ફિઝિયોથેરપી વિશે સામાન્ય ગેરમાન્યતાઓને ઓળખો

ફિઝિયોથેરપીનો મૂળ હેતુ એ હોય છે કે એ દરદીના હલનચલનને બળ આપે અને તેની બંધાઈ ગયેલી જિંદગીને જેટલી થઈ શકે એટલી મુક્ત કરીને લાઇફ-સ્ટાઇલ સુધારે. પરંતુ આ થેરપી વિશે હજી પણ કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. એના વિશે આજે વાત કરીએ અને હકીકત સમજીએ

physio

જિગીષા જૈન

ફિઝિયોથેરપી એક પ્રકારની એવી ટ્રીટમેન્ટ છે જે લોકોને ઘણી જ રીતે મદદરૂપ થાય છે, પરંતુ એને સંબંધિત લોકો ઘણાં અનુમાન બાંધી રાખે છે. એ આમાં જ ઉપયોગી થાય અને એ આ જ પ્રૉબ્લેમ માટે હોય વગેરે. જરૂરી એ છે કે દરેક વ્યક્તિ એની ઉપયોગિતાને સમજે. ફિઝિયોથેરપીનો મૂળ હેતુ એ હોય છે કે એ દરદીના હલનચલનને બળ આપે અને એની બંધાઈ ગયેલી જિંદગીને જેટલી થઈ શકે એટલી મુક્ત કરીને લાઇફ-સ્ટાઇલ સુધારે. ઘણી વખત એવું બનતું હોય છે કે જે કામ દવાઓ અને મોટી સર્જરી પણ નથી કરી શકતા એ ફિઝિયોથેરપી કરી આપે છે. એટલે એ જરૂરી છે કે આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કઈ રીતે અને કયા સંજોગોમાં કરવો એ સમજવું જરૂરી છે. આજે જાણીએ નાઇટિંગલ હોમ હેલ્થ સ્પેશ્યલિસ્ટનાં રીહૅબિલિટેશન હેડ ડૉ. વિજયા બાસ્કર પાસેથી ફિઝિયોથેરપીને લઈને કયા પ્રકારનાં ખોટાં અનુમાનો બાંધીને લોકો બેઠા હોય છે અને હકીકત શું છે.

માન્યતા -૧ એમાં ફક્ત મસાજ અને એક્સરસાઇઝ જ હોય

હકીકત - એ સાચું નથી. મસાજ અને એક્સરસાઇઝ ફિઝિયોથેરપીના એક ભાગ છે, પરંતુ એ સિવાય પણ ઘણાં જુદાં-જુદાં મશીન છે જેનો ઉપયોગ આ પદ્ધતિમાં થતો હોય છે. હાથથી ઉપયોગમાં આવતાં ઘણાં સાધનો પણ હોય છે અને ઘણાં મશીનોનો ઉપયોગ પણ કરવામાં આવે છે. અમુક હીટ અને કોલ્ડ થેરપી પણ એનો ભાગ છે. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા પણ ઇલાજ કરવામાં આવે છે. અમુક પ્રકારનાં કિરણો, જે શરીરમાં જઈને ડૅમેજ રિપેર કરે છે. આમ આ એક શાસ્ત્ર છે, ફક્ત મસાજ કે એક્સરસાઇઝ નહીં.

માન્યતા -૨ ફિઝિયોથેરપી એક ધીમી પ્રોસેસ છે


હકીકત - ઘણા લોકોને લાગે છે કે ફિઝિયોથેરપી દ્વારા ઇલાજ કરાવીએ તો ઘણો સમય લાગે છે. જેમ કે કોઈ જગ્યાએ દુખાવો હોય તો દવાઓ ખાઈને એ દૂર કરવા કરતાં ફિઝિયોથેરપી વડે એ દૂર કરવો વધુ હેલ્ધી છે. જો કોઈ જગ્યાએ સોજો આવી ગયો હોય તો મશીન દ્વારા એને હીલ કરવું વધુ હેલ્ધી છે. જો કોઈ સ્નાયુ અંદરથી ખેંચાઈ ગયો હોય તો દવાઓ ખાઈને એને રિલૅક્સ કરવા કરતાં ફિઝિયોથેરપી વડે એને રિલૅક્સ કરવું હેલ્ધી છે. જો સાંધાની તકલીફ હોય તો સતત મહિનાઓ સુધી ફિઝિયોથેરપી લઈને વ્યક્તિ સર્જરીને ટાળતી હોય છે. તરત જ ઠીક થઈ જવું એના કરતાં હેલ્ધી રીતે ઠીક થવું વધુ મહત્વનું છે. ગોળીઓ, પેઇનકિલર્સ કે સર્જરી કદાચ ફિઝિયોથેરપી કરતાં જલદી ઠીક કરી દેતી હશે; પરંતુ જ્યાં એની જરૂર નથી ત્યાં એ વાપરીને શરીર ખરાબ ન કરવું જોઈએ. એમાં લાગતા સમયને નિરર્થક ન માનો. એ જરૂરી છે એટલે જ લાગી રહ્યો છે. 

માન્યતા -૩ ફિઝિયોથેરપી એક પેઇનફુલ પ્રોસેસ છે


હકીકત - ઘણા લોકો ફિઝિયોથેરપી એટલે પસંદ નથી કરતા કે તેમને લાગે છે કે એમાં ખૂબ પેઇન થાય અને તેમને એવું કોઈ પેઇન સહન ન કરવું હોય. પરંતુ હકીકત એ નથી, ઊલટું એ પેઇનને દૂર કરવા માટેની પ્રોસેસ છે જેમાં દરેક ટેક્નિક તમારા પેઇનને ઘટાડવા માટે જરૂરી હોય છે. હા, એ જરૂરી છે કે જ્યારે સ્નાયુઓ પાસેથી કામ લેવું હોય ત્યારે એની પાસેથી કામ કઢાવવા માટે થોડો પુશ અનિવાર્ય રહે છે, પરંતુ એ દરદીના ભલા માટે હોય છે. એટલે કે જો તમે તમારા ઇન્જરીવાળા હાથથી એક એક્સરસાઇઝ ૧૦ વખત આજે કરી શકો છો તો એની લિમિટ વધારવા માટે ૧૫ વખત કરીએ ત્યારે થોડું દુખે એનો અર્થ એ નથી કે ફિઝિયોથેરપી પેઇનફુલ છે. પરંતુ જે કામ નથી કરતો એ ભાગને કામ કરતો કરવાની આ પ્રોસેસ છે. બાકી નબળા સ્નાયુઓને બીજી કોઈ પણ રીતે સશક્ત બનાવી જ ન શકાય.

માન્યતા - ૪ હું મારી જાતે પણ કરી શકું

હકીકત - અમુક તકલીફોમાં ફિઝિયોથેરપિસ્ટ ફક્ત એક્સરસાઇઝ સૂચવે છે કે આ પ્રકારે કરવી પડશે ત્યારે લોકો સમજે છે કે આ તો સરળ છે, હું જાતે પણ કરી જ શકું. જાતે કરવાના ચક્કરમાં ઘણા લોકો જાતને વધુ તકલીફો આપે છે. ઇન્જરી વધુ તકલીફદાયક બની જાય છે. આજકાલ નેટ પર પણ ઘણી માહિતીઓ મળી રહે છે. આ માહિતી મળવાથી તમે ઇલાજ જાતે કરી શકો છો એવું ન માનો. એ જ્ઞાનને તમારે વાપરવું પણ હોય તો થેરપિસ્ટની સલાહ લો. એ જરૂરી છે. દરેક માટે ઇલાજ સરખો ન હોઈ શકે. નિષ્ણાતની મદદ વગર એ શક્ય નથી હોતું.

માન્યતા - ૫ ફિઝિયોથેરપિસ્ટ પાસે જતાં પહેલાં પ્રિસ્ક્રિપ્શન જરૂરી

હકીકત - ઘણા લોકો એમ માને છે કે પહેલાં ડૉક્ટર પાસે જવું અને જો ડૉક્ટર સજેસ્ટ કરે કે તમને ફિઝિયોથેરપી લેવાની જરૂર છે તો તે તમને લખી આપશે અને પછી જ તમે તેમની પાસે જઈ શકશો. એવું નથી હોતું. ફિઝિયોથેરપિસ્ટ પાસે કોઈ તકલીફ હોય તો સીધા જઈ શકાય છે. તે એનું નિદાન કરે છે અને એ મુજબ ઇલાજ પણ કરી શકે છે. ઊલટું ઘણી નાની-નાની બાબતોમાં તો ડૉક્ટર પાસે જઈને દવાઓ ગળવા કરતાં ફિઝિયોથેરપી વડે ઠીક થવું વધુ યોગ્ય ગણાશે. જોકે એનો અર્થ એવો પણ નથી કે ડૉક્ટર પાસે જવાની જરૂર જ નથી. આ માન્યતા ખોટી છે એ વાત કરવાનો અર્થ એ કે સમજવું જરૂરી છે કે તમને કયા પ્રકારની તકલીફ છે અને તમારે એ માટે કોની પાસે જવું જરૂરી છે. ફિઝિયોથેરપિસ્ટ પાસે જવા માટે પ્રિસ્ક્રિપ્શનની જરૂર રહેતી નથી, એમનેમ પણ જઈ શકાય છે.

ફિઝિયોથેરપી ઘણાં જુદાં-જુદાં અંગો માટે ઉપયોગી સાબિત થાય છે


એક સૌથી મોટી માન્યતા ફિઝિયોથેરપિસ્ટ માટેની એ છે કે તે ફક્ત હાડકાં, સ્નાયુ અને સાંધા સંબંધિત તકલીફોમાં જ કામ લાગે છે. અથવા તો અમુક લોકો એમ માને છે કે જે વ્યક્તિને લકવો થયો હોય તેને ઠીક કરવામાં, તેની મૂવમેન્ટને પાછી લાવવામાં તે ઉપયોગી થઈ શકે છે. હકીકત એ છે કે ફિઝિયોથેરપી એટલા પૂરતી સીમિત નથી, એ ઘણાં જુદાં-જુદાં અંગો માટે અને જુદી-જુદી તકલીફો માટે ઉપયોગી સાબિત થાય છે. આ ઉપયોગ કયા-કયા છે એ જાણીએ ફિઝિયોરીહૅબ, બાંદરા, મલાડ અને ઑપેરા હાઉસનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અંજના લોન્ગાની પાસેથી.

મસ્ક્યુલોસ્કેલેટલ રીહૅબ

સ્નાયુ ખેંચાઈ ગયા હોય, જકડાઈ ગયા હોય, સ્નાયુ પર સોજો આવી ગયો હોય, સાંધાનો દુખાવો થયો હોય, સાંધામાં પાણી ભરતું હોય, હાડકાંમાં તિરાડ કે ફ્રૅક્ચર આવ્યું હોય, હાડકાં નબળાં પડી ગયાં હોય એવી કોઈ પણ પરિસ્થિતિમાં ફિઝિયોથેરપીની મદદ લેવામાં આવે છે. સ્નાયુ, સાંધા કે હાડકાંને મજબૂતી પ્રદાન કરવાનું કામ ફિઝિયોથેરપીનું છે.

ન્યુરોરીહૅબ

એમાં મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુઓને સંબંધિત તકલીફોનો ઇલાજ કરવામાં આવે છે. મોટા ભાગે મગજને સંબધિત બીમારીઓ જેમ કે ઑલ્ઝાઇમર્સ, બ્રેઇન સ્ટ્રોક, હૅમરેજ, સ્પાઇન ઇન્જરી વગેરેમાં જ્યારે વ્યક્તિ લગભગ અક્ષમ જેવી હાલતમાં મુકાઈ જાય છે કે પથારીવશ બની જાય છે એમાંથી તેને બેઠી કરવાની અને ઘણા કેસમાં પહેલાં જેવી હરતી-ફરતી કરી દેવાનાં ચમત્કારિક પરિણામ ફિઝિયોથેરપીથી પ્રાપ્ત થઈ શકે છે.

પલ્મનરી રીહૅબ

આ વિભાગમાં બે જુદાં-જુદાં કામ છે. એક તો જ્યારે દરદી હૉસ્પિટલમાં દાખલ હોય ત્યારે ઇન્ટેન્સિવ કૅર યુનિટ કે વેન્ટિલેટર પર હોય, અસ્થમાનો આકરો અટૅક આવ્યો હોય કે કોઈ સર્જરી થઈ હોય તો હૉસ્પિટલમાં જ વ્યક્તિ વ્યવસ્થિત શ્વાસ લઈ શકે એ માટે તેમને ફિઝિયોથેરપી આપવામાં આવે છે. આ સિવાય જૂના શ્વાસના રોગો, અસ્થમા, બ્રૉન્કાઇટિસ કે ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસઑર્ડરમાં પણ આ થેરપી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે; જેમાં મોટા ભાગે એક્સરસાઇઝ દ્વારા ફેફસાંની કૅપેસિટી વધારવામાં આવે છે.

કાર્ડિઍક રીહૅબ

હાર્ટને સંબંધિત પ્રોબ્લેમ્સ જેમ કે સ્ટ્રોક કે કૉરોનરી આર્ટરી ડિસીઝ, વાલ્વની ખરાબીને લીધે હાર્ટ જે નબળું પડી જાય છે એને ફરીથી સશક્ત કરવા માટે ફિઝિયોથેરપી કામ કરે છે. ખાસ કરીને હાર્ટની કોઈ પણ પ્રકારની સર્જરી પછી રિકવરી લાવવા માટે દરદીને ફિઝિયોથેરપી લેવાનું સૂચવવામાં આવે છે.

ગાયનેક રીહૅબ

બાળક આવતાં પહેલાં પ્રેગ્નન્સી દરમ્યાન અને બાળક આવ્યા પછીનાં બે વર્ષ સુધીના સમયગાળામાં સ્ત્રીઓને ફિઝિયોથેરપી ઘણી ઉપયોગી થઈ શકે છે, જેને પ્રી-નેટલ અને પોસ્ટ-નેટલ કોર્સિસ તરીકે આજકાલ ઓળખવામાં આવે છે. આ દરમ્યાન સ્ત્રીને નૉર્મલ ડિલિવરી માટે તૈયાર કરવામાં આવે છે અને કમરના સ્નાયુઓને પણ બળ મળે એવી એક્સરસાઇઝ શીખવાડવામાં આવે છે, જેને લીધે સ્ત્રીને ડિલિવરી કે બ્રેસ્ટ-ફીડિંગ દરમ્યાન તકલીફ ન નડે.

પીડિયાટ્રિક રીહૅબ

આમાં નવજાત બાળકો, સ્કૂલ જતાં બાળકો અને ટીનેજ બાળકો બધાં આવી જાય છે. ઘણાં નવજાત બાળકોને જન્મજાત શરીરમાં ખોડ હોય છે. પ્રેગ્નન્સી કે ડિલિવરી સમયે કોઈ કૉમ્પ્લીકેશન થયાં હોય અને બાળક પર એની અસર થઈ હોય, વધતા બાળકને ચાલવામાં, કોઈ અંગને હલાવવામાં તકલીફ થતી હોય કે આવા કોઈ પણ પ્રૉબ્લેમ્સમાં ફિઝિયોથેરપી ખૂબ કામ આવે છે. એમાં નાનાં બાળકો પર એ ખૂબ જલદી કામ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK