ઉંમર સાથે આવતાં લક્ષણોને પાછાં ઠેલવા ઉપયોગી થાય છે ફિઝિયોથેરપી

આ વર્ષે આ દિવસની ઉજવણીરૂપે હેલ્ધી એજિંગ એટલે કે વૃદ્ધાવસ્થામાં પણ હેલ્ધી અને ઍક્ટિવ રહેવામાં ફિઝિયોથેરપી શું ભાગ ભજવી શકે છે એ જાણકારી દ્વારા દુનિયાભરમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. આજે આ નિમિત્તે જાણીએ જુદા-જુદા બે કેસ, જેમાં ફિઝિયોથેરપીની મદદથી એજિંગ સામે લડવામાં મદદ મળી છે

physio

World Physical Therapy Day - જિગીષા જૈન

ઘડપણ જીવવું સહેલું તો નથી જ, કારણ કે જેમ-જેમ ઉંમર વધતી જાય છે એમ શરીર સતત નબળું પડતું જાય છે. ઉંમરની સાથે-સાથે હાડકાંની તકલીફ, સ્નાયુઓની તકલીફ, સાંધાની તકલીફો માણસના હલનચલન પર અસર કરતી હોય છે. એને લીધે તેના રોજિંદા જીવન પર અસર પડે છે અને ધીમે-ધીમે તે બીજા પર અવલંબિત બનતા જાય છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ હોય, તે પોતે એક એવું જીવન ઇચ્છે છે કે જેમાં તેણે બીજા પર આધારિત ન રહેવું પડે અને ઓછામાં ઓછું પોતાનું બધું કામ તે જાતે કરી શકે અને ઍક્ટિવ રહીને જીવે ત્યાં સુધી જિંદગીને માણી શકે. ઉંમરને તો આપણે રોકી શકવાના નથી, પરંતુ કસરત અને ફિઝિયોથેરપી દ્વારા શરીરને આપણે એવું ચોક્કસ રાખી શકીએ છીએ જેને લીધે મોટી ઉંમરે પણ ઍક્ટિવ અને સ્વાવલંબી જીવન જીવી શકીએ. આજે જાણીએ જુદા-જુદા બે કેસ, જેના દ્વારા સમજીએ કે કઈ રીતે ફિઝિયોથેરપી ઉપયોગી છે. 

રેખા આશર, ૬૫ વર્ષ

જુહુમાં રહેતાં ૬૫ વર્ષનાં રેખા આશરને છેલ્લા આઠેક મહિનાથી ખભામાં દુખાવો શરૂ થયો હતો. ખાસ કરીને તેમના જમણા ખભામાં તકલીફ હતી. આ વિશે વાત કરતાં રેખા આશર જણાવે છે, ‘ઉંમર થાય એટલે કોઈ ને કોઈ દુખાવો કોઈ ને કોઈ તકલીફ તો આવવાની જ છે એમ માનીને મેં આ દુખાવાને ખાસ્સો અવગણ્યો. મને લાગ્યું કે ઠીક થઈ જશે, પરંતુ તકલીફ વધતી ગઈ અને ગયા મહિને તો પેઇન એટલું વધી ગયું કે મને લાગ્યું કે હવે તો કંઈક કરવું જ પડશે.’

રેખાબહેનનો પ્રૉબ્લેમ શરૂઆતમાં ઓછો હતો, પરંતુ પછી ઘણો વધતો ચાલ્યો. શરૂઆતમાં તે જુહુથી ટાઉન સુધી જતાં તો ગાડીમાં બેઠાં-બેઠાં જ તેમનો હાથ અને ખભો દુખવા લાગતો. એવું લાગતું કે અંદરથી કંઈક ખૂંચ્યા કરે છે અને દુખાવો સખત થતો. વધતા-વધતા પ્રૉબ્લેમ એવો થયો કે જમણી બાજુનો ખભો તે હલાવી શકતાં જ નહીં. હલાવે તો દુખે. હાથની મૂવમેન્ટની તકલીફ ઊભી થઈ. જમણા પડખે તેઓ સૂઈ શકતાં નહોતાં.

તેમની આ પરિસ્થિતિ વિશે વાત કરતાં ફિઝિયોશ્યૉર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘રેખાબહેનને ખભાનું ટેન્ડનાઇટિસ થયું હતું. ઉંમરની સાથે જ્યારે હાડકાં ઘસાય ત્યારે આ પરિસ્થિતિ અમુક દરદીઓમાં જોવા મળે છે. વળી પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફ જુદી રીતે હેરાન કરતી હોય છે. આ તકલીફ હાથના હલનચલન પર અસર કરે છે. કાનથી ઉપર હાથ લઈ જઈ શકાતો નથી. આ સિવાય વજન ઊંચકી ન શકાય, પીઠ સુધી હાથ લઈ ન જઈ શકાય, આ તકલીફને જો તાત્કાલિક જોવામાં ન આવી તો ફ્રોઝન શોલ્ડર જેવી તકલીફ આવી પડે છે, જેમાં ખભા જામી જાય છે અને મૂવમેન્ટ થતી જ નથી.’

આઠ મહિનાથી તકલીફ સહન કર્યા પછી રેખાબહેને ફિઝિયોથેરપીના જરૂરી સેશન્સ લીધા અને એક્સરસાઇઝ શરૂ કરી, જેને કારણે તેમનું પેઇન ધીમે-ધીમે સાવ જતું રહ્યું. આ તકલીફ પછી જે શીખ મળી એ જણાવતાં રેખાબહેન કહે છે, ‘હું અત્યારે રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું. મને એ સમજાઈ ગયું છે કે ઉંમર સાથે પ્રૉબ્લેમ આવશે જ એમ સ્વીકારી લઈને તમે તમારા પ્રૉબ્લેમને અવગણો એ યોગ્ય નથી. ફિઝિયોથેરપી દ્વારા આ તકલીફને તમે કાબૂમાં લઈ શકો છો અને ઉંમર સંબંધિત લક્ષણોને પાછાં ઠેલી શકો છો.’

ઉષા માવાણી, ૭૯ વર્ષ

લોઅર પરેલમાં રહેતાં ૭૯ વર્ષનાં ઉષા માવાણી અમુક લોકોમાંના એક છે જેમને ઍક્યુટ રૂમૅટૉઇડ આથ્રાર્ઇટિસ છે. ઉષાબહેન પૂરાં ત્રીસ વર્ષનાં પણ નહોતાં ત્યારે તેમને ખબર પડી કે તેમને આ બીમારી છે. આ એક એવી બીમારી છે જેમાં સાંધામાં સોજા આવી જાય છે અને એને કારણે અત્યંત દુખાવો થાય છે અને કોઈ કાયમી ખોડ ઊભી થઈ શકે છે, જેને લીધે હલનચલનમાં તકલીફ ઊભી થાય છે. આ રોગને કારણે વ્યક્તિમાં ઉંમરલાયક ચિહ્નો ખૂબ નાની ઉંમરે જોવા મળે છે. એટલે કે સાંધાની તકલીફો, હલનચલનમાં તકલીફ, સતત દુખાવો વગેરે ખૂબ નાની ઉંમરે જ આવી જાય છે.

પોતાની આ પરિસ્થિતિની વાત કરતાં ઉષાબહેન કહે છે, ‘મને આ વિશે ખબર પડી ત્યારે મારાં બાળકો નાનાં હતાં, જવાબદારીઓ વધુ હતી; પરંતુ આ રોગ આવ્યો ત્યારે એટલું તો હું સમજી હતી કે જો મેં મારું ધ્યાન ન રાખ્યું તો આ જવાબદારીઓ હું ગમે તેમ કરીને પણ પૂરી નહીં કરી શકું. જોકે નાની-મોટી તકલીફો સાથે મેં ઘણાં વર્ષ કાઢ્યાં. જવાબદારીઓને લીધે હું રેગ્યુલર એક્સરસાઇઝ પર ધ્યાન આપી શકતી નહીં, જે મને આગળ જતાં નડ્યું.’

ઉષાબહેનની ખરી તકલીફ ૨૦૦૫થી શરૂ થઈ. તેમના ઘૂંટણનો દુખાવો અત્યંત વધ્યો અને ડૉક્ટરે સલાહ આપી કે તમારે ઑપરેશન કરાવવું તો પડશે જ. પરંતુ ઑપરેશનને બદલે ફિઝિયોથેરપી કરીને તેઓ અઢી વર્ષ સર્જરી પાછળ ઠેલી શક્યાં. આ કેસ વિશે વાત કરતાં ફિઝિયોરીહૅબ, બાંદરા અને મલાડનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અંજના લોન્ગાની કહે છે, આથ્રાર્ઇટિસ વૃદ્ધાવસ્થામાં આવતી તકલીફ છે, જ્યારે રૂમૅટૉઇડ આથ્રાર્ઇટિસ નાની ઉંમરે વૃદ્ધાવસ્થાને ખેંચી લાવે છે, જેને કન્ટ્રોલમાં રાખવા અને દુખાવાથી બચવા માટે ફિઝિયોથેરપી ઘણી જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉષાબહેનના કેસમાં મહત્વનું એ છે કે દરદી સમજી ગયા કે તેમને ફિઝિયોથેરપીની જરૂર છે જ અને એટલે જ તે છેલ્લાં વીસ વર્ષથી રેગ્યુલર ફિઝિયોથેરપી કરે છે.

છેલ્લાં વીસ વર્ષથી ફિઝિયોથેરપી કરવાથી ઉષાબહેન ઍક્યુટ રૂમૅટૉઇડ આથ્રાર્ઇટિસ હોવા છતાં ૭૯ વર્ષની ઉંમરે પણ આજે ઍક્ટિવ લાઇફ જીવે છે. જેમને આથ્રાર્ઇટિસ નથી એવી વ્યક્તિઓ પણ ૭૯ વર્ષની ઉંમરે દરરોજ ઘરની બહાર ૨-૩ કલાક કોઈની સહાયતા વગર ફરી શકતી નથી, પરંતુ ઉષાબહેન એ કરી શકે છે. આ બાબતે વાત કરતાં ડૉ. અંજના લોન્ગાની કહે છે, ‘વધતી ઉંમરે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તે કોઈના પર નિર્ભર ન રહે, પોતાનું કામ જાતે જ કરી શકે. આ ઇચ્છા એક ટાસ્ક છે, જેને પૂરો કરવા માટે ફિઝિયોથેરપી ઘણી જ મદદરૂપ થઈ શકે છે. ઉંમર સંબંધિત તકલીફોને અંકુશમાં રાખવા અને એને પાછી ઠેલવામાં એ ઘણી જ મદદરૂપ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK