નાનકડી સોય પણ તમારા ચહેરાને સુંદર બનાવી શકે છે

લુક્સ અને અપીરન્સ માટે સભાન આજની મહિલાઓનો પીડારહિત ને ઓછી ખર્ચાળ ગણાતી કૉસ્મેટિક ઍક્યુપંક્ચર ટ્રીટમેન્ટ તરફ ઝુકાવ વધી રહ્યો છે

face

લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

સંધિવા, પીઠ અને કમરનો અસહ્ય દુખાવો, અન્ય શારીરિક પીડા તેમ જ ડિપ્રેશન, અનિદ્રા, માનસિક તાણ જેવી બીમારીઓથી પીડાતા દરદીના શરીરમાં સોય ભોંકી આપવામાં આવતી ઍક્યુપંક્ચર સારવારથી ઘણી રાહત થતી હોવાનું નોંધવામાં આવ્યું છે. આજથી આશરે અઢી હજાર વર્ષ પહેલાં ચીનમાં શોધાયેલી અને પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે. આખા વિશ્વમાં વૈકલ્પિક તબીબી સારવાર તરીકે ભરોસેમંદ ગણાતી ઍક્યુપંક્ચર સારવારે હવે કૉસ્મેટિક ક્ષેત્રે પગપેસારો કર્યો છે. સદા યુવાન દેખાવાનો આગ્રહ રાખતા ફિલ્મી કલાકારો, ટેલિવિઝન આર્ટિસ્ટ, મૉડલિંગના ફીલ્ડમાં કામ કરતી મહિલાઓ અને જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓમાં કૉસ્મેટિક ઍક્યુપંક્ચરની વધતી જતી લોકપ્રિયતાના કારણે ઍન્ટિ-એજિંગ અને ફેસલિફ્ટિંગ માટે પૉપ્યુલર ગણાતી માઇક્રોડર્માબ્રેઝન ટ્રીટમેન્ટ, બોટોક્સનાં ઇન્જેક્શન અને અન્ય ખર્ચાળ કૉસ્મેટિક સર્જરીના ફીલ્ડમાં ખળભળાટ મચી ગયો છે.

વૃદ્ધત્વને કાયમી ધોરણે અટકાવી ન શકાય, પરંતુ પ્રયત્નો જરૂર કરી શકાય. લગભગ દરેક મહિલા ૩૦ વર્ષની વય પાર કરે એટલે ઍન્ટિ-એજિંગ ક્રીમ, લોશન, સિરમ વગેરે પ્રોડક્ટ્સ વાપરવાની શરૂ કરી દે છે. એક ઉંમર વટાવી લીધા બાદ આ બધા પ્રયાસો અને અખતરાઓ કામ નથી આવતા. હઠીલી કરચલીઓને દૂર કરવામાં નિષ્ફળતા મળતાં સર્જરીનો સહારો લેવો પડે છે. કોઈ આપણને એમ કહે કે સર્જરી વગર પણ સુંદરતા મેળવી શકાય છે તો નવાઈ લાગે. કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા વગર વૃદ્ધત્વને દૂર ધકેલી શકાય છે એવો દાવો કરતી કૉસ્મેટિક ઍક્યુપંક્ચર ટ્રીટમેન્ટ તરફ હવે સામાન્ય મહિલાઓનો ઝુકાવ વધી રહ્યો છે. અન્ય ટ્રીટમેન્ટની સરખામણીએ ઓછી ખર્ચાળ આ સારવાર વડે ચહેરા પરના ખીલના ડાઘા અને કાળાશ પણ દૂર કરી શકાય છે એમ ઍક્યુથેરપિસ્ટોનું કહેવું છે. કૉસ્મેટિક ઍક્યુપંક્ચર સારવારનાં કેટલાંક સંતોષકારક પરિણામો પણ સામે આવ્યાં છે. શું સોય ભોંકી ચહેરા પરની કરચલીઓને દૂર કરી શકાય કે પછી સુંદર દેખાવાની હોડમાં લાગેલી આધુનિક મહિલાઓને ભરમાવવા તબીબી સારવાર તરીકે ઉપયોગમાં લેવાતી ઍક્યુપંક્ચર સારવારનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? કેટલી અસરકારક છે આ સારવાર અને કોણે કરાવવી જોઈએ? મહિલાઓમાં લોકપ્રિય બની રહેલી કૉસ્મેટિક ઍક્યુપંક્ચર ટ્રીટમેન્ટ વિશે એ ટુ ઝેડ જાણી લો.

કૉસ્મેટિક ઍક્યુપંક્ચર ટ્રીટમેન્ટ વિશે સવિસ્તર માહિતી આપતાં અંધેરીમાં ક્લિનિક ધરાવતાં ઍક્યુપંક્ચરિસ્ટ ડૉ. જાસ્મિન મોદી કહે છે, ‘કૉસ્મેટિક ઍક્યુપંક્ચરમાં વીસથી ત્રીસ મિનિટ માટે ચહેરા પરના કેટલાક પૉઇન્ટને ફાઇન નીડલ્સ વડે સ્ટિમ્યુલેટ કરી ફેસલિફ્ટ અને ફેસકૉન્ટુર કરવામાં આવે છે. નીડલ ઉપરાંત ગ્વા શા થેરપીની સહાયથી ચહેરા પર કૉન્ટુર કરી શકાય. ગ્વા શા થેરપી કુદરતી ઉપચાર છે જેમાં લાકડી જેવા સાધન વડે લોહીનું પરિભ્રમણ વધારવામાં આવે છે. આઇબ્રો, રિન્કલ, સાઇડ કટ્સ અને ચહેરા પરથી ચરબીના થર ઘટાડવા માટે આ સારવાર પૉપ્યુલર છે. કોઈ મહિલાના ચહેરા પર અમુક ચોક્કસ જગ્યાએ ચરબીનું પ્રમાણ વધારે હોય તો એ વિસ્તાર પર ફોકસ રાખી સારવાર દ્વારા એને ઘટાડી શકાય. જોકે આવી સારવાર બાદ કેટલીક તકેદારી રાખવી પડે છે. ખાસ કરીને ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. જો તમે ધ્યાન ન આપો તો ફરીથી ચરબીના થર જામી જાય. બ્યુટિફુલ ફેસ જોઈતો હોય તો અંદરથી સ્વસ્થ રહેવું પણ એટલું જ જરૂરી છે. આપણા શરીરનાં પાંચ તત્વો પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનું બૅલૅન્સ જળવાઈ રહેવું જોઈએ. એક પણ તત્વનું બૅલૅન્સ ડહોળાઈ જાય તો કૉસ્મેટિક ઍક્યુપંક્ચરનાં અસરકારક પરિણામો જોવા ન મળે. દાખલા તરીકે શરીરમાં પાણી ઓછું થઈ જાય તો ત્વચા શુષ્ક થઈ જાય એટલે અધિક માત્રામાં પાણી લેવું જરૂરી છે.’

કૉસ્મેટિક ઍક્યુપંક્ચર માટે કઈ ઉંમરની મહિલાઓ વધુ આવે છે તેમ જ એના બેનિફિટ વિશે વાત કરતાં ડૉ. જાસ્મિન કહે છે, ‘પોતાના અપીરન્સ માટે સભાન દરેક ઉંમરની મહિલાઓ કૉસ્મેટિક ઍક્યુપંક્ચર માટે આવે છે. કેટલીક મહિલાઓને ચહેરાના સાઇડ કટ્સ પસંદ નથી હોતા તો વળી કોઈ ચહેરો ગ્લો કરે અને રિફ્રેશિંગ ફીલ થાય એ માટે આવે છે. કૉસ્મેટિક ઍક્યુપંક્ચરમાં હેરલિફ્ટ સારવારનો પણ સમાવેશ થાય છે તેમ જ ચહેરા પરના ડાઘ-ધબ્બા પણ દૂર કરી શકાય છે. મોટા ભાગની મહિલાઓ નીડલ અને ગ્વા શા થેરપી એમ કમ્બાઇન્ડ ટ્રીટમેન્ટ કરાવે છે. ક્લાયન્ટની ઉંમર અને જરૂરિયાત અનુસાર ચહેરા પર કૉસ્મેટિક ઍક્યુપંક્ચરની સારવાર આપવામાં આવે છે. સામાન્ય રીતે ૧૨ સેશનમાં રિઝલ્ટ દેખાવા લાગે છે. આ સારવારનો બહુ મોટો ફાયદો એ છે કે એની કોઈ આડઅસર થતી નથી. કૉસ્મેટિક ઍક્યુપંક્ચર સો ટકા સલામત છે. બીજું, આમાં કોઈ દવા લેવી પડતી નથી. માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું કે આ સારવાર ભૂખ્યા પેટે ન કરાવવી જોઈએ.’

ઍન્ટિ-એજિંગ સારવાર તરીકે લોકપ્રિય બની રહેલી કૉસ્મેટિક ઍક્યુપંક્ચર સારવાર વિશે વાત કરતાં કુર્લા અને વિલે પાર્લેમાં આવેલા સોહમ હોલિસ્ટિક હીલિંગ સેન્ટરના ઍક્યુથેરપિસ્ટ ડૉ. કેતન દુબલ જણાવે છે, ‘ફેસલિફ્ટ ઍક્યુપંક્ચર માટે સોય, કપ્સ અને મોક્સાસ્ટિક એમ ત્રણ પ્રકારના ઉપચાર ઉપલબ્ધ છે. કપ્સ અને મોક્સા સ્ટિકનો જાતે ઉપયોગ કરી શકાય, પરંતુ સોય વડે સારવાર કરાવવાની હોય ત્યારે નિષ્ણાતની જરૂર પડે છે. ફેસલિફ્ટ માટે ચહેરા પર ઝીણી-ઝીણી સોયને ભોંકવામાં આવે છે. દરદીની આવશ્યકતા અનુસાર સોયનો ઉપયોગ કરવામાં આવે છે. ચહેરા પર જ્યારે સોય લગાવવામાં આવે છે ત્યારે કુદરતી રીતે જ છ સિસ્ટમ ઍક્ટિવેટ થાય છે. આપણા ચહેરાનો શરીરનાં અન્ય અંગો સાથે સીધો સંબંધ છે. માત્ર ચહેરાની સુંદરતા માટે જ નહીં, પણ શરીરને અંદરથી ચોખ્ખું રાખવા માટે પણ આ ઉપચાર કરી શકાય. જેમ કે દાઢીનો પેટ સાથે સીધો સંબંધ છે. દાઢીના પૉઇન્ટ દબાવવામાં આવે તો પેટ સાફ આવે અને પેટ સાફ રહે તો અનેક રોગોમાં રાહત થાય. આવી જ રીતે ફેશ્યલ ન્યુરેલ્જિયાની બીમારીમાં પણ ખૂબ ફાયદો થાય છે. આ પ્રકારની બીમારીમાં ચહેરો એક બાજુથી પૅરૅલિટિક થઈ જાય છે. ઍક્યુપંક્ચર ઉપચાર દ્વારા પૅરૅલિટિક ચહેરાને સામાન્ય બનાવી શકાય છે.’

પોતાની જાતે કરી શકાય એવા વિકલ્પ વિશે જણાવતાં ડૉ. કેતન દુબલ કહે છે, ‘બીજા પ્રકારના ઉપચારમાં કપ્સનો ઉપયોગ કરી શકાય. હવે તો નાની સાઇઝની બોલપેન જેવી પાતળી ટ્યુબ જેવા કપ્સ સહેલાઈથી બજારમાં મળી રહે છે. આ કપ્સ વડે જાતે ચહેરા પર ઉપચાર કરવો સરળ છે. ચહેરા પર કપ્સને લગાવી દબાવો એટલે એ ત્વચાને પકડી લે. ત્યાર બાદ કપ્સને ધીમે- ધીમે આખા ચહેરા પર ઘસીને ફેરવો તો લોહીનું પરિભ્રમણ વધે. કપ્સ સરળતાથી લસરે એ માટે કોઈ ક્રીમ પણ લગાવી શકાય. ઘરગથ્થુ ઉપાય તરીકે કપ્સ સૌથી બેસ્ટ છે. આ સિવાય મોક્સા સ્ટિકનો ઉપયોગ પણ કરી શકાય. અગરબત્તી જેવી પાતળી આ સ્ટિકના અનેક ફાયદા છે. દરરોજ વીસ મિનિટ જાતે ચહેરા પર ફેરવીને મસાજ કરો તો લાભ થાય છે. ઍન્ટિ-એજિંગમાં ઍક્યુપંક્ચર શ્રેષ્ઠ ઉપચાર છે અને વિદેશમાં વર્ષોથી એનો બહોળો ઉપયોગ થાય છે. ૧૯૬૬ની સાલમાં સૌપ્રથમ ઇન્ટરનૅશનલ જર્નલ ઑફ ક્લિનિકલ ઍક્યુપંક્ચર દ્વારા અભ્યાસ કરવામાં આવેલા ૩૦૦ કેસમાંથી ૯૦ ટકા કેસમાં બારથી વીસ સેશન બાદ અસરકારક પરિણામ સામે આવ્યાં હતાં. ત્યારથી ચહેરાની સુંદરતા વધારવા આ ઉપચારને માન્યતા પ્રાપ્ત થઈ છે. હૉલીવુડ સેલિબ્રિટીઝની સુંદરતામાં ફેસ ઍક્યુપંક્ચરનો બહુ મોટો રોલ છે. કેટલીક હસ્તીઓ તો અઠવાડિયામાં ત્રણ વાર આ ઉપચાર કરાવે છે. કૉસ્મેટિક સર્જરીમાં અનેક જોખમ રહેલાં છે. અહીં આવું કોઈ જોખમ નથી. કોઈ પણ પ્રકારની દવા વગર કુદરતી રીતે આપવામાં આવતી ઍક્યુપંક્ચર સારવાર બધી જ રીતે સલામત છે.’

સાવચેતી જરૂરી

ચહેરાની કોમળ ત્વચા પર કોઈ પણ પ્રયોગ કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફેસલિફ્ટ ઍક્યુપંક્ચર સારવાર કરાવતાં પહેલાં તબીબી નિષ્ણાત પાસે લાઇસન્સ છે કે નહીં એની જાણકારી મેળવી લેવી જોઈએ. આ પ્રક્રિયા માટેનો તેમનો અનુભવ પણ અગત્યનો છે. સારવાર માટે ઉપયોગમાં લેવાતી સોયની પ્લેસમેન્ટ વિશે પહેલાં જ વાતચીત કરી લેવી. દાઢીનો ભાગ, નાકની આસપાસ અને કપાળ પર જોખમ ઓછું હોય છે, પણ આંખની આસપાસની ત્વચા પર સારવાર કરાવતી વખતે ધ્યાન આપવું. યાદ રાખો, આ સારવાર પીડારહિત હોવી જોઈએ. જો સોયથી પીડા થાય તો તાબડતોબ નિષ્ણાત સાથે વાત કરી આ બાબતની ખાતરી કરી લો.

કૉસ્મેટિક ઍક્યુપંક્ચરમાં વીસથી ત્રીસ મિનિટ માટે ચહેરા પરના કેટલાક પૉઇન્ટને ફાઇન નીડલ્સ વડે સ્ટિમ્યુલેટ કરી ફેસલિફ્ટ અને ફેસકૉન્ટુર કરવામાં આવે છે. આઇબ્રો, રિન્કલ, સાઇડ કટ્સ, ચહેરા પરના ચરબીના થર ઘટાડવા, હેરલિફ્ટ તેમ જ ડાઘ-ધબ્બા દૂર કરવા માટે આ સારવાર શ્રેષ્ઠ છે

- ઍક્યુપંક્ચરિસ્ટ ડૉ. જાસ્મિન મોદી, અંધેરી

ફેસલિફ્ટ ઍક્યુપંક્ચર માટે સોય, કપ્સ અને મોક્સા સ્ટિક એમ ત્રણ પ્રકારના ઉપચાર ઉપલબ્ધ છે. કપ્સ અને મોક્સા સ્ટિકનો જાતે ઉપયોગ કરી શકાય, પરંતુ સોય વડે સારવાર કરાવવાની હોય ત્યારે નિષ્ણાતની જરૂર પડે છે. આપણા ચહેરાનો શરીરનાં અન્ય અંગો સાથે સીધો સંબંધ છે તેથી માત્ર ચહેરાની સુંદરતા માટે જ નહીં, પણ શરીરને અંદરથી ચોખ્ખું રાખવા માટે પણ આ ઉપચાર કરાવવો જોઈએ

- ઍક્યુથેરપિસ્ટ ડૉ. કેતન દુબલ, કુર્લા અને વિલે પાર્લે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK