લાંબા ગાળાના રોગોમાં દવાઓ છોડી દેવાની ભૂલ ક્યારેય ન કરો

હાલમાં મુંબઈમાં રહેતાં અજિતા માંજરેકરે સર્જરી કરાવવાની ગંભીર પરિસ્થિતિમાં ટીવીની જાહેરખબરથી આકર્ષાઈને રેગ્યુલર દવા છોડી એ દવા અને તેલનો ઉપયોગ ચાલુ કર્યો હતો. અંતે તેમની પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. હાલમાં જ તેમની કૉમ્પ્લેક્સ સર્જરી થઈ ત્યારે જાણીએ આ કેસ વિશે અને શીખ લઈએ કે ડૉક્ટરની જાણ બહાર દવા છોડી દેવાની ભૂલ આપણે ન કરીએ

health

જિગીષા જૈન 

ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિ બીમાર તો હોય છે, પરંતુ તેને પોતાની બીમારી વિશે પૂરી જાણકારી નથી હોતી, જેને કારણે એના ઇલાજ વિશેની સ્પષ્ટતા તેની પાસે નથી હોતી. જેમ કે તમારું હાડકું ભાંગી ગયું હોય તો તમને પ્લાસ્ટરની જરૂર જ પડવાની છે. આ પરિસ્થિતિમાં તમે આયુર્વેદિક તેલથી માલિશ કરશો તો એ ઠીક થવાનું નથી. એ માલિશથી હાડકાં મજબૂત થઈ શકે છે, પરંતુ તૂટેલાં હાડકાં જોડાઈ શકતાં નથી. એ જ રીતે જો તમને હાર્ટ-અટૅક આવે તો તમારે ચેક-અપ કરાવીને જરૂર મુજબ બાયપાસ સર્જરી જ કરાવવી પડે. અટૅક આવ્યો હોય ત્યારે તમે હોમિયોપથીની મદદ ન લઈ શકો. હોમિયોપથીની મદદથી તમારી હાર્ટ-હેલ્થ ચોક્કસ સુધારી શકે, પરંતુ હાર્ટનો જે ભાગ કામ કરતો નથી એને ફરી કામ કરતો ન કરી શકાય. આયુર્વેદ, યુનાની, હોમિયોપથી, ઍક્યુપ્રેશર, ઍક્યુપંક્ચર, ફિઝિયોથેરપી વગેરે ખૂબ જ અસરકારક પદ્ધતિઓ છે; જેના વડે વ્યક્તિ રોગોથી બચી શકે છે, જો રોગ હોય તો એને દૂર પણ કરી શકે છે. પરંતુ દરેક વિજ્ઞાનની પોતાની મર્યાદા છે. અમુક રોગો અને અમુક પરિસ્થિતિ જેમાં સર્જરીની જ જરૂર પડે છે એમાં તમે નુસખા, ઘરગથ્થુ ઉપચાર કરવા જાઓ તો તમારી તકલીફ ૧૦૦ ટકા વધવાની જ છે, ઘટશે નહીં જ.

રોગ

મુંબઈમાં રહેતાં ૬૦ વર્ષનાં અજિતા માંજરેકર છેલ્લાં ૧૫ વર્ષથી રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસથી પીડાય છે. છેલ્લાં બે વર્ષમાં તેમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે પથારીવશ બની ગયાં હતાં. લગભગ બે મહિના તો તેમની હાલત એવી રહી કે પથારીમાંથી ઊઠવું પણ દુર્લભ બની ગયું. આર્થ્રાઈટિસને લીધે તેમનાં ઘૂંટણ ઘણાં જ અસરગ્રસ્ત થયાં હતાં અને દુખાવો ઘણો રહેતો હતો. રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસ જીવનભર ચાલતો અને દિવસે-દિવસે વધતો જતો રોગ છે, જેને લીધે શરીરના સાંધાઓ પર સોજો આવે છે જે ખૂબ જ પીડાદાયક રહે છે. એને કારણે જ હલનચલન પર અસર પહોંચે છે અને ઘણી વાર વ્યક્તિને કાયમી ખોડ પણ આવી શકે છે. નાના-નાના સાંધાઓથી આ રોગની અસર દેખાવા લાગે છે અને એ આગળ વધતાં મોટા સાંધાઓને પણ અસર કરે છે.

શરૂઆતી અસર

રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસ વિશે સમજાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલનાં રૂમૅટોલૉજિસ્ટ ડૉ. નીના ચીટણીસ કહે છે, ‘આ રોગ આમ તો કોઈ પણ સાંધામાં થઈ શકે છે, પરંતુ મોટા ભાગે એ નાના સાંધાઓમાં વધુ જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને હાથના નાના સાંધાઓમાં એ શરૂ થાય છે. આ આર્થ્રાઈટિસમાં સૌથી વધુ તકલીફ વ્યક્તિને સવારે ઊઠીને થાય છે, જેમાં સવારમાં સાંધા ખૂબ જ અકળાઈ જવાથી તેમના હલનચલનમાં પ્રૉબ્લેમ થતા હોય છે. ઑસ્ટિયોઆર્થ્રાઈટિસથી ઊંધું આ પ્રકારના આર્થ્રાઈટિસમાં જ્યારે વ્યક્તિ આરામ કરે ત્યારે તેની તકલીફ વધે છે. પછી એ આરામ થોડા સમયનો કેમ ન હોય, તકલીફ તો થાય જ છે. આ દરદીઓને સવારે સૌથી વધુ તકલીફ થાય છે, કારણ કે એ આરામ સૌથી લાંબો હોય છે. એટલે લાંબા આરામ પછી એ તકલીફ વધી જતી હોય છે અને સાંધા પાસેથી પછી કામ લેવું મુશ્કેલ બની જાય છે. જેમ કે હાથના નાના સ્નાયુઓમાં પ્રૉબ્લેમ હોય તો સવારે ઊઠે ત્યારે બ્રશ પકડવામાં પ્રૉબ્લેમ થાય છે. સ્ત્રીઓને લોટ બાંધવામાં તકલીફ થાય છે. આ શરૂઆતનાં લક્ષણો છે. આગળ જતાં હાલત વધુ નાજુક બનતી જાય છે.’

કેસ

અજિતા માંજરેકરના પતિ અવિનાશ તેમની પત્નીના રોગ વિશે જણાવતાં કહે છે, ‘રૂમૅટૉઇડ આર્થ્રાઈટિસની અસર મારી પત્નીને હતી, પરંતુ મેનોપૉઝ પછી સાંધાની આ તકલીફ ઘણી વધી ગઈ. છેલ્લાં ૩ વર્ષથી તેને ગોઠણનો દુખાવો એટલો વધી ગયો હતો કે મારી અત્યંત સહનશીલ પત્ની દુખાવાને કારણે ક્યારેક બૂમો પાડતી. તે બૂમો પાડતી એનો અર્થ જ એ કે તેને અનહદ દુખે છે. અમે જે ડૉક્ટરને બતાવ્યું તેમણે કહ્યું કે આ પરિસ્થિતિમાં ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી પડશે. કોઈ પણ સાધારણ વ્યક્તિની જેમ અમે પણ આ સાંભળીને ટેન્શનમાં આવી ગયા હતા.’

ભૂલ


તેમણે હૉસ્પિટલમાં ની-રિપ્લેસમેન્ટ વિશે વાત પણ કરી અને સર્જરી કરવા તૈયાર પણ થયા, પરંતુ આ સમયે ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા. ડૉક્ટરે કહ્યું કે આ ખૂબ જ કૉમ્પ્લેક્સ કેસ છે અને એમાં સર્જરી ખૂબ જોખમી છે. મુંબઈના જાણીતા ડૉક્ટરે આવું કહ્યું એટલે દંપતી વધુ ડરી ગયા. સર્જરીના ખર્ચા અને એનું રિસ્ક ઓછું તો નહોતું જ. એક મિડલ ક્લાસ માણસ માટે આ બાબતે નિર્ણય લેવો સહજ નહોતો. ડૂબતો માણસ તરણું શોધે એમ સર્જરી ન કરાવવી પડે એ માટેના બીજા પ્રયત્નો તેમણે ચાલુ કર્યા, જેમાં ટીવીમાં સાંધાના દુખાવા માટે કોઈ દવા અને તેલની જાહેરખબર તેમણે જોઈ. તેમને લાગ્યું કે આ કામ કરશે જ. આ ચક્કરમાં જે દવાઓ તેઓ લેતાં હતાં એ પણ તેમણે મૂકી દીધી એટલું જ નહીં; આયુર્વેદિક, હોમિયોપથી, યુનાની દરેકના શરણે તેઓ જઈ આવ્યાં. પરંતુ હાલત વધુ ને વધુ કથળતી જ ગઈ. દવાઓ બંધ કરી દઈને તેમણે વધુ તકલીફને આવકાર આપ્યો હતો.

તકલીફ


આર્થ્રાઈટિસને કારણે અજિતા માંજરેકરની શું પરિસ્થિતિ હતી એ સમજાવતાં ક્યુરે હૉસ્પિટલ, થાણેના જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સજ્ર્યન ડૉ. આશિષ અર્બત કહે છે, ‘અજિતાનાં ઘૂંટણ ૪૦ ડિગ્રી સુધી વળેલાં હતાં જેને કારણે તે ચાલી શકે એમ નહોતાં. આ એક અત્યંત કૉમ્પ્લેક્સ ઑપરેશન હતું અને એટલે જ કદાચ ઘણા ડૉક્ટર્સ એ માટે તૈયાર ન થયા. બીજું એ કે તેમણે આ પરિસ્થિતિમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ અજમાવી અને દવાઓ બંધ કરી દીધી એ પણ ભૂલભરેલું પગલું હતું. ઘણા કેસમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ ઉપયોગી થાય છે, પરંતુ દરેક કેસમાં એ થાય જ એવું નથી હોતું. દરદી જ્યારે આ પ્રકારની જાહેરખબરથી આકર્ષાય છે ત્યારે એક વખત તેના ડૉક્ટર જોડે ચર્ચા કરી લે કે તે આ ટ્રીટમેન્ટ ચાલુ કરે કે નહીં. જાતે નિર્ણય લઈને નુકસાન વધારવામાં સમજદારી નથી.’ 

સર્જરી પછી રાહત

તમને જે રોગ છે ને તમારી હાલત શું છે એ બાબતે સંપૂર્ણ જાણકારી રાખવી કદાચ એટલે જ આટલું અનિવાર્ય છે. જો અજિતા માંજરેકરે એ જાણી લીધું હોત તો તેમણે તેમની દવા બંધ કરવાની ભૂલ ન કરી હોત. જોકે છેલ્લે તેમનું કૉમ્પ્લેક્સ ઑપરેશન થઈ ગયું અને એ પણ સફળ રહ્યું. આ ઑપરેશન કરનારા ડૉ. આશિષ અર્બત કહે છે, ‘અજિતા માંજરેકરનાં બન્ને ઘૂંટણનું એકસાથે ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેમનાં ઘૂંટણ વ્યવસ્થિત થઈ ગયાં. તેમના પગ સંપૂર્ણ સીધા થઈ ગયા છે. સર્જરીના બીજા જ દિવસે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં તેમની ફિઝિયો ટ્રીટમેન્ટ ચાલી રહી છે. એકદમ જ ચાલવાનું તેમના માટે અઘરું છે એટલે સ્નાયુઓને સશક્ત કર્યા પછી ૨૬ ઑક્ટોબરના તેમને ચલાવવામાં આવશે. હાલમાં તેમની રિકવરી ઘણી જ સારી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK