કૅન્સરથી મૃત્યુ પામનારા લોકોમાં ૨૭ ટકાને હોય છે ફેફસાંનું કૅન્સર

સ્મોકિંગ આ રોગ પાછળનું મુખ્ય કારણ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રોગ નૉન-સ્મોકર્સમાં પણ જોવા મળી રહ્યો છે. આજે આપણે જાણીએ આ રોગનાં કારણો અને ગંભીરતા

cancer

જિગીષા જૈન

નવેમ્બર મહિનો સમગ્ર દુનિયામાં લંગ કૅન્સર અવેરનેસ મન્થ તરીકે ઊજવાય છે. કૅન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે અને શરીરના કોઈ પણ ભાગમાં થયેલું કૅન્સર એ ભાગમાંથી જુદા-જુદા ભાગોમાં ફેલાઈ શકે છે. કૅન્સર પાછળનાં ખાસ કારણો આપણે જાણતા નથી અને જે અમુક કારણો જ્ઞાત થયાં છે એ કારણો જાણવા છતાં આપણે એનાથી મુક્તિ મેળવી શકતા નથી અથવા તો મેળવવા માગતા જ નથી. મોટા ભાગના લોકોના જીવનમાં કૅન્સર વણમાગ્યો શ્રાપ બનીને આવી જાય છે તો કેટલાક લોકો પોતાની અયોગ્ય કુટેવોને લીધે એને પોતાના જીવનમાં ખાસ આમંત્રણ આપી બોલાવતા હોય છે. આજે આ રોગને થોડો નજીકથી સમજવાની કોશિશ કરીએ.

જર્નલ ‘થોરૅક્સ’માં પ્રકાશિત થયેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે બધાં કૅન્સરમાં લંગ એટલે કે ફેફસાંનું કૅન્સર એવું છે જેનું નિદાન કરવું અઘરું છે. ૨૦માંથી ૧ ફેફસાંના કૅન્સરનો દરદી એવો હોય છે જેના મૃત્યુ પછી જ ખબર પડે છે કે આ વ્યક્તિનું ફેફસાંના કૅન્સરને કારણે મૃત્યુ થયું છે એટલું જ નહીં, ૩૦ ટકા લોકોના નિદાનમાં એટલું મોડું થઈ જાય છે કે નિદાન બાદ તેમની પાસે જીવવા માટે ફક્ત ૩ મહિના જ બચે છે અને ૧૦ ટકા એવા છે જેઓ નિદાનના ૧ મહિનામાં જ મૃત્યુ પામે છે. આ રિસર્ચમાં ૨૦,૧૪૦ ફેફસાંના કૅન્સરના દરદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એના નિદાન વિશે જાણતાં પહેલાં એ સમજીએ કે આ રોગ થવા પાછળનાં કારણો શું છે અને પછી જાણીએ આ રોગનું નિદાન શા માટે અઘરું છે.

સ્મોકિંગ

ભારતીય સ્ત્રીઓમાં પહેલા નંબરે બ્રેસ્ટ-કૅન્સર, બીજા નંબરે સર્વાઇકલ કૅન્સર અને ત્રીજા નંબરે ફેફસાંનું કૅન્સર આવે છે. નવાઈની વાત એ છે કે સ્ત્રી અને પુરુષ બન્નેમાં કૅન્સરને કારણે મૃત્યુ પામવામાં સૌથી પહેલા નંબરનું ફેફસાંનું કૅન્સર છે. આ કૅન્સર થવા પાછળનાં કારણો જણાવતાં ડૉ. ગણપતિ ભટ કહે છે, ‘ફેફસાંનું કૅન્સર થવાના મુખ્ય કારણમાં સ્મોકિંગ પહેલા નંબરે આવે છે. જે લોકો સ્મોકિંગ કરે છે એમાંથી ૯૦ ટકા લોકોને પોતાના જીવનકાળ દરમ્યાન ફેફસાંનું કૅન્સર થાય જ છે. બાકીનાં અમુક મહત્વનાં કારણોમાં પૅસિવ સ્મોકિંગ અને હવાનું પ્રદૂષણ પણ આવે છે. બીજી વ્યક્તિના સ્મોકિંગનો ધુમાડો જ્યારે આપણા શ્વાસમાં જાય ત્યારે તે આપણાં ફેફસાંને એટલું જ નુકસાન પહોંચાડે છે જેટલું સ્મોકિંગ કરનાર વ્યક્તિને પહોંચાડે છે. આમ સ્મોકિંગથી દૂર રહો અને સ્મોકિંગ કરનારા લોકોથી પણ દૂર રહો એ ખૂબ જરૂરી છે. ઘણાં રિસર્ચ અને મેડિકલ સાયન્સના પ્રયત્નો દ્વારા આજે કૅન્સરનો ઘણો સારો ઇલાજ શક્ય બન્યો છે, પરંતુ હજી પણ મેડિકલ સાયન્સ ત્રીજા અને ચોથા સ્ટેજ પર પહોંચી ગયેલા કૅન્સર સામે લડી શકતું નથી. માટે જલદી નિદાન અને ઇલાજ પર નર્ભિર રહેવાને બદલે મહત્વનું છે કે વ્યક્તિ એનાથી કઈ રીતે બચી શકે છે એના પર ધ્યાન આપે.’

બીજાં કારણો

આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં એવો સમય હતો કે લગભગ ૮૦ ટકા લંગ કૅન્સરના દરદીઓ સ્મોકર્સ જ હતા, પરંતુ આજે એવા દરદીઓની સંખ્યા પણ ઘણી વધારે જોવા મળે છે જેને સ્મોકિંગની આદત નથી, પરંતુ છતાં તેઓ લંગ કૅન્સરનો ભોગ બન્યા હોય. આ બાબતે સમજાવતાં એશિયન કૅન્સર ઇãન્સ્ટટuૂટના ઑન્કોસર્જ્યન  પદ્મશ્રી ડૉ. રમાકાંત દેશપાંડે કહે છે, ‘હવામાં પ્રદૂષણ વધતું જાય છે અને એ પ્રદૂષણની અસર ફેફસાં પર થાય એને કારણે કૅન્સરનું રિસ્ક ઘણું વધી જાય છે એટલું જ નહીં, કોઈ પણ પ્રકારનું ફેફસાંનું ઇન્ફેક્શન થયું હોય તો પણ એવી વ્યક્તિને ફેફસાંનું કૅન્સર થવાની સંભાવના વધારે રહે છે. આ ઇન્ફેક્શન દરમ્યાન ફેફસાંના કોષો અસરગ્રસ્ત થયા હોવાને કારણે એમાં ભવિષ્યમાં કૅન્સર ડેવલપ થવાનું રિસ્ક રહે છે. આ ઇન્ફેક્શન્સમાં સૌથી મહત્વનું છે ટીબી. ટીબીને કારણે કૅન્સર થાય એવું નથી, પરંતુ જે લોકોને ટીબી થયો હોય એવા લોકોને ભવિષ્યમાં કૅન્સરનું રિસ્ક વધુ રહે છે, કારણ કે એ કોષો પર અસર થયેલી હોય છે. એ સિવાય જે લોકો પૅસિવ સ્મોકિંગનો ભોગ બને છે એ લોકોને પણ આ રોગ થવાની શક્યતા રહે છે. આમ સ્મોકર્સ પર તો રિસ્ક છે જ, પરંતુ નૉન-સ્મોકર્સને પણ આ રોગ થવાની શક્યતા રહે છે.’

નિદાન કેમ અઘરું?

એ હકીકત છે કે કૅન્સરનું જો શરૂઆતના સ્ટેજમાં નિદાન થયું હોય તો વ્યક્તિને બચાવવી સરળ બને છે. ખાસ કરીને જો એ પ્રથમ સ્ટેજ પર હોય તો, પરંતુ ફેફસાંના કૅન્સરમાં મોટા ભાગે દરદી મોડા પડતા હોય છે. શું ફેફસાંના કૅન્સરનું નિદાન કરવું અઘરું છે? એવાં કયાં કારણો છે જેને લીધે ફેફસાંના કૅન્સરનું નિદાન સરળ બનતું નથી? આવા પ્રશ્નોના જવાબ આપતાં અંધેરીની હૉલી સ્પિરિટ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ મેડિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. નિર્મલ રાઉત કહે છે, ‘એ હકીકત છે કે ફેફસાંના કૅન્સરનું નિદાન કરવું બીજા કૅન્સરની સરખામણીમાં અઘરું છે. એનું સૌથી પહેલું કારણ એ છે કે ફેફસાં શરીરનો અંદરનો ભાગ છે, જેમ કે મોઢાનું કૅન્સર હોય તો એ શરીરની બહારનો ભાગ છે જેને જોઈને કૅન્સરની ગાંઠ છે એ દેખાઈ જાય છે કે પછી બ્રેસ્ટ-કૅન્સર હોય તો એને દબાવતાં જ ગાંઠ છે એ સમજી શકાય છે, પરંતુ ફેફસાંમાં આવું થતું નથી. બીજું કારણ એ છે કે ફેફસાં શરીરનો એક મોટો ભાગ છે જેમાં કૅન્સરને ફેલાવા માટે ઘણીબધી જગ્યા હોય છે. જ્યાં સુધી કૅન્સરના કોષો સમગ્ર ફેફસાંમાં વધુ માત્રામાં ફેલાઈ ન જાય ત્યાં સુધી ખાસ કોઈ ચિહ્નો સામે આવતાં નથી. માટે જ પ્રારંભિક તબક્કામાં ફેફસાંના કૅન્સરનું નિદાન અઘરું બને છે.’

બચાવ માટે કોઈ ટેસ્ટ?


સ્મોકિંગ કરનારા લોકોએ સતર્ક થવાની જરૂર છે, કારણ કે સ્મોકિંગ ફેફસાંના કૅન્સર માટે જવાબદાર કારણ છે, પરંતુ કોઈ ટેસ્ટ એવી હોઈ શકે જે નૉર્મલી આવી વ્યક્તિ કરાવતી રહે જેનાથી કૅન્સરનું નિદાન સરળ બની જાય? એનો જવાબ નકારમાં આપતાં ડૉ. રમાકાંત દેશપાંડે કહે છે, ‘કૅન્સરના નિદાન માટે એક્સ-રે કઢાવવો ખૂબ જરૂરી બની જાય છે. એક્સ-રેમાં રેડિયેશન હોય છે જે ખુદ કૅન્સર થવા પાછળ જવાબદાર કારણ છે અને આમ કોઈ પણ રેગ્યુલર સ્મોકરને એવી સલાહ ન અપાય કે દર ૬ મહિને તમે એક્સ-રે કઢાવીને ચેક કરાવતા રહો, કારણ કે સ્મોકરને સ્મોકિંગથી તો નુકસાન થઈ જ રહ્યું છે એની સાથોસાથ રેડિયેશનથી પણ નુકસાન થાય અને કૅન્સરના ચાન્સ વધી જાય. એક્સ-રે ત્યારે જ કઢાવાય જ્યારે એની જરૂર હોય. મોટા ભાગે શરૂઆતનાં લક્ષણો સ્વરૂપે વધુપડતો કફ થાય કે શ્વાસ લેવામાં તકલીફ જણાય અને જો આ લક્ષણો ત્રણ અઠવાડિયાંથી વધુ સમય રહે તો ડૉક્ટરની સલાહ મુજબ એક્સ-રે કઢાવવો યોગ્ય જણાશે. એ સિવાય એક લો ડોઝ સ્પાઇરલ CT સ્કૅન આવે છે. આ ટેસ્ટ જે લોકો હાઈ રિસ્ક કૅટેગરીમાં છે એટલે કે જે લોકો સ્મોકર્સ છે અને જેમની ૫૦ વર્ષથી વધુ ઉંમર છે અથવા જેમને કોઈ પ્રકારનું ફેફસાંનું ઇન્ફેક્શન ભૂતકાળમાં થયું છે એવા લોકો ડૉક્ટરની સલાહ લઈને આ સ્કૅન કરાવી શકે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK