જમ્યા પછી નહીં, ઍપેટાઇઝર તરીકે ખાઓ યૉગર્ટ

મોટા ભાગે ગાયના દૂધમાંથી બનતી આ ચીજ પેટમાં સારા બૅક્ટેરિયાનો જથ્થો વધારીને આંતરડાંની અંદરની ત્વચાને સાફ રાખે છે, જેને કારણે શરીરના કોઈ પણ કોષોમાં ક્રોનિક સોજો અને લાલાશ થવાની સંભાવના ઘટી જાય છે

yogurt

સેજલ પટેલ

આપણા શરીરમાં ક્રોનિક સોજો અને ઇન્ફ્લમેશન એવી સમસ્યા છે જે એકદમ વકરે નહીં ત્યાં સુધી એનાં લક્ષણો બહુ જણાતાં નથી. ખાસ કરીને જઠર, આંતરડાં અને પાચનતંત્રના કોઈ અવયવમાં ધીમો સોજો આવવાનું શરૂ થયું હોય તો શરીર ધીમે-ધીમે બૂમો પાડતું રહે પણ એનો અવાજ આપણી સભાનતામાં પહોંચે જ નહીં. સોજો અને ઇરિટેશન લાંબો સમય એમ જ રહે એટલે ધીમે-ધીમે અવયવની કાર્યક્ષમતા ઘટવા લાગે. એ પછીથી જ્યારે અચાનક રોગનાં લક્ષણોનો ધડાકો થાય ત્યારે આપણે ઊંઘતાં ઝડપાઈએ.

આવું ક્રોનિક ઇન્ફ્લમેશન ન થાય એ માટે પાચન-વ્યવસ્થા સ્વસ્થ રાખવી જોઈએ. તાજેતરમાં અમેરિકાની વિસ્કૉન્સિન-મૅડિસન યુનિવર્સિટીના સંશોધકોએ પાચનતંત્રના ઇન્ફ્લમેશનને બે હાથ દૂર રાખવા માટે ભોજનમાં યૉગર્ટનો નિયમિત સમાવેશ કરવાનું સૂચન કયુર્ છે. રોજ આઠ ઔંસ એટલે કે લગભગ ૨૨૫ ગ્રામ લો-ફૅટ યૉગર્ટ જમતાં પહેલાં લેવામાં આવે તો એનાથી પાચનતંત્રમાં જ નહીં, શરીરમાં ઓવરઑલ ઇન્ફ્લમેશન થવાની સંભાવના ઘટે છે. આનો ઉત્તમ ફાયદો જોઈતો હોય તો ભોજન પહેલાં ઍપેટાઇઝર તરીકે યૉગર્ટ લેવું જોઈએ. અભ્યાસકર્તાઓએ અમેરિકામાં મેનોપૉઝ દરમ્યાન ક્રોનિક ઇન્ફ્લમેશન ધરાવતી ૧૨૦ મહિલાઓ પર પ્રયોગ કરીને આ તારવ્યું છે. પશ્ચિમના દેશોની ખાણીપીણી, રહેણીકરણી અને આબોહવા ભારતીય સાપેક્ષમાં અલગ છે ત્યારે અમેરિકન નિષ્ણાતોનું આ તારણ ભારતીય પરિપેક્ષ્યમાં કેટલું સાચું છે એ જાણવાની આજે કોશિશ કરીશું.

યૉગર્ટ અને દહીંમાં ફરક શું?


ભારતીયોમાં યૉગર્ટ એટલું ફેમસ નથી. મોટા ભાગે આપણે યૉગર્ટ અને દહીં બન્નેને એક જ સમજીએ છીએ. બન્ને દૂધમાંથી જ બને છે અને સ્વાદની દૃષ્ટિએ બન્નેમાં ખૂબ સામ્ય છે. એ છતાં બન્નેની બનાવવાની પ્રક્રિયા ભિન્ન હોવાથી સેહતની દૃષ્ટિએ બન્નેના ફાયદા થોડાક જુદા છે. દહીં બનાવવા માટે આપણે મેળવણ તરીકે થોડુંક દહીં વાપરીએ છીએ. સહેજ હૂંફાળા દૂધમાં દહીંના ફૉર્મમાં લૅક્ટિક ઍસિડ મેળવવાથી અંદર નૅચરલી બૅક્ટેરિયલ ગ્રોથ થાય છે અને દૂધ જામીને દહીં બને છે. યૉગર્ટ બનાવવા માટે ગરમ કરીને ઠારેલા દૂધમાં બે પ્રકારના બૅક્ટેરિયાનું કલ્ચર ઉમેરવામાં આવે છે. આ બૅક્ટેરિયાને કારણે દૂધમાં ફર્મેન્ટેશન થાય છે અને એ જામી જાય છે. બૅક્ટેરિયલ ફર્મેન્ટેશનને કારણે દહીંની સરખામણીએ યૉગર્ટ થોડુંક ઓછું સૉલિડ હોય છે. ટેક્સ્ચરના ફરક ઉપરાંત એમાં બૅક્ટેરિયલ પ્રૉપર્ટીનો પણ ફરક હોય છે. ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘ઘરે બનાવેલું દહીં એ દૂધનું સુપાચ્ય સ્વરૂપ છે. બીજી તરફ યૉગર્ટ એ બૅક્ટેરિયલ કલ્ચરથી બનતું હોવાથી એ નૅચરલી જ પ્રોબાયોટિક હોય છે. પ્રોબાયોટિક એટલે આપણી પાચન-વ્યવસ્થા માટે જરૂરી સારા બૅક્ટેરિયાથી ભરપૂર. એટલું જ નહીં, એની બનાવટ દરમ્યાન એમાં વિશિષ્ટ પ્રોબાયોટિક્સ, વિટામિન્સ અને મિનરલ્સ ઉમેરી શકાય છે જેને કારણે યૉગર્ટ સુપાચ્ય હોવા ઉપરાંત શરીરની માઇક્રો-ન્યુટ્રિઅન્ટ્સની કમી પણ પૂરી કરી શકે છે.’

ક્રોનિક ઇન્ફ્લમેશન કઈ રીતે ઘટે?

દૂધમાંથી યૉગર્ટ કઈ રીતે બને છે એ જાણ્યા પછી એ પાચનતંત્ર માટે કઈ રીતે ઉપયોગી થાય છે એ સમજવું સરળ છે. પ્રોબાયોટિક યૉગર્ટમાં સારા બૅક્ટેરિયા હોય છે જે આંતરડાંની અંત:ત્વચા પરનું ઇરિટેશન અને સોજો વગેરે ઘટાડી શકે છે. જ્યારે પેટમાં ખરાબ બૅક્ટેરિયાનો ફેલાવો વધે છે ત્યારે એ ખોરાકમાંથી પોષક તkવોને ઍબ્સૉર્બ થવામાં અવરોધ ઊભો કરે છે. આ બૅક્ટેરિયા આંતરડાંની અંત:ત્વચામાં ઊતરીને લોહીમાં ભળે છે અને રક્તવાહિનીઓને અફેક્ટ કરે છે. પેટમાંના ખરાબ બૅક્ટેરિયા લોહી વાટે શરીરમાં ફરીને કોઈ પણ ભાગમાં ઇન્ફ્લમેશન પેદા કરી શકે છે. ખરાબ બૅક્ટેરિયા મરે એ માટે પણ પેટમાં સારા બૅક્ટેરિયા જવા જરૂરી છે જે યૉગર્ટમાંથી મળી રહે છે. યૉગર્ટમાંના સારા બૅક્ટેરિયા સૌથી પહેલાં તો ખરાબ બૅક્ટેરિયાનો ખાતમો બોલાવે છે અને આંતરડાંની ત્વચા દ્વારા અન્ય અપદ્રવ્યો લોહીમાં ભળતાં હોય તો એ પણ અટકાવે છે. યૉગર્ટ ઍપેટાઇઝર તરીકે ખાવાથી ફાયદો વધુ થઈ શકે છે એમ માનતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘તમે ભોજનની સાથે યૉગર્ટ લો તો એનાથી પાચન સુધરે છે, પરંતુ જો ખાલી પેટે યૉગર્ટ લો તો એનાથી જઠર અને આંતરડાંની અંત:ત્વચા તૈયાર થઈ શકે છે. પ્રોબાયોટિક્સનો નૅચરલ ખજાનો ખાલી પાચનતંત્રમાં જાય તો એને અંત:ત્વચાના ડૅમેજને સુધારવા માટે પૂરતો સમય મળી રહે છે.’

શું દહીં ખાવાથી આવો જ ફાયદો થાય? એ વિશે જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘યૉગર્ટની સરખામણીએ દહીંમાં પ્રોબાયોટિક પ્રૉપર્ટી ઓછી છે, પરંતુ પાચનતંત્રનું ઇન્ફેક્શન ઘટાડવું હોય તો દહીં ખાવાથી પણ ફાયદો થાય જ. યૉગર્ટ જેટલી ઝડપથી ન થાય, પરંતુ લાંબા ગાળે જરૂર ફાયદો થાય. ઍપેટાઇઝર તરીકે અથવા તો જમવામાં પહેલી ચીજ તરીકે દહીં લેવામાં આવે તો લૉન્ગ-ટર્મમાં જરૂર એનાથી ફાયદો થાય. યૉગર્ટ અને દહીં બન્ને પ્રોટીન અને કૅલ્શિયમની પૂર્તિ માટે બહુ જ સારાં છે. નાનાં બાળકો, કસરત કરતા યુવાનો અને મેનોપૉઝમાં જ્યારે કૅલ્શિયમની ઊણપ ઊભી થવાની સંભાવનાઓ વધારે હોય છે ત્યારે આ બન્ને ચીજો ભોજનમાં કે ભોજન પહેલાં જરૂર લેવી જોઈએ. બીજું, જ્યારે પણ ઍન્ટિ-બાયોટિક દવાઓ ચાલતી હોય ત્યારે દૂધ પચવામાં ભારે પડી શકે છે, પરંતુ દહીં કે યૉગર્ટ લેવાથી દવાઓની અસર પણ ઝડપી થશે અને પેટમાંનાં સારા બૅક્ટેરિયાનો નાશ થતો પણ અટકશે.’

ઇન્ફેક્શન અને ઇન્ફલમેશનની દવા


દહીં વષોર્થી પેટ અને પાચનની તકલીફોમાં છૂટથી વપરાયું છે એ વિશે વાત કરતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જ્યારે પણ પાચન ખરાબ થયું હોય ત્યારે દહીં અપાય છે. ઝાડા થયા હોય કે મરડો, પેટમાં ચૂંક આવતી હોય કે કબજિયાત, દહીં પાચન-વ્યવસ્થાને ઠેકાણે લાવવામાં મદદ કરે છે. આયુર્વેદ દરેક સીઝનમાં છૂટથી દહીં ખાવાની હિમાયત નથી કરતું, પરંતુ જ્યારે પણ મરડો કે ડિસેન્ટ્રી જેવી તકલીફ થાય ત્યારે દહીં વપરાય છે. મરડો, ઝાડા કે ડિસેન્ટ્રી ત્યારે થાય છે જ્યારે આંતરડાંમાં આમ અને ખરાબ બૅક્ટેરિયાનો ભરાવો હદ કરતાં વધી જાય છે. આવા સમયે આયુર્વેદમાં દિવસો સુધી માત્ર દહીં-જીરું અને ભાતનું જ ભોજન કરવાનું કહેવાયું છે. આયુર્વેદમાં કાચું દહીં જમ્યા પછી નહીં, જમતાં પહેલાં જ ખાવાનું કહેવામાં આવ્યું છે. દહીં પિત્તકારક છે એટલે બને ત્યાં સુધી ખાટું ન હોવું જોઈએ. સાવ મોળું દહીં કફ વધારે છે એટલે દહીં તાજું હોય અને છતાં ખાટું ન હોય એનું ધ્યાન રાખવું જરૂરી છે.’

દહીં કે યૉગર્ટની પસંદગીમાં શું કાળજી રાખવી?

પ્રોબાયોટિક યૉગર્ટ ખરીદતી વખતે એમાં ઍડેડ શુગર ન હોય એનું ધ્યાન રાખવું.

દહીંમાં પણ ખાંડ નાખીને ન લેવું.

યૉગર્ટ કે દહીંને ગરમ કરીને ન લેવાં. જોકે ફ્રિજમાંથી તરત જ કાઢેલું ચિલ્ડ યૉગર્ટ કે દહીં ન લેવું.

સીઝન મુજબ દહીંનું સેવન


વસંત, શરદ, હેમંત અને શિશિર ઋતુમાં દહીંનું સેવન ઓછી માત્રામાં કરવું.

વર્ષાઋતુમાં દહીંની અંદર ચપટીક નમક નાખીને લેવું,

ગ્રીષ્મ અને શરદઋતુમાં આમળાં અને ખડી સાકર જેવાં દ્રવ્યો મેળવવાં.

કોઈ પણ સીઝન હોય, દહીં સાંજના છ વાગ્યા પછી ભોજનમાં ન લેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK