૧૫-૨૦ વર્ષની ઉંમરે શેનું સ્ટ્રેસ પજવે છે?

ભણતર, કરીઅર, સંબંધો, સમાજ વગેરે તેમના જીવનમાં સ્ટ્રેસ લાવે છે. આજે ડોકિયું કરીએ આ યુવાનોના જીવનમાં અને જાણીએ કે તેમને કયા પ્રકારનું સ્ટ્રેસ છે અને એ બાબતે આપણે શું મદદ કરી શકીએ

stress

જિગીષા જૈન

સ્ટ્રેસ શબ્દ આપણા જીવનમાં સામાન્ય બનતો જઈ રહ્યો છે. દરેક ઉંમરની વ્યક્તિના જીવનમાં સ્ટ્રેસ તો હોય જ છે. બાળકો નાનાં છે, તેમના પર કોઈ જવાબદારી નથી, તેમને સ્ટ્રેસ શું હોય? એમ જો તમે માનતા હો તો એ ભૂલભરેલું છે. આજે પંદરથી ૨૦ વર્ષની ઉંમરનાં બાળકોના જીવનમાં એક નજર નાખીએ. આ ઉંમરની વાત કરીએ તો બાળકોનું બિન્ધાસ્ત જીવન નજર સામે આવે. યુવાની તરફ પ્રયાણ કરી રહેલી તરુણાવસ્થા, જીવનમાં નવા ઉમંગ, નવાં સપનાંઓ, મોજ-મસ્તી, મિત્રો સાથે રખડવાનું, કલાકો સુધી વાતો કરવાનું, પહેલો પ્રેમ, ફિલ્મો, ગીતો વગેરે-વગેરે ઘણું સામે આવી જાય. જોકે ૧૫-૨૦ વર્ષની ઉંમરમાં સ્ટ્રેસ હોય, તકલીફો હોય, કેટલીયે જાતનાં કન્ફ્યુઝન હોય, સ્ટ્રગલ હોય તો કોઈ માને નહીં; પરંતુ હકીકત એ જ છે કે આ ઉંમરે પણ સ્ટ્રેસ હોય છે અને એ પણ એવું સ્ટ્રેસ જેને વ્યવસ્થિત હૅન્ડલ કરવું જરૂરી છે.

સખત રૂટીન

કાંદિવલીમાં રહેતી ખ્યાતિ શાહ ૧૭ વર્ષની છે અને બારમા ધોરણમાં છે. સવારે ૭ વાગ્યામાં તે ક્લાસમાં જાય છે. સાતથી ૧૦ ક્લાસ ભરીને સીધી વિલે પાર્લે કૉલેજ આવે છે અને પછી ૧ વાગ્યાથી કૉલેજ હોય છે. ક્લાસમાં જ તૈયાર થઈને કે પછી કૉલેજમાં જ ચેન્જ કરીને સાંજે ૬ વાગ્યા સુધી કૉલેજ ભરે છે. કૉલેજ પછી પણ ઘણી વાર ૧-૨ કલાક ક્લાસિસ હોય છે. સીધી રાત્રે ઘરે પહોંચે છે અને પડ્યા ભેગી જ સૂઈ જાય છે. શનિવારે પણ કૉલેજ ચાલુ રહે છે અને રવિવારે ક્લાસમાં ટેસ્ટ રહે છે. પોતાના રૂટીન વિશે વાત કરતાં ખ્યાતિ કહે છે, ‘તૈયાર થવાનો કોઈ સમય નહીં કે જગ્યા પણ નહીં, કૉલેજ કે ક્લાસિસના વૉશરૂમમાં તૈયાર થઈ જઈએ. જમવાનું હંમેશાં બહાર જ હોય. સવારે ૭ વાગ્યા પહેલાં જ ઘરેથી નીકળીએ તો ક્યાંથી ઘરનું ખાવા મળે? ખુદ માટે કે પરિવાર માટે કે મજા માટે પણ જાણે કે સમય જ નથી. સતત ભણવાનું અને ભણતરના સ્ટ્રેસમાં જીવવાનું. આ જ જીવન થઈ ગયું છે.’

ચિંતા

ભણતર સાથે જોડાયેલું સ્ટ્રેસ ઘણું છે. એ વિશે વાત કરતાં ખ્યાતિ કહે છે, ‘કરીઅરને લઈને પણ ઘણું કન્ફ્યુઝન રહે છે. શું પસંદ કરવું, શું નહીં? કેટકેટલા ઑપ્શન્સ હોય છે એમાંથી ઓછા કરતાં-કરતાં હું છેલ્લે ત્રણ ઑપ્શન પર આવીને અટકી છું, પરંતુ આ ત્રણ કરીઅર-ઑપ્શનમાં પણ કન્ફ્યુઝ થયા કરું છું. ચિંતા થાય કે આગળ કેમ વધવું. માક્ર્સની ચિંતા, પર્ફોર્મન્સની ચિંતા, કરીઅરની ચિંતા. બધું અઘરું છે. ઘણી વખત ખરાબ હાલત થાય ત્યારે મારા પેરન્ટ્સ, મોટો ભાઈ કે ટીચર્સની સલાહ લઉં છું. બાકી દરરોજ સવારે ઊઠીને મેડિટેશન કરું છું. એને લીધે આવા સ્ટ્રેસ સામે ટકી રહેવાની શક્તિ મળી રહે છે.’

આ ઉંમરમાં સૌથી વધુ


સોલ્યુશન્સ કાઉન્સેલિંગ સેન્ટર, અંધેરીનાં કરીઅર-પ્લાનર ડૉ. માધવી શેઠ અનુસાર ૧૫-૨૦ વર્ષનાં બાળકોની હાલત ઘણી ખરાબ રહે છે, કારણ કે ૧૫ વર્ષથી નાનાં બાળકો સ્કૂલમાં હોય છે અને તેમને હજી ભણવા માટેનું સ્ટ્રેસ વધુ ન હોય. વીસ વર્ષથી મોટાં બાળકો ઑલરેડી પોતાની કરીઅર નક્કી કરી ચૂક્યાં હોય છે અને એ માટેના ઍડ્મિશનની પ્રોસેસ વગેરેમાંથી પસાર થઈ ચૂક્યાં હોય છે એટલે તેમને પણ ખાસ તકલીફ હોતી નથી. પરંતુ તકલીફ હોય છે ૧૫-૨૦ વર્ષની વચ્ચે. એને સમજાવતાં ડૉ. માધવી શેઠ કહે છે, ‘આ સમયમાં બાળકને બે બોર્ડ એક્ઝામ આવે છે. એની સાથે-સાથે કરીઅરને કઈ દિશામાં વાળવી એ નિર્ણય આ ઉંમરમાં લેવાનો હોય છે. પહેલો પ્રેમ આ ઉંમરમાં થાય છે. કમાવાની શરૂઆત પણ અમુક લોકોની તો આ જ ઉંમરથી થાય છે. આ સિવાય શારીરિક પણ ઘણા બદલાવો અને હૉર્મોનલ ચેન્જ આવે છે. આ બધા વચ્ચે બાળક સ્ટ્રેસ અનુભવે એ સહજ છે. આ સિવાય પેરન્ટ્સની ઇચ્છાઓ, યુવાનીમાં પ્રવેશ, નવી વસ્તુઓનું આકર્ષણ જેવાં ઘણાં એવાં પરિબળો છે જેને લીધે એ સ્ટ્રેસમાં વધારો થાય છે. વળી એક સ્ટ્રેસ બીજા સ્ટ્રેસ સાથે જોડાયેલું છે. એકને કારણે બીજું ઉદ્ભવે એમ પણ બનતું હોય છે.’

ઇચ્છાઓનો ભાર

આ ઉંમરમાં સપનાંઓ હોય છે જેને પૂરાં કરવાની ધગશ તો હોય છે, પરંતુ એ સપનાંઓનો ભાર એ ધગશની ઉપર સ્ટ્રેસરૂપે આવે છે. એ વર્ણવતાં અંધેરીમાં રહેતી ૧૭ વર્ષની શિખા મેસવાણી કહે છે, ‘મારાં મમ્મી-પપ્પાની આંખોમાં મેં મારા ભવિષ્યને લઈને ચમક જોઈ છે અને એ ચમકને હું ધૂંધળી થવા દેવા નથી માગતી. એટલે જ ખૂબ વિચારીને મેં નિર્ણય લીધો કે હું બારમા પછી બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (BBA) કરીશ. હાલમાં હું દરરોજ સવારથી રાત સુધી ક્લાસિસ અને કૉલેજમાં જ બિઝી રહું છું. BBAની એન્ટ્રન્સ મારી બોર્ડની એક્ઝામ પહેલાં છે. મને એની તૈયારી કરવાનો સમય જ નથી મળતો. એને લીધે ખૂબ સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે અને એને લીધે ડર પણ લાગે છે કે હું એ ન કરી શકી તો?’

શું સાચું-શું ખોટું?


જે બાળકોનાં સપનાંઓ હોય છે તેમણે એની પાછળ ઘણો ભોગ પણ આપવો પડે છે, પરંતુ આ ઉંમરમાં આ ભોગનું મહત્વ સમજવું અઘરું છે. વળી મોટાં થઈ ગયાં હોવા છતાં બાળકોના નિર્ણયો પેરન્ટ્સ લેતા હોય છે, જેને લીધે બાળકોને તકલીફ પડતી હોય છે. એ વિશે વાત કરતાં શિખા કહે છે, ‘મારા બધા ફ્રેન્ડ્સ પાર્ટી કરતા હોય, બહાર જતા હોય તો મને ઘરમાંથી ના પાડતા હોય છે.  હું જાણું છું કે મારા પેરન્ટ્સ મારા ભણતર માટે જ મને ના પડે છે, પરંતુ એ હું મારા ફ્રેન્ડ્સને સમજાવી નથી શકતી. મારા ફ્રેન્ડ્સ મારા વિશે શું વિચારતા હશે એ સ્ટ્રેસ મને ખૂબ પજવે છે. તેઓ માનતા હશે કે હું કૂલ નથી. તેમને લાગતું હશે કે હું હજી પણ મારા નિર્ણયો જાતે નથી લેતી. આ બાબતે મને નથી ખબર કે શું સાચું અને શું ખોટું. આ બાબત મને પજવ્યા કરે છે.’

સ્ટ્રેસ લઈએ તો આવે

જરૂરી નથી કે દરેક બાળક સ્ટ્રેસ અનુભવતું જ હોય. ૧૬ વર્ષનો પાર્લામાં રહેતો ક્રિશ ગોરડિયા માને છે કે તેના જીવનમાં કોઈ સ્ટ્રેસ નથી, જીવન એકદમ સુપર કૂલ રીતે પસાર થઈ રહ્યું છે. ભણતર કે કરીઅરના નામે તે બિલકુલ સ્ટ્રેસ લેતો નથી એનું કારણ જણાવતાં ક્રિશ કહે છે, ‘હું મારા માટે ભણું છું, કોઈ બીજા માટે નહીં. હું એટલા માટે ભણું છું કે મને ભણવું ગમે છે. માક્ર્સ આવે, કરીઅર બને એના માટે નથી ભણતો. બીજું એ કે સ્ટ્રેસ એવી વસ્તુ છે કે લો તો જ આવે. કઈ વસ્તુને તમે કઈ દૃષ્ટિએ લો છો એના પર જ આ નિર્ભર છે. બીજું એ કે મને મારા પેરન્ટ્સે ઘણી ફ્રીડમ આપી છે, જેને કારણે હું ક્યાંય ગૂંચવાઈ કે મૂંઝાઈ જતો નથી. કદાચ એ મારા સ્ટ્રેસમાં ન રહેવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.’

પેરન્ટ્સનો રોલ


ક્રિશ હાલમાં તો અગિયારમા ધોરણમાં છે. દસમામાં બોર્ડ હોવા છતાં તે દરરોજ ફુટબૉલ અને હૅન્ડબૉલ રમવા જતો. તેનાં મમ્મી અને હેલ્થ-એક્સપર્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘ભણવાનું પ્રેશર આજકાલ દરેક બાળક પર છે, પરંતુ એ પેરન્ટ્સ પર છે કે બાળકને કયા સમયે ઢીલ દેવી અને કયા સમયે સતર્ક રાખવું. નકામું સ્ટ્રેસ બાળકના પર્ફોર્મન્સને ખરાબ કરે છે. કામનું સ્ટ્રેસ એ પર્ફોર્મન્સને નિખારે છે. બાળકને બધી જાતનો સપોર્ટ આપવો જરૂરી છે. તેને ખબર હોવી જોઈએ કે તેના પેરન્ટ્સ સદા તેની સાથે છે. ક્રિશને ઘરે રહેવું ગમે છે. તે તેના ફ્રેન્ડ્સની જેમ ઘરથી ભાગતો નથી. તેનું જન્ક ફૂડ ખાવાનું પ્રમાણ ઘણું ઓછું છે. નૉર્મલ ઘરનો ખોરાક જ તે વધુ ખાય છે. આ નાની-નાની બાબતો પણ ઓવરઑલ સ્ટ્રેસ પર અસર કરે છે. બાળક જો સ્ટ્રેસમાં રહેતું હોય તો પેરન્ટ્સની સંપૂર્ણ જવાબદારી છે કે તેઓ તેને આ સ્ટ્રેસમાંથી બહાર કાઢે.’

બાળકોને સ્ટ્રેસમુક્ત કરવા શું કરવું એ જાણીએ ડૉ. માધવી શેઠ પાસેથી

અમુક સ્ટ્રેસ એવાં છે જે સહજ રીતે હોય છે અને અમુક આપણે જાતે પેદા કરેલાં હોય છે. જેમ કે માક્ર્સ નહીં આવે તો? ગમતી કૉલેજમાં ઍડ્મિશન ન મળ્યું તો? વગેરે. આવાં સ્ટ્રેસને પોતાની સમજથી જાત અને પરિવારથી દૂર રાખવાં.

મનમાં એક હકારાત્મક ભાવ રાખવો કે આપણે કરવાનું જ છે અને કરીને રહીશું. એના માટે પ્રયત્ન પણ પૂરા કરવા. પછીનું પરિણામ ભવિષ્ય પર છોડી દેવું.

દિશાહીન ન બનો. કરીઅર પસંદ કરવા માટે પેરન્ટ્સ, ટીચર્સ અને કરીઅર-કાઉન્સેલરની મદદ લો અને વૈજ્ઞાનિક રીતે સમજો કે તમારે કઈ કરીઅર તરફ આગળ વધવું યોગ્ય ગણાશે. ગમે ત્યાં આંખ બંધ કરીને કૂદકો મારવાની આ વાત નથી. આવી ભૂલ ન કરો.

બાળકોને ઘરમાં મોકળાશ આપો. તેઓ દરેક તકલીફ તમારી સાથે આવીને શૅર કરી શકે એટલી આઝાદી તેમને આપો. એને લીધે તમે તેમને જરૂરતના સમયે મદદ કરી શકો. આ આદત નાનપણથી વિકસાવવી પડશે.

આજકાલ બાળકોની ઇચ્છાઓ ખૂબ હોય છે. જરૂરત તો માતા-પિતા પૂરી કરી શકતાં હોય છે, પરંતુ તેમની ઇચ્છાઓ પૂરી નથી કરી શકતાં. જો માતા-પિતા તેમની ઇચ્છાઓ પૂરી ન કરી શકે તો આ ઉંમરે તે તેમના માટે નકામાં બની જતાં હોય છે. માતા-પિતાની ફરજ છે કે બાળકને આ ઇચ્છા અને જરૂરત વચ્ચેનો ફરક બતાવે.

આ ઉંમરમાં બાળક સ્ટ્રેસ લેવા માટે તૈયાર થતું હોય છે. જો તે પડવાનું હોય તો ફક્ત તેને ચેતવો, પરંતુ પડતા બચાવવાનું કામ તમે ન કરો. તે પડશે તો શીખશે. સ્ટ્રેસ લેશે તો સમજશે કે કઈ રીતે જવાબદારી ઉઠાવાય છે. જો તેને જવાબદારીઓથી દૂર રાખશો તો તે ક્યારેય એને ઉપાડવાનું કામ નહીં શીખે.

ખુદ માટે કે પરિવાર માટે કે મજા માટે પણ જાણે કે સમય જ નથી. સતત ભણવાનું અને ભણતરના સ્ટ્રેસમાં જીવવાનું. આ જ જીવન થઈ ગયું છે

- ખ્યાતિ શાહ

મારા બધા ફ્રેન્ડ્સ પાર્ટી કરતા હોય, બહાર જતા હોય તો મને ઘરમાંથી ના પડતા હોય છે. હું જાણું છું કે મારા પેરન્ટ્સ મારા ભણતર માટે જ મને ના પડે છે, પરંતુ એ હું મારા ફ્રેન્ડ્સને સમજાવી નથી શકતી. મારા ફ્રેન્ડ્સ મારા વિશે શું વિચારતા હશે એ સ્ટ્રેસ મને ખૂબ પજવે છે

- શિખા મેસવાણી


સ્ટ્રેસ એવી વસ્તુ છે કે લો તો જ આવે. કઈ વસ્તુને તમે કઈ દૃષ્ટિએ લો છો એના પર જ આ નિર્ભર છે. બીજું એ કે મને મારા પેરન્ટ્સે ઘણી ફ્રીડમ આપી છે, જેને કારણે હું ક્યાંય ગૂંચવાઈ કે મૂંઝાઈ જતો નથી. કદાચ એ મારા સ્ટ્રેસમાં ન રહેવા પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે

- ક્રિશ ગોરડિયા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK