કોઈ પણ સમયે ખાઈ ન શકાય હેલ્ધી વસ્તુઓને

એ સમયે એ ખાઓ તો જ એ ગુણ કરે છે એટલે કે એનું પોષણ તમને પૂરું મળે છે. જો એ એના ખોટા સમયે ખાવામાં આવે તો એ શરીરને નુકસાન કરે છે. આમ ફક્ત એ જોવું મહત્વનું નથી કે ખોરાક હેલ્ધી છે કે નહીં, પરંતુ એ પણ જોવું જરૂરી છે કે એ લેવાનો સમય સાચો છે કે નહીંજિગીષા જૈન

સમયને માન આપવું ખૂબ જરૂરી છે. ઘણી વાર તમે સાંભળ્યું હશે કે કામ તો બરાબર કર્યું હતું, પરંતુ એ સમય ખોટો હતો. ગમે તેટલા સારા આશયથી કરવામાં આવતું કામ પણ જો યોગ્ય સમયે ન થયું હોય તો ફળ આપતું નથી. એ જ રીતે ખોરાકમાં પણ સમજવું જરૂરી છે. ખોરાક હેલ્ધી છે એટલે ગમે ત્યારે ખાઈ શકાય એવું હોતું નથી. દરેક ખોરાકનો ખાવાનો એક નિãત સમય હોય છે. એ સમયે જો તમે એ ખોરાક ખાઓ તો જ એ ગુણકારી ગણાય છે. પહેલાંના સમયમાં આ બધી બાબતોનું ખૂબ મહત્વ હતું. જમવું ક્યારે, ફળો ક્યારે ખાવાં, પાણી ક્યારે પીવું આ બધી બાબતોના પણ નિયમો હતા અને એ નિયમો કઠોર લાગતા નહોતા, કારણ કે એ જીવનશૈલી સાથે વણાયેલા હતા. આજે જાણીએ ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ પાસેથી. આપણે દૈનિક જીવનમાં ખાવામાં આવતા ખોરાકનો યોગ્ય સમય શું છે અને એ કયા સમયે ન જ ખાવો જોઈએ.

અખરોટ

સાચો સમય - સવારે ઊઠ્યા પછી કે નાસ્તામાં : આમ તો કોઈ પણ પ્રકારનાં ડ્રાયફ્રૂટ્સ અત્યંત હેલ્ધી હોય છે, પરંતુ હંમેશાં એ ધ્યાન રાખવું જરૂરી છે કે એ પચવામાં ભારે હોય છે. વળી સવારે ઊઠીને પલાળેલા અખરોટ ખાવાથી એમાં રહેલું ઓમેગા ૩ ફૅટી ઍસિડ શરીરને સીધું ઍબ્ઝૉર્બ કરવામાં સરળતા રહે છે.

ખોટો સમય - રાત્રે : અખરોટ કે બીજાં કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ રાત્રે ખાવાં નહીં, કારણ કે એ પચવામાં અત્યંત ભારે હોય છે. રાત્રે એનું પાચન બરાબર ન થાય તો એનું પોષણ પૂરું મળતું નથી.

દૂધ

સાચો સમય - રાત્રે સૂતાં પહેલાં : ગરમ દૂધ શરીરને એકદમ સૂધિંગ અસર આપે છે. રિલૅક્સ કરે છે. એક કપ દૂધમાં એક ચમચી ખાંડ નાખીને પીવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. ઘણા લોકોને લાગે છે કે રાત્રે દૂધ ભારે પડે છે તો એમાં તમારી તાસીર મુજબ રાત્રે દૂધ ન લો. બાકી મોટા ભાગના લોકોને જો દૂધ પીવું હોય તો રાત્રે જ પીવાય. જો હળદરવાળું દૂધ પીશો તો પણ ઘણું જ સારું ગણાશે.

ખોટો સમય - સવારે : સવારમાં દૂધ ભારે પડે છે. ઘણાં બાળકો એક ગ્લાસ દૂધ પી જાય છે અને એને કારણે નાસ્તો કરતાં નથી. રાત આખીના બ્રેક પછી સવારે ઊઠીને કંઈક ખાવું વધુ જરૂરી છે. દૂધને કારણે બ્રેકફાસ્ટ છોડો એ પણ બરાબર નથી. વળી સવારે ઊઠીને ફળ ખાવું જોઈએ, જેની સાથે દૂધ લેવાય નહીં. આમ સવારનો સમય દૂધનો નથી. તમારી વર્ષોથી આદત હોય તો એ ધીમે-ધીમે છૂટશે, પરંતુ એ છોડવી મહત્વની છે.

કેળું


સાચો સમય - બપોરે : બપોરના સમયે ખાવામાં આવે તો કેળાં ઍન્ટસિડનું કામ કરે છે. એટલે કે શરીરનો વધારાનો ઍસિડ શાંત કરે છે. એ ફાઇબરયુક્ત છે, જે પાચનમાં મદદ કરે છે. આમ કેળાં બપોરે જમ્યા પછી ચારેક વાગ્યે ખાવાં ઉત્તમ ગણાશે. આ ઉપરાંત તમે એક્સરસાઇઝ કરતાં પહેલાં કે કર્યા પછી પણ જો કેળાં ખાઓ તો એ વધુ સારું ગણાય.

ખોટો સમય - રાતે કે ઊઠીને તરત: કેળાં રાત્રે ખાઈએ તો શરીરમાં કફ વધારે છે અને શરદી કરી શકે છે. વળી જો ખાલી પેટે ખાઈએ તો કેળાં ભારે પડી શકે છે, કારણ કે એમાં રહેલું મૅગ્નેશિયમ પચાવવું અઘરું છે.

rice

ભાત

સાચો સમય - બપોરના જમવામાં : ભાતનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વધુ છે એટલે એને પચાવવા માટે સમય મળે એ જરૂરી છે. આ ઉપરાંત વ્યક્તિનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયા બપોરના સમયે વધુ સ્ટ્રૉન્ગ હોય છે. આ સમયે ભાત ખાઈએ તો એનું પોષણ પૂરું મળે છે.

ખોટો સમય - રાત્રે : રાત્રે ભાત ખાવા ભારે પડી શકે છે, કારણ કે રાત્રે જ્યારે તમે ભાત ખાઓ છો ત્યારે એ મળેલી એનર્જી‍ કામ લાગતી નથી. રાત્રે ભાત ખાઈએ તો ફૅટ જમા થવાની શક્યતા વધુ રહે છે. જો ખાવા જ પડે એમ હોય તો ખીચડીના ફૉર્મમાં ખાવા અને એ પણ સાંજે ૭ વાગ્યા પહેલાં.

દેશી દૂધની ચા

સાચો સમય - સાંજે ૪-૫ વાગ્યે : ચાનો જે સમય છે એ જમ્યા પછીનો રાખો તો વધુ સારું છે. એ સમયે વાતાવરણમાં ડલનેસ હોય છે. જમ્યા પછી જો થોડો સમય સૂઈ જવાની આદત હોય તો ઊઠીને ચા પીવી સારું રહેશે, જેથી આળસ જતી રહે. એ સમયે ચા ખાસ ઍસિડિટી પણ નહીં કરે.

ખોટો સમય - સવારે ઊઠતાંની સાથે : સવારે ઊઠતાંની સાથે ચા પીવાની આદત અત્યંત ખોટી છે. ખાલી પેટે જ્યારે તમે ચા પીઓ છો ત્યારે એ પિત્તને વધારે છે. ઍસિડિક બને છે અને નુકસાન કરે છે. એટલે ચા સવારે ન પીવી. પીવી જ હોય તો ૧૦-૧૧ વાગ્યે લઈ શકાય. બાકી આખા દિવસની એક ચા ઘણી છે, જે સાંજે પી શકાય.

દહીં

સાચો સમય - દિવસના સમયમાં : દહીં અત્યંત હેલ્ધી પદાર્થ છે, પરંતુ એનો ખાવાનો સમય દિવસનો છે. સવારે નાસ્તા સાથે કે બપોરે જમતી વખતે દહીં લઈ શકાય છે. દહીં આ સમયે ખાવાથી પાચનને બળ આપે છે અને સારા અને ઉપયોગી બૅક્ટેરિયામાં વધારો કરે છે. જો તમને દહીં થોડું પણ નડતું હોય એમ લાગે તો એને વઘારીને ખાવું, જેથી એ નડે નહીં.

ખોટો સમય - રાતના : રાત્રે દહીં ન ખાવું જોઈએ એવું આયુર્વેદ વર્ષોથી માનતું આવ્યું છે. ખાસ કરીને જે લોકોને કફ વધુ હોય, મેદસ્વી હોય એવા લોકોએ દહીં રાત્રે ન જ ખાવું.

ખાંડ

સાચો સમય - સવારે કે દિવસના સમયે : શુગરમાં રહેલી એનર્જી‍ તમારે પચાવવી જરૂરી છે એટલે કે એને વાપરવી જરૂરી છે. આ એનર્જીને આપણે દિવસના સમયે વધુ ઉપયોગમાં લઈ શકીએ. દિવસે બે ચમચી શુગર લઈ લીધી તો એ નૉર્મલ છે. એમાં તકલીફ થવાની શક્યતા નગણ્ય છે.

ખોટો સમય - રાતના : શુગરની એનર્જી‍ રાત્રે વાપરી શકાતી નથી એટલે એ ફૅટમાં પરિણમે છે. દૂધમાં એક ચમચી શુગર હજી ચાલી જાય, પરંતુ જો તમે રાત્રે કોઈ મીઠાઈ ખાધી કે રાત્રે ૧૨ વાગ્યે બર્થ-ડે કેક ખાધી તો ઊંઘમાં તકલીફ પડી શકે છે. શુગરને કારણે એટલી એનર્જી‍ શરીરમાં આવી જાય છે કે એ તમને સારી ઊંઘ લેવા દેતી નથી.

pulses

દાળ કે કઠોળ

સાચો સમય - બપોરે : દાળ કે કઠોળ હંમેશાં બપોરે જ ખાવાં જોઈએ. એનું કારણ એ છે કે દાળ કે કઠોળ પ્રોટીનનો રિચ સોર્સ છે, જે આપણા ખોરાકમાં અનિવાર્ય છે. પ્રોટીન તમારા શરીરમાં પૂરતી માત્રામાં જાય એ માટે એને પૂરતા પ્રમાણમાં ખાવાં જરૂરી છે.

ખોટો સમય - સવારે અને રાત્રે : સવારમાં ઊઠીને દાળ કે કઠોળ ખાવાં ભારે પડી શકે છે. એટલે જ જો નાસ્તામાં પણ કઠોળ ખાવાનાં હોય તો એ ફણગાવેલાં વાપરવામાં આવે છે જેથી એ સરળતાથી પચે. બીજું એ કે સવારે જો તમે કઠોળ નાસ્તામાં ખાઓ જેમ કે મિસળ-ઉસળ કે છોલે-પૂરી ઘણા લોકો સવારે ખાતા હોય છે પછી તે બપોરે જમી શકતા નથી. એ બ્રન્ચ જેવું થઈ જાય છે. વળી આ પ્રકારનો નાસ્તો સવારે ૮ વાગ્યે કરી શકાતો નથી. રાત્રે તો કઠોળ ઘણાં ભારે પડે. ખાસ કરીને છોલે, રાજમા, ચોળી જેવાં કઠોળ તો ઘણાં જ ભારે પડે છે.

apple

સફરજન

સાચો સમય - સવારે : સવારે ઊઠીને એક સફરજન ખાવાની આદત ખૂબ જ હેલ્ધી છે. એમાં એ ધ્યાન રાખવાનું છે કે સફરજન ત્યારે જ ખાવાં જ્યારે એની સીઝન હોય. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલાં સફરજન આપણે ત્યાં હવે બારે માસ મળે છે. એ ખાવાનો આગ્રહ ન રાખો.

ખોટો સમય - સાંજે કે રાત્રે : સફરજનમાં રહેલો ઑર્ગેનિક ઍસિડ પેટમાં ઍસિડની માત્રા વધારે છે. વળી એમાં રહેલા પેક્ટિનનું પાચન કરવું રાત્રે અઘરું પડી જાય છે એટલે સફરજન સવારે ખાવું જ સારું ગણાશે. રાત્રે આમ પણ ફળોનું પાચન અઘરું છે. કાચો ખોરાક રાત્રે ન ખાવાનો આગ્રહ આયુર્વેદમાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK