કેવી રીતે ઓળખશો ડિપ્રેસ્ડ વ્યક્તિને?

એકના એક શબ્દોનો વારંવાર થતો ઉપયોગ, વાણી કે વર્તનમાં આવેલું અણધાર્યું પરિવર્તન, શરીર તથા પેટની ભૂખમાં થયેલી આકસ્મિક વધઘટ પણ કેટલીક વાર ડિપ્રેશન તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ અને આવાં ડિપ્રેશનનાં જાણીતાં અને ઓછાં જાણીતાં લક્ષણોને ઓળખીને દરદીને સારવાર તરફ દોરી જવો એ પણ એક પ્રકારની સમાજસેવા જ કહેવાય

tamasha

ફાલ્ગુની જડિયા-ભટ્ટ

ડિપ્રેશન, આ શબ્દમાં જ ડિપ્રેશન રહેલું છે. આ શબ્દ પડતાંની સાથે જ આપણી આંખ સામે કોઈ એવી વ્યક્તિની તસવીર આવી જાય છે જે સતત ઉદાસ, નિરાશ અને હતાશ રહેતી હોય; જે સતત નકારાત્મક વિચારોમાં આળોટ્યા કરતી હોય અને મરવાના વાંકે જીવતી હોય. હવેની જીવનશૈલીના પગલે લોકોના જીવનમાં ઘર કરી ગયેલી માનસિક તાણ અને સ્ટ્રેસના વધી ગયેલા પ્રમાણને પગલે આપણી આસપાસ આવા લોકોની સંખ્યા એટલી વધી ગઈ છે કે કેટલીક વાર તો આપણને ખ્યાલ પણ આવતો નથી કે આપણે જેને રોજબરોજ જોઈએ છીએ, મળીએ છીએ, જેમની સાથે વાતો કરીએ છીએ તે વ્યક્તિ વાસ્તવમાં ડિપ્રેશનનો ભોગ બની છે. આનું મુખ્ય કારણ એ કે આપણે જેને ડિપ્રેશન તરીકે જોઈએ છીએ એવાં ઉપરોક્ત લક્ષણો સિવાય પણ બીજાં અનેક એવાં લક્ષણો છે જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોવા તરફ અંગુલીનિર્દેશ કરે છે, પરંતુ જ્ઞાન અને સમજના અભાવે આપણે એમને ઓળખી શકતા નથી અને કેટલીક વાર આપણું આ અજ્ઞાન તે વ્યક્તિની સાથે આપણને પણ ભારે પડી જાય છે. આવું ન થાય એ માટે સ્ટ્રેસ અને ડિપ્રેશનનાં સામાન્ય લક્ષણોની સાથે અસામાન્ય લક્ષણોને પણ સમજી લેવાં આવશ્યક છે.

ડિપ્રેશનનાં સામાન્ય લક્ષણો

આ માટે ચાલો સૌથી પહેલાં તો ડિપ્રેશન શું છે એ સમજી લઈએ. ડિપ્રેશન એક એવી માનસિક બીમારી છે જેનો શિકાર સતત નિરાશ અને ઉદાસ રહ્યા કરે છે. કોઈ કામ કરવામાં તેનું ચિત્ત ચોંટતું નથી. પોતાના રોજિંદા જીવનની પ્રવૃત્તિઓમાંથી તે રસ ગુમાવી બેસે છે. તેનો ઉત્સાહ મંદ પડી જાય છે. તેને બધું નકામું અને નિરર્થક લાગ્યા કરે છે અને તેનો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે. આ લાગણીઓની સીધી અસર તેના કામના સ્થળે, અભ્યાસમાં, અંગત સંબંધોમાં તથા રોજિંદા વ્યવહાર પર પડે છે. કોઈ જ દેખીતા કારણ વગર તેને બધું નકામું લાગવા માંડે છે. રોજિંદાં કામોનો તેને કંટાળો આવે છે. ઉત્સાહ અને ઊર્જા‍ના અભાવે થોડું જ કામ કરીને તે ખૂબ થાકી જાય છે. નિર્ણયો લેવામાં તથા કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ તેને મુશ્કેલી પડે છે એટલે પોતાનાં રોજિંદા કામો પૂરાં કરવામાં તેને તકલીફ પડે છે. તેની ઉંમરના કે તેની આસપાસના લોકો જે કામ આસાનીથી પતાવી નાખે છે એ જ કામો પૂરાં કરવામાં તેને ખૂબ વાર લાગે છે. બલ્કે એ માટે પણ તેણે ખૂબ મહેનત કરવી પડે છે. પરિણામે વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘવાયા કરે છે. તે પોતે જ પોતાની અવહેલના કરવા લાગે છે. નવું કામ કે નવી જવાબદારીઓથી દૂર ભાગ્યા કરે છે. સતત ગુસ્સો, અજંપો તથા માનસિક તાણ તેનો સ્વભાવ બની જાય છે. પરિણામે સમાજમાં તેની છબિ ખરાબ થાય છે તથા અંગત સંબંધો પણ બગડતા જાય છે. આવા લોકોની બીજી ખાસિયત એ હોય છે કે ક્યાં તો તેઓ ખૂબ ઓછું ઊંઘે છે અથવા ખૂબ વધારે ઊંઘે છે. ખોરાકની બાબતમાં પણ ક્યાં તો તેઓ ખૂબ ઓછું ખાય છે અથવા ખૂબ વધારે ખાય છે. પરિણામે તેમનું વજન પણ એકાએક ખૂબ ઘટવા કે વધવા લાગે છે.

કેટલાંક અસાધારણ લક્ષણો


હવે જરા નજર કરીએ ડિપ્રેશનનાં કેટલાંક અસાધારણ લક્ષણો પર. આ મુદ્દા પર પ્રકાશ પાડતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘જરૂરી નથી કે ડિપ્રેશનથી પીડાતી વ્યક્તિ કાયમ ઉદાસ અને લટકેલું મોઢું લઈને જ ફરતી હોય, કામકાજ ન કરતી હોય અને લોકોથી દૂર પોતાની જાતને એક ઓરડામાં બંધ કરીને રાખતી હોય. મોટા ભાગના કિસ્સાઓમાં આમાંનું કશું જ થતું નથી. સામાન્ય રીતે દરદી એ બધું જ કરે છે જે એક સ્વસ્થ વ્યક્તિએ કરવું જોઈએ. બસ, એમાંનું કશું પણ કરવામાં તેનું મન હોતું નથી. ત્યાં સુધી કે એક સમયે જે પ્રવૃત્તિ તેના આનંદ અને રસનો વિષય હતી એ પણ હવે તેને નિરર્થક અને નકામી લાગતી હોય છે. આવી વ્યક્તિઓ ક્યાં તો સ્વભાવે અત્યંત ચીડચીડી અને નાની-નાની વાતે ગુસ્સે થઈ જનારી હોય છે અથવા દરેક વાતમાં પોતાની ભૂલ શોધનારી અને આત્મવિશ્વાસનો અભાવ ધરાવતી હોય છે. આવામાં જો એકાએક તે વ્યક્તિ ઘર છોડીને હિમાલય પર કે કોઈ બીજા ગ્રહ પર જઈને રહેવાની વાતો કરવા લાગે, પોતાનું બધું જ વેચીને ગરીબોને મદદ કરવાની તૈયારીઓ કરવા લાગે, પોતાનું બધું ત્યાગીને સાãત્વક જીવન જીવવાના કે આશ્રમમાં જઈને રહેવાના વિચારો કરવા લાગે, પોતાની વાતોમાં એકનાં એક વાક્યો કે શબ્દો વારંવાર દોહરાવ્યા કરે કે પછી સતત નકારાત્મક વાતો કર્યા કરતી કોઈ વ્યક્તિ એકાએક ખૂબ હસમુખી બની દરેક બાબતમાં મજાકમસ્તી કરવા લાગે તો તેની આ પ્રકારની વર્તણૂકને ચોક્કસ ડિપ્રેશનના અસાધારણ લક્ષણ તરીકે જોવી જોઈએ.’

કેટલીક વાર ડિપ્રેસ્ડ વ્યક્તિ મનમાં ને મનમાં આત્મહત્યાના વિચારો કરતી હોય છે અથવા મનસૂબા પણ ઘડતી હોય છે. તેથી લાંબા સમયથી સતત ચીડચીડી, હતાશ અને નિરાશ રહેતી કોઈ વ્યક્તિ પોતાની યુવાનીના સુંદર દિવસો કુદાવીને ૬૦ કે ૭૦ની ઉંમરે પહોંચી જવાની વાતો કરવા લાગે, ખૂબ સિગારેટ કે દારૂ પીવા લાગે, અકરાંતિયાની જેમ ખાવા લાગે કે પછી કોઈ સાધુની પેઠે ઉપવાસ કરવા લાગે, કુદરતમાં વિહરવાની કે પછી પોતાના પરિવારજનો સાથે સરસમજાના વેકેશન પર જઈ પાછા આવીને નિરાંતે મરવાની વાતો કરવા લાગે તો તેને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ.

સમજ અને સજાગતા એકમાત્ર માર્ગ

ડૉ. હરીશ શેટ્ટીની વાતમાં સૂર પુરાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘હવેના માનસિક તાણથી ભરપૂર સમયમાં ડિપ્રેશનથી બચવાનો એકમાત્ર માર્ગ સમજ અને સજાગતા છે. તમારી આસપાસની વ્યક્તિને ઑબ્ઝર્વ કરો અને તેના વાણી, વર્તન કે વ્યવહારમાં કોઈ આકસ્મિક પરિવર્તન જુઓ તો તરત ચેતી જાઓ. યાદ રાખો કે ડિપ્રેશનની સારવાર જેટલી ઝડપથી શરૂ કરવામાં આવે એટલી દરદીની સાજો થઈ જવાની સંભાવના વધારે છે. તેથી દરદીની માનસિક સ્થિતિને તમે જરૂર કરતાં વધુ વાંચો એ એક વખત ચાલે, પરંતુ ઓછી આંકવાની ભૂલ ક્યારેક જીવનભરના વસવસામાં પરિણમી શકે છે. તેથી આવી વ્યક્તિને તાત્કાલિક ધોરણે માનસિક રોગોના નિષ્ણાત ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ.’

કેટલાંક અન્ય પરિબળો

ડિપ્રેશન પાછળ પણ અનેક પરિબળો ભાગ ભજવતાં હોવાનું માનવામાં આવે છે. એ બધાંમાંથી સૌથી પહેલું અને મહત્વનું કારણ વ્યક્તિને વારસામાં મળતા કેટલાક જીન્સ ગણાય છે. જેમના પરિવારમાં પહેલેથી જ લોહીના સગપણથી જોડાયેલી કોઈ વ્યક્તિ ડિપ્રેશન, એન્ગ્ઝાયટી કે અન્ય કોઈ પર્સનાલિટી ડિસઑર્ડરથી પીડાતી હોય તેને આ બીમારી થવાની શક્યતા હંમેશાં વધારે રહે છે. બીજું મહત્વનું કારણ મગજમાં રહેલાં કેટલાંક ન્યુરોટ્રાન્સમીટર્સ એટલે કે કેમિકલ્સને માનવામાં આવે છે. સંશોધનોમાં જાણવા મળ્યું છે કે આ ન્યુરોટ્રાન્સમીટર્સના પ્રમાણ તથા ગુણવત્તામાં થયેલું પરિવર્તન વ્યક્તિના મૂડ પર અસર કરે છે, જેને કારણે તેના સ્વભાવમાં પરિવર્તન આવતું જાય છે. એ સિવાય આર્થિક સંકળામણ કે વધુપડતું સ્ટ્રેસ જેવી તાણજનક પરિસ્થિતિઓ પણ ઘણી વાર દરદી માટે સ્ટ્રેસ અને ડિપ્રેશનનું કારણ બનતી હોય છે. કેટલીક વાર પીડાજનક બાળપણ, જેમાં બાળક શારીરિક કે માનસિક શોષણનો ભોગ બન્યું હોય કે પછી જેમાં વાલીઓ પોતાનાં બાળકોને સમજવામાં અસમર્થ રહ્યા હોય તેઓ પણ આગળ જતાં આ બીમારીનો ભોગ બની શકે છે.

ધીરજ અને સમજદારીપૂર્વક કામ લો


છેલ્લે ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘આ દવાઓની અસર દેખાતાં ઓછામાં ઓછાં બેથી આઠ અઠવાડિયાંનો સમય લાગે છે અને દરદીની માનસિક પરિસ્થિતિમાં બદલાવ આવ્યા બાદ પણ ઓછામાં ઓછું એક વર્ષ આ દવાઓ ચાલુ રાખવી આવશ્યક છે. બલકે દરદીની આવશ્યકતા અનુસાર ક્યારેક દવા બદલવાની શક્યતા પણ ઊભી થાય છે તો ક્યારેક એક વર્ષથી લાંબો સમય કે પછી જીવનભર પણ દવાઓ લેવાની જરૂર ઊભી થઈ શકે છે, પરંતુ ધીરજ અને સમજદારીપૂર્વક કામ લેવામાં આવે તો ફાયદો ચોક્કસ થાય છે.’

સારવાર સરળતા અને સહજતાથી ઉપલબ્ધ


હવેના સમયમાં ડિપ્રેશનની સારવાર સરળતા અને સહજતાથી ઉપલબ્ધ છે, જેમાં ડૉક્ટર દવાઓની સાથે સાઇકોથેરપીનો પણ ઉપયોગ કરતા હોય છે. આ બન્નેમાં દવાઓ તરીકે સામાન્ય રીતે દરદીને સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર્સ, સેરોટોનિન ઍન્ડ નોરેપાઇનફરાઇન રીઅપટેક ઇન્હિબટર્સ તથા ટ્રાઇસાઇક્લિક ઍન્ટિ-ડિપ્રેસન્ટ તરીકે ઓળખાતી મગજનાં કેમિકલ્સને કાબૂમાં રાખતી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી બાજુ ડૉક્ટરો દરદીને તાણજનક પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરવો, પોતાને ન ગમતી બાબતનો મક્કમતાપૂર્વક કેવી રીતે અસ્વીકાર કરવો, કેવી રીતે નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોમાં પરિવર્તિત કરવા, કેવી રીતે સમસ્યાનું સમાધાન કરવાના યોગ્ય રસ્તાઓ શોધવા વગેરેની તાલીમ આપે છે. વધુમાં દરદીને નિયમિત ધોરણે યોગ તથા કસરત કરીને શરીર તથા મનને રિલૅક્સ કરવાની ટેક્નિક્સ પણ શીખવવામાં આવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK