રાતે અંધારામાં સ્માર્ટફોન વાપરવાનું કેટલું સેફ?

આજની જીવનશૈલીમાં આ સાધનો ખૂબ ઉપયોગી છે એની ના નથી, પરંતુ જ્યારે એનો બેફામ ઉપયોગ થવા લાગે છે ત્યારે એ જોખમી બની જાય છે

phone

સેજલ પટેલ

શું તમને રાતે પથારીમાં પડ્યા પછી સ્માર્ટફોનમાં કલાકો સુધી ગેમ રમવાની કે ચૅટિંગ કરવાની આદત છે?

શું ઊંઘ ન આવે ત્યાં સુધી પડખે સૂઈને એક આંખે સ્માર્ટફોન વાપરો છો?

રૂમની લાઇટ્સ બંધ થયા પછી કલાકો સુધી તમારા સ્માર્ટફોનનો ઉપયોગ ચાલુ હોય છે?

જો આમાંથી એક પણ આદત તમને હોય તો આ લેખ તમારા માટે છે. સ્માર્ટફોનનો ઉપયોગ આંખ માટે કેટલો જોખમી છે એ સમજવા માટે તાજેતરમાં જ નોંધાયેલા બે કિસ્સા વિશે જાણીએ.

બે મહિના પહેલાં ચીનમાં ૨૧ વર્ષની એક યુવતી સ્માર્ટફોન પર સતત આખી રાત ગેમ રમવામાં મશગૂલ રહેવાની આદતને કારણે એક દિવસ અચાનક તેની એક આંખનું વિઝન ગુમાવી બેઠી એનો કિસ્સો ઇન્ટરનેટ પર ખૂબ ચગ્યો હતો. મોડી રાત સુધી ગેમ રમીને તે એમ જ સૂઈ ગઈ. જોકે સવારે ઊઠી ત્યારે તેની જમણી આંખમાં બધું કાળુંધબ્બ હતું. તેને તરત જ ડૉક્ટર પાસે લઈ જવાઈ. ડૉક્ટરોએ તેના પડદામાં લોહીનું વહન કરતી નળીઓમાં બ્લૉકેજ આવી જવાનું નિદાન કર્યું. બ્લૉકેજને કારણે ડૅમેજ એટલું વધી ગયું હતું કે તે એક આંખે લગભગ દૃષ્ટિહીન થઈ ગઈ.

બીજો એક કેસ ન્યુ ઇંગ્લૅન્ડની મેડિસિન જર્નલમાં પબ્લિશ થયો છે. એમાં બાવીસ અને ૪૦ વર્ષની બે મહિલાઓને મહિનાઓ સુધી અચાનક આંખમાં થોડાક સમય માટે અંધકાર છવાઈ જવાની તકલીફ નોંધાઈ હતી. બાવીસ વર્ષની યુવતીને રોજ પથારીમાં પડ્યા પછી સ્માર્ટફોનમાં ગેમ રમવાની અને ચૅટિંગ કરવાની આદત હતી. એ વખતે તે ઓશીકાના ટેકે એક આંખ બંધ કરીને એક જ આંખ ખુલ્લી રાખીને કામ કરતી હતી. ૪૦ વર્ષની મહિલાની સમસ્યા હતી કે તે સવારે સૂયોર્દય પહેલાં ઊઠે તો થોડીક મિનિટો માટે તેની આંખ સામે અંધકાર છવાયેલો રહેતો. લગભગ છ મહિનાથી તે રોજ સવારે ઊઠે ત્યારે પંદર મિનિટ માટે લિટરલી દૃષ્ટિહીન બની જતી. લંડનની મૂરફીલ્ડ આઇ હૉસ્પિટલમાં આવેલા આ બન્ને કેસમાં ડૉક્ટરોએ નિદાન કરેલું કે તેમના આવા અચાનક અને ટેમ્પરરી અંધકાર માટે રાતના સમયે સ્માર્ટફોન વાપરવાની ટેવ જવાબદાર હતી.

ઉપરોક્ત બન્ને ઘટનાઓને આપણે ગંભીરતાથી લેવાની જરૂર છે, કેમ કે જે હદે આજના ટીનેજર્સ, યંગસ્ટર્સ અને ઈવન લોન્લી મિડલ-એજેડ લોકો સ્માર્ટફોન સાથે ચિપકી રહે છે એ જોખમી છે. જો રોજ સવારે ઊઠીને તમારી આંખો બળતી હોય, અચાનક દૃશ્યો ધૂંધળાં દેખાતાં હોય, અચાનક થોડીક વાર માટે અંધારાં આવી જાય એમ આંખ સામે અંધારપટ છવાઈ જતો હોય, બેમાંથી કોઈ એક આંખના વિઝનમાં ઘટાડો થયેલો લાગતો હોય, આંખો લાલાશ પડતી અને સૂજી ગયેલી લાગતી હોય, પાણી નીતરતું હોય કે આંખો બંધ કરતી વખતે બળતરા થતી હોય તો તમારે પણ સ્માર્ટ ગૅજેટ્સના ઉપયોગમાં સતર્ક થવાની જરૂર છે.

સ્માર્ટફોન હાનિકારક છે?

શું સ્માર્ટફોન અને લેટેસ્ટ ગૅજેટ્સ આંખ માટે હાનિકારક છે? શું એનાથી દૃષ્ટિ નબળી પડે છે? સ્માર્ટફોન ન વાપરનારા લોકોની દૃષ્ટિ વધુ લાંબી જળવાય છે? જુહુમાં લગભગ બે દાયકાથી વધુ સમયથી પ્રૅક્ટિસ કરતા આંખના નિષ્ણાત ડૉ. હિમાંશુ મહેતા આ વિશે સમજાવે છે, ‘સ્માર્ટફોન, ટીવી, કમ્પ્યુટર કે એવી કોઈ પણ ઇલેક્ટ્રૉનિક ચીજો વાપરવાથી આંખો નબળી પડી જાય છે એવું નથી. આપણને એ ચીજો વાપરતાં નથી આવડતું એ હકીકતમાં સમસ્યા છે. આંખનું કામ છે જોવાનું. એક પુસ્તક વાંચો કે અન્ય કોઈ ઇલેક્ટ્રૉનિક ગૅજેટ પર કામ કરો, બન્નેમાં આંખનો ઉપયોગ એકસરખો જ થાય છે. જોકે સ્માર્ટફોન કે કમ્પ્યુટરમાં આપણે ખૂંપેલા હોઈએ ત્યારે આંખને વચ્ચે-વચ્ચે આરામ આપવાનું ચૂકી જઈએ છીએ જેને કારણે આંખને તાણ અનુભવાય છે. સ્માર્ટફોનનો યુઝ નહીં, મિસયુઝ આંખને નુકસાન પહોંચાડે છે એટલું સમજવું જોઈએ.’

મિસયુઝ કોને કહેવાય?

જ્યારે આંખને તકલીફ પડતી હોય અને છતાં આપણે એની પાસેથી કામ લીધા કરીએ ત્યારે એનો મિસયુઝ થાય છે એમ સમજાવતાં ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘કલાકો સુધી એકધારી ક્રિયા કરાવવામાં આવે તો કોઈ પણ અવયવ થાકી જાય. જો તમે સતત સોળ કલાક પલાંઠી વાળીને એક જગ્યાએ બેસી રહો તો તમારા સાંધા જકડાઈ જશે. ઊભા થતી વખતે ડગમગી જશો, જાણે પગમાં તાકાત નથી એવું ફીલ થશે. એમ સ્માર્ટફોન પણ સોળ કલાક વાપરશો તો આંખ બગડશે. માત્ર આંખ જ નહીં, શરીરના અનેક અવયવો અને ક્રિયાઓ ખોરવાશે. સ્માર્ટફોન વાપરવામાં બાળકો અને યુવાનો ભાન ભૂલીને એટલાં ખૂંપી ગયાં હોય છે કે તેમને આજુબાજુની સૂધબૂધ નથી રહેતી. પલકારો મારવાનું ભૂલીને એકીટશે સ્માર્ટફોનમાં આંખ પરોવી રાખવાને કારણે તકલીફ થાય છે. તમે નાનપણમાં મૅગ્નિફાઇંગ ગ્લાસની રમત રમી હશે. એમાં કાગળ પર બિલોરી કાચ રાખીને એના પર સૂર્યનાં કિરણો ઝીલવામાં આવે છે. એ કાચમાં સૂર્યની ગરમી એકત્ર થઈને કાગળને ગરમ કરે છે અને એક તબક્કે એટલી ગરમી વધી જાય છે કે કાગળ સળગી ઊઠે છે. આવું જ આંખનું છે. જો તમે એકધાર્યો પ્રકાશ આંખ પર ઝીલ્યે રાખો તો પ્રકાશનાં કિરણોને આંખમાં ઝીલતા રોડ્સ અને કોન્સ તરીકે ઓળખાતા કોષો ડૅમેજ થાય છે. તમે બલ્બની સામે એકધાર્યું જોશો તો થોડી જ વારમાં આંખમાંથી પાણી નીકળવા લાગશે. એવું જ સ્માર્ટફોનનું છે. લાંબા કલાકો સુધી આંખને તાણ પડે એ રીતે ઊજળો પ્રકાશ આંખ પર પડે તો કાયમી ડૅમેજ થઈ શકે છે. ’

સેફ સ્માર્ટફોન-ટિપ્સ

એકધારો ઉપયોગ ટાળો :
ગેમ રમવા માટે કે સોશ્યલ મીડિયા પર ચૅટિંગ કરવા માટે લગાતાર લાંબો સમય ફાળવવાનું ટાળો. એ માત્ર આંખ માટે જ નહીં, ઓવરઑલ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

પલકારા મારવા : સામાન્ય રીતે આપણે જેટલી વાર આંખ પલકાવીએ છીએ એનાથી પાંચમા ભાગના પલકારા આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે મારીએ છીએ. ઇન ફૅક્ટ, એ વખતે પ્રકાશ સીધો આંખમાં પડતો હોવાથી વધુ પલકારા મારવાની જરૂર હોય છે. એમ ન કરવાથી ડ્રાયનેસ વધે છે, આંખમાં બળતરા થાય છે અને વિઝન બ્લર થાય છે.

નજર બીજે કરો : એકીટશે સ્ક્રીન સામે જોવાને બદલે દર દસ મિનિટે સ્ક્રીન પરથી નજર ફેરવીને આજુબાજુનું દૃશ્ય જુઓ.

પૂરતું પાણી પીઓ : સ્માર્ટફોન હાથમાં હોય ત્યારે મોટા ભાગના લોકો ખાવા-પીવાનું ભૂલીને એમાં જ ખૂંપેલા હોય છે. ડ્રાયનેસ ટાળવા માટે પૂરતું પાણી પીઓ એ જરૂરી છે.

ડોળા ફેરવો : રોજ દિવસમાં ચાર વાર આંખના ડોળાને આગળ-પાછળ, ઉપર-નીચે અને ચારેકોર ફેરવીને કસરત આપો.

પામિંગ : જ્યારે પણ આંખો થાકી છે એવું લાગે ત્યારે બન્ને હથેળી આંખો પર ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે એને આરામ આપો.

જોખમી આદતો


૧. એક આંખે સ્માર્ટફોનનો ઉપયોગ

એક આંખ બંધ કરીને બીજી આંખે સ્માર્ટફોન વાપરવાથી આપણને એમ લાગે છે કે આપણે બીજી આંખને આરામ આપીએ છીએ, પરંતુ થાય છે એનાથી ઊલટું. ખુલ્લી આંખને વધુ તાણ પડે છે અને એમાં ટેમ્પરરી અંધકાર છવાઈ જાય છે.

2. અંધારામાં ઉપયોગ

રાતના અંધારામાં જો તમે પાંચ-સાત મિનિટ માટે મોબાઇલ સામે જુઓ તો એનાથી કંઈ તકલીફ નથી થતી, પરંતુ જો સતત એકીટશે કલાકો સુધી ગેમ રમવામાં કે સોશ્યલ મીડિયામાં વ્યસ્ત થઈ જવાની આદત હોય તો આંખને ટેમ્પરરી નુકસાન થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK