પ્લાસ્ટિક સર્જરીની દુનિયામાં પુરુષોની એન્ટ્રી વધી

વિદેશમાં લિપ-ફિલર સર્જરી પુરુષોમાં આકર્ષણ જમાવી રહી છે, જ્યારે ભારતમાં નાકને અણીદાર બનાવવા અને મૅન-બૂબ્સ રિમૂવ કરાવવા તરફ વધારે ઝુકાવ

surgery

વર્ષા ચિતલિયા

સુંદરતામાં પ્લાસ્ટિક સર્જરી હંમેશાંથી લોકપ્રિય રહી છે. એક આંકડા અનુસાર વિદેશમાં ગયા વર્ષે ૧૭૦ લાખ લોકોએ સુંદર દેખાવા પ્લાસ્ટિક સર્જરીની સહાય લીધી છે. જોકે એમાં મોટા ભાગે સ્ત્રીઓનો જ સમાવેશ થાય છે, કારણ કે સુંદરતા પર સ્ત્રીઓની ઇજારાશાહી રહી છે. તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ સર્વેક્ષણ મુજબ પ્લાસ્ટિક સર્જરીમાં ધીમે-ધીમે સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે અને પુરુષોમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. આજથી થોડાં વર્ષો પહેલાં હૉલીવુડની અભિનેત્રીઓની બ્યુટીથી આકર્ષાઈ આપણી બૉલીવુડની અભિનેત્રીઓએ પણ નાક, હોઠ અને ચહેરાની સુંદરતા વધારવા પ્લાસ્ટિક સર્જરી અપનાવવાનું શરૂ કર્યું હતું. સર્જરીની સહાયથી તેમના ચહેરા પર જોવા મળેલા ફેરફારોએ ચાહકોમાં ઉત્સુકતા જગાવી હતી. અભિનેત્રીઓને જોઈને સ્ત્રીઓમાં પ્લાસ્ટિક સર્જરીની ફૅશન શરૂ થઈ હતી. હવે પુરુષોએ પણ પ્લાસ્ટિક સર્જરીની દુનિયામાં ડોકિયું કર્યું છે. વિદેશમાં લિપ-ફિલર અને જૉ એટલે કે જડબા માટેની સર્જરીની ફૅશન પૉપ્યુલર થઈ રહી છે, પરંતુ ભારતમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે મૅન-બૂબ્સ રિમૂવ કરવા પુરુષો પ્લાસ્ટિક સર્જરીનો સહારો લઈ રહ્યા છે. માત્ર જડબાં અને ચિન એટલે કે હડપચી જ નહીં, ઓવરઑલ લુક પર ભારતીય પુરુષોનું ફોકસ વધ્યું છે. ઉપરાંત નાકને તીક્ષ્ણ બનાવવા માટે ભારતીય પુરુષોમાં ઉત્સુકતા જોવા મળી છે.

અગાઉ પુરુષો પોતાની ઇમેજને લઈને એટલા ગંભીર નહોતા, પરંતુ સમયની સાથે એમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ચહેરા સિવાયની પણ એવી અનેક સર્જરીઓ છે જેને પુરુષો ગંભીરતાથી લે છે. મૅન-બૂબ્સ રિમૂવલ સર્જરીની વધતી જતી લોકપ્રિયતા પાછળ સામાજિક અને સાઇકોલૉજિકલ કારણો છે. જેમ સ્ત્રીનાં નાનાં સ્તન રમૂજનું કારણ બને છે એમ પુરુષોની છાતીનો ઊપસેલો ભાગ પણ મજાકનું કારણ બને છે. આ બાબતે વધુ પ્રકાશ પાડતાં કેમ્પ્સ કૉર્નરમાં ક્લિનિક ધરાવતા ડૉ. સંદીપ જૈન કહે છે, ‘મૅન-બૂબ્સ રિમૂવ કરવા માટેની શસ્ત્રક્રિયાને ગાયનેકોનેસ્ટિયા કહે છે. સામાન્ય રીતે પુરુષોની છાતીનો ભાગ સપાટ હોય છે, પરંતુ હૉર્મોન્સના કારણે અથવા ઓબેસિટીના કારણે ઘણી વાર પુરુષોની છાતીનો ભાગ સ્ત્રીનાં સ્તન જેવો ડેવલપ્ડ હોય છે. આવા ફિગરને લીધે તેઓ જાહેરમાં હાંસીનું પાત્ર બને છે. તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે અને લોકો કમેન્ટ્સ કરે છે. આ હ્યુમન ટેન્ડન્સી છે અને એની સાઇકોલૉજિકલ ઇફેક્ટ છે. તમે સ્વીમિંગ-પુલમાં અથવા જિમમાં ટી-શર્ટ પહેરો ત્યારે મૅન-બૂબ્સ લોકોમાં રમૂજ ઊભી કરે છે, જેના કારણે તમે આવાં કપડાં પહેરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં સર્જરી જ એકમાત્ર વિકલ્પ બચે છે.’

જે લોકો આવી સર્જરી કરાવે છે તેમના સામાજિક અને પ્રોફેશનલ જીવનમાં ચમત્કારિક બદલાવ જોવા મળ્યા છે. એક પેશન્ટનો દાખલો આપતાં ડૉ. જૈન કહે છે, ‘મારી પાસે એક પેશન્ટ આવ્યો હતો જેને મૅન-બૂબ્સની સર્જરી કરાવવી હતી. તેનું ફિગર ખરેખર રમૂજ ઊભી કરે એવું હતું. તે ખૂબ હતાશ હતો. તેના પરિવારનો પણ સપોર્ટ નહોતો. બધા કહેતા એમાં કંઈ સર્જરી કરાય? તેનામાં આત્મવિશ્વાસનો પણ અભાવ હતો. કોઈનો સપોર્ટ નહોતો તેમ છતાં તેણે હિંમત કરી અને સર્જરી કરાવી. આજે તે આત્મવિશ્વાસથી ભરપૂર છે અને પ્રોફેશનલ લેવલ પર સારો પર્ફોર્મન્સ આપી શકે છે. મૅન-બૂબ્સ રિમૂવ કરાવ્યા બાદ મેં તેનામાં મૅજિકલ ચેન્જિસ જોયા છે. અન્ય સર્જરીઓ વિશે વધારે માહિતી આપતાં ડૉ. સંદીપ જૈન કહે છે, ‘લિપ-ફિલર સર્જરી કરાવવાની ઘેલછા વધી છે એ સાચું, પરંતુ ભારતમાં એ એટલી પૉપ્યુલર નથી અને પર્સનલી હું પણ એ રેકમન્ડ નથી કરતો.’

મૅન-બૂબ્સ રિમૂવ કરવાની સર્જરીને પુરુષો ગંભીરતાથી લેવા લાગ્યા છે તો બીજી બાજુ જડબાં અને હડપચીની સર્જરીનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. આ પ્રકારની સર્જરી કરાવવાની ફૅશન સેલિબ્રિટિઝને આભારી છે. પુરુષો તેમના દેખાવને લઈને સભાન થઈ ગયા છે. મૅચો લુક મેળવવા તેઓ વિવિધ પ્રકારની સર્જરી કરાવે છે જેમાં જૉ, ચિન અને લિપ-ફિલર પૉપ્યુલર છે. પ્લાસ્ટિક સર્જરીની પ્રક્રિયા હાથ ધરતા પહેલાં પુરુષના ચહેરાનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરી વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં ઘોડબંદરમાં ક્લિનિક ધરાવતા ડૉ. સમીર કારખાનીસ કહે છે, ‘લિપ-ફિલિંગ સર્જરીમાં હાઇલ્યુરોનિક ઍસિડને ઇન્જેક્સન દ્વારા હોઠમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઉપરાંત ફૅટ્સ નાખવામાં આવે છે જેનાથી હોઠ ભરાવદાર દેખાય છે. આ સર્જરી ટેમ્પરરી હોય છે. દર છથી સાત મહિના બાદ ફરીથી ફિલિંગ કરવું પડે છે. લિપ-ફિલિંગ સર્જરી કરતાં જડબાંની સર્જરી વધારે લોકપ્રિય છે. આ સર્જરી પર્મનન્ટ હોવાથી અસરકારક બની છે.’

લિપ-ફિલિંગ અને જડબાંની સર્જરી વચ્ચે શું ફરક છે? પુરુષો દેખાવને લઈને જે રીતે ગંભીર બની રહ્યા છે એનું કારણ શું છે? ડૉ. સમીર કહે છે, ‘પુરુષોના દેખાવમાં જડબું અને હડપચી મહત્વનો ભાગ ભજવે છે. આ સર્જરીમાં આંખની નીચેના અને ગાલની અંદરના ભાગમાં આવેલા હાડકાને ઊપસાવવામાં આવે છે. મોઢામાં અંદરથી કટ મૂકી સર્જરી કરવામાં આવે છે. એનાથી આખો લુક જ ચેન્જ થઈ જાય છે. દાખલા તરીકે હૃતિક રોશન. તેનો ચહેરો ચિઝલ્ડ લાગે છે. સર્જરીમાં ફેશ્યલ ઇમ્પ્લાન્ટની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં હડપચીની સર્જરી પૉપ્યુલર છે. સેલિબ્રિટીઝ જ નહીં, કૉર્પોરેટ ફીલ્ડ સાથે જોડાયેલા પુરુષોમાં પણ આ સર્જરી લોકપ્રિય છે. સર્જરી બાદ લુકમાં ચેન્જ આવે છે અને એનાથી કૉન્ફિડન્સમાં વધારો થાય છે.’

નિષ્ણાતોનું માનવું છે કે સર્જરી બાદ પુરુષોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને પ્રોફેશનલ લેવલ પર એના લાભ મળે છે. થાણેમાં રહેતા અતુલ કુમારે થોડા સમય પહેલાં જડબાંની શસ્ત્રક્રિયા કરાવી હતી અને લિપ-ફિલરનો સહારો લીધો હતો. તેઓ કહે છે, ‘મેં ફૅશનના પ્રવાહમાં તણાઈને આમ નથી કર્યું, હકીકતમાં મારા હોઠ ઘણા જ પાતળા હતા અને જ્યારે સ્માઇલ કરતો ત્યારે દાંત દેખાતા હતા જે અશોભનીય લાગતું હતું. મને આ ગમતું નહોતું. મારા મિત્રો પણ કહેતા કે તું હસે છે ત્યારે ખીજ ઉતારતો હોય એમ લાગે છે. હું બહુ જ ફ્રસ્ટ્રેટેડ રહેતો હતો. હવે સર્જરી બાદ મારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે. સર્જરી કરાવવાથી તમારો લુક ચેન્જ થઈ જાય અને એની ઇફેક્ટ તમારા કામ પર પણ પડે. આજે મને બધાની સાથે વાત કરતી વખતે સ્માઇલ આપવામાં સંકોચ થતો નથી.’

પ્લાસ્ટિક સર્જરીમાં જખમ થવાની શક્યતા વધુ

કોસ્મેટિક સર્જરી જોખમી છે. તેનાથી શરીર પર ઉઝરડા પડી શકે છે અને લોહી ગંઠાઇ જાય છે. કેટલીકવાર જખમ વધી જતા અને ઇન્ફેક્સન ફેલાવાથી જ્યાં સર્જરી કરવામાં આવી હોય એ ઓર્ગેન ડેમેજ થવાની શક્યતા વધી જાય છે. ડાક્ટરોનું કહેવું છે કે આ માન્યતા તદ્દન ખોટી છે. કોઇપણ પ્રકારની શસ્ત્રક્રિયામાં સિરિંજનો ઉપયોગ કરવો પડે છે એટલે કેટલીક સાવધાની રાખવી આવશ્યક છે. જો સાવચેતી રાખવામાં આવે તો કોઇ પણ પ્રકારની શસ્ત્રક્રિયાની આડઅસર થતી નથી. કોસ્મેટિક સર્જરી ટોટલી સેફ છે અને તેનાથી કોãમ્પ્લકેશન ઊભા થવાની ઘટના જૂજ છે. આ પ્રકારની સર્જરીમાં જખમ થવાના  ચાન્સિસ વધારે હોવાથી સર્જરી કરાવતા પહેલા ડા÷ક્ટરના અનુભવને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો હિતાવહ છે.

મેન-બૂબ્સના કારણે પુરુષો જાહેરમાં ક્ષોભ અનુભવે છે. સોશ્યલ અને સાઇકોલૉજિકલ ઇફેક્ટના કારણે પુરુષો એને રિમૂવ કરાવવા બાબતે ગંભીર થયા છે. સર્જરી કરાવ્યા બાદ તેમના અંગત અને પ્રોફેશનલ જીવનમાં મૅજિકલ ચેન્જિસ જોવા મળે છે

-કૉસ્મેટિક ઍન્ડ પ્લાસ્ટિક સજ્ર્યન ડૉ. સંદીપ જૈન


પુરુષના દેખાવમાં જૉ અને ચિનનું ઘણું મહત્વ છે. સર્જરી બાદ ચહેરાનો લુક ચેન્જ થઈ જાય છે જેના કારણે માત્ર સેલિબ્રિટી જ નહીં, કૉર્પોરેટ ફીલ્ડમાં કામ કરતા પુરુષોમાં પણ એ પૉપ્યુલર છે

- કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. સમીર કારખાનીસ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK