ચકરાવે ચડાવતું ફિજેટ સ્પિનર ખરેખર સ્ટ્રેસબસ્ટર છે?

ઍન્ગ્ઝાયટી, સ્ટ્રેસ અને અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર જેવી સમસ્યાઓના ઉકેલ તરીકે એનું પ્રમોશન થઈ રહ્યું છે ત્યારે જાણવું ખાસ જરૂરી છે કે હકીકતમાં આ સ્પિનર શું, કેવી અને કેટલી અસર કરે છે

spinner

સેજલ પટેલ

એક બિઝનેસ વેબસાઇટના આંકડા મુજબ વિશ્વમાં લગભગ ૧૩ અબજ જેટલાં ફિજેટ સ્પિનર વેચાઈ ચૂક્યાં છે. વેલ, જેમના ઘરમાં બાળક હશે એ બધા જ આ ત્રિપાંખિયા ચકરડાને જાણતા જ હશે. હવે તો કેટલાક પ્રોફેશનલ્સ પણ ઑફિસમાં સ્ટ્રેસબસ્ટર સાધન તરીકે હાથમાં ફિજેટ સ્પિનર ફેરવતા જોવા મળે છે. ઇન્ટરનેટના જમાનામાં અમુક-તમુક ચીજોનો ટ્રેન્ડ દાવાનળની જેમ ફાટે છે, પરંતુ આ ચકરડાને ફેમસ બનાવવામાં એના મેડિકલ ફાયદાઓની વાતોએ પણ ઘણો ભાગ ભજવ્યો છે. કહેવાય છે કે એનાથી સ્ટ્રેસ દૂર થાય છે, અતિશય ઍન્ગ્ઝાયટી અનુભવાતી હોય ત્યારે રાહત અનુભવાય છે, એકાગ્રતા આવે છે અને ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર ધરાવતાં બાળકોને પણ એ શાંત પાડવામાં મદદ કરે છે. નવાઈની વાત એ છે કે જે કારણો આપીને એનું માર્કેટિંગ કરવામાં આવ્યું છે એ કારણો સાથે મોટા ભાગના નિષ્ણાતો સહમત નથી થતા. ભલા, એક ચકરડીને ફુલ સ્પીડમાં સ્પિન કર્યા કરવાથી ઉપર જણાવેલી માનસિક સ્થિતિઓમાં કેવી રીતે ફાયદો થતો હશે? મોટા ભાગના નિષ્ણાતો ફિજેટ સ્પિનરના ફાયદાના દાવાઓ માર્કેટિંગ ગિમિકથી વિશેષ કશું નથી એવું માને છે અને છતાં વાત સાવ જ પોકળ છે એવું માની લેવાય એવું નથી.

સ્પિનની હિપ્નોટિક અસર

સામાન્ય રીતે કોઈ પણ ગોળ ફરતી ચકરડીને તમે એકીટશે જોયા કરો તો હળવી હિપ્નોટિક ફીલિંગ આવે છે. રશિયામાં તો એક પૉલિટિકલ પાર્ટી દ્વારા વિરોધી પાર્ટીના લોકોને ફિજેટ સ્પિનર દ્વારા સંમોહિત કરીને વશમાં કરી લેવા સુધીના દાવા થયા હતા. આ ચકરડીથી બીજા લોકોના મગજ પર વશીકરણ થઈ શકે કે કેમ એ આખો અલગ વિષય છે, પણ આ ચકરડી વાપરનારના મગજમાં એની હળવી હિપ્નોટિક અસર જરૂર થાય છે. સ્પિનર ફેરવવાથી હિપ્નોટિક અસર કેવી રીતે પેદા થાય છે એ સમજાવતાં EKAA ઇન્ટિગ્રેટેડ ક્લિનિકલ હિપ્નોથેરપી ફાઉન્ડેશનના સંમોહનશાસ્ત્રના નિષ્ણાત યુવરાજ કાપડિયા કહે છે, ‘ફિજેટ સ્પિનર કેવી રીતે હિપ્નોટિક અસર પેદા કરે છે એ સમજવા માટે માઇન્ડને સમજવું પડે. આપણા મનના બે ભાગ છે. એક છે સચેત મન, જેને આપણે કૉન્શ્યસ માઇન્ડ કહીએ છીએ. બીજું છે અજાગ્રત એટલે કે સબકૉન્શ્યસ માઇન્ડ. આપણે જે કંઈ કરીએ છીએ એ બધું જ આ બન્ને મગજ દ્વારા સહિયારું કન્ટ્રોલ થાય છે. જોકે એમાંથી માત્ર દસ ટકા કામ જ કૉન્શ્યસ એટલે કે સચેત મન દ્વારા થતું હોય છે. બાકીનું ૯૦ ટકા કામ અજાગ્રત મન દ્વારા આપમેળે થાય છે. તમે સભાનપણે વિચારો છો એ સચેત મનનું કાર્ય છે, પણ તમને કેવો વિચાર આવશે એ તમારા અજાગ્રત મનનું કામ હોય છે. આપણા શરીરની મોટા ભાગની વ્યવસ્થાઓ સબકૉન્શ્યસ માઇન્ડ દ્વારા ચાલતી હોય છે. સામાન્ય સંજોગોમાં તમે જે સભાનતા ધરાવો છો એ કૉન્શ્યસ માઇન્ડની હોય છે. સબકૉન્શ્યસ માઇન્ડમાં શું ચાલી રહ્યું છે એની ખબર નથી પડતી. જ્યારે વ્યક્તિ સબકૉન્શ્યસ માઇન્ડમાં ડૂબકી લગાવે ત્યારે થોડાક સમય માટે તેનો કૉન્શ્યસ માઇન્ડથી નાતો છૂટી જાય છે અને એને ટ્રાન્સ અવસ્થા કહેવાય. હંમેશાં કંઈ હિપ્નોટિઝમથી જ વ્યક્તિ ટ્રાન્સમાં જાય એવું નથી; પણ મેડિટેશન, વિપશ્યના અને એવી ઘણી ટેãક્નક્સ છે જે આ અવસ્થાનો અનુભવ કરાવે છે. હવે સવાલ એ છે કે સબકૉન્શ્યસ માઇન્ડના સમુદ્રમાં ડૂબકી લગાવવી કેવી રીતે? આ માટેની અલગ-અલગ રીતો છે. એમાંની એક છે ઓવરલોડ. સમજો કે આપણું મગજ એક કમ્પ્યુટર છે. દરેક કમ્પ્યુટરની પ્રોસેસિંગ સ્પીડ હોય છે જેને આપણે રૅન્ડમ ઍક્સેસ મેમરી (RAM - રૅમ) કહીએ છીએ. આપણા સચેત મનની પણ આવી નિશ્ચિત ક્ષમતા છે. આપણા સચેત મનની ક્ષમતા વધુમાં વધુ ૪૦૦૦ મેસેજ યુનિટ્સ પ્રતિ સેકન્ડની જ હોય છે. જેમ રૅમ કરતાં વધુ લોડ કમ્પ્યુટર પર પડે તો એ હૅન્ગ થઈ જાય એમ ૪૦૦૦ કરતાં વધુ મેસેજ યુનિટ્સ થઈ જાય તો થોડીક પળો માટે એ ફ્રીઝ થઈ જાય છે અને સબકૉન્શ્યસ માઇન્ડ ઍક્ટિવેટ થઈ જાય છે. આ જ ઘટના ફિજેટ સ્પિનર ફેરવતી વખતે થાય છે. એક આંગળી પર સ્પિનરને સ્થિર રાખવા જઈએ ત્યારે અતિશય સ્પીડમાં ફરતી ચકરડીને કન્ટ્રોલમાં રાખવા જતાં સબકૉન્શ્યસ માઇન્ડ ઍક્ટિવેટ થાય છે. અજાગ્રત મન આપણા બૉડીને કન્ટ્રોલ કરે ત્યારે એમાં જે પ્રક્રિયાઓ થાય છે એ ઓવરઑલ રિલૅક્સ ફીલ કરાવે છે.’

ફાયદો કેવી રીતે થાય?

હિપ્નોટિક અસર કેવી રીતે થાય એ તો જાણે સમજ્યા, પણ શું એનાથી ખરેખર બાળકો કે પુખ્ત વયના લોકોને માનસિક ફાયદો થાય? હિપ્નોથેરપિસ્ટ યુવરાજ કાપડિયા કહે છે, ‘જો શાંત વાતાવરણમાં સભાનપણે સ્પિનર ફેરવીને કૉન્સન્ટ્રેટ કરવામાં આવે તો ખરેખર એ સ્ટ્રેસબસ્ટર થઈ શકે છે. રેસ્ટલેસ સિન્ડ્રૉમ્સ, ઍન્ગ્ઝાયટી અને હાઇપરઍક્ટિવિટીમાં એનાથી ફરક પડી શકે છે. અલબત્ત, એની થેરપ્યુટિક અસર થાય એ માટે થોડીક સભાનતા અનિવાર્ય છે. બાકી, આ ક્રિયા બહુ સહજતાથી વ્યસન પેદા કરે એવી છે એટલે પ્રમાણમાપમાં વાપરવાથી જ ઉપયોગી છે. કોઈ પણ સારી ચીજની અતિ થાય તો એ નુકસાનકારક છે. મેડિટેશન બહુ સારી અસર કરે છે, પણ તમે આખો દિવસ મેડિટેશન કર્યા કરો તો જિંદગી નથી જીવી શકવાના.’

થેરપી કે વ્યસન?

આજકાલ બાળકોમાં ફિઝેટ સ્પિનરનો ઉપયોગ વ્યસનનું સ્વરૂપ લઈ રહ્યો છે એ વિશે લાલ બત્તી ધરતાં જાણીતા બાળનિષ્ણાત ડૉ. પંકજ પારેખ કહે છે, ‘બાળકો માટે આ એક એવું રમકડું બની રહ્યું છે જે મોબાઇલ અને ટૅબ્લેટ જેવું જ ઍડિક્ટિવ થવા લાગ્યું છે. મોટા ભાગે કોઈ બાળકને જરૂર છે એટલા માટે પેરન્ટ્સ તેને ફિજેટ સ્પિનર લાવી આપે છે એવું નથી. બાળકો દેખાદેખીથી એ માગે છે. તેઓ વગર કારણે, વગર જરૂરિયાતે અભાનપણે ચકરડી ફેરવ્યા કરે છે. એક ઍડિક્શન છોડીને બીજાને વળગવા જેવું આ છે. સ્ટ્રેસબસ્ટર ચીજ ક્યારે ઍડિક્શનમાં ફેરવાઈ જાય છે એ વચ્ચે ખૂબ જ પાતળી લાઇન છે જેને સમજવી અઘરી છે.’

સાઇકોલૉજી શું કહે છે?

ફિજેટ સ્પિનરથી ફાયદો થાય છે એ વાતને પોકળ ગણાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘સમય-સમય પર આવા ટ્રેન્ડ્સ આવતા રહે છે. જેટલી ઝડપે આ ટ્રેન્ડ આવે છે એટલા જ જલદી હવા પણ થઈ જાય છે. બાળકો ફિજેટ સ્પિનરથી ક્યારેક રમતાં હોય તો રમવા દો. એનાથી કંઈ ફાયદો પણ નથી અને કંઈ નુકસાન પણ નથી. આ કોઈ નૉવેલ ચીજ નથી કે જે સ્ટ્રેસ અને માનસિક સમસ્યાઓનો ચુટકીમાં ઉકેલ લાવી દઈ શકે. શબ્દો ચોર્યા વિના કહું તો એ ફાલતુ અને ટાઇમપાસ માટેની ચીજ છે. હું તો ADHD ધરાવતાં બાળકોના પેરન્ટ્સને કહીશ કે બાળકોએ હાથ-પગ વાપરીને રમવું જોઈએ, આંગળીઓ વાપરીને નહીં. એનાથી ફિઝિકલ-મેન્ટલ કોઈ જ ફાયદો નથી. ફિજેટ સ્પિનર દ્વારા પ્રોફેશનલ્સમાં પણ સ્ટ્રેસ ઘટવાના દાવા થયા છે એને પણ તૂત આપવા જેવું નથી. જેમ સ્ટ્રેસ બૉલ દબાવવાથી થોડીક વાર સારું લાગે એમ આ ચકરડી ફેરવવાથી થોડીક વાર સારું લાગે. એ ટેમ્પરરી છે. કોઈને બે ઘડી સારું લાગતું હોય તો ભલે ફેરવે, પણ એનાથી સ્ટ્રેસની અન્ડરલાઇંગ અસરો છે એ ઘટાડી શકાતી નથી. એના કરતાં પત્નીને પ્રેમભરી પપ્પી કરો, યોગ અને એક્સરસાઇઝ કરો તો વધુ સારી સ્ટ્રેસ-બસ્ટર ઇફેક્ટ મળશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy