તમારા પેટનો આકાર ભવિષ્યમાં આવનારી બીમારી નક્કી કરશે

ઓબેસિટી કરતાં પણ જોખમી છે ઍપલ જેવો આકાર ધરાવતું પેટ. જે પુરુષના પેટનો આકાર ઍપલ જેવો હોય તેમણે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે

fat

વર્ષા ચિતલિયા

ઓબેસિટી એવો લાઇફ-સ્ટાઇલ ડિસઑર્ડર છે જેણે વર્તમાન પેઢી પર મોટા પાયે અસર કરી છે. સ્થૂળતા એવી સ્થિતિ છે જે વ્યક્તિના શરીર પર નકારાત્મક અસર કરે છે. સામાન્ય રીતે જે વ્યક્તિનો BMI ૩૦ની ઉપર હોય તેને સ્થૂળ ગણવામાં આવે છે. સ્થૂળ વ્યક્તિને હૃદય સંબંધિત બીમારી ઉપરાંત અનેક પ્રકારના રોગોનો સામનો કરવો પડે છે, પરંતુ થોડા સમય પહેલાં કરવામાં આવેલા એક અભ્યાસમાં નોંધવામાં આવ્યું હતું કે સામાન્ય વજન ધરાવતી વ્યક્તિનું જો પેટ વધારે હોય તો તેને ઓબેસિટી ધરાવતી વ્યક્તિ કરતાં વધારે તબીબી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના શરીરની ઊંચાઈના પ્રમાણમાં તેનું વજન કેટલું હોવું જોઈએ એ દર્શાવતો BMI ૩૦ની નીચે હોય, પરંતુ તેના પેટનો આકાર ઍપલ જેવો હોય એવી વ્યક્તિને હૃદય સંબંધિત બીમારીનું જોખમ સ્થૂળ વ્યક્તિની સરખામણીએ વધારે છે. ધારો કે તમારું વજન ૧૦૦ કિલો છે અને તમારી ઊંચાઈ પાંચ ફુટ પાંચ ઇંચ એટલે કે ૧.૬૫ મીટર છે તો તમારો BMI ૧૦૦ / (૧.૬૫)૨ = ૩૬.૭ થયો. એનો અર્થ તમારા શરીરમાં ફૅટ્સનું પ્રમાણ ખૂબ વધારે છે અને તમે સ્થૂળ છો. હવે જો તમારો BMI ૩૦ની નીચે હોય અને તમારી ગણના સામાન્ય વજન ધરાવતી વ્યક્તિમાં થતી હોય, પરંતુ હિપ કરતાં પેટનો ઘેરાવો વધુ હશે તો તમારે પણ અનેક પ્રકારના રોગનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. નવું સંશોધન આ જ કહે છે. વર્તમાન BMI સ્કેલના આધારે હવે સામાન્ય વજન ધરાવતી વ્યક્તિએ પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. જો તમારા પેટનું વજન હિપ કરતાં વધારે હોય તો ચેતી જજો. ઍપલ આકારનું પેટ ધરાવતી વ્યક્તિને તબીબી ભાષામાં સેન્ટ્રિક ઓબેસિટી કહેવાય છે. રિસર્ચ કહે છે કે જે પુરુષના પેટનો આકાર ઍપલ જેવો હોય તેમણે વહેલાસર તબીબી તપાસ કરાવી લેવી જોઈએ.     

સેન્ટ્રિક ઓબેસિટી કોને કહેવાય તેમ જ આવી વ્યક્તિએ કેવી સાવધાની રાખવી જોઈએ એ સંદર્ભે વાત કરતાં નાણાવટી સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અક્ષય મહેતા કહે છે, ‘જે પુરુષના હાથ-પગ અને શરીરનાં અન્ય અંગો પાતળાં હોય અને પેટ તેમ જ કમરનો ઘેરાવો વધારે હોય એવી વ્યક્તિને સેન્ટ્રિક ઓબેસિટીની શ્રેણીમાં મૂકી શકાય. આવી વ્યક્તિ દેખાવમાં પાતળી હોય, પરંતુ તેના પેટની આસપાસ ચરબીનું પ્રમાણ વધારે હોય છે. સમાંતર જાડા દેખાતા પુરુષ કરતાં સેન્ટ્રિક ઓબેસિટી ધરાવતા પુરુષને હૃદયનો હુમલો આવવાની શક્યતા બેગણી વધારે હોય છે. જોકે હૃદયને લગતી સમસ્યાઓમાં અન્ય કારણો પણ હોઈ શકે છે. માત્ર ઍપલ આકારના કારણે કાર્ડિઍક અરેસ્ટ આવે એવું ન કહી શકાય. જેમ પાણીનો પ્રવાહ રોકી રાખીએ તો ફોર્સ વધી જાય એવી જ રીતે ઍપલ આકાર ધરાવતી વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હૉર્મોન યોગ્ય રીતે કામ ન કરે. આવી વ્યક્તિના શરીરમાં ફૅટ્સ એક જ જગ્યાએ જમા થાય; જેના કારણે ભવિષ્યમાં બ્લૉકેજ, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવી બીમારીનું જોખમ વધી જાય છે. ઍપલ જેવો આકાર ધરાવતા પુરુષે સૌથી પહેલાં તો લાઇફ-સ્ટાઇલમાં પરિવર્તન લાવવું પડે. આજે મોટા ભાગના લોકો બેઠાડુ જીવન જીવે છે. આખો દિવસ કમ્પ્યુટર અને ટીવી સામે બેઠા રહેવાની ટેવનો વહેલી તકે ત્યાગ કરવો જોઈએ. દરરોજ ૩૦થી ૩૫ મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ. શક્ય હોય એટલાં કામ ઊભા-ઊભા કરવાની આદત કેળવવાથી લાભ થાય. જેમ કે મોબાઇલ પર વાત કરતાં હો ત્યારે ઊભા રહો. લિફ્ટનો ઉપયોગ કરવાના બદલે દાદરા ચડવાનું રાખો. આ પ્રકારની નાની-નાની એક્સરસાઇઝથી લાભ થશે. આ ઉપરાંત ડાયટ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ગળપણ અને ચરબીવાળા પદાર્થથી દૂર રહેવું જોઈએ. સામાન્ય તકેદારી રાખવાથી પેટ પરની ચરબી ઓછી કરી શકાય છે. ઍપલ આકારના પેટ માટે વૉકિંગ શ્રેષ્ઠ ઑપ્શન છે.’

સેન્ટ્રિક ઓબેસિટીને વાસ્તવમાં વજન સાથે કાંઈ લાગતું-વળગતું નથી. સામાન્ય રીતે વજન નિયંત્રણમાં રહેતું હોવાના કારણે આવી વ્યક્તિ પેટની આસપાસ વધતા ચરબીના થરને નજરઅંદાજ કરે છે, જેના કારણે ઘેરાવો વધતો જાય છે. ભારેખમ પેટ લઈને ફરો એટલે સ્વાભાવિક છે એની આડઅસર થવાની જ. પેટની અંદરના ભાગમાં ફૅટી ઍસિડ અને ખરાબ કૉલેસ્ટરોલનું પ્રમાણ વધતાં ફેફસાં, હૃદય, નાનું આંતરડું, મોટું આંતરડું, લિવર તેમ જ અન્ય આંતરિક અંગોને લગતી તબીબી સમસ્યાઓ ઊભી થાય છે. વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા પેટની ચરબી અને કમરના પરિઘ વિશે ખાસ માર્ગદર્શિકા સૂચવવામાં આવી છે. પુરુષ માટે ૦.૯થી ઓછા પરિઘની ભલામણ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર પેર આકારનું પેટ ધરાવતા લોકો કરતાં ઍપલ આકારનું પેટ ધરાવતી વ્યક્તિના શરીરના ઉપરના ભાગ પર વધારે પ્રેશર આવે છે, જેના કારણે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

વજનને નિયંત્રણમાં રાખવાની

સાથે-સાથે પેટના આકારને સમતોલ રાખવા શું કરવું જોઈએ એ સંદર્ભે વાત કરતાં ડાયટિશ્યન ન્યુટ્રિશનિસ્ટ રૂપલ સંઘવી કહે છે, ‘ઍપલ જેવો આકાર માત્ર પુરુષોમાં જ જોવા મળે છે એવું નથી. આજકાલ તો સ્ત્રીઓમાં પણ આ સમસ્યા જોવા મળે છે. જોકે પુરુષોમાં વધારે જોવા મળવાનું મુખ્ય કારણ છે આલ્કોહૉલ. ઍપલ આકાર ધરાવતા પુરુષે સૌથી પહેલાં તો આલ્કોહૉલની આદત છોડવી જોઈએ અથવા ઘટાડી નાખવી જોઈએ. બીજું કારણ છે અનિયમિતતા. પુરુષોના જમવાના સમયનાં ઠેકાણાં હોતાં નથી. કામની વ્યસ્તતાના કારણે બપોરના જમવાનો સમય અનિશ્ચિત હોય છે તેમ જ ગમે ત્યારે અને જે મળે એ ખાઈ લેતા હોય છે. આ ઉપરાંત ખોરાકનું પ્રમાણ પણ નક્કી હોતું નથી. મોટા ભાગના પુરુષો જમવામાં જન્ક ફૂડ પર મારો રાખે છે એથી પેટની ચરબી વધે છે. પુરુષોને ઉતાવળે જમવાની જે ટેવ હોય છે એ પણ ચરબીમાં વધારો કરવાનું કામ કરે છે. પેટની ચરબી વધતાં મેટાબોલિઝમ ઘટે છે. રાતના સમયે પણ તેઓ મોડા-મોડા જમવા બેસે છે. ટીવી સામે બેઠાં-બેઠાં જમે એટલે ફરી પેટમાં કેટલું પધરાવ્યું એનું ભાન ન રહે. આવી આદતોના કારણે પુરુષોના પેટનો આકાર ઍપલ જેવો થઈ જાય છે. ઍપલ આકારમાં શરીરના ઉપરના ભાગનું વજન વધુ અને નીચેના ભાગનું વજન ઓછું હોય, આથી હાર્ટનું પમ્પિંગ બરાબર થાય નહીં. રાતે સૂતી વખતે ઊંઘમાં પડખું ફરવામાં પણ પેટ નડે છે. સૂવામાં કમ્ફર્ટ ન લાગે એટલે ઊંઘ પૂરી ન થાય. ઍપલ આકારનું પેટ ધરાવતા પુરુષોએ ડાયટની સાથે-સાથે શારીરિક પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ડાયટમાં પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ કરવો જોઈએ. મેં પહેલાં પણ કહ્યું છે એમ આપણે ગુજરાતીઓ ડાયટને ગંભીરતાથી લેતા નથી. ખાસ કરીને પ્રોટીનયુક્ત ખોરાક તો લેતા જ નથી. શાકાહારીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે એનું કારણ પ્રોટીનની ઊણપ જ છે. માત્ર જન્ક ફૂડને તિલાંજલિ આપવાથી જ પેટનો ઘેરાવો નહીં ઘટે. આ સાથે વ્યાયામ અને આહાર પ્રત્યે પણ ગંભીરતા દાખવવી પડશે. પુરુષોને ટાઇપ ટૂ ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત રોગોથી બચવા પેટની ચરબી ઘટાડવા બાબતે ગંભીરતાથી વિચાર કરવાની ભલામણ છે.’

જેમ પાણીનો પ્રવાહ રોકી રાખીએ તો ફોર્સ વધી જાય એવી જ રીતે ઍપલ આકાર ધરાવતી  વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હૉર્મોન યોગ્ય રીતે કામ ન કરે. આવી વ્યક્તિના શરીરમાં ફૅટ્સ એક જ જગ્યાએ જમા થાય; જેના કારણે ભવિષ્યમાં બ્લૉકેજ, ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવી બીમારીનું જોખમ વધી જાય છે.

- કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. અક્ષય મહેતા

પુરુષોના પેટનો આકાર ઍપલ જેવો થઈ જવાનું મુખ્ય કારણ છે આલ્કોહૉલ. મોટા ભાગના પુરુષોનો જમવાનો સમય અનિãત હોય છે તેમ જ તેમને જે મળે એ ખાઈ લેવાની આદત હોય છે. એના કારણે પેટની આસપાસ ચરબીનું પ્રમાણ વધી જાય છે. ઍપલ આકારના પેટને ઘટાડવા પ્રોટીનયુક્ત આહાર લેવો ફરજિયાત બને છે

- ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. રૂપલ સંઘવી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK