તાણ કે ખેંચ આવે ત્યારે ભૂવા પાસે જવા કરતાં ડૉક્ટર પાસે જવું યોગ્ય છે

આ એપિલેપ્સી મગજનો રોગ છે, જે મોટા ભાગે ઇલાજથી ઠીક થઈ શકે છે અથવા એને કન્ટ્રોલમાં લાવી શકાય છે. એપિલેપ્સી સાથે ઘણી અંધશ્રદ્ધા જોડાયેલી છે. આમ આ ફક્ત મેડિકલ નહીં, પરંતુ સામાજિક પ્રૉબ્લેમ બની જાય છે. આ રોગ વિશે લોકો જાગ્રત બને એ માટે આજના દિવસે ઇન્ટરનૅશનલ એપિલેપ્સી ડે ઊજવાય છે

epilepsy

International Epilepsy Day - જિગીષા જૈન

તાણ કે ખેંચ કે આંચકી આ શબ્દો કે પરિસ્થિતિથી આપણે બધા અવગત છીએ. આ એક રોગ છે, જેને એપિલેપ્સી કહેવાય છે. આપણે ત્યાં જેટલી પણ માનસિક કે મગજ સંબંધિત બીમારીઓ છે પછી એ ડિપ્રેશન હોય કે એપિલેપ્સી, એને હંમેશાં તંત્ર-મંત્ર સાથે જોડવામાં આવે છે. કોઈને તાણ આવે તો લોકો તેને ભૂવા પાસે લઈ જાય. હકીકતમાં તેને મગજના ડૉક્ટર પાસે લઈ જવું જરૂરી છે એવું આજે એકવીસમી સદીમાં પણ લોકો સમજે નહીં ત્યારે દુ:ખ થાય છે. દુ:ખ ત્યારે વધી જાય છે જ્યારે પોતાના ઘરની કોઈ વ્યક્તિને એપિલેપ્સીની તકલીફ છે, પરંતુ સમાજમાં જાહેર થશે તો ખબર નહીં સમાજ તેને શું સમજશે કે તેને ગાંડો ગણશે એવી બીકે તેના ઘરના લોકો એ વાત જાહેર થવા દેતા નથી કે તેમના ઘરમાં કોઈ છે જેને એપિલેપ્સીની તકલીફ છે. આ દુ:ખ ત્યારે બેવડાય છે જ્યારે કોઈ ઘરના છોકરાને એપિલેપ્સીની તકલીફ હોય, પરંતુ તેનાં લગ્ન નહીં થાય એવા ડરે લોકો છોકરીવાળા સામે વાત છુપાવે છે, તેને જણાવતા નથી અને ધોખા-ધડીથી તેનાં લગ્ન કરાવી દે છે. આવું કરવાને બદલે જો એ વ્યક્તિનો યોગ્ય ઇલાજ કરાવો તો તેની ખેંચની તકલીફ દૂર થાય અથવા તો સંપૂર્ણ કન્ટ્રોલ કરી શકાય. આવી વ્યક્તિઓ પણ આપણા દેશમાં છે, જેમને ક્યારેક એ તકલીફ હતી અને આજે તે સંપૂર્ણ ઠીક છે. પરંતુ આજે પણ આવી વ્યક્તિઓ જો જાહેર કરે કે તેમને ખેંચની તકલીફ હતી જે હવે નથી તો લોકો માનતા નથી અને આ કારણોસર તેમને કામ પર રાખતા નથી કે તેમની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થતું નથી. આ દરેક વાતના મૂળમાં જોઈએ તો એક જ તકલીફ છે. જાગૃતિની કમી.

કોઈ વ્યક્તિને હાર્ટ-અટૅક આવે તો તેને જેટલાં સપોર્ટ, કાળજી અને સહાનુભૂતિ સમાજ આપે છે એટલાં જ સપોર્ટ, કાળજી અને સહાનુભૂતિ એપિલેપ્સીનો અટૅક આવે એ વ્યક્તિ માટે જરૂરી હોય છે. સમાજે તેને ગાંડો ગણવા કરતાં તેની તકલીફને સમજવી જોઈએ, કારણ કે તાણ આવવી કે ખેંચ આવવી એ એક મગજનો રોગ છે, જેમાં દરદીનો પોતાનો કોઈ વાંક હોતો નથી. બીક, અસમજણ, ભેદભાવ અને સમાજિક કલંક વગેરે વસ્તુઓ એપિલેપ્સીને સદીઓથી ઘેરેલી છે. ત્યારે એક સઘન પ્રયાસની જરૂર છે કે લોકો આ રોગને રોગ તરીકે જ લે. એનો ઇલાજ કરાવે અને દરદીઓ પ્રત્યે સહિષ્ણુતા દાખવે.

રોગ

એપિલેપ્સી મગજનો લાંબા ગાળાનો રોગ છે, જે કોઈ પણ ઉંમરે ઉદ્ભવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ ૫૦ મિલ્યન લોકોને દુનિયામાં એપિલેપ્સી છે અને એમાં પણ કુલ દરદીઓના ૮૦ ટકા દરદીઓ ઓછી કે માધ્યમ આવક ધરાવતા દેશોમાં જીવે છે. હાલમાં આપણી પાસે જે ઇલાજ છે એ ઇલાજને કારણે લગભગ ૭૦ ટકા દરદીઓને ફાયદો થતો હોય છે. મગજને શરીરનું હેડક્વૉર્ટર સમજીએ તો આખા શરીરનાં જુદાં-જુદાં અંગો જે કાર્ય કરે છે એનું સંચાલન શરીરના હેડક્વૉર્ટર એટલે કે મગજમાં થાય છે. આખા શરીર અને મગજની વચ્ચે કનેક્શન સાધતી ચેતાતંત્રની નળીઓ આખા શરીરમાં ફેલાયેલી છે, જે શરીરના એક અંગ અને મગજ વચ્ચે એક સીધું જોડાણ રચે છે. આ જ વાતને ઉદાહરણ સાથે સમજીએ તો ચાના ગરમ કપને તમારી આંગળી અડે છે ત્યારે સેકન્ડથી પણ ઓછા સમયમાં આંગળીના ટેરવેથી મગજ સુધી સંદેશો પહોંચે છે અને મગજ આંગળીને ત્યાંથી હાથ હટાવવાનો આદેશ આપે છે. પલકારાભરના સમયમાં આ સંદેશાની જે આપ-લે થાય છે એ આપ-લેનું માધ્યમ ઇલેક્ટ્રૉનિક છે, જેમાં અમુક પ્રકારની પ્રોસેસમાં કેમિકલ્સ પણ ભળે છે. એ વિશે સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ન્યુરોલૉજી અને સ્ટ્રોક ડિપાર્ટમેન્ટના હેડ ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આપણું મગજ લાખો કોષોનું બનેલું છે. આ કોષોમાંથી વીજળીના કરન્ટ જેવી ઊર્જા‍ સતત નીકળતી હોય છે. આ કરન્ટ થકી જ મગજ શરીરનાં અન્ય અંગોને સંદેશા મોકલાવે છે. શરીરની બધી જ કામગીરીનું નિયંત્રણ આપણું મગજ આ ઇલેક્ટિÿક કરન્ટ દ્વારા કરે છે. મગજની શરીર સાથેની આ ઍક્ટિવિટી જે પાથવે દ્વારા થાય છે એ ચેતાતંત્રની ચેતાઓને ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે કહે છે. આ ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે જ્યારે ભાંગી પડે કે એમાં કોઈ ખરાબી થાય ત્યારે એપિલેપ્સી કે ખેંચનો પ્રૉબ્લેમ થાય છે.’

કારણો


એપિલેપ્સી ખાસ કરીને એક વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોમાં અને પંચાવનથી વધુ ઉંમરના વડીલોમાં વધુ જોવા મળે છે. નવજાત શિશુમાં અને બાળકોમાં મગજનો અયોગ્ય વિકાસ, જન્મ સમયે ઑક્સિજનની કમી, લોહીમાં શુગર, કૅલ્શિયમ-મૅગ્નેશિયમ જેવાં તત્વોની કમી, મેટાબોલિઝમનો પ્રૉબ્લેમ, મગજમાં કોઈ ઇન્ફેક્શન, બ્રેઇન-ટ્યુમર, મગજનો તાવ, ડાઉન્સ સિન્ડ્રૉમ, જિનેટિક તકલીફ કે પડી જવાથી થતી બ્રેઇન-ઇન્જરી વગેરે કારણો જવાબદાર છે. વયસ્ક લોકોમાં ટ્યુમર, બ્રેઇન-સ્ટ્રોક, ઑલ્ઝાઇમર્સ, ટ્રૉમા, બ્રેઇનમાં કોઈ પણ પ્રકારની ઇન્જરી, એને લીધે મગજમાં શરૂ થઈ ગયેલું બ્લીડિંગ વગેરે કારણો મુખ્ય છે. જો આ કારણો ન હોય ત્યારે જિનેટિક કારણો પણ જવાબદાર હોઈ શકે છે. આ રોગ વંશાનુગત પણ આવી શકે છે. કારણો વિશે સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘ઘણા લોકો એવા છે, જેને આ કારણો ન હોય તો પણ એપિલેપ્સી થાય છે. એને મેડિકલ સાયન્સની ભાષામાં ઇડિયોપૅથિક કહે છે. એનો અર્થ એ નથી કે કારણ વગર રોગ થયો છે, પરંતુ એનો અર્થ એ છે કે કારણ જ્ઞાત નથી થઈ શકતું. મગજમાં કોઈ પ્રકારનું ડૅમેજ થાય અને મગજનો ઇલેક્ટ્રો-કેમિકલ પાથવે ભાંગે કે એમાં કંઈક ખરાબી આવે એટલે એપિલેપ્સી થાય છે.’

હુમલા દરમ્યાન શું કરવું?

એપિલેપ્સીનો હુમલો, જેને આપણે ખેંચ કહીએ કે વાઈ આવે ત્યારે ઘણા લોકો જે ગંધ મારતા જોડા કે ડુંગળી જેવી વસ્તુ સુંઘાડે છે અને માને છે કે એ સુંઘાડવાથી વ્યક્તિ ભાનમાં આવી જાય છે એ ફક્ત એક મિથ્યા બાબત છે. સામાન્ય રીતે આ પ્રકારના હુમલામાં વ્યક્તિ જાતે જ ૫-૧૦ મિનિટમાં ઠીક થઈ જાય છે. જો તે આ સમયગાળામાં ઠીક ન થાય તો તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવી જરૂરી છે. આ દરમ્યાન ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જો વ્યક્તિ ઊલટી કરે તો તેને બહાર કાઢવા દેવું નહીંતર તેનાં ફેફસાંમાં એ ફસાઈ જઈ શકે છે. આ ઉપરાંત મોઢાથી તેને કશું જ ખવડાવવાની ભૂલ ન કરવી, કારણ કે એ પણ શ્વાસનળીમાં ફસાઈ જઈ શકે છે. વ્યક્તિને થઈ શકે તો એક પડખે કરી દેવી અને ખાસ ધ્યાનમાં રખવા જેવી બાબત એ છે કે વ્યક્તિ ભૂલથી પોતાની જીભ કચડી ન દે એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે આવી વ્યક્તિની સાચી મદદ કરી શકાય છે. એપિલેપ્સીને અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ એક રોગની જેમ ટ્રીટ કરવું વધુ આવશ્યક છે.

ઇલાજ

એપિલેપ્સી ક્યારેક સાવ માઇલ્ડ રોગ સાબિત થાય છે તો ક્યારેક ઘણી રીતે તકલીફદાયક પણ હોઈ શકે છે. સમજવા જેવી વાત એ છે કે એનાં એક નહીં, ૫૦ લક્ષણો હોઈ શકે છે. એપિલેપ્સીને કારણે તમને જે હુમલા આવે એ હુમલાનાં લક્ષણો ઘણીબધી બાબતો પર આધાર રાખે છે. એ બાબતોને ડૉક્ટર સમજે છે, જરૂરી ટેસ્ટ કરાવે છે અને પછી નિદાન પર આવે છે. નિદાન અત્યંત મહત્વનું છે, કારણ કે એના પર જ ઇલાજ સંભવ છે. એ વિશે જણાવતાં એપિલેપ્સીમાં વિશેષ રુચિ ધરાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, અંધેરીના સિનિયર કન્સલ્ટન્ટ ન્યુરોલૉજિસ્ટ ડૉ. જયંતી મણિ કહે છે, ‘એપિલેપ્સીનો ઇલાજ દરેક દરદીએ જુદો-જુદો હોય છે. સામાન્ય તાવ આવવાને કારણે પણ આંચકી આવે અને મગજનો કોઈ ભાગ ડૅમેજ થયો હોય તો પણ. એટલે પહેલાં કારણ જાણવું પડે છે. એક દરદીનો ઇલાજ બીજા દરદી કરતાં અલગ જ હોવાનો, કારણ કે તેના રોગ પાછળનાં કારણો જુદાં જ હોવાનાં. જોકે આજે આપણી પાસે ઘણી સારી દવાઓ છે અને જાગૃતિ પણ પહેલાં કરતાં વધી છે. દવાઓ અને પરિવારના સાથને કારણે ૬૦-૭૦ ટકા કેસમાં અપીલેપ્સીનું નિવારણ અથવા તો એને કન્ટ્રોલમાં રાખવું શક્ય બન્યું છે. બાકીના ૩૦ ટકા કેસમાં સર્જરીની મદદ લઈ શકાય છે. મહત્વનું એ છે કે લોકો સમજે કે એપિલેપ્સીનો ઇલાજ કરવો અનિવાર્ય છે નહીંતર એ ઘાતક પુરવાર થતી હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK