્વચાના નિખાર માટે ફ્લેવર્ડ વૉટર કેટલાં ઉપયોગી છે એ સંદર્ભે વધુ વાત કરતાં કોમલ દવે કહે છે, ‘હેલ્ધી ફૂડ ઉપરાંત એક વ્યક્તિએ રોજનું અઢી લીટર પાણી પીવું જોઈએ. આપણા શરીરમાં ૮૦ ટકા પાણી હોય છે. બૉડીને હાઇડ્રેટેડ રાખવા પાણી આવશ્યક છે. પાણીથી ત્વચા સુંદર રહે છે તેથી પાણીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આપણી ત્વચા ફૂલ જેવી નાજુક છે. જેમ ફૂલના છોડને ખીલવા માટે પાણીની જરૂર પડે છે એવી જ રીતે આપણી ત્વચાને ખીલવા માટે પાણી જોઈએ. પૌષ્ટિક આહાર પણ ત્વચાને યુવાન રાખે છે. ખાસ વાત એ કે સાદા પાણીમાં તમે જે કંઈ ઉમેરો કરો છો એનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે, પરંતુ વજન નથી ઘટતું. હેલ્થની દૃષ્ટિએ પણ જો ફ્લેવર્ડ વૉટર લેવું જ હોય તો ઘરે બનાવવું. માર્કેટમાં મળતાં રેડીમેડ ફ્લેવર્ડ વૉટર પર ભરોસો ન કરવાની મારી સલાહ છે.’

ફ્લેવર્ડ વૉટરના ગેરફાયદા વિશે જણાવતાં ડૉ. રૂપલ સંઘવી કહે છે, ‘જો સમજ્યા વગર આંધળું અનુકરણ કરો તો કોઈ પણ વસ્તુની સાઇડ-ઇફ્કેટ થવાની જ. જો તમને ઍસિડિટીની તકલીફ હોય અને તમે તજ અને ઍપલ મિશ્રિત વૉટર લો તો ઍસિડિટીમાં વધારો થાય. કોઈને ખટાશની ઍલર્જી હોય અને લીંબુપાણી પીધા કરે તો એ હાનિકારક સાબિત થાય. હવે કાકડીનો જૂસ ત્વચાની સુંદરતા વધારવાનું કામ કરે છે, પરંતુ માફક ન આવે તો એની આડઅસર દેખાય. કયા પ્રકારનું પાણી પીવું; એની માત્રા કેટલી હોવી જોઈએ; રોગનો પ્રકાર, વજન અને વય એમ બધી જ તપાસ બાદ એનો ઉપયોગ કરવામાં આવે તો અસરકારક સાબિત થાય. ફ્લેવર્ડ વૉટરની પસંદગીમાં યુટ્યુબ અને ગૂગલ પર સર્ચ કરીને પ્રયોગ કરવો આરોગ્ય સામે લાલ બત્તી છે. સૌથી પહેલાં તો ફ્રૂટ-જૂસને કાચની બૉટલમાં ભરી રાખવો જોઈએ, પ્લાસ્ટિકની બૉટલમાં ભરી રાખેલા જૂસમાં કેમિકલ ચેન્જિસ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને એનો વપરાશ ટાળવો જોઈએ. ઉપરાંત જૂસને બે કલાકની અંદર પી લેવો જોઈએ. હર્બલ પ્રોડક્ટ્સ-મિશ્રિત પાણીનો ઉપયોગ પણ સમયસર કરવો જોઈએ. વધારે સમય સુધી સાચવી રાખેલાં પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વજન ઘટાડવામાં ફ્લેવર્ડ વૉટરનો ફાળો મહત્વનો છે, પરંતુ માત્ર આવા પીણાથી વજન ન ઘટે. એની સાથે ડાયટ પર ધ્યાન આપવું એટલું જ જરૂરી છે.’

વધુ પાણી પીવા અપનાવો આ સિમ્પલ મેથડ

પાણીની માત્રા દર્શાવતી બૉટલ હંમેશાં હાથવગી રાખો તેમ જ માપીને પાણી પીઓ. ધીમે-ધીમે માત્રા વધારતા જાઓ.

બહાર જઈએ અને તરસ લાગે તો પાણીની જગ્યાએ જૂસ પીવાથી શરીરમાં વધારે પાણી જશે અને તાજગીનો અનુભવ થશે.

જૂસ, નારિયેળપાણી, ગ્રીન ટી, હર્બલ ડ્રિન્ક એમ દરરોજ નવતર પ્રયોગ કરવાથી સરેરાશ વધુ પાણી પેટમાં જશે.

સામાન્ય રીતે ઍર-કન્ડિશન્ડ ઑફિસમાં આખો દિવસ બેસીને કામ કરતા લોકો પાણી ઓછું પીએ છે. આવી વ્યક્તિએ જ્યારે પણ વૉશરૂમમાં જવાની જરૂર પડે અથવા અન્ય કોઈ કામસર ઊભા થવાનું હોય ત્યારે પાણી પીધા પછી જ બેસવાની ટેવ પાડવી જોઈએ.

હવે તો ડિજિટલ ઍપ આવી ગઈ છે. તમે ઇચ્છો તો પાણી પીવાનું યાદ દેવડાવતી ડેઇલી વૉટર રિમાઇન્ડર ઍપ્લિકેશનનો ઉપયોગ કરી શકો. આ ઍપ બઝ મારફત તમને પાણીનો સમય યાદ અપાવશે.

સ્ત્રીઓએ રસોડામાં કામ કરતાં-કરતાં વારંવાર પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.

ઉનાળાની મોસમમાં હર્બલ અથવા ફ્રૂટ-જૂસની આઇસ-ક્યુબ મોઢામાં મૂકી રાખવાથી ઠંડક થશે તેમ જ વધુ પાણી પીવાશે. ફ્રિજમાં આવી આઇસ-ક્યુબ મૂકી રાખવાથી બાળકોને પણ મજા પડશે.

બજારમાં મળતા ફ્લેવર્ડ વૉટરને બદલે ઘરમાં જ તૈયાર કરેલા પીણાનો ઉપયોગ કરવો.

ફ્લેવર્ડ વૉટરના હેલ્થ-બેનિફિટ્સ છે, પરંતુ વજન ઘટાડવામાં એનો કોઈ રોલ નથી. વજન ઘટાડવા ડાયટ અને એક્સરસાઇઝ પર ફોકસ કરવું જોઈએ. ગ્રીન ટી સિવાયનાં બજારમાં મળતાં ફ્લેવર્ડ વૉટર બીજું કંઈ નહીં, માત્ર માર્કેટિંગ ગિમિક છે. એના પર ભરોસો ન કરવો હિતાવહ છે.

- ફિટનેસ-એક્સપર્ટ કોમલ દવે, ઘાટકોપર


રોજનું પંદર ગ્લાસ સાદું પાણી પીવું પૉસિબલ નથી હોતું એટલે એમાં વેરિયેશન લાવવા વિવિધ પ્રકારનાં પીણાંનો ઉપયોગ કરવો જોઈએ. ફ્લેવર્ડ વૉટરની પસંદગીમાં ગૂગલ પર જોઈને પ્રયોગ ન કરવો જોઈએ. પાણીમાં શું ઉમેરવું અને એની માત્રા કેટલી હોવી જોઈએ એનો નિર્ણય લેતી વખતે નિષ્ણાતની સલાહ અનિવાર્ય છે.

- ડાયટિશ્યન ઍન્ડ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રૂપલ સંઘવી


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK