૬૭ ટકા મુંબઈગરાઓનો જરૂરત કરતાં ઓછો છે મસલમાસ

સ્નાયુના નબળા હોવા પાછળનું મુખ્ય કારણ છે ખોરાકમાં પ્રોટીનની કમી. જો એને સશક્ત બનાવવા હોય તો જરૂરી છે કે આપણે દિવસમાં જેટલા ટંક ખોરાક લઈએ એ દરેક ટંકે પ્રોટીનને એમાં સામેલ કરવું. સાથે-સાથે વેઇટ-ટ્રેઇનિંગ પણ સ્નાયુઓને સશક્ત બનાવવા જરૂરી છે. વેઇટ-ટ્રેઇનિંગ ફક્ત બાવડાં ફુલાવવા માટે નહીં, પરંતુ નીરોગી જીવન માટે પણ જરૂરી છે

sonal

જિગીષા જૈન

શું તમે ઇચ્છો છો કે તમે મોટી ઉંમરે પણ એવી જ સ્ફૂર્તિથી ચાલો અને લાકડીના ટેકાની પણ તમને જરૂર ન પડે?

શું તમે ઇચ્છો છો કે તમારી ઇમ્યુનિટી એકદમ સ્ટ્રૉન્ગ રહે અને તમે બીમાર પણ પડો તો જ્યારે બીમારીમાંથી બહાર આવો તો શરીર સાવ નંખાઈ ન જાય, ટકી રહે?

શું તમે ઇચ્છો છો કે તમારા શરીરમાં બિનજરૂરી કૅલરી એકત્ર ન થાય. જેટલી કૅલરી તમે લો એટલી બધી તમારું શરીર વાપરી જ નાખે?

તો તમારે એક બાબત પર ઘણું ધ્યાન આપવું જોઈએ અને એ છે તમારા સ્નાયુને સશક્ત કરવા બાબતે. આપણું શરીર જે હાડમાંસનું બનેલુ છે એમાં માસ એટલે કે હાડકાની ફરતે આવેલા સ્નાયુઓને મજબૂત કરવાની વાત પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે જો તમે ખરેખર એક સારી હેલ્થ પામવા ઇચ્છતા હો. સ્નાયુઓને મજબૂત કરવા માટે મુખ્યત્વે બે બાબતો અત્યંત મહત્વની છે. એક તો સ્નાયુઓને મજબૂત કરવા એને કસવા જરૂરી છે અને બીજું એ કે એ સ્નાયુઓનું ઘડતર કરવા માટે ખોરાકમાં પ્રોટીનની માત્રા યોગ્ય પ્રમાણમાં હોવી જરૂરી છે. આ બન્ને બાબતો પર વ્યવસ્થિત ધ્યાન દેવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે છે.

સ્ટડી

હાલમાં બૉડી કૉમ્પોઝિશન ઍનૅલિસિસ કરતી એક સંસ્થા ઇનબૉડી અને IPSOS નામની એક રિસર્ચ ફર્મે સાથે મળીને ભારતભરનાં શહેરોમાં એક સ્ટડી કરી, જેમાં જાણવા મળ્યું કે મોટા ભાગના ભારતીયોનો મસલમાસ ઓછો છે. આ સ્ટડી દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, લખનઉ, પટના અને હૈદરાબાદ જેવાં શહેરોમાં કરવામાં આવી હતી જેમાં ૩૦-૫૫ વર્ષના કુલ ૧૨૪૩ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્ટડીમાં જાણવા મળ્યું કે ૭૧ ટકા ભારતીયો ખરાબ મસલ માસ ધરાવે છે અને તેમને સ્નાયુઓને સશક્ત બનાવવાની જરૂર છે; કારણ કે સ્નાયુઓ નબળા હોય તો હાડકાં નબળાં થઈ શકે છે, અશક્તિ આવે છે અને મેટાબોલિક હેલ્થ પણ બગડે છે.

પ્રોટીનનું મહત્વ

સ્ટડી અનુસાર જો ફક્ત મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં ૭૩ ટકા પુરુષો અને ૬૧ ટકા સ્ત્રીઓનો મસલમાસ જેટલો હોવો જોઈએ એના કરતાં ઓછો છે. કુલ મળીને જોવા જઈએ તો ૬૭ ટકા લોકોનો મસલમાસ ઓછો છે. અમદાવાદમાં ૭૬ ટકા પુરુષો અને ૬૯ ટકા સ્ત્રીઓ મળીને કુલ ૭૩ ટકા લોકોનો મસલમાસ જરૂર કરતાં ઓછો છે. આ સ્ટડીમાં લોકોના શરીરનું પ્રોટીન-લેવલ પણ ચકાસવામાં આવ્યું હતું, જે અંતર્ગત જાણવા મળ્યું હતું કે મુંબઈના પુરુષોમાં ૬૮ ટકા અને સ્ત્રીઓમાં ૬૨ ટકા પ્રોટીનની કમી નોંધાઈ હતી. જેમના શરીરમાં પ્રોટીનની કમી હોય તેમનો મસલમાસ ઓછો જ હોય. પ્રોટીનની કમી મસલમાસ ઓછો હોવા માટેનાં મુખ્ય કારણોમાંનું એક છે. આ બાબતે વાત કરતાં બેલી વ્યુ હૉસ્પિટલ અને મધર્સ કૅર ક્લિનિક, અંધેરીનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા વર્મા કહે છે, ‘પ્રોટીન આપણા શરીરમાં બિલ્ડિંગ બ્લૉક્સનું કામ કરે છે. એ ખૂબ જ મહત્વનું છે, પરંતુ આપણી રોજિંદી ડાયટમાં આપણે જરૂરી પ્રોટીન લેતા નથી; જેને કારણે સ્નાયુઓ નબળા પડે છે. એની સીધી અસર મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા પર થાય છે. એક વખત મેટાબોલિઝમ પર અસર થઈ તો તમારી હેલ્થ નબળી પડતી જાય છે. એક વ્યક્તિએ તેના વજનના પ્રમાણમાં એટલે કે દર ૧ કિલોએ ૦.૮-૧.૦૦ ગ્રામ જેટલું પ્રોટીન લેવું જ જોઈએ. એટલે કે જો વ્યક્તિ ૭૦ કિલોની હોય તો તેણે એક દિવસમાં ૫૦-૭૦ ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે.’

દરેક ખોરાકમાં પ્રોટીન

હવે આપણે એમ સમજીએ કે આપણને ઍવરેજ ૫૦-૭૦ ગ્રામ પ્રોટીન લેવાની જરૂર છે તો એવું ન થઈ શકે કે બપોરે જમવામાં તમે ૫૦ ગ્રામ દાળ ખાઈ લીધી, કારણ કે એ ૫૦ ગ્રામ દાળ ખાઈ તો લીધી; પરંતુ એ શરીરમાં ઍબ્સૉર્બ પણ થવી જોઈએ. એનો ઉપાય સમજાવતાં શિલ્પા વર્મા કહે છે, ‘આપણા દરેક મીલમાં એટલે કે જેટલા ટંક આપણે ભોજન લઈએ એ બધામાં આપણે પ્રોટીનનો સમાવેશ કરવો રહ્યો. જેમ કે સવારે ઊઠતાંની સાથે ડ્રાયફ્રૂટ્સ, નાસ્તા સાથે દૂધ, બપોરે જમવા સાથે દાળ, સાંજના સ્નૅક્સમાં દાળિયા કે સ્પ્રાઉટ્સ, રાત્રે જમવામાં મગની દાળ કે એની બનાવેલી ખીચડી, દહીં અથવા પનીર પણ લઈ શકાય છે. આમ દરેક ટંકે તમારા ખોરાકમાં થોડું-થોડું પ્રોટીન આવ્યું જ, જે તમારા બીજા ખોરાક સાથે ભળીને શરીરમાં પૂરતું ઍબ્સૉર્બ થાય છે અને શરીરમાં પ્રોટીનની કમી રહેતી નથી.’

વેઇટ-ટ્રેઇનિંગ

મસલમાસ એટલે કે સશક્ત સ્નાયુઓની વાત કરીએ તો લોકોને સીધા બૉલીવુડ હીરોનાં બાવડાં જ દેખાતાં હોય છે અને નહીં તો એક ઍથ્લીટનું શરીર. સશક્ત સ્નાયુઓનો અર્થ ફક્ત બહારથી સુંદર દેખાતા સ્નાયુ જ નથી હોતા. સ્નાયુ ભરાવદાર હોય એ જુદું અને સશક્ત હોય એમાં પણ ફરક. આજકાલના ૧૮-૨૦ વર્ષના છોકરાઓ જિમમાં જાય છે એના કારણે ભરાવદાર બાવડું હોય છે, પરંતુ તમે ફેસબુક પર કે સોશ્યલ મીડિયા પર વેઇટ જે અતિ ભારે ભરખમ હોય એવું જરૂરી નથી; પરંતુ ભારેથી હલકું કોઈ પણ કૅટેગરીનું વેઇટ ઉપાડતી છોકરીઓ જોઈ છે? આ પ્રશ્ન સાથે સમજાવતાં ફિઝિયોશ્યૉર, જુહુનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘આ છોકરીઓ શું કામ વેઇટ ઉપાડતી હશે? બાવડાં બનાવવા તો નહીં જ, પરંતુ તેમના સ્નાયુઓને સશક્ત બનાવવા માટે તે વેઇટ ઉપાડે છે. શું તમે તેના નાનકડા બાળકને લઈને એક્સરસાઇઝ કરતી મમ્મીઓનો વિડિયો જોયો છે કે પછી બાળકને પીઠ પર બેસાડીને પુશ-અપ મારતા પપ્પાઓ જોયા છે? આ પણ સ્નાયુઓને સશક્ત બનાવવાની એક રીત છે. વેઇટ-ટ્રેઇનિંગનો મુખ્ય ઉપયોગ હીરો જેવાં બાવડાં બનાવવા માટેનો નથી, પરંતુ સ્નાયુઓને સશક્ત બનાવવા માટેનો છે. સ્નાયુઓને મજબૂત બનાવવા માટે વેઇટ-ટ્રેઇનિંગથી વધુ અસરકારક કોઈ એક્સરસાઇઝ નથી.’

વેઇટ-ટ્રેઇનિંગથી પ્રૉબ્લેમ?

ઘણા લોકો એવા છે જેમને જિમના નામથી જ ચીડ હોય છે, કારણ કે તેમને એ પ્રકારની એક્સરસાઇઝ નથી ગમતી અથવા તો એવું પણ હોય છે કે જિમની મોંઘી મેમ્બરશિપ દરેક વ્યક્તિને પોસાય પણ નહીં. તો શું કરવું? વેઇટ-ટ્રેઇનિંગનો ખાસ કોઈ પર્યાય છે નહીં. છતાં એના બદલે શું કરી શકાય એ સમજાવતાં ડૉ. વિભૂતિ કાણકિયા કહે છે, ‘સૂર્યનમસ્કાર, દોડવું, પુશ-અપ્સ, પ્લૅન્ક વગેરે એક્સરસાઇઝ એવી છે જેમાં તમે તમારા શરીરના વજનનો જ ઉપયોગ તમારા સ્નાયુઓને સશક્ત બનાવવા માટે કરો છો. કોઈ પણ વ્યક્તિ જેણે જીવનમાં ક્યારેય વેઇટ-ટ્રેઇનિંગ કરી નથી તેણે પહેલાં આ પ્રકારની એક્સરસાઇઝથી શરૂઆત કરવી જોઈએ. પછી ધીમે-ધીમે તે વેઇટ-ટ્રેઇનિંગ ચાલુ કરી શકે છે. વેઇટ-ટ્રેઇનિંગમાં પણ જરૂરી નથી કે તમારાં બાવડાં દેખાય. તમારે લીન બૉડી જ રાખવી હોય તો ઓછું વજન ઉપાડવું, પરંતુ રિપીટેશન વધુ કરવું. જેમ કે હાથની એક્સરસાઇઝ કરતા હો તો બન્ને હાથ પર ક્ષમતા મુજબ ઓછા ૨-૫-૧૦ કિલો વજનથી શરૂ કરી શકાય. વધુ વજનથી ૧૦ વાર રિપીટ કરાતી એક્સરસાઇઝ કરતાં ઓછા વજન સાથે એ જ એક્સરસાઇઝ વીસ વાર કરો જેથી રિઝલ્ટ મળશે અને સ્નાયુ ફૂલેલા નહીં લાગે.’

નાના બદલાવ

પહેલાંના લોકો દરરોજ ઘણી મહેનત કરતા. સ્ત્રીઓ ઘરનાં એટલાં કામ કરતી કે તેમના રસોડાનાં કામ અને ઘરનાં કામમાં તેમના સ્નાયુઓ સશક્ત બની જતા. પુરુષો પણ ખૂબ ભાર ઉપાડતા. આજે હવે આપણે વધુ ને વધુ બેઠાડુ જીવન જીવીએ છીએ. જે લોકો વેઇટ-ટ્રેઇનિંગ નથી કરવા માગતા તેમણે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ ૧ કલાક માટે ચોક્કસ કરવી. ફક્ત ચાલવા જવું પૂરતું નથી. દરેક એક્સરસાઇઝમાં કેટલેક અંશે વેઇટ-ટ્રેઇનિંગ આવે જ છે પછી એ યોગ હોય કે પિલાટેઝ, ઝુમ્બા હોય કે ઍરોબિક્સ. તમારા શરીરનો ભાર તો તમારે જ ઉપાડવાનો છે. આ સિવાય લાઇફ-સ્ટાઇલમાં થોડું પરિવર્તન લાવો. દરરોજની શાકભાજી અને ફળો કે કરિયાણું જાતે ઉપાડીને લાવો. ઘરનાં અને બહારનાં કામો જેટલાં થઈ શકે એટલાં જાતે જ કરો. કઈ ન કરવા કરતાં કંઈ કરવું મહત્વનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK