ડ્રાય ફાસ્ટ કરવામાં શું કાળજી રાખશો?

જોકે આ પ્રક્રિયા આંખ મીંચીને કરવા મંડી પડાય એમ નથી. પાણી વિના શરીર કેવી રીતે કામ ચલાવે છે એ જાણીને આ પ્રકારના ઉપવાસ કરતાં પહેલાં અને પછી કેવી બાબતો ધ્યાનમાં રાખવી એ જાણી લેવું અત્યંત આવશ્યક છે

fast

સેજલ પટેલ - પાર્ટ ૦૨

ગઈ કાલે આપણે મૉડર્ન મેડિસિન દ્વારા સ્વીકાર્ય બની રહેલા ડ્રાય ફાસ્ટિંગના થોડાક ફાયદા જોયા. ખાસ કરીને રમઝાનના રોજા દરમ્યાન મુસ્લિમ દેશોમાં આ વિષય પર સંશોધનો થવાનું સઘન બન્યું છે. ન્યુ યૉર્કસ્થિત ટૉની વાઇડમૅન નામના ઑલ્ટરનેટિવ મેડિસિનના નિષ્ણાત દ્વારા સંકલિત અભ્યાસોના થોડાક મુદ્દાઓ આપણે ગઈ કાલે જોયા એ સાગરમાં બૂંદ સમાન હતા. ડ્રાય ફાસ્ટિંગ એટલે કે પાણી પીધા વિનાના ઉપવાસથી અગણિત ફાયદાઓની સંભાવના જતાવાય છે. પાણી વિના શરીરમાં કેવી પ્રક્રિયા ગતિમાન થાય છે એ સમજીશું તો જ આપણે એ ફાયદાઓને સમજી શકીશું.

બહારથી પાણી ન મળે ત્યારે શરીર આપમેળે પાણી જનરેટ કરવાની કોશિશ કરે છે. સમજો કે તમને દર મહિને ત્રીસ હજારનો પગાર મળે છે તો તમારી જીવનશૈલી એ પગારને અનુરૂપ હશે. પંદર હજાર કે પંચોતર હજારનો પગાર મેળવનારાની જીવનશૈલી એ મુજબની હશે. ધારો કે તમને એક મહિનો પગાર મોડો મળ્યો અથવા તો ઓછો મળ્યો તો તમે શું કરો? તમારી છૂટી બચત ફંફોસો અથવા તો ક્યાં ખોટો ખર્ચો થઈ રહ્યો છે એ તપાસીને એમાં કાપ મૂકો. પૈસા વિના જીવન તરત જ અટકી નથી પડતું. એક્ઝૅક્ટ એવું જ પાણીની બાબતમાં છે. જો શરીરને જેટલા પાણીમાં ચલાવવાની આદત પડી છે એટલું પાણી નથી મળતું તો તરત જ બૉડી સર્વાઇવલ મોડમાં ચાલ્યું જાય છે. કિડની લોહીમાંથી કચરો ગાળીને ઓછું યુરિન બનાવે છે. દરેક અવયવમાં ઓછામાં ઓછું પાણી વાપરવાનું સેટિંગ થઈ જાય છે. જીવન ટકાવી રાખવા માટે જે કોષની જરૂર ન હોય એવા નબળા કે ડૅમેજ થયેલા કોષને પાણી પહોંચાડાતું નથી. આમ શરીરની રક્ષણાત્મક વ્યવસ્થા અતિશય સક્રિય થઈ જાય છે.

fast1

ખરા અર્થમાં શરીર તપે અને ચરબી બળે

ધાર્મિક નિર્જળા ઉપવાસને આપણે ત્યાં તપ કહેવાય છે. તપનો સાદો અર્થ થાય તપવું. શરીરનું કુદરતી તાપમાન જાળવી રાખવા માટે પાણી બહુ જ જરૂરી છે. જ્યારે પાણી નથી મળતું ત્યારે આપમેળે ડ્રાયનેસને કારણે શરીરનું આંતરિક તાપમાન વધે છે. હિન્દુ ધર્મનો પાયો ગણાતા ચાર વેદોમાંના અથર્વવેદમાં ચિકિત્સાશાસ્ત્રની સમજણ આપતી વખતે શરીરને પાણી વિના અંદરથી તપાવવાની આ ક્રિયાનો અગ્નિસ્નાન તરીકે ઉલ્લેખ છે.

ર્સેજેઇ ફિનોલૉવ નામના રશિયન ડૉક્ટર છેલ્લાં વીસ વર્ષથી ડ્રાય ફાસ્ટ દ્વારા દરદીઓને સાજા કરે છે. તેમણે ૪૦૦ પાનાંની એક બુક લખી છે ‘ડ્રાય મેડિકલ ફાસ્ટિંગ : મિથ્સ ઍન્ડ રિયલિટીઝ’. આ પુસ્તકમાં નોંધાયેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે જ્યારે શરીરનું આંતરિક તાપમાન વધે છે ત્યારે ચરબી બળે છે અને ચરબીના કોષોમાંથી મેટાબૉલિક વૉટર પેદા થાય છે. ચરબીના કોષો જ્યારે ફૂલે છે ત્યારે એ સૉફ્ટ બબલ્સ જેવા થઈ જાય છે. એમાંથી પાણી છૂટું પડવાથી એની સાઇઝ સંકોચાય છે. ૧૦૦ ગ્રામ ફૅટમાંથી લગભગ ૧૦૭થી ૧૧૦ ગ્રામ જેટલું પાણી છૂટું પડે છે. ૧૦૦ ગ્રામ કાબોર્હાઇડ્રેટમાંથી ૬૦ ગ્રામ પાણી અને ૧૦૦ ગ્રામ પ્રોટીનમાંથી ૪૨ ગ્રામ પાણી છૂટું પડે છે. ૧૪-૧૬ કલાકના ડ્રાય ફાસ્ટ કરવાના હોય ત્યારે તમે ખાવાના સમયે ભોજનમાં સારી ચરબી વધુ લો અને પ્રોટીન-કાબોર્હાઇડ્રેટ ઓછું લો એ જરૂરી છે. સારી ચરબી લેવાથી શરીર જરૂરી પાણી જાતે જનરેટ કરી શકે છે અને તરસ ઓછી લાગે છે.

તરસ-ડીહાઇડ્રેશનનું જોખમ કેટલું?

બળબળતી ગરમીમાં પાણી ન પીવાની વાત ક્યારેક જોખમી બની જાય એવો ભય કેટલો? આ સવાલ થવો સ્વાભાવિક છે. જોકે વીસ વર્ષના અનુભવી ડૉ. ફિનોલૉવનું કહેવું છે કે ‘જ્યારે ડ્રાય ફાસ્ટની શરૂઆત કરવામાં આવે ત્યારે પહેલા એક-બે દિવસ જ તમને ખૂબ તરસ અને ડીહાઇડ્રેશન જેવું લાગે. એ પછીથી શરીરને એની આદત પડવા લાગે છે. તમે પાણીની સાથે ખોરાક પણ નથી લેતા એટલે ખોરાકનું પાચન કરવાનું મુખ્ય કામ બંધ થઈ જતાં પાણીની અડધી જરૂરિયાત ઘટી જાય છે. આવા સમયે બંધ રૂમમાં રહેવાને બદલે કુદરતી વાતાવરણમાં રહેવાનું વધુ હિતાવહ છે.’

 પહેલાંના જમાનામાં લોકો નિર્જળા ઉપવાસ કરતા ત્યારે ખળખળ વહેતી નદીના કિનારે માત્ર શેલ્ટર જેવું બનાવીને રહેતા. એનું કારણ એ કે જ્યારે તમે શરીરને મોંએથી પાણી ન આપો એટલે ત્વચા આસપાસના વાતાવરણમાંથી મૉઇર અંદર શોષવાનું શરૂ કરે છે. ડ્રાય ફાસ્ટ જો તમે પૉલ્યુટેડ અને ડ્રાય વેધરમાં કરતા હો તો એ વધુ ડિફિકલ્ટ થઈ જાય છે.

ડ્રાય ફાસ્ટ કેવી રીતે કરવો?

કહેવાય છે કે એક દિવસનો ડ્રાય ફાસ્ટ પાણીવાળા ત્રણ ઉપવાસ જેટલું ડીટૉક્સિફિકેશન કરે છે. જોકે આ પ્રક્રિયા શારીરિક શ્રમ, શરીરની સ્થિતિ, બાહ્ય વાતાવરણ, મેન્ટલ સ્ટ્રેસ જેવી ઘણીબધી બાબતોને ધ્યાનમાં રાખીને પછી જ કરવી. ડ્રાય ફાસ્ટિંગ દરમ્યાન દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ રીતે વર્તે છે એટલે જો તમને આદત ન હોય તો એમ જ એકસામટા ત્રણ દિવસના ડ્રાય ફાસ્ટ કરવાનું નક્કી ન કરી લેવું.

સૂકો ઉપવાસ શરૂ કરતાં પહેલાં એકાદ દિવસ ફળોના જૂસ કે શાકભાજીના જૂસ લઈને ફ્લુઇડવાળો ફાસ્ટ કરવો. શરીર કેવું રીઍક્ટ કરે છે એ જોવું અને પછી જ નક્કી કરવું કે તમે હાલમાં ડ્રાય ફાસ્ટ કરવા માટે તૈયાર છો કે નહીં.

શરૂઆતમાં સેમી-સૉફ્ટ ડ્રાય ફાસ્ટ કરવો. દસથી બાર કલાક માટે પાણી ન પીવું. સાંજથી લઈને સવાર સુધી પાણી ન પીવું. જો એમ કરવાનું ફાવી જાય તો જ દિવસ દરમ્યાન પાણી ન પીવાનું નક્કી કરી શકો.

ડ્રાય ફાસ્ટ દરમ્યાન વધુપડતો શારીરિક શ્રમ કે માનસિક કસોટીઓમાં ન પડવું. રૂટીન અને હળવી પ્રવૃત્તિઓ ચાલુ રાખવી.

તમને આરામથી ૧૫-૧૬ કલાકનો સૂકો ઉપવાસ કરવાની આદત પડતી જાય એ પછી તમે કલાકો વધારતા જઈ શકો છો.

પહેલાં અને પછીની કાળજી 

સૂકો ઉપવાસ પૂરો કર્યા પછી નૉર્મલ ડાયટ પર ચડવાનું કામ પણ ધીમેકથી થવું જોઈએ. જો તમે ૩૬ કલાકના ડ્રાય ફાસ્ટ કર્યા હોય તો એ પછીના ૭૨ કલાક તમારે ખાવા અને પીવા બન્નેની માત્રા ઓછી રાખવી જોઈએ. એક ઘૂંટડા પાણીને મોંમાં ફેરવીને ધીમે-ધીમે ઉતારવું અને હળવો ખોરાક જ લેવો.

શરીર પૂરેપૂરું ડ્રાય ફાસ્ટની અસરમાંથી બહાર આવે એ પછીથી પૂરતું પાણી પીને બૉડીને રીહાઇડ્રેટ કરી લેવું. ડ્રાયનેસ અને રીહાઇડ્રેશનની એક સાઇકલ પૂરી થયા પછી જ બીજી વારના ફાસ્ટની સાઇકલ શરૂ કરો એ બહેતર છે.

કોણ કરી શકે અને કોણ નહીં?

જો તમે કોઈક ક્રૉનિક બીમારી માટેની દવાઓ લેતા હો તો ડ્રાય ફાસ્ટ માટે તમે ક્વૉલિફાય નથી થતા.

જેમને વારેઘડીએ માઇગ્રેન અથવા તો અન્ય પ્રકારનો માથાનો દુખાવો થતો હોય તેમણે ડ્રાય ફાસ્ટ કરતાં પહેલાં શરીરને ખાસ તૈયાર ન કર્યું હોય તો સમસ્યા વકરે છે.

જેમને આંખો ડ્રાય થઈ જવાની સમસ્યા રહેતી હોય તેમણે ડ્રાય ફાસ્ટ સળંગ ૨૪-૩૬ કલાકથી વધુ લાંબા સમય માટે ન કરવા.

પ્રેગ્નન્સી દરમ્યાન કે બ્રેસ્ટ-ફીડ કરાવતી મહિલાઓએ કદીય ડ્રાય ફાસ્ટનો પ્રયોગ ન કરવો.

ડ્રાય ફાસ્ટના યુનિક ફાયદા

સૂકો ફાસ્ટ કરવાથી ન્યુરોલૉજિકલ સમસ્યાઓ ધરાવતા વડીલોમાં નવા ન્યુરોન્સ પેદા થવાની સંભાવના વધે છે. શરીરની મૂવમેન્ટ અને સંતુલનમાં ફાયદો થાય છે

શરીરમાં સારા કૉલેસ્ટરોલમાં વધારો થાય છે અને ખરાબ કૉલેસ્ટરોલ ઘટે છે

ઇન્સ્યુલિન ઇન્સેન્સિટિવિટીની શરૂઆત હોય તો એ રિવર્સ થઈ શકે છે. મતલબ કે જો પ્રી-ડાયાબેટિક સ્થિતિ હોય તો ડાયાબિટીઝ પ્રિવેન્ટ કરી શકાય

નિયમિતપણે મહિનામાં એક કે બે વાર સૂકા ઉપવાસ કરવામાં આવે તો કૉરોનરી હાર્ટ-ડિસીઝ અને બ્લડ-પ્રેશર વધવાની સમસ્યા કાબૂમાં રહે છે

ફાસ્ટ દરમ્યાન ખાસ પ્રકારનું ન્યુરોટ્રોફિન પ્રોટીન પેદા થતું હોવાથી મેમરી અને શીખવાની ક્ષમતા સુધરે છે. કુદરતી રીતે જ મેટાબોલિઝમ ઝડપી બને છે એટલે

શરીરનું એનર્જી-મૅનેજમેન્ટ સુધરે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK