બાળકોને કયાં-કયાં કારણોસર આવી શકે છે દાંતની તકલીફો?

જોકે આજકાલ બાળકોમાં દાંત સંબંધિત તકલીફોનું પ્રમાણ વધી રહ્યું છે. જે અંગને જીવનભર સાચવવાનું છે એ અંગમાં નાનપણથી જ તકલીફો આવે એ યોગ્ય ન ગણાય. નાની ઉંમરમાં આવતી આ તકલીફો પાછળનાં અમુક સામાન્ય કારણો છે જે વિશે જાણીએ વિસ્તારથી

root

જિગીષા જૈન

નાની ઉંમરે રૂટકનૅલ જેવી ટ્રીટમેન્ટ બાળકોએ કરાવવી પડે, તેમના દુધિયા દાંત સડીને પડી જાય અને કાયમી દાંત આવ્યા જ ન હોય એવી હાલતમાં બોખા રહેવું પડે, દાંતમાં સડો થાય અને એને કારણે દાંત દુખે એ દુખાવો સહન કરવો પડે એ બધી બાબતો આજનાં બાળકોમાં સામાન્ય બનતી જાય છે. બ્રિટનની સરકારી હૉસ્પિટલના આંકડાઓ હાલમાં બહાર પડવામાં આવ્યા, જેમાં ખબર પડી કે ૨૦૧૬-૧૭માં ૧૦ વર્ષથી નાની ઉંમરનાં લગભગ ૩૫,૦૦૦ બાળકો દાંતની ટ્રીટમેન્ટ લઈ ચૂક્યાં છે. ભારતમાં આ પ્રકારના આંકડાઓ મળતા નથી, પરંતુ આપણે ત્યાં આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાંનાં બાળકો જે મોઢાથી જ અખરોટ તોડી બતાવતાં હતાં અને દાંતેથી શેરડી છોલતાં હતાં એ આજનાં બાળકોને નૉર્મલ સૅલડ પણ ચાવવાનું આપો તો ચાવી શકતાં નથી. એક કલાકે એક ગાજરનો ટુકડો ખવાતો હોય છે. ગળ્યા તો બન્ને પદાર્થો છે, શેરડી પણ અને ચૉકલેટ પણ. પરંતુ એક ખાવાથી ખબર પડે છે કે બાળકના દાંત કેટલા મજબૂત છે અને બીજું ખાવાથી ખબર એ પડે છે કે દાંત ખૂબ જલદી ખરાબ થવાના છે. ચૉકલેટ્સનો જન્મ થયો ત્યારથી જ એ બાળકોમાં પ્રિય ગણાય છે, પરંતુ આજકાલ જે રીતે બાળકોને ચૉકલેટ્સનું એક્સપોઝર મળી રહ્યું છે એ પહેલાં નહોતું. બાળક જોડે કોઈ નવી વ્યક્તિ વાત પછી કરે છે, તેની સામે ચૉકલેટ પહેલાં ધરી દે છે. બાળક અને ચૉકલેટ્સ જાણે કે પર્યાય બની ગયાં હોય. આ સિવાય બાકીની કસર ઠંડાં પીણાં, મીઠાઈઓ, ખોટી આદતો અને કાળજીનો અભાવ હોય છે; જેને લીધે બાળકોના દાંત ખરાબ થઈ રહ્યા છે. બાળકોમાં કયાં-કયાં કારણોસર દાંતની તકલીફ આવી શકે છે એ આજે જાણીએ.

ખાનપાનને કારણે

બાળકોમાં દાંતનો સડો અને દાંત સંબંધિત તકલીફોમાં પહેલાં કરતાં વધારો થયો છે એ વાત સાથે સહમત થતાં વન્ડરસ્માઇલ, અંધેરીના ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘બાળકોના ખાનપાનમાં ઘણો ફરક આવ્યો છે. દાંતને ખરાબ કરતો ખોરાક એટલે કે ગળ્યો ખોરાક અને ખાસ કરીને દાંતમાં ચોંટી રહે એવી વસ્તુઓ જેમ કે ચ્યુઇંગ ગમ, કૅરૅમલવાળી ચૉકલેટ્સ તેઓ વધુ ને વધુ ખાવા લાગ્યા છે. આ સિવાય કોલા ડ્રિન્ક્સ કે કોલ્ડ-ડ્રિન્ક્સ પણ એટલી જ વધુ માત્રામાં પીવાય છે. આ બધું જ દાંતને નુકસાન કરે છે. આ સિવાય દાંતને કે પેઢાંને કસરત મળે એવા કોઈ ખોરાક બાળકોને આપવામાં આવતા નથી. આ નાની-નાની બાબતો આગળ જતાં દાંતની હેલ્થ પર અસર કરે છે.’

નર્સિંગ બૉટલ સિન્ડ્રૉમ

૧-૨ વર્ષનાં બાળકોને પણ દાંતની તકલીફ આવી શકે છે જે તકલીફને નર્સિંગ બોટલ સિન્ડ્રૉમ કહે છે. આ રોગ વિશે વાત કરતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘જે બાળકો દૂધ પીતાં-પીતાં ઊંઘી જવાની આદત ધરાવે છે એ બાળકોને આ તકલીફ થવાની શક્યતા ઘણી વધારે છે, કારણ કે બૉટલમાં ગળ્યું દૂધ હોય છે. આ દૂધવાળી બૉટલ લગભગ ૨-૩ કલાક બાળકના મોઢામાં રહે છે. મમ્મીઓને લાગે છે કે બાળક ઊંઘમાં થોડું-થોડું દૂધ પીવે છે એટલે તે બૉટલ રાખી મૂકે છે, જેને લીધે મોઢામાં ઍસિડ ઉત્પન્ન થાય છે અને નવા આવેલા દાંતમાં સડો થવાની શક્યતા વધી જાય છે. આવાં બાળકોને એકસાથે ૪-૫ દાંતમાં સડો આવે છે. બાળક જ્યારે ઊંઘે ત્યારે તેને ક્યારેય દૂધની બૉટલ આપવી નહીં. દૂધ પીતાં-પીતાં તે સૂઈ જાય તો તરત જ બૉટલ કાઢી લેવી. આ પ્રૉબ્લેમથી બચવાનો આ જ ઉપાય છે.’

અંગૂઠા ચૂસવાની આદત

ઘણાં બાળકોને અંગૂઠો ચૂસવાની આદત હોય છે. દાંતના આકાર અને એની પૉઝિશન પર આ આદત અસર કરે છે. એ વિશે વાત કરતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘જે બાળકોને અંગૂઠો ચૂસવાની આદત હોય છે તેમના ઉપરના દાંત જરૂરત કરતાં વધુ બહાર આવી જાય છે અને નીચેના દાંત થોડા વધુ અંદરની તરફ જતા જાય છે. ખાસ કરીને આવું ત્યારે થાય છે જ્યારે બાળકને સતત અંગૂઠો ચૂસવાની આદત હોય. ૫-૧૦ મિનિટ માટે નહીં, પરંતુ લગભગ આખી-આખી રાત તે અંગૂઠો ચૂસતું હોય તો આવા ફેરફાર આવી શકે છે. ખાસ કરીને એ ત્યારે ચિંતાજનક હોય છે જ્યારે બાળકને કાયમી દાંત આવી રહ્યા હોય. જો આવા ફેરફાર કાયમી ધોરણે થઈ જાય તો મુશ્કેલી થાય છે.’

બીજી આદતો


ઘણાં બાળકોને ઉપરના દાંત વડે નીચેનો હોઠ દબાવવાની આદત હોય છે. સતત એ લોકો એવું કરતા રહેતા હોય છે જેને કારણે પણ ચોકઠાનું સ્ટ્રક્ચર ફરી શકે છે. આગળના દાંત હોઠને દબાવે તો એ બહારની તરફ ખસતા જાય છે અને નીચેના અંદર તરફ. આ બદલાવ ખૂબ ધીમો હોય છે એટલે સમજાતો નથી. આ સિવાય ઘણાં બાળકો આંગળી જમણી બાજુ ચગળ્યા કરે છે. એને કારણે એ જગ્યા પર કાણા જેવું થઈ જાય છે. ઘણાં બાળકો બોલે ત્યારે જીભ ઉપરના દાંતને અથડાતી હોય છે, જેને કારણે તેમના ઉચ્ચાર પણ સ્પષ્ટ નથી હોતા. આવાં બાળકોના દાંતના સ્ટ્રક્ચર પણ બગડી જાય છે. આ પ્રકારની કોઈ પણ આદત હોય એ છોડાવવી જરૂરી છે નહીંતર બાળકના દાંત પર કાયમી તકલીફ ઊભી થઈ શકે છે.

બાળકોમાં ઓરલ હાઇજીન

ઓરલ હાઇજીન એક આદત છે જે નાનપણથી જ વિકસાવવાની હોય છે. જે બાળકો ચૉકલેટ્સ ખૂબ ખાતાં હોય એવાં બાળકોને ચૉકલેટ ખાઈને તરત જ નૉર્મલ બ્રશ ફેરવી દેવાની આદત ઉપયોગી સાબિત થઈ શકે છે, જેને લીધે ચૉકલેટ્સ દાંતમાં ભરાઈ ન રહે અને સડો થાય નહીં. આ સિવાય મીઠા પદાર્થો જેટલા ઓછા ખાય એટલું સારું. કોલ્ડ ડ્રિન્ક્સ ન જ પીવે તો બેસ્ટ ગણાશે. જે અત્યંત મહત્વની આદત છે એ છે બે વખત બ્રશ કરવાની. સવારે તો મોટા ભાગે બાળકો બ્રશ કરતાં જ હોય છે, પરંતુ રાત્રે પણ ખૂબ જ જરૂરી છે બ્રશ કરીને સૂવાનું. આ આદત બાળકમાં નાખવી જ જોઈએ, જે તેને જીવનભર કામ લાગશે.

દાંત આખો જડમાંથી તૂટી પડે તો...


બાળક મેદાનમાં રમતું હોય કે દોડાદોડી કરતું હોય ત્યારે અચાનક જ પડી જાય અને તેનો દાંત તૂટી જાય એવું ઘણી વખત બને છે. ઘણી વખત દાંત અડધો તૂટે કે સહેજ અમથો બહાર આવી જાય એવું બને. એ પરિસ્થિતિમાં એનું રિપેર કામ કરી શકાય છે. ડેન્ટિસ્ટ એ દાંતના જ રંગનું મટીરિયલ લઈને એ દાંત ફિક્સ કરી આપે છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે દાંત મૂળમાંથી જ આખો ઊખડી આવે. આ પરિસ્થિતિમાં શું કરવું? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રાજેશ કામદાર કહે છે, ‘આવા દાંતને બચાવી શકાય છે. ખાસ કરીને જો એ બાળકનો કાયમી દાંત હોય તો એને બચાવવો જોઈએ. આ પરિસ્થિતિમાં તરત જ એ તૂટેલા દાંતને લઈને એને દૂધમાં રાખી દો. દૂધ ન મળે એમ લાગે તો પાણી પણ ચાલે. દૂધ કે પાણીમાં પલાળીને એને રાખો અને તાત્કાલિક ડૉક્ટર પાસે પહોંચો. આ દાંતને ફરીથી જડબામાં બેસાડી શકાય છે. જો તમારો જ દાંત તમારા જડબામાં ફિટ થઈ શકતો હોય તો એનાથી સારું શું હોઈ શકે? ખાસ કરીને બીજો નકલી દાંત લગાવવાની જરૂરત પડતી નથી. પરંતુ અહીં એ ખાસ ધ્યાન રાખવું કે આવું થયા પછી જેટલા જલદી તમે ડૉક્ટર પાસે જશો એટલું વધુ સારું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK