કૂતરું કરડે ત્યારે જ નહીં, એના નહોર વાગે ત્યારે પણ હડકવા થઈ શકે છે

મહત્વનું છે કે કૂતરું કરડે કે એના નહોર વાગે કે તાત્કાલિક ડૉક્ટર પાસે જઈને જરૂરી રસી મુકાવડાવવી જોઈએ. એની સાથે એક પ્રકારનાં ઇન્જેક્શન પણ આવે છે જે મુકાવડાવવાં જરૂરી છે. જો એક વખત વ્યક્તિને હડકવા થઈ ગયો તો એનું બચવું મુશ્કેલ છે માટે સાવચેતી અનિવાર્ય છે

dog

જિગીષા જૈન

તાજેતરમાં ઇન્ડિયન જર્નલ ઑફ ક્રિટિકલ કૅર મેડિસિનમાં મુંબઈથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા મહાડ ગામનો એક કેસ નોંધવામાં આવ્યો હતો, જે મુજબ મહાડ ગામના ૫૦ વર્ષનાં એક બહેનને ગામના જ ડૉક્ટર પાસે ચાર દિવસના તાવ પછી લઈ જવામાં આવ્યાં. એ સમયે તેમને તાવ, કળતર અને શ્વાસની તકલીફ હતી એટલું જ નહીં, જ્યારે ડૉક્ટરે તેમને પાણી વિશે પૂછ્યું તો તે એકદમ છળી ગયાં અને પાણીના નામમાત્રથી તેમનું ગળું ભીંસાવા લાગ્યું. આ ચિહ્ન હતું હાઇડ્રોફોબિયાનું જે રેબીઝ એટલે કે હડકવાનું. આ લક્ષણમાં દરદી પાણીનું નામ પણ સાંભળે તો તેના ગળાના સ્નાયુઓ જકડાઈ જાય છે. આ બહેનની સાડીનો પાલવ કૂતરાએ ખેંચ્યો હતો અને એ સમયે તેમના પગ પર કૂતરાના નખથી થોડા ઉઝરડા પડી ગયા હતા. આ બહેને આ જખમને ધોઈ નાખ્યો. તેમને લાગ્યું હતું કે કૂતરું કરડે તો રસી મુકાવવાની જરૂર છે, બાકી જરૂર નથી એમ સમજીને અંધશ્રદ્ધામાં ભોળવાઈને એક તાંત્રિક પાસેથી દવા લઈ લીધી હતી, પરંતુ હકીકત એ હતી કે કૂતરું કરડે ત્યારે જ નહીં, પરંતુ જો એના નહોર પણ વાગે તો પણ હડકવા થઈ શકે છે, કારણ કે જો કૂતરાએ પગને મોઢામાં નાખ્યો હોય અને એની લાળ નખમાં રહી ગઈ હોય અને એવા નખથી પણ જો એણે નહોર માર્યા હોય તો આ રોગ થઈ શકે છે. હૉસ્પિટલમાં પહોંચ્યાં ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઈ ગયું હોવાને કારણે આ બહેનનું હૉસ્પિટલમાં પહોંચ્યાના ચાર દિવસમાં મૃત્યુ થઈ ગયું હતું. આ કેસને હૅન્ડલ કરનાર ડૉ. હિંમત બાવસકરને લાગ્યું કે જાગૃતિ માટે આ કેસને સામે લાવવો જરૂરી છે અને તેમના પ્રયાસથી એ જર્નલમાં છપાયો હતો.

પ્રાણીથી માણસોમાં ફેલાતો રોગ


વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ વિશ્વભરમાં ૫૯,૦૦૦ લોકો હડકવાને કારણે મરે છે, જેમાંથી ૯૦ ટકા બાળકો હોય છે. ફક્ત ભારતમાં દર વર્ષે ૧૮,૦૦૦થી ૨૦,૦૦૦ જેટલાં મૃત્યુ હડકવાને કારણે થાય છે જેમાં મોટા ભાગનાં મૃત્યુ ગામડાંમાં જાગૃતિનો અભાવ હોવાને કારણે થતાં હોય છે. એમાં પણ એવું માનવામાં આવે છે કે કેટલાંક બાળકો તો ડૉક્ટર સુધી પહોંચતાં જ નથી જેને કારણે હડકવાને કારણે મૃત્યુ પામનારા લોકોનો કુલ આંકડો આપણી પાસે સાચો મળી શકતો નથી. હડકવા વિશે વાત કરતાં દહિસરના જનરલ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘પ્રાણીઓમાંથી માણસને લાગતા ચેપમાં હડકવા ઘણો જ ઘાતક ગણી શકાય એવો રોગ છે જેને રેબીઝ કહે છે. આ એક પ્રકારનો વાઇરસ છે જે પ્રાણીને અસર કરે છે એ પ્રાણી પણ એનાથી મરી જાય છે અને આ પ્રાણી જો માણસને કરડે કે બીજી કોઈ રીતે પણ આ વાઇરસ માણસના સંપર્કમાં આવે તો તાત્કાલિક ઉપાય ન કરો તો એ વ્યક્તિના મૃત્યુ માટે પણ જવાબદાર બને છે. આમ તો કોઈ પણ પ્રાણી થકી આ રોગ ફેલાઈ શકે છે પરંતુ મોટા ભાગે કૂતરા, વાંદરા અને બિલાડી થકી આ રોગ ફેલાતો હોય છે. સૌથી વધુ તો એ કૂતરા દ્વારા જ ફેલાતો જણાય છે.’

પ્રાણી પાળતુ હોય કે ન હોય

આમ તો જ્યારે પ્રાણી તમને કરડે અને એ પ્રાણીને રેબીઝનું ઇન્ફેક્શન હોય ત્યારે તમને રેબીઝ થવાની શક્યતા રહે છે. પ્રાણી ગમે ત્યારે કરડે ત્યારે રેબીઝ થાય જ એવું જરૂરી નથી. આ બાબતે સ્પક્ટતા કરતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘પાળતુ પ્રાણીઓને દર વર્ષે રેબીઝનું ઇન્ફેક્શન ન થાય એ માટે રસી મૂકવામાં આવે છે, પરંતુ જો તમને શંકા હોય કે રસી મૂકી એને સમય થઈ ગયો કે પછી આ વર્ષે ધ્યાન નથી કે રસી મુકાવી છે કે નહીં તો જરૂરી છે કે પાળતુ પ્રાણી માટે પણ રિસ્ક ન લેવામાં આવે. આમ પ્રાણી પાળતુ હોય કે ન હોય, જો એણે બટકું ભર્યું હોય તો તરત જ તાત્કાલિક કોઈની પણ રાહ જોયા વગર હૉસ્પિટલમાં ભાગવું જરૂરી છે.’

શરીર પર અસર

જ્યારે રેબીઝ વાઇરસ લોહીમાં ભળે અને નસો થકી અંદર જાય પછી એ શું કરે છે અને કઈ રીતે હડકવા રોગ વ્યક્તિને થાય છે એ બાબતે સમજાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘પ્રાણી કરડે ત્યારે એ મગજથી જેટલું દૂર કરડે એ વધુ સારું, કારણ કે જો એ મગજથી નજીક કરડે એટલે કે ગળા પાસે કે મોઢા પર તો વાઇરસ જ્યાંથી શરીરમાં પ્રવેશે ત્યાંથી મગજ ખૂબ જ નજીક થઈ જાય અને ત્યારે હડકવા થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે એટલું જ નહીં, કૉમ્પ્લીકેશન્સ ખૂબ વધી શકે છે. પગમાં કરડે તો વાઇરસ પગમાંથી નસોમાં પ્રવેશે, પછી ઉપરની તરફ જાય ત્યારે કરોડરજ્જુને અસર કરે છે. પછી એ ઉપર તરફ જાય છે અને મગજને અસર કરે છે. આવી વ્યક્તિઓને શ્વાસમાં તકલીફ થાય, ધબકાર વધી જાય, જે ભાગમાં કરડ્યું હોય એ ભાગથી શરૂ કરીને ધીમે-ધીમે શરીર ખોટું પડતું જતું હોય એવું લાગે, સ્નાયુઓમાં પૅરૅલિસિસ જેવી અસર આવવા લાગે અને છેલ્લે દરદીને હાઇડ્રોફોબિયા થઈ જાય છે જેવું આ કેસમાં પણ જોવા મળ્યું હતું.’

ઇલાજ


જરૂરી એ છે કે જો પ્રાણી કરડ્યું હોય તો તાત્કાલિક હૉસ્પિટલમાં ભાગવું જોઈએ. ૨૪ કલાકની અંદર જો વ્યક્તિને ઈલાજ મળી જાય તો એ બચી જાય છે. આ બાબતે વાત કરતાં ડૉ. વિક્રાન્ત શાહ કહે છે, ‘હડકવા એક વખત થઈ ગયો પછી એનો કોઈ ઇલાજ મેડિકલ સાયન્સ પાસે નથી. માટે હજી વાઇરસ શરીરમાં જાય કે તાત્કાલિક તમે રસી લઈ લો તો વ્યક્તિને બચાવી શકાય છે. આ રસીની સાથે-સાથે રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનાં ઇન્જેક્શન આવે છે એ પણ લેવાં જરૂરી છે. એ થોડાંક મોંઘાં હોય છે એટલે લોકો અચકાય છે, પરંતુ એ દવાના ઇન્જેક્શન મોટા ભાગનું ઘા ઉપર અને પછી થોડું જે બચે એ શરીરના બીજા ભાગ પરથી લોહીમાં ભેળવીને દેવામાં આવે છે જે વ્યક્તિને હડકવાથી બચાવે છે. આ રોગ થાય જ નહીં એ બાબતે કામ કરી શકાય છે, પરંતુ જો આ રોગ એક વાર થઈ ગયો તો વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત બની જાય છે.’

ફક્ત કરડે ત્યારે જ નહીં

એ હકીકત છે કે પ્રાણીના કરડવાથી રેબીઝનું ઇન્ફેક્શન પ્રાણીમાંથી માણસમાં ફેલાય છે. આ વાઇરસ વિશે વાત કરતાં ઝેન હૉસ્પિટલના જનરલ ફિઝિશ્યન ડૉ. વિક્રાન્ત શાહ કહે છે, ‘આ વાઇરસ પ્રાણીની લાળમાં હોય છે. જ્યારે એ કરડે કે આ કેસની જેમ નહોર પણ માર્યા હોય તો એ વાઇરસ માણસના લોહીમાં ભળે છે અને રોગનો કારક બને છે. આ કરડવાથી થતા જખમને ત્રણ ભાગમાં વહેંચવામાં આવતો હોય છે. એક, નાનકડો સ્ક્રૅચ જેમાં કંઈ ખાસ થતું નથી. બીજું, નૉર્મલ ઇન્જરી અને ત્રીજો પ્રકાર એવો છે જેમાં આખો માંસનો લોચો જ બહાર આવી ગયો હોય. પહેલાં એવું થતું કે જેને નાનકડો સ્ક્રૅચ જ છે તેમને ઇલાજમાં રસી આપવામાં આવતી, પરંતુ રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું ઇન્જેક્શન આપવામાં ન આવતું, પરંતુ હવે એવું નથી રહ્યું. ત્રણેય પ્રકારમાં કોઈ પણ રીતે જો વ્યક્તિને પ્રાણીથી ઇન્જરી થઈ હોય તો રસીની સાથે-સાથે ઇમ્યુનોગ્લોબ્યુલિનનાં ઇન્જેક્શન પણ આપવાં જરૂરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK