બૅલૅન્સિંગનો પ્રૉબ્લેમ કયા કારણોને લીધે આવી શકે છે?

મોટી ઉંમરે બૅલૅન્સ જવાનું મુખ્ય કારણ આર્થ્રાઈટિસ જ માનવામાં આવે છે, પરંતુ આર્થ્રાઈટિસ સિવાયનાં પણ બીજાં કારણો હોઈ શકે છે જેને લીધે મોટી ઉંમરે વ્યક્તિનું બૅલૅન્સ ગડબડાય અને એને કારણે તે ચાલતાં-ચાલતાં પડી શકે છે.

old age

જિગીષા જૈન

મોટી ઉંમરના ઘણા વડીલોને તમે લાકડીના ટેકે ચાલતા જોયા હશે. આ લાકડીની જરૂર તેમને એટલે પડે છે કે ઉંમરને કારણે તેમના શરીરનું બૅલૅન્સ ખોરવાઈ જાય છે અને બૅલૅન્સ જાળવી શકે એ માટે તે લાકડીનો ઉપયોગ કરે છે. ગઈ કાલે આપણે જોયું કે આર્થ્રાઈટિસ એક એવો રોગ છે જેને કારણે આ બૅલૅન્સિંગની તકલીફ થાય છે. જોકે આ એક જ કારણ નથી આ તકલીફ પાછળ, ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોય છે જે જાણવાં એટલે જરૂરી છે કે યોગ્ય નિદાન કરવામાં એ મદદ કરે છે. જો તમને બૅલૅન્સિંગની તકલીફ શરૂ થઈ હોય તો જરૂરી છે કે તમે યોગ્ય નિદાન કરાવો અને જાણો કે તમને કયાં કારણોસર બૅલૅન્સિંગનો પ્રૉબ્લેમ શરૂ થયો છે. 

તાત્કાલિક કારણો


માણસ એક એવું પ્રાણી ભગવાને બનાવ્યું છે જે બે પગ પર સીધું ઊભું રહે છે અને એ સીધા ઊભા રહેવા અને બેસવા માટે તેને બૅલૅન્સની જરૂર પડે છે. જો એ બૅલૅન્સ ખોરવાય તો તે બેસી, ઊઠી કે ચાલી ન શકે. આમ તો એવાં ઘણાં કારણો છે જેને લીધે બૅલૅન્સ ખોરવાઈ જાય છે. નાની ઉંમરે એટલે કે યુવાન હોય ત્યારે પણ એવાં કારણો હોય છે જેને લીધે વ્યક્તિનું બૅલૅન્સ ખોરવાય અને એ પડી શકે છે. આ કારણો વડીલોને પણ લાગુ પડી શકે છે. સામાન્ય ચક્કર આવવાથી લઈને હાથ-પગની નબળાઈ સુધીનાં કોઈ પણ કારણો આ બૅલૅન્સ ખોરવાવા પાછળ જવાબદાર હોઈ શકે છે. નાની ઉંમરે જો બ્લડ-પ્રેશર ઘટી જાય, શુગર એકદમ ઘટી જાય, નબળાઈ આવી જાય, શરીરમાં પાણી ઓછું થઈ જાય, મગજમાં કોઈ તકલીફ થાય, તાવ વધુ આવી ગયો હોય જેવાં અનેક કારણો છે જેને લીધે બૅલૅન્સ ખોરવાઈ શકે છે, પરંતુ આ કારણોને લીધે ક્યારેક બૅલૅન્સ જાય છે. અમુક કારણો એવાં છે જેને લીધે વ્યક્તિ એકાદ વાર નહીં વારંવાર બૅલૅન્સ ગુમાવે છે. આજે એ વિશે વિસ્તારમાં સમજીએ.

વારંવાર બૅલૅન્સ જવાનાં કારણો


બૅલૅન્સ ખરાબ થવા પાછળનાં કારણોમાં એક મુખ્ય કારણ છે ઉંમર. જે લોકો મોટી ઉંમરે પણ એકદમ હેલ્ધી છે એવા લોકોનું બૅલૅન્સ એ લોકો જુવાન હતા ત્યારે જેવું હતું એવું તો નથી જ રહેતું. બાકીના ઉંમરલાયક લોકોને કોઈ ને કોઈ લાંબા ગાળાનો રોગ તો હોય જ છે જેની તે દવાઓ લેતા રહે છે એને કારણે પણ બૅલૅન્સ પર અસર પડતી હોય છે. મોટી ઉંમરે આર્થ્રાઈટિસ સિવાયનાં એવાં કયાં કારણો છે જેને લીધે વડીલોમાં બૅલૅન્સની તકલીફ આવી શકે છે એ જાણીએ દહિસરના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ પાસેથી.

૧. અંદરના કાનની તકલીફ

એને અંગ્રેજીમાં ઇનર ઇઅર પ્રૉબ્લેમ કહે છે. આ પ્રૉબ્લેમ એવો છે કે ઉંમર થાય એમ કાનની અંદર રહેલું પ્રવાહી જે શરીરને બૅલૅન્સ કરવામાં અતિમહત્વનો ભાગ ભજવે છે એ સુકાતું જાય છે. એ સુકાવા પાછળનું મુખ્ય કારણ વધતી ઉંમર જ હોય છે. એ સુકાય એટલે વ્યક્તિને ચક્કર આવવાનાં પણ શરૂ થઈ જાય છે. જ્યારે ચક્કર આવતાં હોય ત્યારે બૅલૅન્સ તો ખોરવાવાનું જ છે. વર્ટિગો પણ એક અંદરના કાનની જ તકલીફ છે. આ તકલીફમાં જરૂરી નથી કે તમે એકદમ ઊંચાઈ પર હો ત્યારે જ તમને ચક્કર આવે અને તમે પડી જાઓ. ઘણા લોકોને વર્ટિગો હોય તો એમ પણ હોય કે એ લોકો એકદમ સ્થિર બેઠા કે ઊભા હોય ત્યારે પણ ચક્કર જ આવ્યાં કરે.

૨. દેખાતું ન હોય


જો વ્યક્તિને આંખની કોઈ તકલીફ હોય તો પણ બૅલૅન્સ જવાની સંભાવના રહે છે. નહીં દેખાવાનાં મોટી ઉંમરે તો ઘણાં કારણો છે, જેમાં સૌથી સામાન્ય કારણ મોતિયો છે જે સરળતાથી દૂર થઈ શકે છે. આ સિવાય ગ્લુકોમા જેને ઝાલર કહીએ છીએ. એ રોગ વ્યક્તિને અંધ બનાવી શકે છે. આ સિવાય ડાયાબેટિક રેટિનોપથી અને મૅક્યુલર ડીજનરેશન પણ એવા રોગો છે જે મોટી ઉંમરે જ જોવા મળે છે, વ્યક્તિના અંધાપા માટે જવાબદાર બને છે અને એને કારણે બૅલૅન્સ ખોરવી શકે છે. આ બધા જ રોગમાં સૌથી મહત્વનું એ છે કે વહેલું નિદાન થાય અને ઇલાજ બને એટલો જલદી શરૂ થઈ જાય.

૩. ન્યુરોપથી

પગ અને ખાસ કરીને પગનાં તળિયાંમાં જ્યારે નમ્બનેસ આવી જાય છે એટલે કે સંવેદનશીલતા ઘટી જાય છે. એક સમય એવો પણ આવે છે કે પગના તળિયે કોઈ ગરમ કે ઠંડો પદાર્થ અડાડો તો પણ ખબર નથી પડતી. આવી નમ્બનેસ ઉંમરને કારણે પણ આવી શકે છે, પરંતુ મોટા ભાગે જો વ્યક્તિને ૧૫-૨૭ વર્ષથી ડાયાબિટીઝ હોય તો આવી જતી હોય છે. ઘણા લોકો એવા પણ છે જેમને દસ વર્ષથી જ ડાયાબિટીઝ હોય પરંતુ કન્ટ્રોલમાં રહેતો જ ન હોય તો તેમને પણ આ તકલીફ થઈ જાય છે.

૪. હાર્ટ અને લોહીના પરિભ્રમણની તકલીફ

જેના શરીરમાં હાર્ટની તકલીફને કારણે પરિભ્રમણ ઓછું થતું હોય, જેને બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝની તકલીફ હોય તેના મગજમાં લોહી ઓછું પહોંચે છે અને એને કારણે બૅલૅન્સ ખોરવાય એવું બની શકે. મગજમાં લોહી ઓછું પહોંચવાનું આ એક મહત્વનું કારણ છે કે પરિભ્રમણ પર કોઈ કારણોસર અસર થઈ હોય તો બૅલૅન્સમાં તકલીફ થઈ શકે છે. આ માટે જરૂરી ટેસ્ટ અને યોગ્ય નિદાન સાથે આગળ વધી શકાય છે.

૫. નર્વસ સિસ્ટમના કોઈ રોગ હોય તો

મોટી ઉંમરે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પાર્કિન્સન્સ ડિસીઝ કે ઑલ્ઝાઇમર્સ ડિસીઝ જેવા રોગોનું રિસ્ક ઘણું વધારે હોય છે. આ રોગોને કારણે મગજ પર ઘણી અસર પડે છે એટલું જ નહીં, જ્ઞાનતંતુઓ પર પણ ઘણી અસર પડી શકે છે, માટે બૅલૅન્સમાં તકલીફ થાય છે. વળી આ રોગો ઉંમર સાથે વધતા જતા રોગો છે. એટલે જો ધ્યાન ન રાખીએ તો તકલીફ વધશે જ, ઘટશે નહીં. આમ જરૂરી છે કે આ રોગોનું નિદાન સમયસર થાય અને આ દરદીઓની કાળજી વ્યવસ્થિત લઈ શકાય.

૬. એકથી વધુ દવાઓ લેતા હોય ત્યારે

મોટા ભાગે જેમની ઉંમર વધારે છે તેમને એકથી વધુ લાંબા ગાળાના રોગ હોય છે. આ રોગોને કારણે તેમણે એકસાથે અલગ-અલગ દવાઓ લેવી પડે છે. ઘણા વડીલો તો બિચારા એટલી દવાઓ લેતા હોય છે કે લાગે કે ગોળીઓનો નાસ્તો જ કરી રહ્યા છે. આ સંજોગોમાં એક દવા બીજી દવા સાથે ભળીને રીઍક્શન કરે છે જેને લીધે ચક્કર આવે કે બૅલૅન્સ ન જળવાય એવું બને ખરું. આ ઉંમરમાં કિડની પણ ઓછું કામ કરતી હોય છે એટલે ઘણી દવાઓ તો પચતી જ નથી અને એકબીજા સાથે ભળીને આવા પ્રૉબ્લેમ્સ ઊભા કરતી હોય છે. જો તમારું બૅલૅન્સ ખોરવાતું હોય તો ચોક્કસ એ બાબત પર ધ્યાન દેવું કે દવાઓને કારણે તો એવું નથી થતુંને.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK