મોટી ઉંમરે વિટામિન Dની અનિવાર્યતાને નજરઅંદાજ ન કરશો

સૂર્યનાં કિરણોમાંથી સાવ મફતમાં મળતા વિટામિન Dની ખામી પૂરી કરવા માટે સપ્લિમેન્ટ્સ લેવાની શું જરૂર છે તેમ જ અન્ય કયા સોર્સમાંથી એને પ્રાપ્ત કરી શકાય એ વિશે જાણી લો

vitamin

વર્ષા ચિતલિયા

સનશાઇન વિટામિન તરીકે ઓળખાતું વિટામિન D મજબૂત હાડકાં માટે અત્યંત જરૂરી છે. હાડકાંના ટિશ્યુને એની સાથે સીધો સંબંધ છે. થોડાં વર્ષો પહેલાં બાળકોમાં વિટામિન Dની ખામી સામાન્ય બાબત હતી. હવે લગભગ તમામ ઉંમરની વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહી છે. સૂર્યનાં કિરણોમાંથી મફતમાં પ્રાપ્ત થતા વિટામિન Dની અનિવાર્યતાને આપણે શરૂઆતથી જ ગંભીરતાથી લેતા નથી જેને કારણે મોટી ઉંમરે સપ્લિમેન્ટ્સ પર આધાર રાખવો છે. થોડા સમય પહેલાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન, હૈદરાબાદ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ભારતના ૫૬ ટકા વરિષ્ઠ નાગરિકો વિટામિન Dની ઊણપથી પીડાય છે જેને કારણે તેમણે હાડકાં સંબંધિત અનેક રોગોનો સામનો કરવો પડે છે. આ અભ્યાસમાં પચાસથી વધુની વય ધરાવતા ૩૦૦થી વધુ લોકોના લોહીના નમૂના એકઠા કરીને ચકાસણી કરવામાં આવી હતી. લાંબા સમય સુધી ઍર-કન્ડિશન્ડ રૂમમાં બેસી રહેતા લોકોમાં પણ આ પ્રકારની ખામી જોવા મળી હતી. સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓનું કારણ વિટામિન Dની ખામી હોવાનું બહાર આવ્યું છે. મોટી ઉંમરે સૂર્યનાં કિરણોને ખમવાની ત્વચાની કાર્યક્ષમતા ઘટી જાય છે. પરિણામે એની ખામી પૂરી કરી શકાતી નથી. આવા સમયે અન્ય વિકલ્પો શોધવા પડે છે. મશરૂમ, માછલી, સોયાબીન, ઈંડાંમાંથી એ પ્રાપ્ત કરી શકાય છે. મોટી ઉંમરે આ પ્રકારની સમસ્યામાં વધારો થવાનું કારણ શું? વિટામિન Dની ઊણપ ધરાવતી વ્યક્તિએ કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમ જ એના ઉપાયો વિશે વિગતવાર જાણીએ.

વિટામિન Dની ઊણપનાં કારણો અને ઉપાયો સંદર્ભે વાત કરતાં કાંદિવલીના યોગ અને નેચરોથેરપિસ્ટ ઉર્વશી ઝવેરી કહે છે, ‘વિટામિન Dની ઊણપ મોટી ઉંમરે જ જોવા મળે છે એવું નથી. હવે તો ૩૦ વર્ષની વયે જ આ ઊણપ દેખાવા લાગે છે. મારી પાસે વજન સંબંધિત સમસ્યા લઈને આવતા યુવાનો પણ વિટામિન Dની ખામીથી પીડાય છે. આ પાછળનું મુખ્ય કારણ છે આપણી લાઇફ-સ્ટાઇલ. હવે તમે યુવાન વયથી જ ધ્યાન ન આપો તો આગળ જતાં એની અસર વધારે દેખાવાની. આજે બધા આખો દિવસ ઍર-કન્ડિશન્ડ ઑફિસમાં બેસીને કામ કરે છે. ભાગદોડની લાઇફમાં કોઈ પાસે સવારનો કોમળ તડકો લેવાનો સમય નથી. જ્યારે આ બાબતનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં તો હાડકાં નબળાં પડી જાય છે. મોટી વયે શારીરિક શક્તિ ઓછી થવાને કારણે મોટા ભાગના લોકો ઘરમાં પડ્યા રહે છે. હવે બહાર ન નીકળો તો વિટામિન D મળે ક્યાંથી? ઘણા લોકોને તો તડકાની પણ ઍલર્જી હોય છે. વધારે સમય તડકામાં રહે તો ત્વચાને લગતી સમસ્યાઓ ઊભી થાય. ઉંમર વધે એમ હાડકાં નબળાં પડતાં જાય જેને કારણે પડી જાઓ તો તરત જ ફ્રૅક્ચર થઈ જાય. વિટામિન Dની ખામીને કારણે લિવર અને કિડની સંબંધિત સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. મોટી ઉંમરે આ પ્રકારની ખામી પુરુષની સરખામણીએ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે એનું કારણ છે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ. મેનોપૉઝ દરમ્યાન આવી સમસ્યા સામાન્ય છે. બીજું, આપણી પાસે બીજા એવા સોર્સ નથી જેમાંથી વિટામિન D મેળવી શકાય. વજનને નિયંત્રણમાં રાખવા અને હાડકાં સંબંધિત બીમારીથી બચવા વિટામિન Dની ખામીનો ઉપાય શોધવો જ પડે. વિદેશમાં કૅલ્શિયમ અને વિટામિન D ધરાવતાં ટેટ્રાપૅક મિલ્ક ખૂબ જ લોકપ્રિય છે. આપણા દેશમાં ફોર્ટિફાઇડ પ્રોડક્ટ્સ એટલી લોકપ્રિય નથી. લોકો આવા મિલ્ક પર ભરોસો કરતા નથી. મોટી ઉંમરની વ્યક્તિએ આ પ્રકારના દૂધ અથવા એમાંથી બનાવવામાં આવેલાં દહીં, છાશ અને પનીરનું પ્રમાણ વધારવું જોઈએ. કૅલ્શિયમ ઘણીબધી વસ્તુમાંથી મળી રહે છે, પરંતુ એને ઍબ્સૉર્બ કરવા વિટામિન Dની આવશ્યકતા છે જે નથી મળતું એટલે હાડકાં નબળાં રહી જાય છે. આવા સમયે માત્ર સપ્લિમેન્ટ્સ અને ઇન્જેક્શન જ એકમાત્ર ઉપાય બચે છે. મોટી ઉંમરની વ્યક્તિએ ઘરની બાલ્કનીમાં કે ખુલ્લી જગ્યામાં રોજ સવારે કોમળ તડકામાં અડધો કલાક પ્રાણાયામ કરવા જોઈએ. પ્રાણાયમથી બ્રીધિંગ કન્ટ્રોલમાં રહે છે તેમ જ ઑક્સિજન ઇનટેક વધે છે. આમ બે-ત્રણ કામ એકસાથે થાય. મોટી ઉંમરની વ્યક્તિએ માત્ર વિટામિન D જ નહીં, B૧૨ અને કૅલ્શિયમની ઊણપનો ઉપાય પણ કરવો જોઈએ.’

vitamin1

વિટામિન ડીની ઊણપ વેજિટેરિયન લોકોમાં વધારે જોવા મળે છે એનાં કારણો જણાવતાં નાલાસોપારાનાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને વેઇટ મૅનેજમેન્ટ એક્સપર્ટ રચના કરમાકર કહે છે, ‘વેજિટેરિયન લોકો પાસે સૂર્યનાં કિરણો સિવાયનો અન્ય કોઈ વિકલ્પ જ નથી. માત્ર વિટામિન D જ નહીં, અન્ય ખામીઓ પણ વેજિટેરિયન લોકોમાં વધારે જોવા મળે છે. પુરુષો કરતાં આ સમસ્યા સ્ત્રીઓમાં વધારે દેખાવાનું કારણ છે તેમની આળસ. સામાન્ય રીતે ગુજરાતી ગૃહિણીઓ એક ઉંમર બાદ ઘરમાં બેસી રહે છે. હવે આખો દિવસ બેઠા રહો એટલે વજન વધી જાય અને પરિણામે હાડકાં વધુ ઘસાતાં જાય. આર્થ્રાઈટિસ, ઑસ્ટિયોપોરોસિસ અને ઑસ્ટિયોમલેસિયા જેવી બીમારી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે એનું કારણ આ જ છે. પુરુષો મોટી ઉંમરે પણ નાની-મોટી પ્રવૃત્તિ કરતા રહે છે. કંઈ નહીં તો ઘરની ચીજવસ્તુ પણ લેવા બહાર જતા હોય છે, પરંતુ સ્ત્રીઓ આળસ કરે છે. વિટામિન Dની ઊણપ પૂરી કરવા માછલી અને ઈંડાં ખાવાં જોઈએ. જેમના માટે આ શક્ય નથી એ લોકોએ અન્ય સોર્સ પર આધાર રાખવો જ પડે છે. હાલમાં બજારમાં સહેલાઈથી મળતાં ફોર્ટિફાઇડ સિરિયલ, મિલ્ક અને જૂસનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત તલ, બ્રૉકલી અને પનીરનું પ્રમાણ વધારવું જોઈએ. હવે અમુક લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે હાડકાં મજબૂત રહે એ માટે અમે કૅલ્શિયમથી ભરપૂર આહાર લઈએ છીએ. આ લોકોએ એક વાત સમજી લેવાની જરૂર છે કે માત્ર કૅલ્શિયમથી હાડકાં મજબૂત થતાં નથી. વિટામિન Dના કૉમ્બિનેશન વગર હાડકાં મજબૂત થાય એ શક્ય જ નથી. બીજી મહત્વની વાત એ કે માત્ર તડકામાં બેસી રહેવાથી વિટામિન Dની ખામી સંપૂર્ણપણે પૂરી થઈ જશે એવું ન માનવું. આપણા શરીરના ૭૦ ટકા ભાગ પર જો સૂર્યનાં કિરણો પડે તો જ ફાયદો થાય છે. વિદેશમાં આપણે જોઈએ છીએ કે લોકો બિકિની અને શૉટ્ર્સ પહેરીને સનબાથ લેતા હોય છે, પરંતુ આપણા દેશમાં આવું શક્ય નથી એટલે સનબાથની સાથે સાથે સપ્લિમેન્ટ્સ તો લેવાં જ પડે. પચાસથી વધુની વયની વ્યક્તિએ ૪૦૦-૮૦૦ ત્શ્ સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ છે.’

કૅલ્શિયમ અને વિટામિન Dથી ભરપૂર ફોર્ટિફાઇડ મિલ્ક અથવા એમાંથી બનાવવામાં આવેલાં દહીં, છાશ અને પનીર ગુણકારી છે. આપણે ત્યાં આ પ્રકારનાં મિલ્ક પીવાનું ચલણ વધારવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત સવારના કોમળ તડકામાં પ્રાણાયામ કરવાથી મોટી ઉંમરની વ્યક્તિનાં હાડકાં મજબૂત થાય છે અને બ્રીધિંગ કન્ટ્રોલમાં રહેતાં બીજા પણ અનેક ફાયદા થાય છે.

- ઉર્વશી ઝવેરી, યોગ ઍન્ડ નેચરોથેરપિસ્ટ, કાંદિવલી


શરીરના ૭૦ ટકા ભાગ પર સૂર્યનાં કિરણો પડે ત્યારે ફાયદો થાય છે. વિદેશમાં લોકો ઓછાં વસ્ત્રો પહેરીને સનબાથ લેતા હોય છે, જ્યારે આપણા દેશમાં આ શક્ય નથી. વિટામિન Dની ખામી પૂરી કરવા સનબાથની સાથે-સાથે સપ્લિમેન્ટ્સ લેવાં જ જોઈએ. ખાસ કરીને વેજિટેરિયન લોકોએ ઉંમરની સાથે ઘસાતાં જતાં હાડકાંનો વધારે ખ્યાલ રાખવાની જરૂર છે

- રચના કરમાકર, ન્યુટ્રિશનિસ્ટ ઍન્ડ વેઇટ મૅનેજમેન્ટ એક્સપર્ટ, નાલાસોપારા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK