ફૅટ-ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ

કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા વગર શરીર પરથી ચરબીના થર દૂર કરવા અપનાવવામાં આવતી આ ટ્રીટમેન્ટ હકીકતમાં શું છે અને કોણે કરાવવી જોઈએ  આવી સારવાર? આ પ્રકારની સારવાર કેટલી અસરકારક અને કેટલી જોખમી છે? આવો જાણીએ

fat

વર્ષા ચિતલિયા

હેલ્થ અને ફિટનેસ પ્રત્યે વધી રહેલી સભાનતાએ કૉસ્મેટિક સર્જરીના ક્ષેત્રમાં ક્રાન્તિ સર્જી છે. ડાયટ અને એક્સરસાઇઝ ઉપરાંત સર્જરીની સહાયથી શરીર પર જામેલા ચરબીના થર દૂર કરી શકાય છે એ વાતથી આપણે સૌ પરિચિત છીએ. હવે કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા વગર ફૅટ્સને દૂર કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શરીરનાં ખાસ અંગો પર જામેલા ચરબીના થર દૂર કરવા હાલમાં ફૅટ-ફ્રીઝિંગ નામની ટ્રીટમેન્ટ ખૂબ પૉપ્યુલર બની રહી છે. થોડા દિવસ પહેલાં અભિનેત્રી સ્વરા ભાસ્કરના ફૅટ-ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ વિશેના નિવેદને સોશ્યલ મીડિયા અને તમામ પ્રસારમાધ્યમોમાં ચકચાર જગાવી હતી. શું છે આ ટ્રીટમેન્ટ? શું એ ક્રાયોથેરપી અને લિપોસક્શનનું કૉમ્બિનેશન છે? ફૅટ-ફ્રીઝિંગ માટેની પ્રક્રિયા કઈ રીતે પાર પાડવામાં આવે છે તેમ જ શરીરના કયા ભાગ પર કરવામાં આવે છે? આ પ્રકારની તબીબી સારવાર કરાવતાં પહેલાં એની અસર અને જોખમ વિશેની સંપૂર્ણ સમજ હોવી જોઈએ. સારવાર બાદ તમારી જીવનશૈલી અને આહારપદ્ધતિમાં કોઈ બદલાવ આવી શકે ખરો? કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા વગર શરીરનાં ખાસ અંગો પરથી ચરબીના થર દૂર કરવા બીજી કઈ સારવાર કરાવી શકાય તેમ જ આ પ્રકારની સારવાર કરાવતાં પહેલાં અને બાદમાં લેવી પડતી સાવધાની વિશે વિસ્તારપૂર્વક જાણી લો.

ફૅટ-ફ્રીઝિંગ એ સંપૂર્ણપણે બિનશસ્ત્રક્રિયા પદ્ધતિ છે જેમાં મશીનની સહાયથી શરીરનાં ચોક્કસ અંગો પરની ચરબીને ફ્રીઝ કરી દેવામાં આવે છે. અતિશય ઠંડું તાપમાન શરીરમાં રહેલા ફૅટી ટિશ્યુઝની પ્રક્રિયાને શિથિલ કરી નાખે છે તેમ જ અગાઉથી જામેલા ચરબીના થરને તોડી નાખે છે. સામાન્ય રીતે પેટ, જાંઘ અને બાવડાં પર પર જામેલા ચરબીના થર વ્યાયામ અને ડાયટ બાદ પણ જલદીથી દૂર નથી થતા. એવામાં આ પદ્ધતિ અસરકાર બને છે. આ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં બૅન્ગલોરમાં ક્લિનિક ધરાવતા કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ ડૉ. શુબા ધર્માના કહે છે, ‘ફૅટ-ફ્રીઝિંગ સારવારમાં માઇનસ પાંચથી માઇનસ આઠ ડિગ્રી તાપમાનમાં ત્વચાની નીચેના ભાગમાં ઉત્પન્ન થતા ફૅટી ટિશ્યુઝને ડીઍક્ટિવેટ કરી એને બ્રેક કરવામાં આવે છે. બાદમાં આ ચરબી ટૉક્સિન સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેમ માંદગીમાં દવા લેવાથી શરીરમાંથી હાનિકારક કચરો બહાર નીકળી જાય એવી જ રીતે આ ટૉક્સિન ધીમે-ધીમે બહાર નીકળી જાય છે. આ પ્રકારની સારવારમાં ૩૦ ટકા ફૅટ્સને કાયમ માટે શિથિલ કરી દેવામાં આવે છે જ્યારે ૭૦ ટકા ફૅટ્સને બ્રેક કરવામાં આવે છે. કૂલિંગ સેશન એટલું અસરકારક હોય છે કે સામાન્ય રીતે એક જ સેશનમાં સારવાર પતી જાય છે. એક કલાકના સેશનમાં દરદીના શરીર પર જેલ લગાવી કૂલિંગ મશીન વડે સારવાર કરવામાં આવે છે. જે લોકો સર્જરી કરાવવા નથી માગતા તેમના માટે ફૅટ-ફ્રીઝિંગ સારવાર શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં એ વાત સમજવાની ખાસ જરૂર છે કે વ્યક્તિના શરીરની ઊંચાઈના પ્રમાણમાં તેનું વજન કેટલું હોવું જોઈએ એ દર્શાવતો બૉડી માસ ઇન્ડેક્સ (BMI) ૩૦ની નીચે હોય એવા લોકોએ જ આવી સારવાર કરાવવી જોઈએ, અન્યથા સંતોષકારક પરિણામો દેખાશે નહીં. ધારો કે તમારું વજન ૧૦૦ કિલો છે અને તમારી ઊંચાઈ પાંચ ફુટ પાંચ ઇંચ એટલે કે ૧.૬૫ મીટર છે તો તમારો BMI ૧૦૦ / (૧.૬૫)૨ = ૩૬.૭ થયો. હવે જો તમારે આ સારવાર કરાવવી હોય તો પહેલા BMI ઘટાડવો પડે. જે દરદીનું વજન વધારે હોય તેને પહેલાં ડાયટ-પ્લાન આપવામાં આવે છે. થોડો વખત તેના વજન પર દેખરેખ રાખવામાં આવે છે. વજન ઘટે ત્યાર બાદ જ આ સારવાર હાથ ધરવામાં આવે તો જ પરિણામ દેખાય. ઓબેસિટી ધરાવતી વ્યક્તિ આ સારવાર માટે રાઇટ કૅન્ડિડેટ નથી એમ કહી શકાય.’

ફૅટ-ફ્રીઝિંગ સારવારમાં રાખવી પડતી તકેદારી અને પ્રતિસાદ વિશે વધુ વાત કરતાં ડૉ. શુબા કહે છે, ‘ભારતમાં આ પ્રકારની સારવાર શરૂ થયાને હજી થોડો વખત જ થયો છે. ફૅટ-ફ્રીઝિંગ માટે વપરાતાં અત્યાધુનિક ટેક્નૉલૉજી ધરાવતાં મશીનો ખૂબ જ મોંઘાં છે જેના કારણે જોઈએ એવો પ્રતિસાદ નથી સાંપડ્યો. ઉપરાંત આ પ્રકારની સારવાર માટે અનુભવી ડૉક્ટરોનો પણ અભાવ છે અને આ જ કારણે આ સારવાર વધારે ખર્ચાળ છે. આપણા દેશમાં ઍક્ટિંગ અને મૉડલિંગ જેવા ગ્લૅમરસ ફીલ્ડ સાથે સંકળાયેલા તેમ જ કૉર્પોરેટ ફીલ્ડમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકો જ આવી સારવાર કરાવે છે. મારી પાસે અત્યાર સુધીમાં ૩૦ વ્યક્તિએ આ પ્રકારની સારવાર લીધી છે અને આ તમામ દરદીના BMI ૩૦ની નીચે હતા એથી જ સારું પરિણામ આવ્યું છે. એક વાર સારવાર લીધા બાદ ફરીથી ડૉક્ટરની જરૂર નથી પડતી, કારણ કે આ પ્રક્રિયામાં ફૅટ્સને મારી નાખવામાં આવે છે. જોકે કેટલીક કાળજી લેવી જરૂરી છે. સારવાર બાદ જો તમે ડાયટ પર પૂરતું ધ્યાન ન આપો અને વજન વધી જાય તો જે ભાગમાં સારવાર કરાવી હોય એ ભાગમાં પણ ફૅટી ટિશ્યુઝ ધીમે-ધીમે ઍક્ટિવેટ થવા લાગે એટલે વજનને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. નિયમિતપણે વ્યાયામ અને ડાયટ ફૉલો કરવાં અનિવાર્ય છે. જો લાઇફ-સ્ટાઇલમાં બદલાવ ન લાવો તો પાણી ફરી વળે. સૌથી મહત્વની વાત એ કે ફૅટ-ફ્રીઝિંગ સારવાર બાદ વજન પાછું નહીં વધે એની કોઈ ગૅરન્ટી નથી હોતી.’

ભારતમાં ગણ્યાગાંઠ્યા ડૉક્ટરો પાસે જ ફૅટ-ફ્રીઝિંગ સારવારની સગવડ ઉપલબ્ધ છે. શરીરનાં ખાસ અંગો પરથી ચરબી દૂર કરવા આપણા દેશમાં હાઈ ઇન્ટેન્સિટી ફોકસ અલ્ટ્રાસાઉન્ડ (HIFU) નામની સારવાર વધારે પ્રચલિત બની રહી છે. શું છે આ HIFU? આ પ્રકારની સારવાર કઈ રીતે કરવામાં આવે છે એ વિશે માહિતી આપતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. બતુલ પટેલ કહે છે, ‘HIFU એ એક પ્રકારનું લેઝર મશીન છે જેમાંથી હીટ ઉત્પન્ન કરવામાં આવે છે. આ હાઈ એનર્જી હીટ શરીરનાં ચોક્કસ અંગોને ટાર્ગેટ કરી ત્વચાની નીચે બનતા ફૅટી ટિશ્યુઝને બાળી નાખે છે અને એની ગતિ મંદ કરી નાખે છે. સોનોગ્રાફીમાં જે અલ્ટ્રાસાઉન્ડ હોય છે એ અનફોકસ્ડ હોય છે જ્યારે આ પદ્ધતિમાં ખાસ અંગો પર ફોકસ કરવામાં આવે છે. જેમ કે ડબલ ચિનની સમસ્યા હોય તો માત્ર એ ભાગ પર જ હીટ આપવામાં આવે છે, શરીરનાં અન્ય અંગો પર કોઈ અસર નથી થતી. ડબલ ચિનની સારવાર બાદ ચહેરા પર ઘણો ફરક દેખાય છે. આવી જ રીતે સ્લિમ નેક, જાંઘ અને પેટને ટાર્ગેટ કરી ગરમી દ્વારા માત્ર એ ભાગમાં ફૅટી ટિશ્યુઝને ઓગાળી દેવામાં આવે છે. આ પ્રકારની સારવાર માટે આવતા દરદીઓ વધારે જાડા નથી હોતા. ડાયટ અને વ્યાયામ બાદ પણ અમુક અંગોમાં ખાસ ફરક નથી પડતો જે દેખાવમાં બેડોળ લાગે છે એવી સમસ્યા લઈને આવતા દરદીઓની સંખ્યા વધારે હોય છે. આ અંગો પર જામતા ચરબીના થર બહુ હઠીલા હોય છે અને એને ઘટાડવા ખૂબ એફર્ટની જરૂર પડે છે, આવા સમયે HIFU સારવાર બહુ જ અસરકારક સાબિત થાય છે. કેટલીક વાર એવા દરદી પણ આવે છે જે દેખાવમાં પાતળા હોય છે, પરંતુ તેમની ડોક બહુ નાની હોય અથવા વારસાગત ડબલ ચિનની સમસ્યા હોય. જિનેટિક સમસ્યા ધરાવતા આવા દરદી માટે HIFU સારવાર ખૂબ જ ઉપયોગી નીવડે છે. સારવાર બાદ તેમના દેખાવમાં ફરક લાગતાં ખુશ થઈ જાય છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.’

કોઈ પણ પ્રકારની સારવાર કરાવવાથી શરીર પરથી ચરબીના થર દૂર કરાવી શકાય, પરંતુ એને કાયમી ધોરણે નષ્ટ ન કરી શકાય. ફૅટ-ફ્રીઝિંગ અને HIFU ઉપરાંત રેડિયો-ફ્રીક્વન્સી તેમ જ ક્રાયોથેરપી અને લિપો સક્શન ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. આ તમામ સારવારમાં માત્ર મશીનનો જ ઉપયોગ કરવામાં આવે છે. આજે કોઈની પાસે વ્યાયામનો સમય નથી અને દેખાવ પ્રત્યે સભાનતા વધી છે એથી આ પ્રકારની સારવાર પૉપ્યુલર બની રહી છે. સારવાર બાદ વજન ઘટાડવા માટે ડાયટ પ્રત્યે ધ્યાન આપવું જ પડે એ વાત સાથે નિષ્ણાતો સહમત થયા છે.    

ફૅટ-ફ્રીઝિંગ સારવારમાં માઇનસ પાંચથી માઇનસ આઠ તાપમાનમાં ત્વચાની નીચેના ભાગમાં ઉત્પન્ન થતી ફૅટી ટિશ્યુઝને ડીઍક્ટિવેટ કરી એને બ્રેક કરવામાં આવે છે. જેમનો BMI ૩૦ની નીચે છે એવા લોકોએ જ ફેટ-ફ્રીઝિંગ માટેની સારવાર કરાવવી જોઈએ અન્યથા સંતોષકારક પરિણામો નહીં દેખાય. ઓબેસિટી ધરાવતી વ્યક્તિ માટે સર્જરી જ એકમાત્ર ઉપાય છે

- ડૉ. શુબા ધર્માના, કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ, બૅન્ગલોર


હાઈ ઇન્ટેન્સિટી ફોકસ અલ્ટ્રાસાઉન્ડ એ એક પ્રકારનું લેઝર મશીન છે જેમાંથી હીટ ઉત્પન્ન કરવામાં આવે છે. આ હાઈ એનર્જી હીટ શરીરનાં ચોક્કસ અંગોને ટાર્ગેટ કરી ત્વચાની નીચે બનતા ફેટી ટિશ્યુઝને બાળી નાખે છે. ડબલ ચિનની સમસ્યા ધરાવતા દરદી માટે આ સારવાર ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે

- ડૉ. બતુલ પટેલ, ડર્મેટોલૉજિસ્ટ, મુંબઈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK