સ્ત્રીઓ કિડનીનું દાન કરવામાં આગળ છે, પરંતુ જ્યારે તેમને કિડનીની જરૂર હોય ત્યારે?

અંગદાન કરીને પણ પરિવારને બચાવતી સ્ત્રીઓ ખૂબ મહાન છે; પરંતુ એ મહાન સ્ત્રીઓ એટલી જ બિચારી પણ છે કારણ કે જ્યારે તેમને કિડનીના દાનની જરૂર પડે છે ત્યારે પરિવારજનો તૈયાર થતા નથી. એટલે જ રોગ સમાન રીતે બન્નેને થતો હોવા છતાં ટ્રાન્સપ્લાન્ટ પુરુષોનાં વધુ અને સ્ત્રીઓનાં ઓછાં થાય છે. સ્ત્રી ત્યાગની મૂર્તિ છે, પરંતુ જ્યારે તેને બીજાના ત્યાગની જરૂર પડે છે ત્યારે શું? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સાથે-સાથે વર્લ્ડ કિડની ડે પણ છે ત્યારે કિડનીના માધ્યમથી સમજીએ આપણા સમાજની સ્ત્રીઓ અને તેમની હેલ્થની થતી ઉપેક્ષાને

kidney

World Kidney Day - જિગીષા જૈન

બાળકો, પતિ, સાસુ-સસરા કે ઘરની કોઈ પણ વ્યક્તિનું ધ્યાન ઘરની સ્ત્રી રાખતી હોય છે. કામવાળાને પણ કંઈ તકલીફ હોય તો તે તેને પણ મદદ કરતી હોય છે. દરેકની હેલ્થ વિશે વિચારતી, તેમની કાળજી રાખતી અને માંદા પડ્યે તેમની સેવા કરતી સ્ત્રી પોતે પોતાનું ધ્યાન કેટલું રાખે છે? સ્ત્રીનો સ્વભાવ જ જાણે કે એવો છે કે તે પોતાના વિશે પછી અને બીજા વિશે પહેલાં વિચારે છે. જોકે આ બાબતે પણ અપવાદ હોવાનો, પરંતુ અહીં આપણે મોટા ભાગની સ્ત્રીઓની વાત કરી રહ્યા છીએ. સ્ત્રીનું ધ્યાન કોઈ નથી રાખતું એવી ફરિયાદ સમાજમાં મોટા ભાગનાં ઘરોમાં જોવા મળે છે. જો ઘરમાં બીજી સ્ત્રી હોય એટલે કે સાસુ હોય કે તેની પોતાની મમ્મી હોય કે પછી દીકરી મોટી થઈ ગઈ હોય તો તે તેનું ધ્યાન રાખતી હોય છે. બાકી ઘરની કોઈ બીજી વ્યક્તિ માંદગીમાં સાથ આપી શકે એવું ભાગ્યે જ બનતું હોય છે. એવું તો ન કહી શકાય કે પુરુષ સહિષ્ણુ નથી હોતો; પરંતુ માંદગીમાં જે રીતે એક વ્યક્તિની કાળજી લેવાની હોય છે, તેના ખાવા-પીવાનું, તેની દવાઓનું ધ્યાન રાખવું કે તેની કાળજી કઈ રીતે રાખવી એ ભારતીય સમાજમાં પુરુષોને શીખવવામાં આવતું નથી. એ વર્ષોથી સ્ત્રીનાં જ કામ રહ્યાં છે. જોકે ડૉક્ટર પાસે લઈ જવાનું કામ તો ભારતીય પુરુષો કરતા જ હોય છે, પણ અહીં વાત એ છે કે સ્ત્રી માંદી હોય તો તે જતાવતી પણ નથી કે તે માંદી છે, તેને કોઈ તકલીફ થઈ રહી છે. પોતે સહન કરે છે અને ક્યાં તો અવગણના, જેને કારણે નિદાનમાં મોડું થઈ જતું હોય છે. કેટલાંક ઘરોમાં આજે પણ એવું છે કે બધાનું ઍન્યુઅલ ચેકઅપ કરવાનું યાદ રાખતી સ્ત્રી પોતાનું ચેકઅપ કરાવતી નથી. બધાને તાજું બનાવીને ખવડાવતી સ્ત્રી પોતે કાલનું ઠંડું ફ્રિજમાં પડેલું પણ ખાઈ લે છે. થાક લાગતો હોય તો પણ કામ ઢસડે અને સવારે સૌથી વહેલી ઊઠે, પણ વૉક પર જવાનો સમય તેને ક્યારેય ન મળે. આજે સ્ત્રીઓનો દિવસ છે, ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે. સાથે-સાથે આજે વર્લ્ડ કિડની દિવસ પણ છે.

૬ લાખ સ્ત્રીઓ દર વર્ષે મરે છે


કિડનીની હેલ્થની વાત કરીએ તો મોટા ભાગે કિડની એક એવું અંગ છે જે સ્ત્રી અને પુરુષ બન્નેમાં સમાન રીતે કામ કરે છે. અમુક કારણો છે જેને લીધે સ્ત્રીઓમાં કિડનીના અમુક પ્રકારના પ્રૉબ્લેમ્સ વધુ જોવા મળે છે. જોકે હકીકત એ છે કે કિડનીનો પ્રૉબ્લેમ સ્ત્રી અને પુરુષ બન્નેને સમાન રીતે જ આવે છે અને બન્નેને એકસરખા ઇલાજની જરૂર પડે જ છે. ક્રોનિક કિડની ડિસીઝ સ્ત્રી અને પુરુષ બન્નેને અસર કરતો રોગ છે જે ધીમે-ધીમે વ્યક્તિના શરીરમાં વધતો જાય છે. આંકડાઓ મુજબ દર વર્ષે દુનિયાભરમાં ૧૯.૫૦ કરોડ સ્ત્રીઓને આ રોગ થાય છે અને છ લાખ સ્ત્રીઓ દર વર્ષે આ રોગને કારણે મૃત્યુ પામે છે. સ્ત્રીઓમાં થતાં મૃત્યુનાં કારણોમાં કિડની ડિસીઝ આઠમા નંબરે આવે છે. અમુક રિસર્ચ મુજબ આ રોગનું પ્રમાણ ૧૪ ટકા સ્ત્રીઓ અને ૧૨ ટકા પુરુષોમાં જોવા મળે છે. આમ સ્ત્રીઓમાં એનું પ્રમાણ વધુ જોવા મળે છે. છતાં ડાયાલિસિસ લેતા લોકોમાં પુરુષોની સંખ્યા વધુ હોય છે. આનાં કારણોમાં જે મુખ્ય કારણ સામે આવે છે એ છે સ્ત્રીઓની હેલ્થ બાબતે પરિવાર કે સમાજમાં રહેલી ઉદાસીનતા.

સ્ત્રીઓમાં રોગનું કારણ

કિડની ડિસીઝ આમ તો બન્નેમાં થતો જણાય છે, પરંતુ સ્ત્રીઓમાં આ રોગ થવાનું મુખ્ય કારણ જણાવતાં ઝેન હૉસ્પિટલ, ચેમ્બુરના નેફ્રોલૉજિસ્ટ ડૉ. વિશ્વનાથ બિલ્લા કહે છે, ‘સ્ત્રી બીમાર હોય તો પણ તેને પોતાના ઘરનાં અને પરિવારનાં કામોથી છુટ્ટી મળી શકતી નથી. આ કારણસર જ તેને કોઈ જગ્યાએ થોડું પણ પેઇન થયું કે કોઈ તકલીફ થઈ તો તે ડૉક્ટર પાસે જવાને બદલે, ઇલાજ કરાવવાને બદલે અનુકૂળ આવે એટલી પેઇનકિલર્સ ખાઈને કામ ચલાવતી હોય છે. આ વધુપડતી પેઇનકિલર્સ જ છે જે કિડનીને ડૅમેજ કરવામાં મોટો ભાગ ભજવે છે. આ બાબતે જાગૃતિ જરૂરી છે. આ સિવાય પ્રેગ્નન્સી સમયે બ્લડ-પ્રેશરની સમસ્યા જે સ્ત્રીઓમાં આવે છે એ સ્ત્રીઓને કિડનીની તકલીફ આવવાનું રિસ્ક ઘણું મોટું હોય છે. આ બાબતે પણ જાગૃતિની જરૂર છે. પહેલાં બ્લડ-પ્રેશરની તકલીફ સ્ત્રીઓમાં વધુ જોવા મળતી નહીં, પરંતુ આજકાલ વધતા સ્ટ્રેસને કારણે સ્ત્રીઓ પણ નાની ઉંમરમાં આ રોગનો શિકાર બનતી ચાલી છે.’

ઇલાજ પ્રત્યે ઉદાસીનતા

ડાયાલિસિસ માટે સ્ત્રીઓ ઘણી ઓછી આવે છે એ બાબતે વાત કરતાં ગ્લોબલ હૉસ્પિટલના નેફ્રોલૉજિસ્ટ અને નર્મદા કિડની ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભરત શાહ કહે છે, ‘આપણે ત્યાં એવું છે કે એક સ્ત્રી બીમાર હોય તો એ બાબતે પરિવારજનો ખાસ ચિંતા નથી કરતા. સ્ત્રી પોતે પણ આ બાબતે ખાસ ચિંતા નથી કરતી અને જેમ છે એમ ચાલવા દેતી હોય છે. કિડનીની તકલીફ મોટા ભાગે પ્રોગ્રેસિવ હોય છે એટલે કે ધીમે-ધીમે વધે છે. એ એકદમ જ સામે આવતી નથી કે જેમાં તાત્કાલિક ડૉક્ટર પાસે જવું પડે. આ રોગ એવો છે જેમાં જલદી નિદાન એનો ઉપાય છે અને સ્ત્રી રેગ્યુલર ચેકઅપ બાબતે ઉપેક્ષા સેવતી હોય છે. પતિ બીમાર હોય તો તેને પોતે કહી-કહીને ચેકઅપ કરાવશે, પરંતુ પોતાની હેલ્થ બાબતે ઉપેક્ષા સેવે છે એટલે જ સ્ત્રીઓમાં આ રોગ વધુ ઘાતક સાબિત થાય છે. મોટા ભાગે પુરુષો બહાર કામ કરવા જાય છે અને કંપનીમાં હેલ્થ ચેકઅપ ફરજિયાત હોય છે. આ કારણસર પણ પુરુષોની સારવાર સમયસર થવાની શક્યતા વધુ રહે છે. વળી સ્ત્રીના ઇલાજ પ્રત્યે પણ ઘણા પરિવારોમાં ઉપેક્ષા સેવાય છે. સમયસર ઇલાજ ન કરાવીએ તો આ રોગ જીવલેણ સાબિત થાય છે.’

કિડની-ડોનેશનમાં પણ સ્ત્રી જ આગળ

ક્રોનિક કિડની ડિસીઝનો એક કાયમી ઇલાજ કિડની-ટ્રાન્સપ્લાન્ટ છે જે ખર્ચાળ છે એટલું જ નહીં, એના માટે કિડની-ડોનરની પણ જરૂર પડે છે. આ બાબતે પણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ટ્રાન્સપ્લાન્ટ વધુ થાય છે. એટલું જ નહીં, ડોનેશનની વાત આવે ત્યાં પણ સ્ત્રીઓ એમાં આગળ છે. આપણી સ્ત્રીઓ કિડની ડોનેટ કરવામાં આગળ છે, પરંતુ ડોનેશન મેળવવામાં ઘણી પાછળ છે. તેને કિડની આપવા તૈયાર થનારા લોકો ઓછા છે. આ વાતને સર્પોટ કરતાં ડૉ. વિશ્વનાથ બિલ્લા કહે છે, ‘અમારે ત્યાં કોઈ દરદી આવે તો અમારે તેને સમજાવવાનું હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ સેફ છે અને એ જ એકમાત્ર રસ્તો છે જેનાથી દરદીને બચાવી શકાય. ઘરના લોકો જો કિડની ડોનેટ કરવા તૈયાર થાય તો એનાથી બેસ્ટ કંઈ જ નથી. મોટા ભાગે અમે જોઈએ છીએ કે ઘરની સ્ત્રીઓ પુરુષો માટે કિડની આપવા તૈયાર થઈ જતી હોય છે એટલું જ નહીં, તેને મનમાં એવો ભાવ પણ નથી હોતો કે તે કેટલું મોટું કામ કરી રહી છે. તેને મન એ વ્યક્તિને બચાવવી ઘણી મહત્વની હોય છે. અફસોસ એ વાતનો છે કે જ્યારે દરદી સ્ત્રી હોય ત્યારે પુરુષો તરફથી આવો પ્રતિભાવ હંમેશાં મળતો નથી. મોટા ભાગના લોકો બહાનાં બનાવતાં હોય છે કે હું એકલો જ કમાનારો છું અને જો મને કંઈ થઈ ગયું તો પછી પરિવારનું શું? આ બહાનાં આમ જુઓ તો સ્ત્રી માટે પણ લાગુ પડે છે, પરંતુ આવાં બહાનાં સ્ત્રીઓ બતાવતી નથી.’

ટ્રાન્સપ્લાન્ટના કેટલાક આંકડા


ટ્રાન્સપ્લાન્ટમાં સ્ત્રી કિડની દાનમાં આપવામાં આગળ છે, પરંતુ તેને દાન મળતું નથી એ વાતની સાબિતી માટે જાણીએ ડૉ. ભરત શાહ પાસેથી કેટલાક આંકડાઓ.

છેલ્લાં ચાર વર્ષ એટલે કે ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં ગ્લોબલ હૉસ્પિટલ, પરેલમાં ૨૭૪ કિડની-ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં. એમાં ૧૪ કૅડેવર ટ્રાન્સપ્લાન્ટ હતાં. કૅડેવર ટ્રાન્સપ્લાન્ટ એટલે મૃત વ્યક્તિ જ્યારે કિડની ડોનેટ કરે અને એ સરકારી લિસ્ટ મુજબ વ્યક્તિને મળે ત્યારે થતું ટ્રાન્સપ્લાન્ટ. આ સિવાયનાં ટ્રાન્સપ્લાન્ટમાં એટલે કે ૨૬૦ ટ્રાન્સપ્લાન્ટમાંથી ૨૦૪ પુરુષોનાં અને ૭૦ સ્ત્રીઓનાં ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. આ ટ્રાન્સપ્લાન્ટ એવાં છે જેમાં ઘરની કે પરિવારની વ્યક્તિ જ દરદીને કિડની દાન આપી શકે અને એ દાન મળે તો જ ટ્રાન્સપ્લાન્ટ થાય. અમુક રિસર્ચ મુજબ ક્રોનિક કિડની ડિસીઝનું પ્રમાણ ૧૪ ટકા સ્ત્રીઓ અને ૧૨ ટકા પુરુષોમાં જોવા મળે છે. આમ સ્ત્રીઓમાં કિડની ડિસીઝ વધુ પ્રમાણમાં છે. જો વધુ ન સમજીએ અને એટલા જ પ્રમાણમાં હોય તો પણ ટ્રાન્સપ્લાન્ટની જરૂર જેટલી પુરુષોને પડી હોય એટલી જ સ્ત્રીઓમાં હોવી જોઈએ. છતાં આંકડાઓ દેખાડે છે કે પુરુષોમાં ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા સ્ત્રીઓ કરતાં બમણીથી પણ વધુ માત્રામાં છે. આ ટ્રાન્સપ્લાન્ટમાં દરદીને કિડની દાનમાં આપનારા લોકો કોણ હતા કે દરદી સાથેનો તેમનો સંબંધ શું હતો એ જોવા જેવો છે.

પિતા - ૨૩

માતા - ૪૯

ભાઈ - ૩૩

બહેન - ૩૮

પતિ - ૧૫

પત્ની - ૭૬

અહીં ૨૩૪ કેસની વાત છે. બાકીના કેસમાં થોડા દૂરના સંબંધીઓએ કિડની દાનમાં આપી હતી. આ આંકડાઓને સમજીએ તો માતા-પિતા કે ભાઈ-બહેન જેવા લોહીના સંબંધોમાં પણ સ્ત્રીઓ જ કિડની દાન કરવા આગળ આવી છે. જો પોતાના બાળકને કિડનીની તકલીફ હોય તો માતા-પિતા બન્નેની એ જવાબદારી છે કે પોતાની કિડની આપીને તેને બચાવે, પરંતુ આ જવાબદારીમાં બમણીથી પણ વધુ માતાઓ આગળ નીકળેલી દેખાય છે. પતિ અને પત્નીનો સંબંધ ભારતીય સંસ્કૃતિમાં તો ઘણો જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આપણે ત્યાં સ્ત્રીની સદા રક્ષા કરવાના સોગંદ લેનારા પતિદેવોમાં ૧૫ જ નીકળ્યા જેમણે તેમની કિડની આપીને પોતાની પત્નીનો જીવ બચાવ્યો. એની સામે યમરાજા સામે લડીને પોતાના પતિના પ્રાણની રક્ષા કરવાના સંસ્કાર મેળવેલી ભારતીય પત્નીઓ ૭૬ નીકળી જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના કિડની આપીને પતિની રક્ષા કરી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK