શું-શું ખાવાથી હાઇપરટેન્શનને કન્ટ્રોલ કરવામાં મદદ મળશે?

ફક્ત દવા લેવાથી આ રોગની કાળજી પૂરી થતી નથી, લાઇફ-સ્ટાઇલમાં અમુક ફેરફાર પણ જરૂરી છે. અમુક પ્રકારનો ખોરાક છે જે હાઇપરટેન્શનના દરદીઓને તેમના રોગને કાબૂમાં રાખવા માટે મદદરૂપ થાય છે. આજે જાણીએ આ ખોરાક વિશે

tension

જિગીષા જૈન

હાઈ બ્લડ-પ્રેશર આજના સમયનો એવો રોગ છે જેનો વ્યાપ ઘણો વધતો જાય છે અને દુ:ખની વાત એ છે કે જે રોગ ઉંમર સાથે ૫૦ વર્ષ પછી આવવો જોઈએ એ આજના યુવાનોમાં ૩૦-૩૫ વર્ષે જ આવી રહ્યો છે. એનું એક કારણ સ્ટ્રેસ હોઈ શકે છે. સામાન્ય રીતે ઉંમરને કારણે લોહીની નળીઓ પર અસર થાય તો આ રોગ આવે છે, પરંતુ ખરાબ લાઇફ-સ્ટાઇલને કારણે પણ લોહીની નળીઓ પર અસર થઈ રહી છે અને એને કારણે જ આ રોગ નાની ઉંમરે આવી રહ્યો છે. જેટલી મોટી સંખ્યામાં ભારતમાં લોકો હાઇપરટેન્શનનો શિકાર બની રહ્યા છે એ મુજબ સમજી શકાય કે જિનેટિકલી આપણે આ રોગ સાથે સંબંધ ધરાવીએ છીએ. એટલે જ આપણી નાનકડી ભૂલ આપણને આ રોગની ખૂબ નજીક લઈ જાય છે. ખાસ કરીને જમવામાં મીઠું એટલે કે નમકનો વધુ પ્રયોગ, બેઠાડુ જીવન, ઓબેસિટી, વધતું જતું સ્ટ્રેસ, એક્સરસાઇઝનો અભાવ, ડાયાબિટીઝ વગેરે આપણને બ્લડ-પ્રેશરના પ્રૉબ્લેમથી વધુ નજીક લાવે છે અને એક વખત લોહીની નસો પર અસર થવાનું શરૂ થઈ ગયું પછી વ્યક્તિને આ રોગનો ભોગ બનતી અટકાવી શકાતી નથી. જેમના ઘરમાં આ રોગ છે તેમણે ખાસ તેમની લાઇફ-સ્ટાઇલ માટે સતર્ક રહેવું જરૂરી છે.

હાઈ બ્લડ-પ્રેશર જેને પણ થાય તેણે બચેલું આખું જીવન આ રોગની સંભાળ લેવી જરૂરી છે. હાઈ બ્લડ-પ્રેશર રહેતું હોય અને તેમની દવા ચાલુ થાય પછી એ ક્યારેય બંધ થતી નથી. સતત જીવીએ ત્યાં સુધી એ દવા લેવી પડે છે. ઘણા લોકો છે જે એ સમજતા નથી કે આ કોઈ એવો રોગ નથી કે થયો અને દવા લીધી કે મટી ગયો. બીજું એ કે દરરોજની એક ટીકડી બ્લડ-પ્રેશરની લઈ લીધી એટલે તમે છૂટી જતા નથી. તમારે તમારી લાઇફ-સ્ટાઇલમાં પણ જરૂરી બદલાવ કરવા જોઈએ જેથી તમારું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં જ રહે. અમુક એ પ્રકારનો ખોરાક છે જે હાઇપરટેન્શનના લોકો પોતાની ડાયટમાં એટલે કે રોજિંદા ખોરાકમાં સામેલ કરી શકે છે, જેના રેગ્યુલર સેવનથી તેમની હેલ્થમાં ઘણો સુધારો મળે છે. આજે ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા પાસેથી જાણીએ એવા ખોરાક વિશે જે હાઇપરટેન્શનમાં ઉપયોગી થઈ શકે છે. જોકે એ ખોરાક વિશે વાત કરતાં પહેલાં આ બાબતે સ્પક્ટતા કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘અમુક ખાસ ખોરાક છે જે હાઇપરટેન્શનના દરદીઓ માટે ઘણો જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આવું ઘણાં રિસર્ચ પણ સાબિત કરી ચૂક્યાં છે, પરંતુ એનો અર્થ એ નથી કે આ ખોરાક ખાવાથી આ રોગ દૂર થઈ જશે. ખોરાક અને હેલ્થનો સીધો સંબંધ છે અને ઘણા રોગોમાં ખોરાક દવાનું કામ કરે છે, પરંતુ જ્યારે હાઇપરટેન્શન જેવા પેચીદા રોગની વાત થતી હોય ત્યારે રોગમુક્ત થવું અઘરું છે એ યાદ રાખવું જોઈએ. બીજી વાત એ કે આ જે ખોરાકની આપણે વાત કરીએ છીએ એ હાઇપરટેન્શનના દરદીઓને તેમના રોગને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થાય છે. ઘણી વખત દવાઓ લેવા છતાં જો વ્યક્તિ ખાવા-પીવામાં અને અન્ય બાબતોમાં ધ્યાન ન રાખે તો હાઇપરટેન્શનને કન્ટ્રોલમાં રાખવું અઘરું થઈ જાય અને એને કારણે તકલીફ ઊભી થઈ શકે છે.

જાણીએ એવા ખોરાક વિશે જે હાઇપરટેન્શનના દરદીઓ માટે ફાયદારૂપ છે.

લાલ બીટ


બીટમાં નાઇટ્રિક ઍસિડ ખૂબ વધારે માત્રામાં હોય છે, જે લોહીની નળીઓને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. એક રિસર્ચમાં એ સાબિત થયું હતું કે બીટમાં રહેલું નાઇટ્રેટ ફક્ત ૨૪ કલાકની અંદર જ વધેલા પ્રેશરને ઓછું કરવાની ક્ષમતા ધરાવે છે. આવી કોઈ ચમત્કારિક તાત્કાલિક થતી અસરને ન માનીએ તો પણ લાંબા ગાળે પણ બીટનો જૂસ હાઈ બ્લડ-પ્રેશરમાં ઘણો ઉપયોગી છે. બીટને આખું જ ખાઓ તો બેસ્ટ ગણાય. જો કાચું ન ભાવતું હોય અને બાફીને કે સાંતળીને ખાવું હોય તો પણ ચાલે નહીંતર એને મિક્સરમાં પીસી નાખો અને ગાળીને એનો જૂસ બનાવી લો.

બીજ

દરેક પ્રકારનાં બીજ અત્યંત ગુણકારી હોય છે અને બ્લડ-પ્રેશર જેવા જટિલ અને લાંબા ગાળાના રોગમાં અત્યંત ઉપયોગી ગણી શકાય. તલ, અળસી, સૂર્યમુખી, કોળું, તરબૂચ, ચિયા, ચીભડાનાં બીજ કે આ સિવાય પણ કોઈ પણ પ્રકારનાં બીજ સૂકવેલાં બજારમાં મળે જ છે. ૫-૭ પ્રકારનાં બીજ લઈને એને શેકીને ઍરટાઇટ ડબ્બામાં રાખી દેવા. એમાં મીઠું ઉપરથી નાખવું નહીં. એને ફળની ઉપર છાંટીને કે એમનેમ સ્નૅક તરીકે ખાઈ શકાય છે. આ બીજમાં પણ પોટૅશિયમ, મૅગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને એ દરરોજ ૧ ચમચી જેવું લઈ શકાય છે.

સ્કિમ્ડ મિલ્ક અને દહીં

મલાઈ વગરનું પાતળું દૂધ કૅલ્શિયમનો સારો સોર્સ છે. જેમને દૂધ ન સદતું હોય તે દહીં ખાઈ શકે છે. આ બન્ને વસ્તુઓ બ્લડ-પ્રેશર ઓછું કરવામાં ભાગ ભજવે છે.  અમેરિકન હાર્ટ અસોસિએશન એવું માને છે કે જે સ્ત્રીઓ અઠવાડિયાના પાંચ કે તેથી વધુ વાર દહીં ખાય છે તેના પર હાઈ બ્લડ-પ્રેશરનું રિસ્ક વીસ ટકા જેટલું ઘટી જાય છે.

જુવાર, બાજરો અને નાચણી

જે ખોરાકમાં ફાઇબર વધુ, ફૅટ ઓછું અને સોડિયમ પણ ઓછું હોય એવો ખોરાક હાઈ બ્લડ-પ્રેશર માટે બેસ્ટ ગણાય છે. આ ત્રણેય ગુણો જુવાર, નાચણી અને બાજરામાં છે. આપણે ત્યાં ઘઉં અને ચોખા ભરપૂર માત્રામાં ખવાય છે; પરંતુ આ ધાનને બદલીને જુવાર, નાચણી કે બાજરો ખાઈ શકાય છે. આ ત્રણેય ધાન્ય ઘણાં ગુણકારી છે.

કેળાં


કેળાંમાં ભરપૂર માત્રામાં પોટૅશિયમ હોય છે જે પોટૅશિયમ સોડિયમના પ્રમાણને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે. કિડનીમાંથી વધુપડતું સોડિયમ યુરિન વાટે નીકળી જાય એ પ્રક્રિયામાં પોટૅશિયમ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કેળાં બ્લડ-પ્રેશરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી ફળ છે. વળી એ નૅચરલ ફૉર્મમાં છે એટલે સરળતાથી ઍબ્સૉર્બ થઈ શકે છે. જમવા સાથે કેળા લેવાં નહીં. સાંજે ૪ વાગ્યે કેળાં ખાઈ શકાય છે.

લસણ

લસણ શરીરમાં નાઇટ્રિક ઍસિડનું પ્રમાણ વધારે છે, જેને લીધે હાઇપરટેન્શનને કાબૂમાં રાખવું સરળ બને છે. લસણને કારણે લોહીની નળીઓને પહોળી કરવી સરળ બને છે, જેને લીધે બ્લડ-પ્રેશર ઘણું કન્ટ્રોલમાં રહે છે. તમે તમારા રોજિંદા ખોરાકમાં લસણ લઈ શકો છો નહીંતર સવારે ઊઠીને તરત લસણની એક કળી કાચી ખાઈ શકો છો. કોઈ પણ ફૉર્મમાં એ મદદરૂપ ચોક્કસ થશે.

દાડમ

દાડમ પણ અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને એની સીઝન હોય ત્યારે બ્લડ-પ્રેશરના દરદીઓએ લગભગ રોજ જ ખાવું જોઈએ, જેથી ઘણાં સારાં પરિણામ મળી શકે છે.

ડાર્ક ચૉકલેટ

ચૉકલેટ ખાવાનું જો કહેવામાં આવે તો બ્લડ-પ્રેશરના દરદીઓ ખુશ થઈ જશે; પરંતુ હકીકતે આ સાદી ચૉકલેટ નહીં, ડાર્ક ચૉકલેટની વાત થઈ રહી છે જે કડવી હોય છે. જોકે આ કડવી ચૉકલેટ ઘણી હેલ્ધી છે. તાજેતરમાં જ થયેલું એક રિસર્ચ જણાવે છે કે ડાર્ક ચૉકલેટથી બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહેવાને કારણે કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક ઘણું ઘટી જાય છે. જોકે એનું પ્રમાણ જાળવવા જેવું છે.

પિસ્તા


પિસ્તા એક એવું ડ્રાયફ્રૂટ છે જેને કારણે પેરિફેરલ વૅસ્ક્યુલર રેઝિસ્ટન્સ ઘટી રહ્યું છે એટલે કે સાદી ભાષામાં સમજીએ તો લોહીની નળીઓનું ટાઇટ થવું ઘટી રહ્યું છે. નળીના ટાઇટ થવાને લીધે અનિયમિત ધબકારાની સમસ્યા આવતી હોય છે, એનું રિસ્ક પણ ઘટે છે. ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે જે વ્યક્તિ દરરોજ ૩-૫ પિસ્તા ખાય છે તેનું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં રહેવાની શક્યતા ઘણી ઊંચી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK