માસિક શરૂ થાય એ વર્ષોમાં આવતી અનિયમિતતા સામાન્ય ગણી શકાય?

આજકાલ આ ઉંમર ૯ વર્ષ જેટલી નાની થઈ ગઈ છે. માસિક શરૂ થાય એ સમયે અમુક પ્રકારની અનિયમિતતા, હેવી કે અત્યંત ઓછું બ્લીડિંગ જેવી સમસ્યાઓ નડતી હોય છે. શું એ અનિયમિતતાઓ ચિંતાનું કારણ છે? શું એ સમયે ડૉક્ટરને બતાવવું જરૂરી છે? કયાં લક્ષણો એવાં છે જેમાં ડૉક્ટરને મળવું જોઈએ? આ બધા જ પ્રશ્નોનો જવાબ મેળવીએ

teenage

જિગીષા જૈન

સ્ત્રીઓના માસિકને લઈને છેલ્લાં ૧-૨ વર્ષથી ઘણી ચર્ચાઓ વધી છે. જે વિષય પર લોકો વાત કરવાનું ટાળતા એ વિષય પર હવે ચર્ચા કરતા થયા છે જે એક હકારાત્મક પગલું માની શકાય. દીકરી જન્મે ત્યારથી માને ખબર હોય છે કે તેની દીકરી પણ એ જ પડાવોમાંથી પસાર થવાની છે જે પડાવોમાંથી તે પોતે પસાર થઈ છે. એક વખત માસિક શરૂ થાય એ સમયથી લઈને મેનોપૉઝ સુધીની સ્ત્રીની માસિક યાત્રા સ્ત્રીના જીવનમાં ઘણાં પરિવર્તનો માટે જવાબદાર બનતી હોય છે. પહેલી વખત માસિક શરૂ થવાની ઉંમર પહેલાં ૧૨-૧૫ વર્ષ આસપાસ જોવા મળતી હતી. આમ જોવા જઈએ તો એ ઉંમર જ યોગ્ય ગણાય. પરંતુ આજકાલ ઘણી નાની ઉંમરે છોકરીઓને માસિક શરૂ થઈ જાય છે અને એને કારણે ઘણી દીકરીઓનું બાળપણ ખોવાઈ જાય છે. આજકાલ ઘણી નાની ૯-૧૦ વર્ષની છોકરીઓને માસિક શરૂ થઈ જતું જોવા મળે છે. આટલી નાની ઉંમરે એને કારણે તેમનામાં ગંભીરતા આવી જાય છે. એક પ્રકારની મેચ્યૉરિટી જાણે કે પરાણે થોપી દેવામાં આવતી હોય એવો ભાસ થાય છે, કારણ કે માસિક ફક્ત ૩ દિવસ પૂરતી વાત નથી હોતી. છોકરીને માસિક શરૂ થાય એટલે તેના શરીર અને મન બન્ને પર એની અસર દેખાય છે. તે છોકરીમાંથી સ્ત્રી બનવાની સફર પર આગળ વધતી હોય છે અને એ સફર આટલી નાની ઉંમરે શરૂ થાય તો એ અઘરી બાબત છે. આ સિવાય પણ છોકરીઓને માસિક સંબંધિત ઘણી તકલીફો શરૂઆતમાં આવી શકે છે. કઈ તકલીફો નૉર્મલ કહેવાય અને કઈ તકલીફોમાં ડૉક્ટર પાસે જવું જરૂરી ગણાય એ આજે સમજીએ.

નાની ઉંમર

ઉંમર સંબંધે વાત કરતાં SRV હૉસ્પિટલ, ગોરેગામ અને ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. નીલેશા ચિત્રે કહે છે, ‘આદર્શ રીતે ૧૨ વર્ષ કે એનાથી વધુ ઉંમરે જો છોકરીને માસિક આવવાનું શરૂ થાય તો એ આદર્શ ગણાય છે. ૧૧ વર્ષમાં પણ જો એ શરૂ થાય તો હજી ચાલી શકે છે, પરંતુ ૯ વર્ષ ખૂબ જ નાની વય છે માસિક ચાલુ થવા માટે. આ ઉંમરે જો છોકરીને માસિક શરૂ થઈ જાય તો એક વખત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, કારણ કે આવા કેસ પર થોડું ધ્યાન આપવું જરૂરી છે. અમુક પ્રકારની તકેદારી પણ આ પ્રકારના કેસમાં રાખવી પડતી હોય છે. ઘણી વાર એ જિનેટિક હોઈ શકે છે. મમ્મીને નાની ઉંમરે માસિક શરૂ થઈ ગયું હોય તો દીકરીને પણ એવું થાય, પરંતુ ઘણી વાર એવું ન પણ હોય ત્યારે ધ્યાન આપવું જરૂરી છે. બીજું કંઈ નહીં તો એક વખત ડૉક્ટરને મળી લેવું જોઈએ જેથી કોઈ શંકાઓ હોય કે કોઈ તકલીફ હોય તો દૂર થઈ શકે.’

અનિયમિતતા

ઘણી છોકરીઓને માસિક હજી શરૂ જ થયું હોય તો દર મહિને કે દર ૨૮ દિવસે માસિક આવે જ એવું જરૂરી નથી. ઘણી છોકરીઓને ૨-૩ મહિને એક વાર પણ આવી શકે તો ઘણી છોકરીઓને ૬ મહિને પણ આવે. ઘણાને પહેલી વાર બે મહિને આવ્યું હોય તો બીજી વાર ૪ મહિને પણ આવી શકે. આ અનિયમિતતા વિશે વાત કરતાં વર્લ્ડ ઑફ વુમન, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘માસિક હજી ચાલુ જ થયું હોય એટલી નાની ઉંમરે અનિયમિતતા એ અત્યંત સામાન્ય લક્ષણ છે. અમુક છોકરીઓ હોય જેને ૨૮ દિવસે સાઇકલ રિપીટ થાય, પરંતુ મોટા ભાગની છોકરીઓને અ સાઇકલ શરૂઆતમાં અનિયમિત જ હોય છે. એનાથી ગભરાવા જેવું નથી હોતું અને ડૉક્ટર પાસે દોડી જવાની પણ જરૂર નથી રહેતી. થોડો સમય આપવાની જરૂર હોય છે. એની મેળે એ નિયમિત થઈ જાય છે.’

હેવી બ્લીડિંગ

જો છોકરીઓને માસિક શરૂ થયું જ હોય એ વર્ષમાં ઓછું બ્લીડિંગ થતું હોય, થોડુંક જ દેખાય અને પછી ન દેખાય. ૩ દિવસને બદલે ૧ જ દિવસ રહે અને પછી જતું રહે તો એમાં પણ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ધીમે-ધીમે બ્લીડિંગનો ફ્લો ઠીક થઈ જાય છે. પરંતુ જો હેવી બ્લીડિંગ થતું હોય તો ડૉક્ટર પાસે લઈ જવું જરૂરી છે. એ વાત પર ભાર આપતા ડૉ. નીલેશા ચિત્રે કહે છે, ‘ઘણી વખત એવું થાય છે ખૂબ હેવી બ્લીડિંગ થતું હોય અને ઘણા દિવસ સુધી એ લંબાઈ જાય તો છોકરીને એનીમિયા થઈ જવાનો ભય રહે છે. જો માસિક ૭ દિવસ જેટલું કે એનાથી પણ વધુ લંબાઈ જાય તો ડૉક્ટરને મળવું જરૂરી છે જેમાં બ્લીડિંગ બંધ થઈ જાય એ માટેની દવા આપવામાં આવે છે અને શરીર પર જો એનીમિયાની અસર હોય તો એને ટ્રીટ કરવામાં આવે છે.’

દુખાવો

માસિકમાં ક્રૅમ્પ આવવા, પેટ કે પીઠનો સખત દુખાવો, બેસી ન શકવું વગેરે જેવી પરિસ્થિતિ અમુક છોકરીઓને આવતી હોય છે. ઘણાને આ પેઇન સહન થઈ શકે એટલું હોય છે તો ઘણાને આ પેઇન અસહ્ય બની જતું હોય છે. મોટા ભાગે જોવા મળે છે કે છોકરીઓને શરૂઆતમાં આ પેઇન વધુ લાગતું હોય છે. પછી ધીમે-ધીમે એ સહ્ય બની જાય છે. તો ઘણામાં એવું હોય છે કે માસિક શરૂ થયું ત્યારથી લઈને મેનોપૉઝ સુધી માસિક હંમેશાં પીડાદાયક જ રહે છે. આ બાબતે ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જ્યારે દુખાવો અસહ્ય રહેતો હોય ત્યારે એકાદ વખત ડૉક્ટરને બતાવી જ દેવું, કારણ કે અસહ્ય દુખાવો સામાન્ય ન ગણી શકાય. બને કે ટ્યુમર, ઇન્ફેક્શન, યુટરાઇન ફાઇબ્રૉઇડ કે પેલ્વિક ઇન્ફ્લેમૅટરી ડિસીઝ પ્રકારની મેડિકલ પરિસ્થિતિ હોય અને એને કારણે આવો દુખાવો રહેતો હોય.’ 

શક્યતા

માસિક શરૂ થયાનાં બે વર્ષ પછી પણ જો માસિક અનિયમિત હોય, હેવી કે ઓછું બ્લીડિંગ હોય, દુખાવો રહેતો જ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે; કારણ કે જો એવું બે કે ત્રણ વર્ષ પછી પણ ચાલુ રહ્યું તો એનો અર્થ એ કે છોકરીને કોઈ ને કોઈ તકલીફ છે. આ તકલીફો શું હોઈ શકે એ વિશે જાણીએ ડૉ. બંદિતા સિંહા અને ડૉ. નીલેશા ચિત્રે પાસેથી.

મોટા ભાગે જેમ છોકરીની ઉંમર વધે એમ આ તકલીફ એની જાતે જ ઠીક થઈ જતી હોય છે. જેમ ઉંમર વધે એમ માસિક સાઇકલની એક પૅટર્ન આપોઆપ બની જતી હોય છે. પરંતુ એવું ન થતું હોય તો એક કારણ હોઈ શકે છે હૉર્મોનલ ચેન્જ. હૉર્મોન્સની કોઈ ઊથલપાથલને કારણે છોકરીનું માસિક નિયમિત ન બનતું હોય એ શક્યતા રહે છે, જે ટેસ્ટ દ્વારા સમજી શકાય છે.

પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ નામનો એક રોગ આજકાલ ઘણો વ્યાપક બન્યો છે. છોકરીઓની ખોટી લાઇફ-સ્ટાઇલ એના માટેનું કારણ બનતી હોય છે. જો લાઇફ-સ્ટાઇલમાં સુધાર લાવવામાં આવે તો એ તકલીફ દૂર થઈ શકે છે. આ રોગ હોય તો બે માસિક સાઇકલ વચ્ચે લાંબો ગૅપ જોવા મળતો હોય છે.

જ્યારે તમે ડૉક્ટરને બતાવશો ત્યારે તે તપાસીને કહેશે કે તમને કયા પ્રકારની તકલીફ છે અને એ તકલીફમાં તમે શું કરી શકો. જરૂર પડે તો હૉર્મોનલ દવાઓ આપીને માસિકને નિયમિત કરવાની કોશિશ કરશે અને જો ભ્ઘ્બ્લ્ની સમસ્યા હોય તો લાઇફ-સ્ટાઇલમાં સુધાર કરવાની સલાહ આપશે. પરંતુ મહત્વની વાત એ છે કે માસિક શરૂ થયાનાં ૨-૩ વર્ષે પણ જો નિયમિતતા આવી ન હોય તો ડૉક્ટરને મળવું અનિવાર્ય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK