બ્રેસ્ટ-કૅન્સરના ઇલાજમાં દરેક સ્ત્રીને જરૂર હોતી નથી કીમોથેરપીની

આ ટેસ્ટ આમ તો ઘણાં વર્ષોથી ભારતમાં પણ ઉપલબ્ધ છે, પરંતુ એ બાબતે ખાસ જાગૃતિ નથી. આ ટેસ્ટ મોંઘી પણ છે, પરંતુ જો કીમોની જરૂર જ ન હોય એ ખબર પડી જાય તો એ ઇલાજ અને એનાથી થતી અગણિત સાઇડ-ઇફેક્ટ્સથી દરદીને બચાવી શકાય છે

cancer1

જિગીષા જૈન

હાલમાં સોનાલી બેન્દ્રેનો વાળ વગરનો ફોટો મીડિયામાં આવ્યો. વાળ વગરના દરદીઓ જાણે કે કૅન્સરની ઓળખ બની ગયા છે. આ વાળ ખરી જવાનું કારણ કૅન્સરની એક અત્યંત અસરકારક ટ્રીટમેન્ટ કીમોથેરપી હોય છે. દરદીને કીમો આપવાનું શરૂ થાય કે તેના વાળ ખરવા લાગે છે. જોકે એક વખત કીમો બંધ થાય અને ઇલાજ પૂરો થાય તો એની મેળે વાળ આવી જાય છે. સ્ત્રીઓની વાત કરીએ તો તેને વાળ સાથે અત્યધિક પ્રેમ હોય છે અને વાળ ઊતરી જવાને કારણે તે ઘણું ડિપ્રેસ ફીલ કરતી હોય છે. વાળ ઊતરી જવાની જ આડઅસર સુધી કીમોથેરપી સીમિત નથી. કીમો જીવન બચાવનારી થેરપી સાબિત થઈ છે, પરંતુ એની આડઅસરો ઘણી છે. સ્ત્રીને કીમોને કારણે ઇન્ફર્ટિલિટીનો સામનો પણ કરવો પડી શકે છે. આ સિવાય આ એક પીડાદાયક થેરપી પણ છે. અમુક એવા પણ કેસ બને છે કે કીમો તેમને એટલી ભારે પડી કે તે ખમી ન શક્યા અને મૃત્યુ પામ્યા. બાકી અનેક લોકોને આ થેરપીએ તેમને નવજીવન આપ્યું છે. કૅન્સરને જડથી દૂર કરવામાં અને ફરીથી એ પાછું ન આવે એ માટે કીમો ઘણી ઉપયોગી થાય છે.

વ્યક્તિગત ઇલાજ

છેલ્લાં થોડાંક વર્ષોમાં લોકોમાં ઍલોપથી ટ્રીટમેન્ટમાં એક મોટો બદલાવ આવ્યો છે. હોમિયોપથી અને આયુર્વેદ વર્ષોથી માનતાં આવ્યાં છે કે દરેક શરીર જુદું છે અને દરેક શરીરનો રોગ પણ. એટલે જ જો તમને અને તમારી સાથે બીજી બે વ્યક્તિને શરદી થઈ હોય તો ત્રણેય દરદીની દવા આયુર્વેદ અને હોમિયોપથીમાં જુદી હશે, પરંતુ ઍલોપથીમાં શરદી થઈ હોય તો એક જ દવા આપવાનો રિવાજ છે; કારણ કે ઍલોપથી લક્ષણો પર કામ કરે છે, મૂળ પર નહીં. હવે થોડાં વર્ષોથી ઍલોપથી ઇલાજમાં પણ તેઓ માનવા લાગ્યા છે કે ઇલાજ હંમેશાં વ્યક્તિગત જ હોવો જોઈએ. કૅન્સરમાં પણ આ વ્યક્તિગત ઇલાજનું મહત્વ આવી ગયું છે એમ સમજાવતાં જાણીતા ઑન્કોલૉજિસ્ટ પદ્મભૂષણ ડૉ. સુરેશ અડવાણી કહે છે, ‘આજે વ્યક્તિગત ઇલાજને ધ્યાનમાં રાખીને એવું થયું છે કે અમુક દરદીઓને કીમોથેરપી અમે નથી આપતા. દરદીઓમાં અમુક એવા હોય છે જેમને કીમોથેરપીની જરૂર નથી હોતી અને અમુક એવા પણ છે જેમને આપવી અત્યંત જરૂરી છે.’

ઉપયોગી ટેસ્ટ


પરંતુ એ કઈ રીતે જાણી શકાય કે કયા દરદીઓને કીમોની જરૂર રહે છે અને કોને નહીં. આ પ્રfનનો જવાબ આપતાં વૉકહાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલનાં ઑન્કોસર્જ્યન ડૉ. મેઘલ સંઘવી કહે છે, ‘અમુક ખાસ પ્રોટોકૉલ છે જે મુજબ ડૉક્ટર નક્કી કરતા હોય છે. એ સિવાય છેલ્લાં અમુક વર્ષોથી એક ટેસ્ટ છે, જેના દ્વારા એ નક્કી કરી શકાય છે. આ ટેસ્ટનું નામ છે ઑન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટ. આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે કયા દરદીને કીમોની જરૂર છે અને કોને નહીં. આ ટેસ્ટ ફક્ત બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓ માટે જ છે. વળી જેને એકદમ શરૂઆતી કૅન્સર હોય તેમના માટે જ આ ટેસ્ટ છે. કૅન્સર વધી ગયું હોય તો આ ટેસ્ટનો કોઈ ફાયદો નથી. જોકે આ ટેસ્ટ મોંઘી છે. લગભગ અઢી લાખ સુધીની આ ટેસ્ટ છે. એટલે સમજી શકાય કે દરેક દરદી એ કરાવી શકે નહીં. જે લોકો ખર્ચ કરી શકે છે તેમના માટે આ ટેસ્ટ ખરેખર સારી છે, કારણ કે અઢી લાખ ખર્ચીને જો કીમોની પીડાથી મુક્તિ મળતી હોય તો કંઈ ખોટું નથી. ભવિષ્યમાં જેમ વધુ લોકો એને વાપરવા માંડશે એનો ભાવ ઓછો થઈ શકે છે. આ ટેસ્ટ દ્વારા ડૉક્ટર અને દરદી બન્નેને તેના ઇલાજ માટેની સ્પક્ટતા મળે છે એ રીતે એ ઉપયોગી છે.’

ટ્રાયલ

હાલમાં ન્યુ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં છપાયેલી એક ટ્રાયલે ઘણી સ્ત્રીઓને એક આશા આપી છે જે અનુસાર દરેક સ્ત્રીને કીમોથેરપીની જરૂર હોતી નથી અને એ શરૂઆતી બ્રેસ્ટ-કૅન્સર હોય તો સમજવું સરળ છે. અમેરિકન સોસાયટી ઑફ ક્લિનિકલ ઑન્કોલૉજિસ્ટ્સની શિકાગોમાં ભરાયેલી ઍન્યુઅલ મીટિંગમાં પણ આ ટ્રાયલ દર્શાવવામાં આવી હતી. ૧૦,૨૭૩ સ્ત્રીઓને લઈને કરવામાં આવેલી આ ટ્રાયલમાં દ્વારા સાબિત થયું છે કે જે સ્ત્રીઓને શરૂઆતી સ્ટેજનું બ્રેસ્ટ-કૅન્સર હોય છે એવી ૭૦ ટકા સ્ત્રીઓને કીમોથેરપી લેવાની જરૂર જ નથી હોતી. બાકીની ૩૦ ટકા સ્ત્રીઓને કીમોથેરપી ઘણી જ ફાયદો કરે છે. ટ્રાયલ અસાઇનિંગ ઇન્ડિવિજ્યુઅલાઇઝડ ઑપ્શન્સ ફૉર ટ્રીટમેન્ટ જેને TAILORx પણ કહે છે એના દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક ટ્રાયલે કૅન્સરના ઇલાજમાં એક નવી આશા જન્માવી છે. આ ટ્રાયલમાં ઑન્કોટાઇપ ડીએક્સ ટેસ્ટનો ઉપયોગ જ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના સ્કોર અનુસાર સમજી શકાય છે કે દરદીને કીમોની જરૂર છે કે ફક્ત હૉર્મોનલ થેરપીથી કામ થઈ શકે છે.

ટ્રાયલનો ફાયદો

આ ટ્રાયલનો અર્થ સમજવા જઈએ તો કહી શકાય કે દરેક પ્રકારના બ્રેસ્ટ-કૅન્સરમાં કીમોની જરૂરિયાત ફરજિયાત હોતી નથી. ખાસ કરીને જ્યારે એ એકદમ શરૂઆતી સ્ટેજમાં હોય ત્યારે. ઘણી વખત ડૉક્ટર સર્જરી કરીને હૉર્મોનલ થેરપી આપે છે. ઘણા કેસમાં એટલું જ પૂરતું થઈ જાય છે. વળી સમજવાનું એ છે કે જ્યારે બ્રેસ્ટ-કૅન્સર એકદમ શરૂઆતી સ્ટેજમાં જ હોય ત્યારે આ પ્રકારનો સરળ ઇલાજ શક્ય છે. બ્રેસ્ટ-કૅન્સરમાં જો દરદી જાગૃત હોય તો મોટા ભાગે શરૂઆતી સ્ટેજમાં જ નિદાન થવું  શક્ય છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ, મુંબઈના ઑન્કોસર્જ્યન ડૉ. મંદાર નાડકર્ણી કહે છે, ‘બ્રેસ્ટ-કૅન્સરના ઇલાજ માટે આ સીમાચિહ્નરૂપ ટ્રાયલ છે. એનાં પરિણામો તબીબો અને બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓ પર મોટો પ્રભાવ પાડશે. અગાઉ દુનિયાભરમાં મોટા ભાગના બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓને તેમના જીવનની ગુણવત્તાને અસર કરતી ઘણીબધી આડઅસરો સાથે સર્જરી પછી કીમોથેરપી પ્રાપ્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે કીમોથેરપી લાંબું જીવવામાં દરદીને મદદરૂપ થઈ રહી છે કે નહીં એની અમને ખાતરી નહોતી.’

cancer

બ્રેસ્ટ-કૅન્સરની આંકડાબાજી

ભારતનાં શહેરોમાં દર ૨૮ સ્ત્રીઓએ ૧ સ્ત્રી અને ગામડાંઓમાં દર ૬૦ સ્ત્રીઓએ ૧ સ્ત્રી બ્રેસ્ટ-કૅન્સરનો ભોગ બને છે

સ્ત્રીઓને થતાં બધાં કૅન્સરમાં બ્રેસ્ટ-કૅન્સરનું પ્રમાણ ૨૭ ટકા જેટલું છે

દર ૧ લાખ સ્ત્રીઓએ ૨૫.૮ સ્ત્રીઓને આ કૅન્સર થાય છે

દર ૧ લાખ સ્ત્રીઓએ બ્રેસ્ટ-કૅન્સરને કારણે મરતી સ્ત્રીઓનો મૃત્યુદર ૧૨.૭ જેટલો છે

દર વર્ષે આ કૅન્સરના દરદીઓની સંખ્યામાં વધારો પણ થતો જાય છે. આ વધારો આપણા દેશમાં લગભગ ૦.૪૬થી લઈને ૨.૫૬ ટકા સુધીનો છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK