ગેમિંગની લત એક માનસિક રોગ છે એનાથી બચવું ખૂબ જરૂરી છે

પાંચ વર્ષથી લઈને ૬૦ વર્ષના લોકો મોબાઇલ, વિડિયોગેમ કે કમ્પ્યુટર પર ગેમ રમતા જોવા મળે છે. જોકે અમુક લોકો માટે આ ફક્ત શોખ પણ નહીં લત બની જાય છે જેને લીધે તેમના રોજિંદા જીવનમાં અડચણો શરૂ થાય છે. ૨૦૧૮માં જ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન ગેમિંગ ડિસઑર્ડરને એક માનસિક રોગ તરીકે સ્વીકારવા સજ્જ બન્યું છે ત્યારે સમજીએ એની ગંભીરતા વિશે

gaming

જિગીષા જૈન

કેસ-૧


૩૪ વર્ષની નીના તેના દસ વર્ષના ચૈતન્યથી ઘણી જ પરેશાન હતી. આખો દિવસ વિડિયોગેમમાં ઘૂસેલો રહેતો તેનો દીકરો હવે સાવ અતડો રહેવા લાગ્યો હતો. તેને નીચે રમવા જવાનું કે બહાર ફરવા જવાનું કે કોઈ સગાંસંબંધીની પાર્ટીમાં જવાનું ગમતું જ નહી. ઘરમાંથી બધા જ જાય, પરંતુ ચૈતન્ય ન જાય. તે ઘરે જ રોકાવાની જીદ કરે. વેકેશનમાં તો સવારથી રાત સુધી ગેમ લઈને જ બેઠો રહેતો. કોઈ તેની સાથે ગેમની વાત કરે તો તેને રસ પડતો. બાકી વિષયોમાંથી તેનો રસ જ ઊડી ગયો હતો. ગેમ તો તે નાનો હતો ત્યારથી જ રમતો, પરંતુ ધીમે-ધીમે તેનો આ શોખ ક્યારે લતમાં પરિણમ્યો એની તેને અને તેના ઘરના લોકોને ખબર જ ન પડી. ભણવા પર ખૂબ વધુ અસર પડી ત્યારે માતા-પિતા જાગ્યાં અને હાલમાં તેની ટ્રીટમેન્ટ ચાલે છે.

કેસ-૨


બૅન્ગલોરમાં રહેતા ૨૭ વર્ષના એક એન્જિનિયરની ગર્ભવતી પત્ની તેનું ઘર છોડીને જતી રહી. તે પોતાના પતિની પાસે જવા જ નહોતી માગતી અને ડિવૉર્સ સુધીની માગણી કરી રહી હતી. કારણ ફક્ત એક હતું તેના પતિને ગેમિંગનું લાગેલું ભૂત. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી કંપનીમાં કામ કરતો તેનો પતિ સવારે દસથી રાત્રે આઠ વાગ્યા સુધી કામ પર જતો. ઘરે આવતાં નવ વાગતા. આવીને ફ્રેશ થઈને જમીને તે ગેમ રમવા બેસી જતો. શરૂઆતમાં પત્નીને થતું કે આ તેની થાક ઉતારવાની રીત છે, પરંતુ રાત્રે દસથી બાર-એક વાગ્યા સુધી તે માણસ ફક્ત ગેમ રમ્યા કરતો. તેની પત્ની થાકીને સૂઈ જતી. ઘણી વાર તેમણે આ તકલીફની ચર્ચા કરી, પરંતુ સમજવા છતાં પતિ તેની આ લતને સુધારી શકતો નહોતો. પ્રેગ્નન્સી આવી ત્યારે પણ પત્નીને સમય આપવાને બદલે તે ગેમ્સમાં જ મસ્ત રહેતો. એટલો મસ્ત રહેતો કે પત્નીને ડૉક્ટર પાસે ક્યારે જવાનું છે એ બાબતે પણ ધ્યાન આપતો નહીં. આમ ઝઘડાઓ વધતા ચાલ્યા. એક ડૉક્ટરે સલાહ આપી કે આ માણસને ડિવૉર્સની નહીં, આ લત છોડાવવાની જરૂર છે. ત્યારે સમજદાર પત્ની ઘરે આવી અને છેલ્લા છ મહિનાથી સતત આ ગેમિંગની લત છોડાવવાનો પ્રયાસ ચાલે છે.

હાલમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા ૨૦૧૮માં જાહેર કરવામાં આવનારા અગિયારમા ઇન્ટરનૅશનલ ક્લાસિફિકેશન ઑફ ડિસીઝમાં ગેમિંગ ડિસઑર્ડરને એક મેન્ટલ હેલ્થ કન્ડિશન તરીકે અપનાવવામાં આવશે. આ ગાઇડમાં આ રોગનાં ચિહ્નો, એનાં વિશિક્ટ લક્ષણો, નિદાન અને ઇલાજ વિશેની બાબતોનો ઉલ્લેખ હશે. એના વિશેનો ડ્રાફ્ટ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જે મુજબ ગેમિંગ બિહેવિયરને કારણે જીવનની બીજી પ્રાથમિકતાઓ પર અસર પડે છે. અમુક દેશોએ આ તકલીફને મેજર હેલ્થ-ઇશ્યુ તરીકે પહેલેથી જ સ્વીકારી લીધી છે. એવું પહેલી વાર બનશે કે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન પણ એને માનસિક તકલીફ તરીકે ગણકારશે. યુનાઇટેડ કિંગડમમાં તો આ રોગને ઠીક કરવા માટે સ્પેશ્યલ ક્લિનિક્સ હોય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા એને એક રોગ તરીકે સ્વીકારવામાં આવશે ત્યારે ચોક્કસપણે એના નિદાન અને ઇલાજ પ્રત્યે સમગ્ર દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થશે અને હજારો લોકોને મદદ મળી રહેશે એવી આશા મેડિકલજગતમાં સેવાઈ રહી છે.

ગેમિંગનો સામાજિક સ્વીકાર છે પ્રૉબ્લેમ

ગેમિંગ ડિસઑર્ડરની અંદર વિડિયોગેમ, ઇન્ટરનેટ પર રમાતી ગેમ, મોબાઇલ ગેમિંગ અને કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર રમાતી ગેમના ઍડિક્શનનો સમાવેશ થાય છે. આ પ્રકારની ગેમ્સ પાંચ વર્ષથી લઈને ૬૦ વર્ષના લોકો સુધી બધા જ રમે છે. છતાં જ્યારે ડિસઑર્ડરની વાત કરવામાં આવે તો એ દસથી લઈને ૩૦ વર્ષના લોકો સુધીમાં વધુ જોવા મળે છે. જોકે આ તકલીફ કોઈ પણ ઉંમરે આવી શકે છે. આ તકલીફ કેમ શરૂ થઈ અને વ્યાપક રૂપમાં ફેલાઈ રહી છે એ બાબતે એકદમ તાર્કિક ઉદાહરણ આપતાં જાણીતા સાઇકોલૉજિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘એક સમય હતો જ્યારે દારૂને પાપ સમજવામાં આવતું. ધીમે-ધીમે સમાજિક સ્વીકાર વધ્યો એટલે લોકો કહેવા લાગ્યા કે બિઅર હેલ્ધી છે, એક પેગ પીવાથી કંઈ થાય નહીં વગેરે. આજની તારીખે જો ૧૮ વર્ષનો છોકરો તેના મિત્રો સાથે જઈને પાર્ટીમાં દારૂ પીએ તો માતા-પિતા સ્વીકારી લે છે કે આ તો નૉર્મલ ગણાય. એવું જ કંઈક ગેમનું છે. એક સમય હતો જ્યારે માતા-પિતા વિડિયોગેમથી બાળકને દૂર જ રાખતાં. જે બાળકો એ રમતાં તેમને નઠારાં સમજવામાં આવતાં. આજે બાળક ગૅજેટ્સ લઈને બેઠું હોય તો માતા-પિતા કહે છે કે આ તો ૨૧મી સદીનું બાળક છે, ગૅજેટ્સ તો વાપરવાનું જ; રમે જ છેને, ક્યાં બીજું કઈ કરે છે. એટલું ઓછું હોય એમ ઘણા માને છે કે આ રમતોથી તેમનું બ્રેઇન વિકાસ પામે છે, પરંતુ હકીકત એ છે કે વિજ્ઞાન એ વાત માનતું નથી. જ્યારે ખરાબ આદતોને સામાજિક સ્વીકાર મળવા લાગશે ત્યારે એ ખરાબ આદતોનો ભોગ બનનારા લોકોની સંખ્યા વધવાની જ છે.’

શું કરવું?


ગેમિંગ ડિસઑર્ડર જેમને પણ હોય તેમને કયા પ્રકારના ઇલાજની જરૂર પડી શકે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી, અમુક પ્રકારની દવાઓ કે અમુક કેસમાં તો ફક્ત સોશ્યલ સપોર્ટ દ્વારા રિઝલ્ટ મળતું હોય છે. મહત્વનું એ છે કે આ પ્રૉબ્લેમ આવે જ નહીં એનું ધ્યાન રાખવું. ગૅજેટ્સથી બાળકોને દૂર જ રાખો. મનમાં એ સત્ય ન સ્વીકારો કે આજનાં બાળકો તો ગૅજેટ્સ વાપરશે જ. જો તે ન જમે તો ઇમોશનલ ન થાઓ, બે-ત્રણ કલાક ભૂખ્યા રહેશે તો આપોઆપ ખાઈ લેશે. જો તે જીદ કરે, નખરાં કરે તો તેની જીદ સામે ઝૂકો નહીં. ઘણાં બાળકો લોકો સામે જમીન પર આળોટવા લાગે છે, રાડો પડે છે. તેઓ આવું એટલે કરે છે કારણ કે તેમને ખબર છે કે આવું કરવાથી ડિમાન્ડ પૂરી થાય છે. આવા વર્તનથી શરમ ન અનુભવો. એક વખત જીદ સામે નહીં ઝૂકો તો બીજી કે ત્રીજી વખતે જીદ એની મેળે ઓછી થશે. તમારી થોડી સખ્તી બાળકને ખોટી વસ્તુઓથી દૂર રાખશે. જો તે નાનપણથી ગૅજેટ્સ સાથે જોડાશે તો તેને યુવાન થઈને લત લાગવાનું રિસ્ક ઘણું વધારે રહેશે.’

ગેમિંગ ક્યારે પ્રૉબ્લેમ ગણાય?


ઘણા બાળકો કે યુવાનોને માટે રમવું એક શોખ હોઈ શકે છે અને ક્યારેક કોઈ કેસમાં એ શોખ લત બની જતી હોય છે. કેમ સમજવું કે તમારા બાળકને છે એ લત છે, શોખ નથી? જાણીએ સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ પાસેથી. નીચેનામાંથી કોઈ પણ પ્રકારનાં ચિહ્નો જો તમારામાં કે તમારા બાળકમાં હોય તો એનો અર્થ એ છે કે એમને ગેમિંગ ડિસઑર્ડર હોઈ શકે છે અને એને દૂર કરવા પ્રોફેશનલ હેલ્પની જરૂર છે.

૧. જો તમને લાગે કે તમારું બાળક ખાલી પડે કે તરત જ ગેમ લઈને બેસી જાય છે અથવા જ્યારે જુઓ ત્યારે તેના હાથમાં કોઈ ને કોઈ ગૅજેટ હોય છે જેમાં તે ગેમ ખોલીને બેઠું હોય છે.

૨. જે દિવસે તે ગેમ ન રમી શકે એ દિવસે સખત બેચેન બની જાય. તેને રમે નહીં ત્યાં સુધી ચેન જ ન પડે એવી હાલત થઈ જાય.

૩. પહેલાં એક કલાક રમે અને પછી મૂકી દેતું હોય; પરંતુ હવે તે બે-ચાર-આઠ કલાક પણ ગાળે તો તેને મૂકવાનું મન થાય જ નહીં.

૪. ઘણી વખત યુવાનોને પોતાને પણ ખબર પડે છે કે આ વધુપડતું થઈ રહ્યું છે અને તેઓ સમજીને બંધ કરવા ઇચ્છે, પરંતુ તેમનાથી એ થઈ જ ન શકે. એવો સમય આવે જેમાં તેઓ પોતાને રમતા રોકી શકવા અસમર્થ બની જાય છે.

૫. ગેમને કારણે તેઓ પોતાની બીજી જવાબદારીઓ ન નિભાવી શકે અથવા તેમને નિભાવવી ન ગમે. જેમ કે ભણતર સંબંધિત કે કામકાજ સંબંધિત કે પારિવારિક.

૬. જો તેમને રોકવામાં આવે તો તેમને ખૂબ ખરાબ લાગે. ક્યારેક તેઓ લોકોથી છુપાઈને રમવા લાગે કે જુઠ્ઠું બોલીને ગેમિંગ-પાર્લરમાં જતા રહે.

૭. તેઓ વધુ ને વધુ એકાકી બનતા જાય. તેમને લોકો સાથે વધુ હળવું-ભળવું ન ગમે, ગુસ્સો વધી જાય, ઇરિટેશન વધી જાય, અગ્રેસિવ થઈ જાય. આ પ્રકારનાં જુદાં-જુદાં વર્તનો સંબંધિત તકલીફો આવી શકે છે.

૮. ગેમિંગને કારણે તેમનો ખોરાક ઓછો થઈ જાય કે એના પ્રત્યે રુચિ ઘટી જાય, ઊંઘ પર અસર પડે, સંબંધો પર પણ અસર થાય. જેમ કે મિત્રો ઓછા થઈ જાય, કામ કરવાની ઇચ્છા ન થાય, કોઈ વસ્તુમાં મજા જ ન આવે તો ચેતવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK