ઉનાળામાં બહારનું ખાઓ ત્યારે સતર્કતા જરૂરી છે

તાપમાનને કારણે ખોરાક જલદી બગડી જાય છે. બહારના ખોરાકમાં તાજું બનાવેલું ઓછું અને સંગ્રહ કરેલું વધુ હોય છે, જેને કારણે ઉનાળામાં બહારનો ખોરાક રિસ્કી બને છે. નિષ્ણાતના મત મુજબ ઉનાળામાં જે ઝાડા-ઊલટી કે ફૂડ-પૉઇઝનિંગના કેસ જોવા મળે છે એ આ જ કારણે હોય છે

varun

જિગીષા જૈન

૨૫ વર્ષની મીરાને આજકાલ અચાનક જ ખૂબ ઍસિડિટી થઈ જાય છે. બહારનું કંઈ પણ ખાય તો બળતરા થાય છે અને ખાટા ઓડકાર આવ્યા કરે છે. છેલ્લી બે રાતથી તો ઊલટીઓ પણ ચાલુ થઈ ગઈ છે. દવાઓ લીધી અને સંપૂર્ણ સાદા ખોરાક પર અઠવાડિયાથી રહે છે. થોડું પણ સ્પાઇસી ખવાતું નથી.

૪૦ વર્ષનો પરેશ મિત્રો સાથે ચાટ ખાવા ગયો હતો અને એ જ રાત્રે સખત ઝાડા-ઊલટી થઈ ગયાં. ડીહાઇડ્રેશન એટલું વધી ગયું કે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

પંચાવન વર્ષનાં ગીતાબહેનને આજકાલ બિલકુલ જ ભૂખ લાગતી નથી. આ આજનો નહીં, વર્ષોનો પ્રૉબ્લેમ છે. ગરમી ચાલુ થઈ કે ભૂખ ગાયબ. એટલી હદે કે સવારથી રાત સુધી તે ફક્ત પાણી અને થોડાં ફળ પર જ ચલાવી લેતાં. છેલ્લા ૧૫ દિવસથી આવું જ કરતાં હતાં અને તેમને થયું કે એ નૉર્મલ છે, પરંતુ આ શેડ્યુલને કારણે એટલી નબળાઈ આવી ગઈ કે ઘરમાં જ ચક્કર આવી ગયાં.

મેટાબોલિઝમ

લોકો એમ માને છે કે ઉનાળામાં પાચનક્રિયા મંદ પડે છે, પરંતુ પાચન નબળું નથી પડતું; ચયાપચયની ક્રિયા જેને મેટાબોલિઝમ કહીએ છીએ એ નબળું પડે છે. એને લીધે વ્યક્તિ પર જે પહેલી અસર થાય એ છે ભૂખ ઘટી જવી. જો તમે તમારા શરીરને બરાબર સમજતા હો તો ભૂખ ઓછી થઈ ગઈ છે કે તમને ખાવાની ઇચ્છા જ નથી થતી એ વાત તરત જ તમને સમજાશે. ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘શિયાળામાં મેટાબોલિઝમ એકદમ ઝડપથી કામ કરતું હોય એટલે કે જે ખાઓ એ જલદી પચે અને એ એનર્જી‍ પણ જલદી ઉપયોગમાં આવી જાય. પરંતુ ઉનાળામાં આ પ્રક્રિયા મંદ પડી જાય છે. એટલે ભૂખ ઓછી લાગે છે. જ્યારે શરીરને ઓછી ભૂખ લાગે ત્યારે એને ઓછો જ ખોરાક આપવો જોઈએ. બસ, ધ્યાન એ રાખવું કે ટંકે-ટંકે થોડું-થોડું પેટમાં નાખતા રહેવું જેથી એનર્જી‍ જળવાઈ રહે. ઉનાળામાં ભૂખ ન હોવા છતાં શરીરને જરૂર જ છે એમ માની પરાણે ખાવું નહીં, પરંતુ એની સાથે એ પણ ધ્યાન રાખવું કે ફક્ત લિક્વિડ કે ફળો પર જ રહેવું પણ બરાબર નથી. હળવું ખાઓ, થોડા-થોડા અંતરે ખાઓ; પરંતુ ખાઓ એ જરૂરી છે.’

બહારનો ખોરાક

ઉનાળામાં દિવસે ભૂખ ઓછી લાગે છે. ખાસ કરીને બળબળતા બપોરે પીવા માટે કશું ઠંડું આપી દો કે બેચાર ફ્રૂટ્સ ખાવા મળી જાય તો જાણે કે ઘણું થઈ ગયું. એનાથી વધુ ખાવા-પીવાની ઇચ્છા કોઈને થતી નથી, પરંતુ એને કારણે સાંજ પડતાં વાતાવરણમાં થોડી ઠંડક થાય અને પેટમાં ઉંદર કૂદવા લાગે છે. મોટા ભાગના કામકાજી લોકો સવારનો બ્રેકફાસ્ટ નહીં તો લંચ સ્કિપ કરે છે, કારણ કે ગરમીમાં મન નથી થતું ખાવાનું. પરંતુ જેવા ૫-૬ વાગે કે પાણી-પૂરી, ચાટ, ભેળ, સૅન્ડવિચ, વડાપાંઉ કે કાંદાભજિયાં પર તરાપ મારવાનું મન કરે છે; કારણ કે પેટ ભૂખ્યું હોય છે અને ભૂખ્યા પેટને સ્વાદીલો ખોરાક વધુ ગમતો હોય છે. આપણે જે રેંકડી, ઠેલા, હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી એ મગાવીએ છીએ એ જગ્યાઓ પર બિલકુલ જરૂરી નથી કે એની ચટણી કે બટેટા કે બીજી કોઈ સામગ્રી તેમણે તાજી જ બનાવી હોય. બને કે કાલની હોય, એમ પણ બને કે ૪ દિવસ પહેલાંની હોય. ઉનાળાની ગરમીમાં તો ફ્રિજમાં રાખેલી વસ્તુઓ પણ ખરાબ થઈ જતાં વાર લાગતી નથી તો પછી આવાં ફૂડ જૉઇન્ટ્સ પર ઝાઝી માત્રામાં બનાવેલી આ વસ્તુઓ ખરાબ થતાં શું વાર લાગે? પાછું થાય છે એવું કે એ પદાર્થ ખરાબ થઈ ગયો છે અને ખાવાલાયક નથી એની ખબર દરેકને પડતી નથી. જોકે આપણામાંથી જે લોકો ખુદ રસોઈ બનાવે છે અથવા તો ખોરાક વિશે સમજણ ધરાવે છે એ લોકો સમજીને ફેંકી દે છે તો એ બચી જાય છે. પરંતુ જેમને સમજ પડી નથી તે ફસાઈ જાય છે.

ઓછું ખાઓ એનો વાંધો નથી, પરંતુ ભૂખ જ ન લાગે એ નહીં ચાલે

ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે એ વાત નૉર્મલ છે. આ વાત સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘સીઝન પ્રમાણે શરીરમાં જે ફેરફાર આવે છે એને સમજવા અને એ પ્રકારે જ વર્તવું એ જ હેલ્ધી રહેવાની નિશાની છે. આમ ઉનાળામાં જો બપોરે ગરમીની અકળામણને કારણે ભૂખ ઓછી લાગે તો ચાલે. એમાં ખોટું નથી. પરંતુ એને કારણે તમે ફક્ત ફ્રૂટ ખાઈ લો કે જૂસ પી લો અને બીજું કંઈ જ ખાઓ નહીં એવું એકાદ દિવસ ઠીક છે, પરંતુ દરરોજ ન કરાય. અહીં સમજવા જેવું એ છે કે ઉનાળો હોય કે શિયાળો, શરીરને પોષણ તો જરૂરી છે જ. ઓછું ખાઓ, હળવું ખાઓ; પરંતુ ખાવાનું બંધ રાખો એ બરાબર નથી નહીંતર ક્રેવિંગ્સ વધશે અને ઊલટું તમે ખોટા ખોરાક તરફ વળશો, જે તમારી હેલ્થને વધુ નુકસાન કરશે. દર બેત્રણ કલાકે થોડું-થોડું ખાશો તો પણ ભૂખ લાગતી રહેશે.’

કોને તકલીફ વધુ?


ઉનાળામાં થતી પાચનની તકલીફ બાબતે વાત કરતાં ઝેન હૉસ્પિટલ, ચેમ્બુરના ડિરેક્ટર ડૉ. રૉય પાટણકર કહે છે, ‘મોટા ભાગે આ સીઝનમાં અમારી પાસે બે પ્રકારની તકલીફ લઈને લોકો આવતા હોય છે. એક તો ગૅસ્ટ્રોએન્ટરાઇટિસ એટલે કે પેટમાં થતું ઇન્ફેક્શન, જેનું કારણ બહારનો ખોરાક હોય છે અથવા તો જૂનો-વાસી કે ગરમીને કારણે ખરાબ થઈ ગયેલો ખોરાક. બાકી બીજો પ્રૉબ્લેમ જે સામાન્ય છે એ છે ગૅસ્ટ્રાઇટિસ, જેમાં માણસને ખૂબ ઍસિડિટી થઈ જાય છે. પેટની લાઇનિંગ પર સોજો આવે છે. પેટમાં બળતરા થાય છે અને ખૂબ હીટ જનરેટ થતી હોય એવું લાગે છે. આ બન્ને પ્રૉબ્લેમ આમ તો કોઈ પણને થઈ શકે છે; પરંતુ જેમને ડાયાબિટીઝ છે, જેમની ઉંમર ૭૦ વર્ષથી વધુ છે, જેમને ક્રૉનિક કિડની ડિસીઝ છે, હાર્ટ ડિસીઝ છે તેમને થવાની શક્યતા વધુ રહે છે. તેમણે ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને હાર્ટના દરદીઓની જે દવા રહે છે એ દવાને કારણે તેમને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે એવું હોય છે. આ સંજોગોમાં જો પાણી વ્યવસ્થિત ન પીધું તો ડીહાઇડ્રેશનને કારણે તેમને પાચન સંબંધિત તકલીફ પડવાની શક્યતા વધુ રહે છે.’

જો ઉનાળામાં તમારી ભૂખ સાવ મરી ગઈ હોય તો ધ્વનિ શાહ પાસેથી જાણીએ કેટલાક ખાસ નુસખા


જમતાં પહેલાં જીભ પર લીંબુનાં બેચાર ટીપાં રાખો. એનાથી ભૂખ ઊઘડશે. ખાવાનું મન થશે

બહાર તાપમાં જવાનું હોય એ પહેલાં કે બહારથી આવીને તરત તમને ખાવાનું મન નહીં જ થાય. આ બન્ને સમયે ખાવાનું ટાળો અને પીવાનું રાખો, જેમાં લીંબુપાણી કે નારિયેળપાણી કે કેરીનો પન્નો કે કોકમ શરબત લઈ શકાય.

જે વ્યક્તિ ડીહાઇડ્રેટ થઈ ગઈ હોય, શરીરમાં પાણીની કમી થઈ ગઈ હોય તેને પણ ભૂખ લાગતી નથી. જો તમે ઉનાળામાં હાઇડ્રેશનનું ધ્યાન રાખશો તો પાચન સંબંધિત તકલીફો નહીં થાય

જમતી વખતે કે કંઈ પણ ખાતી વખતે ફક્ત તમે અને ખોરાક બે જ હોય એ વધુ સારું છે. ફોન, ટીવી કે બીજું કોઈ કામ સાથે લઈને ન જમો. એને લીધે અરુચિ પ્રગટે છે. ખોરાક લો ત્યારે તમારી ઇãન્દ્રયો એ ખોરાકને માણી શકે એ જરૂરી છે. તો જ ખોરાક પ્રત્યે રુચિ વધે છે, સંતોષ થાય છે અને એ ખોરાક શરીરમાં જઈને ગણ કરે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK