કામનું સ્ટ્રેસ યુવાનો પર અસર કરી રહ્યું છે

યુવાનીમાં કામ કરવું, કરીઅર બનાવવી, પૈસા કમાવા એ બધું ઘણું મહત્વનું હોય છે અને આજકાલ કામ એટલું મહત્વનું બની ગયું છે કે એ જીવનનો એક ભાગ નહીં પણ કામ જ પોતે જીવન બની ગયું છે. આવામાં યુવાનો પર કામ સંબંધિત સ્ટ્રેસ ઘણું વધી રહ્યું છે.

stress

જિગીષા જૈન

યુવાની એટલે કંઈ કરી બતાવવાની ઉંમર, કમાવાની ઉંમર, કરીઅર બનાવવાની અને જીવનને એક દિશા આપવાની ઉંમર. મુંબઈમાં ઍવરેજ ભણી-ગણીને ૨૦-૨૨ વર્ષની ઉંમરના લોકો કામે ચડી જતા હોય છે. પરંતુ આ કામ સરળ તો નથી. કેટલાક નસીબદાર લોકોને છોડીને મુંબઈમાં મોટા ભાગની વ્યક્તિઓ દિવસના બેચાર કલાક ટ્રાવેલ કરીને કામના સ્થળે પહોંચે છે એટલું જ નહીં, આજના યુવાનને જે પજવે છે એમાં કામ મળવાનું ટેન્શન, કામ મળી જાય તો લાયકાત મુજબ પૈસા મળવાનું ટેન્શન, એક વખત કોઈ જગ્યાએ ગમે ત્યાં ઘૂસી પણ જાય તો ત્યાં કામ કરીને બતાવવાનું ટેન્શન, ડેડલાઇન પૂરી કરવાનું અને બીજાઓ કરતાં સારો પર્ફોર્મન્સ બતાવવાનું ટેન્શન, જો સારું કરે અને આગળ વધી પણ જાય તો એ જગ્યાએ ટકી રહેવાનું ટેન્શન, પ્રમોશનનું ટેન્શન, ઘર ચલાવવાનું, જીવનમાં આગળ વધવાનું, ગળાકાપ હરીફાઈમાં ટકી રહેવાનું, કરીઅર પર ફોકસ રાખવાનું, જીવનના ગોલ્સને પૂરા કરવાનું આવું બધું ભેગું ટેન્શન આજના યુવાનને ભયંકર સ્ટ્રેસ આપી રહ્યું છે. આ બધાં જ સ્ટ્રેસ તેના કામને લગતાં હોય છે. કામ માણસને મજા આપે, પૈસા આપે, નામ આપે, સંતોષ આપે, તેની ઓળખ આપે અને એની સાથે-સાથે આપે છે અઢળક સ્ટ્રેસ. 

ગઈ કાલ અને આજમાં ફરક


લોકો પહેલાં પણ કામ કરતા અને હાલમાં પણ કામ કરે છે, લોકો પહેલાં પણ કમાતા અને આજે પણ કમાય છે, લોકો પહેલાં પણ સપનાં જોતા અને અને આજે પણ જુએ છે; પરંતુ ઘણો ફરક આવ્યો છે અને આવતો જાય છે. પહેલાંના લોકો માટે કામ એ જીવનનો એક ભાગ હતો. આજના લોકો માટે કામ એ જ જીવન બની ચૂક્યું છે. પહેલાંના લોકોને સમાજમાં કોઈના ઘરે લગ્ન હોય, ઘરમાં કોઈ માંદું હોય, દૂર-દૂરનાં કોઈ સગાં ગુજરી ગયાં હોય અને તેમને ઘરે જવાનું હોય તો વિચાર કરવો પડતો નહોતો. પોતાના કામ પરથી તેમને રજા અચૂક મળી જતી એટલું જ નહીં, બિઝનેસ હોય કે દુકાન બે દિવસ બંધ રાખવાની હોય તો પણ તેમને કોઈ તકલીફ આવતી નહીં. દુકાન પરથી બે કલાક ઘરે જઈ આવે તો પણ કોઈ ખાસ પરેશાની ન રહેતી. પરંતુ આજકાલ સગા ભાઈનાં લગ્નમાં જવા માટે પહેલેથી મૂકેલી રજાઓ પણ મંજૂર થાય કે ન પણ થાય. દૂર-દૂરનાં સગાં તો ઠીક, પાડોશમાં પણ કોઈને ત્યાં મરણ થયું હોય તો એ જ દિવસે પહોંચવું અઘરું થઈ પડે છે લોકો માટે. દિવસના ૧૦-૧૨ કલાક, ઘણા કેસમાં તો એથી પણ વધુ કલાકો લોકો કામ કર્યા કરે છે એટલું જ નહીં; ઘરે પહોંચીને પણ કામ, પાર્ટીમાં ગયા હોય તો ત્યાં પણ કામના ફોન ચાલુ. ખાસ ફ્રેન્ડના બર્થ-ડેની કેક કટ કરતી વખતે તેના વિશે નહીં, પરંતુ બીજા દિવસે જે પ્રેઝન્ટેશન બતાવવાનું છે એના વિચાર આવતા હોય છે. આવું કામનું ભૂત આપણને ક્યાં લઈ જઈ રહ્યું છે એ વિશે વિચાર કરવો જરૂરી છે. આજના યુવાનોને કામનું સ્ટ્રેસ કેટલી હદે અસર પહોંચાડી રહ્યું છે એ આજે સમજવાનો પ્રયાસ કરીએ.

બસ, કામ જ બની ગયું છે જીવન


ચાર્ટર્ડ અકાઉન્ટટ બનેલી ૨૫ વર્ષની જાનવી શાહ એક પ્ફ્ઘ્માં છેલ્લાં ૩ વર્ષથી કામ કરે છે અને માને છે કે સ્ટ્રેસ વગર કામ કરવું અશક્ય છે. જાનવી શાહ કહે છે, ‘જ્યારે ભણતા હતા ત્યારે ખરેખર સારું હતું. એવું લાગતું હતું કે જીવીએ છીએ, અત્યારે તો બસ કામ જ અમારું જીવન બની ગયું છે. સવારે ઊઠો, તૈયાર થઈને કામે જાઓ અને રાત્રે ઘરે થાકીને આવો અને સૂઈ જાઓ. પેરન્ટ્સને માત્ર ૧૦-૧૫ મિનિટ માંડ મળી શકાય. પણ એટલું સારું છે કે મને શનિ-રવિ રજા મળે છે તો એ બે દિવસ હું જીવી લઉં છું. આ બે દિવસ ઘરે જ રહું. ઘરના લોકો સાથે રહેવું, ખાવું-પીવું અને સૂવું બસ. પરંતુ વર્ષમાં અમુક મહિના એવા પણ આવે છે જ્યારે શનિ-રવિ પણ રજા ન હોય. શરૂઆતમાં આવી ત્યારે નવું વાતાવરણ, નવા લોકો, કૉમ્પિટિશન, સતત એવું લાગતું કે આપણને કોઈ ચકાસી રહ્યું છે એટલે સારું પર્ફોર્મ કરવાનું સ્ટ્રેસ આવું ઘણું હતું. ૩ વર્ષમાં હું આજે કંપનીમાં સેટલ થઈ છું, પરંતુ હજી તમારી જાતને દરરોજ, ખરેખર દરરોજ સાબિત કરી બતાવવાનું સ્ટ્રેસ તો ઊભું જ છે. હજી પણ નોકરીમાં એવું તો રહે જ કે મારા પર જેટલી અપેક્ષા હોય એટલું તો હું કરીને બતાવું જ અને આ બધું ધારીએ એટલું સહજ નથી હોતું, પણ એને સહજ બનાવવું પડે છે. જીવનનો એક ભાગ ગણીને જ અપનાવવું પડે છે. તો જ આગળ વધી શકાય છે.’

હેલ્થ પર પડે છે અસર


આ સ્ટ્રેસની અસર હેલ્થ પર પણ પડતી જ હોય છે. કામને કારણે પોતાના પર ધ્યાન ન આપી શકતા યુવાનો ઘણા છે. ૨૩ વર્ષનો વિરલ જાની છેલ્લા એક વર્ષથી એક સૉફ્ટવેર કંપનીમાં કામ કરે છે. પોતાના સ્ટ્રેસ-લેવલ વિશે વાત કરતાં વિરલ કહે છે, ‘અમારા કામમાં ડેડલાઇન ઘણી મહત્વની છે. દરરોજનું દરરોજ કામ પૂરું ન થાય તો સ્ટ્રેસ ભેગું થતું જ જાય અને જો કોઈ કામ અટકે તો ખરાબ હાલત થઈ જાય. ઘણી વખત ગ્રુપ વર્કમાં બીજાને કારણે આપણે ભોગવતા હોઈએ એમ પણ બને. જ્યારે પ્લાનિંગ પ્રમાણે કામ ન થાય ત્યારે ખૂબ સ્ટ્રેસ આવે છે. હમણાં અમારું કામ રાત્રે વધુ હોય છે એટલે મારી શિફ્ટ બદલાઈ છે. પહેલાં જ્યારે સવારની શિફ્ટ હતી ત્યારે હું વહેલો ઊઠીને ગાર્ડન દોડવા જતો અને પોતાનું ધ્યાન રાખતો. હવે અમે રાત્રે ૧૧ અને ઘણી વાર તો ૧૨-૧ વાગ્યે ઑફિસથી નીકળતા હોઈએ છીએ. ઘરે પહોંચીને સીધા સૂઈ ન શકાય, સૂતાં બે વાગી જ જાય છે. સવારે ૮ વાગ્યે પણ ઊઠું તો તડકો થઈ જાય એટલે ગાર્ડનમાં દોડવા જવાતું નથી. સાચું કહું તો રાત્રે જાગવાની બિલકુલ આદત નહોતી મને. અમારા ઘરમાં તો પહેલેથી જ સવારે વહેલા ઊઠવાનો નિયમ, પરંતુ હવે કામને લીધે રાત્રે જાગવાની આદત પાડવી પડી. આ એક બીજું સ્ટ્રેસ હતું. મારા માટે સહેલું તો નહોતું રાત્રે જાગવાનું, પણ શીખ્યું અને કામ ચાલે છે.’

ઓછામાં ઓછું ૧૦-૧૨ કલાકનું કામ


મુંબઈની એક ઘણી જાણીતી ફર્મમાં ટૅક્સ-ઍનલિસ્ટ તરીકે કામ કરતી ૨૩ વર્ષની માના ઝવેરીને કામ કરતાં દોઢ વર્ષ થયું. પોતાનું કામ અને એને લગતા સ્ટ્રેસ વિશે જણાવતાં માના ઝવેરી કહે છે, ‘કૉર્પોરેટમાં કામ કરવું ખૂબ જ અઘરું છે. અહીં આવવાનો સમય નિશ્ચિત હોય છે, પાછા જવાનો નહીં. સવારે સાડાનવથી ચાલુ થતી ઑફિસમાં જો ભૂલથી ક્યારેય સાડાસાત વાગ્યે જવાની વાત કરું તો લોકો તમને એવી રીતે જોશે જાણે કેટલી મોટી ભૂલ થઈ ગઈ હોય! રાત્રે સાડાઆઠ-નવ તો સહેજેય થઈ જાય. કામ હોય ત્યારે તો રાત્રે ૧૧-૧૨ વાગ્યે જવાનું અને સવારે પાછું સાડાનવના ટકોરે હાજર રહેવાનું. બીજી કોઈ ઍક્ટિવિટી તો જાણે કે શક્ય જ નથી. જો કામ કરીને થાકી ગયા હો અને ૫-૧૦ દિવસની રજા લઈ લો તો એના પછી જ્યારે ફરી આવો ત્યારે એ રજાઓનું કામ તમારી રાહ જોતું હોય. તમારું કામ તમારે જ કરવાનું છે, રજાઓ લો તો આવીને ડબલ કામ કરવું પડે. ઘણી વખત એટલો ત્રાસ થાય કે છોડી દઈએ કામ, પરંતુ એવા સમયે પેરન્ટ્સનો સાથ ઘણો કામ લાગે. તેઓ સમજાવે કે જ્યાં જઈશ ત્યાં આવું જ હશે. અત્યારે જવાબદારીઓ ઓછી છે તો કામ કરી લે, શીખી લે. પછી આ સમય નહીં મળે. તેમના આ શબ્દો બધું સ્ટ્રેસ ઉતારી નાખે. જે છે એને સ્વીકારીને આગળ ચાલવું જરૂરી છે એ સમજાવે. મને એ એહસાસ દેવડાવે કે મને તો શનિ-રવિ રજા પણ મળે છે, ઘણા તો વગર રજાઓએ આટલું કામ કરે છે.’

કામનું બીજું નામ સ્ટ્રેસ

પરિવારથી દૂર રહેતો, મુંબઈમાં કામ માટે આવેલો બાવીસ વર્ષનો ઉજાસ મોદી સૉફ્ટવેર એન્જિનિયર છે અને છેલ્લા એક વર્ષથી કામ કરે છે. ઉજાસ મોદી કહે છે, ‘કામનું બીજું નામ જ સ્ટ્રેસ છે. એક જુદા શહેરમાં, જુદા લોકો વચ્ચે, આટલી જડબાતોડ કૉમ્પિટિશનમાં ટકી રહેવા માટે કામ કરવાનું સહેલું તો નથી જ. બીજું એ કે અમારી પાસે અહીં ઘરના લોકો નથી એટલે PGનાં કામ, અમારાં કામ એ બધાં અમારે જાતે જ કરવાં પડે. નાનાં-નાનાં કામ જેમ કે પ્લમ્બર કે ઇલેક્ટ્રિશ્યનનું કામ, ગૅસ રિપેરિંગ, પાસપોર્ટ વગેરેનો સમય ઑફિસના જ સમયે હોય. બાકી પણ ઘણાં કામો હોય, જે પરિવાર ન હોવાને લીધે તમારે કરવાં પડે છે. ઑફિસના કામનો સમય અને આ કામોનો સમય સતત ટકરાતો રહેતો હોય અને એ ઘણું સ્ટ્રેસફુલ છે. દરેક વખતે રજા લઈને ઘરે થોડું જ બેસાય છે? કંઈ ને કંઈ મૅનેજ કરતા રહેવું પડે. જોકે અનુભવ તમને શીખવે એમ કામ અને કામનું સ્ટ્રેસ કઈ રીતે પચાવવું એ શીખવું તો પડે જ નહીંતર હેરાનગતિ ખુદને જ થવાની. હું ગમે તેટલું કામ હોય, પણ ઑફિસમાંથી બહાર નીકળું એટલે કામને અહીં જ મૂકતો જાઉં છું. મગજમાં કામ લઈને ઘરે જતો નથી. હું PG પર જાઉં ત્યારે સૉફ્ટવેર એન્જિનિયર નહીં, ફક્ત ઉજાસ જ હોઉં છું. આ રીતથી મને ઘણો ફાયદો થયો છે.’

જ્યારે ભણતા હતા ત્યારે ખરેખર સારું હતું એવું લાગતું હતું કે જીવીએ છીએ. અત્યારે તો બસ, કામ જ અમારું જીવન બની ગયું છે. સવારે ઊઠો, તૈયાર થઈને કામે જાઓ અને રાત્રે ઘરે થાકીને આવો અને સૂઈ જાઓ. પેરન્ટ્સને માત્ર ૧૦-૧૫ મિનિટ માંડ મળી શકાય

- જાનવી શાહ, ૨૫, CA

કામ અને કામનું સ્ટ્રેસ કઈ રીતે પચાવવું એ શીખવું તો પડે જ નહીંતર હેરાનગતિ ખુદને જ થવાની. હું ગમેતેટલું કામ હોય, પણ ઑફિસમાંથી બહાર નીકળું એટલે કામને અહીં જ મૂકતો જાઉં છું. મગજમાં કામ લઈને ઘરે જતો નથી

- ઉજાસ મોદી, ૨૨, સૉફ્ટવેર એન્જિનિયર


જો ભયંકર કામ કરીને થાકી ગયા હો અને ૫-૧૦ દિવસની રજા લઈ લો તો એના પછી જ્યારે ફરી આવો ત્યારે એ રજાઓનું કામ તમારી રાહ જોતું હોય. તમારું કામ તમારે જ કરવાનું છે, રજાઓ લો તો આવીને ડબલ કામ કરવું પડે. ઘણી વખત એટલો ત્રાસ થાય કે છોડી દઈએ.

- માના ઝવેરી, ૨૩, ટૅક્સ-ઍનલિસ્ટ

અમારા કામમાં ડેડલાઇન ઘણી મહત્વની છે. દરરોજનું દરરોજ કામ પૂરું ન થાય તો સ્ટ્રેસ ભેગું થતું જ જાય અને જો કોઈ કામ અટકે તો ખરાબ હાલત થઈ જાય. ઘણી વખત ગ્રુપ વર્કમાં બીજાને કારણે આપણે ભોગવતા હોઈએ એમ પણ બને. જ્યારે પ્લાનિંગ પ્રમાણે કામ ન થાય ત્યારે ખૂબ સ્ટ્રેસ આવે છે

- વિરલ જાની, ૨૩, સૉફ્ટવેર એન્જિનિયર

સ્ટ્રેસ શું છે અને એને મૅનેજ કેવી રીતે કરવું


યુવાનોના જીવનમાં કામ સંબંધિત સ્ટ્રેસ વધ્યું છે એ તો દેખીતી વસ્તુ છે, પરંતુ સ્ટ્રેસ શબ્દ પોતે નેગેટિવ નથી. જો સ્ટ્રેસ ન હોય તો વ્યક્તિ પોતાની બાંધેલી સીમાઓને વટાવીને આગળ વધતાં ન શીખી શકે. સ્ટ્રેસને સમજાવતાં મેરાકી માઇન્ડ કૅરનાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. પ્રાચી શાહ કહે છે, ‘સ્ટ્રેસ બે પ્રકારનાં હોય છે. એક જે પૉઝિટિવ હોય છે. આપણને મદદરૂપ થાય છે અને આગળ વધવામાં આ સ્ટ્રેસ મોટો ભાગ ભજવે છે. એવું કહીએ કે મોટિવેશન બનીને કામ કરે છે. એને અમે અમારી ભાષામાં U-સ્ટ્રેસ કહીએ છીએ અને બીજું સ્ટ્રેસ છે જે વ્યક્તિને તેનું કામ કરતાં રોકે છે, હતાશ કરે છે. તેનું કામમાંથી કે બીજી કોઈ પણ બાબતમાંથી ધીમે-ધીમે મન ઊઠતું જાય છે. તેની ખુશી છિનવાતી જાય છે એવું લાગે. એ નુકસાનકારક સ્ટ્રેસ છે. એને અમારી ભાષામાં D-સ્ટ્રેસ કહીએ છીએ. આ બન્ને પ્રકારના સ્ટ્રેસની વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. કામને કારણે સ્ટ્રેસ આવવાનું એ નિશ્ચિત છે, પરંતુ ઘણી વખત એની માત્રા વધી જાય છે. ઘણી વખત એ વ્યક્તિની પોતાની ક્ષમતા પર પણ આધાર રાખે છે.’

કામ સંબંધિત સ્ટ્રેસ વધવાનું કારણ જ છે આજનું વર્ક કલ્ચર, લોકોનો પૈસા અને કામ પ્રત્યે બદલાયેલો અભિગમ, દિવસે અને રાત્રે વધતી જતી સ્પર્ધાત્મક ભાવના, આગળ વધવાની ઉતાવળ, નાની ઉંમરે બધું મેળવી લેવાની ઝંખના વગેરે. આ દરેક બાબત થોડું-થોડું કરીને એટલું સ્ટ્રેસ જમા કરે છે કે ક્યારેક એને સંભાળી શકાય એમ હોતું નથી. એને સંભાળવા માટે શું કરવું જોઈએ? એ પ્રશ્નનો જવાબ આપતાં પ્રાચી શાહ કહે છે, ‘જરૂરી છે કે યુવાનો વર્ક અને લાઇફ બન્નેને અલગ સમજે અને બન્ને વચ્ચે બૅલૅન્સ જાળવતાં શીખે. આ ઉંમર કામ કરવાની અને શીખવાની છે એ વાત સાચી; પરંતુ એને કારણે જો તમારી હેલ્થ પર અસર થતી હોય, તમે સમય પર ખાતા-પીતા ન હો, ઊંઘ આવતી ન હોય તો એ સ્ટ્રેસ તમને લાંબા ગાળા માટે નુકસાનકારક છે. આ સિવાય જો તમારા માટે આ સ્ટ્રેસને હૅન્ડલ કરવું અઘરું હોય તો એને સમજો અને નિષ્ણાતની મદદ લો. ઘણા યુવાનો ચૂપચાપ મનમાં મૂંઝાયા કરે છે અને આ સ્ટ્રેસને કારણે ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીનો ભોગ બને છે. એટલે જરૂરી છે કે શૅર કરો. એની સાથે જ બીજી મહત્વની વાત એ છે કે જો તમે તમારા પ્રૉબ્લેમને ૧૫ લોકો જોડે વહેંચશો તો તમારા મનમાં એ પ્રૉબ્લેમ વધુ ગાઢ બનશે અને સ્ટ્રેસ ઘટવાને બદલે વધશે. એટલે તેની જોડે જ આ વિશે વાત કરો જે તમને એનું સોલ્યુશન આપી શકે. નહીં કે ખાલી વાત કરવા ખાતર તમે બધાને કહો કે તમે કેટલા તકલીફમાં છો. મહત્વનું એ છે કે આપણે બધા કોશિશ કરીએ કે સ્ટ્રેસને હંમેશાં U ફૉર્મમાં જ લેવું. એ D ફૉર્મમાં ન પરિણમે એનું ધ્યાન રાખવું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK