જો તમે ઊંઘણશી હો તો જાગી જજો

પથારીમાં મોડે સુધી પડ્યા રહેવાની આદત વહેલી તકે છોડશો નહીં તો એનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે. રિસર્ચ કહે છે કે એક્સેસ સ્લીપ આવનારી બીમારીનું લક્ષણ છે

shandaar

વર્ષા ચિતલિયા

માનવશરીરની સૌથી મોટી જરૂરિયાત છે ઊંઘ. માત્ર શારીરિક થકાવટ દૂર કરવા માટે જ નહીં, માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઊંઘ આવશ્યક છે. ઊંઘને લગતી સમસ્યા આપણે ધારીએ છીએ એનાથી ઘણી વધારે ગંભીર હોય છે. સ્લીપિંગ પૅટર્નનો વ્યક્તિના ઇમોશન્સ સાથે પણ સીધો સંબંધ છે. કામના લાંબા કલાકો, સ્ટ્રેસ અને અન્ય લાઇફ-સ્ટાઇલ ફૅક્ટર્સના કારણે છેલ્લા દાયકામાં અનિદ્રાના દરદીઓની સંખ્યામાં બેશક વધારો થયો છે, પરંતુ ઊંઘણશીઓની આ દુનિયામાં કમી નથી. અનિદ્રા અથવા જરૂરિયાત કરતાં વધુ ઊંઘ બન્નેની તમારા શરીર પર પ્રતિકૂળ અસર થાય છે. આ બન્ને પરિસ્થિતિ આવનારી બીમારીનાં લક્ષણ સૂચવે છે.

પૂરતી ઊંઘ ન લેવાથી થતા નુકસાનથી મોટા ભાગના લોકો પરિચિત હશે. આ સંદર્ભે અનેક અહેવાલો નિયમિત રીતે પ્રગટ થતા રહે છે. અનિદ્રાની સમસ્યા લઈને આવતા અને સ્લીપિંગ પિલ્સ લેનારા દરદીઓની સંખ્યા અનેકગણી વધુ છે એમાં કોઈ બેમત નથી, પણ આવશ્યકતા કરતાં વધારે ઊંઘની સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે એની કેટલાને ખબર છે? એક્સેસ સ્લીપની સમસ્યા ધરાવતા દરદીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે સાતથી આઠ કલાકની ઊંઘ પૂરતી કહેવાય, પણ ઘણા લોકો દસથી બાર કલાક પથારીમાં પડ્યા રહે છે. આપણે તેમને આળસુ અને કુંભકર્ણ કહીને વગોવીએ છીએ. આ એક પ્રકારનો મનોરોગ છે. આવા ઊંઘણશી લોકો પોતાની હેલ્થ સામે ગંભીર જોખમ ઊભું કરે છે. યાદ રાખો, એક્સેસ સ્લીપ સ્વાસ્થ્ય સામે લાલબત્તી છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં એક્સેસ સ્લીપને લગતાં અનેક રિસર્ચ થયાં છે. એક અભ્યાસ અનુસાર જરૂર કરતાં વધારે ઊંઘ લેવાથી હૃદયને લગતી સમસ્યાઓમાં બે ગણો વધારો થાય છે. અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે જે લોકો આળસુની જેમ લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહે છે તેમને નાની વયે જ હૃદયની બીમારીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિ કામમાં એકાગ્રતા રાખી શકતી નથી તેમ જ તેમનામાં ડિપ્રેશનનું પ્રમાણ ૪૯ ટકા જેટલું ઊંચું હોય છે. ૮ કલાકથી વધારે સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી બૉડી-ક્લૉક ડિસ્ટર્બ થઈ જાય છે અને પરિણામે વજન વધી જાય છે. સ્થૂળતાનાં અનેક કારણોમાં એક્સેસ સ્લીપનો રોલ નાનો નથી એટલું જ નહીં, આ પ્રકારની સમસ્યા ધરાવતી મહિલાઓને ગર્ભધારણ કરવામાં પણ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા લોકો આખો દિવસ સુસ્ત રહે છે તેમ જ શરીર અને આંખો ભારે લાગે છે એવું અનુભવે છે. આટલાબધા કલાકોની ઊંઘ લીધા બાદ પણ તેમનામાં સ્ફૂર્તિનો અભાવ જોવા મળે છે અને શરીર થાકેલું લાગે છે. કેટલાક લોકો તો દિવસે પણ બગાસાં ખાતા જોવા મળે છે. કેટલા કલાકની ઊંઘ સ્વાસ્થ્ય માટે સારી કહેવાય? વધારે સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી કોઈ બીમારી થાય? ઊંઘ અને રોગને એકબીજા સાથે શું લાગેવળગે છે એ સમજીએ.

એક્સેસ સ્લીપને બીમારી કહી શકાય? આ સંદર્ભે માહિતી આપતાં કેમ્પ્સ કૉર્નરમાં ક્લિનિક ધરાવતાં ચેસ્ટ ઍન્ડ સ્લીપિંગ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. અનુરાધા શાહ કહે છે, ‘એક્સેસ સ્લીપીનેસ એ ચોક્કસ બીમારીનું લક્ષણ છે. સૌથી પહેલાં તો વધુપડતી ઊંઘનું કારણ શોધવું પડે. સામાન્ય રીતે ત્રણ કારણસર વ્યક્તિ કુંભકર્ણની જેમ પડી રહે છે, જેમાં સ્લીપ ઍપ્નિયા મુખ્ય કારણ કહી શકાય. આ કન્ડિશનમાં દરદી રાતે નસકોરાં બોલાવતા હોય છે અથવા મોઢું ખુલ્લું રાખીને સૂતા હોય છે. નસકોરાં બોલાવવાના લીધે ગળું થોડી ક્ષણો માટે બંધ થઈ જાય છે અને ફેફસાંમાં ઑક્સિજન પહોંચતો નથી. હવે શરીરમાં ઑક્સિજન ઓછો જાય એટલે ગભરામણ થાય. આપણું બ્રેઇન શ્વાસ લેવા માટે ઇન્ડિકેટ કરે એ દરમ્યાન ડીપ સ્લીપમાંથી જાગી જવાય. આવી પરિસ્થિતિમાં ઊંઘમાં ખલેલ પડે. વારંવાર આવું થાય એટલે ઊંઘ પૂરી થાય નહીં અને વધારે કલાક સુધી પથારીમાં પડ્યા રહો. દિવસે પણ ઘેનમાં રહો. આ કન્ડિશન ખૂબ જ જોખમી કહેવાય. સ્લીપ ઍપ્નિયાના કારણે બ્લડ-પ્રેશર અને લકવાનું જોખમ વધી જાય છે. કેટલીક વાર શ્વાસ ન લઈ શકવાને કારણે દરદીનું સડન ડેથ પણ થઈ શકે છે.’

બીજું કારણ છે થાઇરૉઇડ. થાઇરૉઇડ કન્ટ્રોલમાં ન હોય ત્યારે પણ વધુ ઊંઘ આવે છે એમ જણાવતાં ડૉ. અનુરાધા કહે છે, ‘હાઇપોથાઇરૉઇડના અથવા લો થાઇરૉઇડના દરદીને ઊંઘ બહુ આવતી હોય છે. હાઇપર થાઇરૉઇડ પણ ગંભીર કહેવાય, પરંતુ એમાં દરદી ઊંઘણશી નથી બની જતા. જો કોઈ વ્યક્તિ મોડે સુધી પથારીમાં પડી રહે તો રોગની તપાસ કરવી પડે. નિદાન થયા બાદ આગïળની સારવાર શક્ય બને. થાઇરૉઇડ ઉપરાંત ડાયાબિટીઝ ધરાવતા દરદીને પણ ઊંઘ બહુ આવે છે. આ ત્રીજું મહત્વનું કારણ છે આવશ્યકતા કરતાં વધારે ઊંઘનું. આખો દિવસ ઘેનમાં રહેતી અને લાંબા સમય સુધી પથારીમાં પડી રહેતી વ્યક્તિની શારીરિક અવસ્થા અને રોગનું નિદાન થયા બાદ યોગ્ય સારવાર કરવી પડે. બ્રેઇન સંબંધિત ડિસઑર્ડર નાર્કોલેપ્સીમાં પણ દરદીને ખૂબ ઊંઘ આવે છે. નાર્કોલેપ્સી સિવાય બીજાં પણ અનેક કારણોસર વ્યક્તિ ઊંઘમાં રહેતી હોય છે. મોટી ઉંમરની વ્યક્તિની રાતની ઊંઘ બરાબર થતી નથી. તમે જોશો કે એ લોકો મોડે સુધી જાગ્યા કરતા હોય છે. આવા લોકોને દિવસે ઊંઘ આવે છે. નૉર્મલ વ્યક્તિ માટે સાતથી આઠ કલાકની ઊંઘ બસ છે. આથી વધારે સમય સુધી સૂઈ રહેવું એ આવનારી બીમારીને ઇન્ડિકેટ કરે છે.’

એક્સેસ સ્લીપની અવસ્થા ૪૦ વર્ષથી વધુ વયના લોકોમાં વધારે જોવા મળે છે, પરંતુ જો યુવાન વયે કોઈ વધારે સમય સુધી પથારીમાં પડ્યું રહેતું હોય તો એનાં બીજાં પણ કેટલાંક ગંભીર કારણો હોઈ શકે છે. શક્ય છે કે આવી વ્યક્તિ કોઈ દવા કે અન્ય વસ્તુનું સેવન કરતી હોય. આલ્કોહૉલ અને સિગારેટનું સેવન કરનારાઓમાં આવી બીમારી જોવા મળે છે. વ્યસન ધરાવતી વ્યક્તિને સવારે ઊઠવામાં બહુ તકલીફ પડે છે. દિવસે પણ બેચેની જેવું લાગે છે. આ ઉપરાંત ડિપ્રેશનના કારણે યુવાનીમાં વધારે ઊંઘ આવે છે. દિવસે બગાસાં આવવાનાં અને કામમાં મન ન લાગવાનાં કારણોમાં પ્રેશર પણ હોય છે. આજે યુવાનોને રાતે મોડે સુધી જાગવાની જે ટેવ છે એ સદંતર ખોટી છે. કામના ભાર હેઠળ રહેનારી વ્યક્તિએ દિવસે એકાદ વાર નાનીએવી ઝપકી લેવી જોઈએ, જેને આપણે કામના સમયની વચ્ચે લેવાતો બ્રેક અથવા નૅપ કહીએ છીએ. આ એક પ્રકારની હેલ્ધી ઍક્ટિવિટી છે. ધરખમ કાયા ધરાવતી વ્યક્તિ પણ સમય જતાં કુંભકર્ણ બની જાય છે. ઊંઘને કન્ટ્રોલમાં કરવા કેટલીક શારીરિક ઍક્ટિવિટીને પ્રાધાન્ય આપવું જોઈએ. કેટલાક કિસ્સામાં જીવનમાંથીરસ ઊડી જવાના કારણે પણ વ્યક્તિઘેનમાં રહેતી હોવાનું નોંધવામાં આવ્યું છે. આવી વ્યક્તિ હતાશામાં વધારે ઊંઘ ખેંચે છે. કોઈ પણ કારણસર વધારેપડતી ઊંઘ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. સમયસર નિદાન અને કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. એક્સેસ સ્લીપનો ભોગ બન્યા પહેલાં ઊંઘમાંથી જાગી જવામાં ભલાઈ છે.

સામાન્ય રીતે ત્રણ કારણસર વ્યક્તિ કુંભકર્ણની જેમ પડી રહે છે - સ્લીપ ઍપ્નિયા, થાઇરૉઇડ અને ડાયાબિટીઝ. એમાં સ્લીપ ઍપ્નિયા મુખ્ય છે. એમાં દરદી રાતે નસકોરાં બોલાવતા હોય છે. નસકોરાંના લીધે ગળું થોડી ક્ષણો માટે બંધ થઈ જાય અને ફેફસાંમાં ઑક્સિજન પહોંચે નહીં એટલે ગભરામણ થાય અને વ્યક્તિ ડીપ સ્લીપમાંથી જાગી જાય. વારંવાર આવું થાય એટલે ઊંઘમાં ખલેલ પડે, જેના લીધે વધારે કલાક સુધી પથારીમાં પડ્યા રહો. દિવસે પણ ઘેનમાં રહો. આ કન્ડિશન ખૂબ જ જોખમી કહેવાય. સ્લીપ ઍપ્નિયાના કારણે બ્લડ-પ્રેશર અને લકવાનું જોખમ વધી જાય છે. કેટલીક વાર શ્વાસ ન લઈ શકવાને કારણે દરદીનું સડન ડેથ પણ થઈ શકે છે

- ચેસ્ટ ઍન્ડ સ્લીપિંગ ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર અનુરાધા શાહ

આળસ ખંખેરવાના અસરકારક નુસખા

સૂતાં પહેલાં અલાર્મ-ક્લૉક સેટ કરો. શરૂઆતમાં દસ-દસ મિનિટના અંતરે વાગે એમ બેથી ત્રણ અલાર્મ સેટ કરવા. ક્લૉકનો અવાજ એટલો મોટો હોવો જોઈએ કે તમારા કાનમાં ભણકારા વાગતા હોય એવું લાગે. કોઈ મનપસંદ રૉકિંગ મ્યુઝિક તમને પથારી છોડવા મજબૂર કરી દેશે

અલાર્મ-ક્લૉક ઓશીકાની નીચે મૂકો. સામાન્ય રીતે પહેલા અલાર્મ બાદ લોકો સ્નૂઝ બટન દબાવીને પાછા સૂઈ જાય છે. આમ કરવાથી ઊંઘ ઊડતી નથી. એને સતત વાગવા દો.

રિસર્ચ કહે છે કે ઊંઘની નિશ્ચિત સાઇકલ હોય છે. અંદાજે ૯૦ મિનિટના અંતરે થોડી ક્ષણો માટે ઊંઘ ઊડી જતી હોય છે. ઘણી વાર અલાર્મ-ક્લૉક વાગવાના થોડા સમય પહેલાં આપણી સાઇકલ પૂરી થતાં આંખ ખૂલી જાય છે. આવા સમયે અલાર્મ વાગવાની રાહ જોઈને ફરીથી સૂઈ જવાની બદલે ઊઠી જાઓ. યાદ રાખો, જો ફરીથી સૂઈ જશો તો બીજી સાઇકલ શરૂ થઈ જશે.

સૂવાનો અને ઊઠવાનો સમય નિશ્ચિત કરો જેથી નિયમિતતા જળવાઈ રહે. જો જિમમાં જતા હો તો સવારનો સમય પસંદ કરવાથી લાભ થશે. વહેલી સવારે મિત્રો સાથે વૉક કરવાની આદત કેળવો. મિત્રોને મળવાની ધૂનમાં લોકો વહેલા ઊઠી જાય છે એવા અનેક દાખલા છે.

રાતે જન્ક ફૂડ ખાવાનું ટાળો. હળવો આહાર લો અથવા ખૂબ ઓછું ખાવાનું રાખશો તો સવારે ભૂખ જલદી લાગશે, જે તમને વહેલા ઊઠવામાં સહાય કરશે.

ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ઊંઘ ન આવતી હોય તો પણ પથારીમાં પડ્યા-પડ્યા આળોટ્યા કરતા હોય છે. જ્યાં સુધી ઊંઘ ન આવે અને આંખો થાકે નહીં ત્યાં સુધી પથારીમાં જવાનું ટાળો. પથારીમાં પડ્યા બાદ મોબાઇલ કે પુસ્તક વાંચવાની જગ્યાએ તરત સૂઈ જાઓ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK